ટેલિવિઝન : ધ્વનિસહ, ર્દશ્ય ચિત્રનું વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા સંચારણ (transmission) અને અભિગ્રહણ (reception) કરતી પ્રયુક્તિ. તેની મદદથી કોઈ પણ ચિત્રને દૂર આવેલા સ્થળેથી જોઈ શકાય છે. ચલચિત્રની જેમ ટેલિવિઝનમાં ક્રમિક ચિત્રોની શ્રેણીનો સમાવેશ થાય છે. ર્દષ્ટિસાતત્યને કારણે પ્રતિબિંબોની આવી શ્રેણી મગજ ઉપર સળંગ ચિત્ર રૂપે નોંધાય છે. એક સેકન્ડમાં ઓછામાં ઓછાં સોળ ચિત્રો પસાર થાય તો ર્દષ્ટિસાતત્ય જળવાઈ રહે છે. યુ.એસ.માં દર સેકન્ડે 30 ચિત્રોનું દૂરસંચારણ કરવામાં આવે છે, જેથી ટમટમાટ(flickering)ને નિવારી શકાય છે.

ટેલિવિઝનને કાર્યાન્વિત કરવા માટે મુખ્ય બે એકમો અનિવાર્ય છે : (1) સંચારણ એકમ, જે કોઈ પણ ચિત્રના સૂક્ષ્મ અંશોની તેજસ્વિતા અથવા રંગોની માહિતીને વિદ્યુતચુંબકીય તરંગોના સ્વરૂપે મોકલે છે. (2) અભિગ્રહણ એકમ, જ્યાં પ્રત્યેક અંશને સમક્રમિત (synchronise) કરીને યોગ્ય સ્થાને બરાબર તેજસ્વિતા અથવા રંગો સાથે મૂળ ચિત્ર મળે તે પ્રમાણે, તેનું પુનરુત્પાદન કરે છે.

સ્થિર ચિત્રના સંચારણ અને અભિગ્રહણને પ્રતિકૃતિ (facsimile) પદ્ધતિ કહે છે; જ્યારે ગતિમય ચિત્રના સંચારણ અને અભિગ્રહણને દૂરદર્શન (television) કહે છે.

ચિત્રના અંશો : મૂળભૂત રીતે સ્થિર ચિત્ર એ નાના નાના પ્રકાશિત અને અપ્રકાશિત વિસ્તાર(ટપકાં)ની ગોઠવણી છે. પ્રકાશ કે છાયાના નાના વિસ્તારને ચિત્રનો અંશ કહે છે. બધા જ અંશો સ્થિર શ્યમાં રહેલી માહિતી પૂરી પાડે છે. આ અંશોને સંચારિત કર્યા બાદ તે બધાને યોગ્ય સ્થાને મૂળ પ્રકાશ અને છાયા સાથે અભિગૃહીત કરવામાં આવે તો અસલ ચિત્ર મળી રહે છે.

આકૃતિ 1 : દૂરદર્શન સંચારણની પ્રક્રિયા

ક્રમવીક્ષણ (scanning) : ર્દશ્ય-સંકેત (signal) પેદા કરવા માટે ચિત્રના બધા જ અંશોનું ઇલેક્ટ્રૉન કિરણાવલી (beam) વડે ક્રમવીક્ષણ કરવામાં આવે છે. આનુક્રમિક રીતે એકેક અંશનું ક્રમવીક્ષણ કરવાનું હોય છે. પૃષ્ઠ ઉપર લખાણ વાંચવા માટે પ્રત્યેક લીટી અને દરેક લીટીનો એક એક શબ્દ વાંચવો પડે છે તેવી રીતે, ક્રમવીક્ષણ કરવામાં આવે છે.

સંચારણ અને અભિગ્રહણ : જે ચિત્રનું સંચારણ કરવાનું હોય તેની સામે બહિર્ગોળ ર્દક્કાચ રાખવામાં આવે છે જેની મદદથી ફોટો ઇલેક્ટ્રિક કૅમેરા-ટ્યૂબના પ્રકાશવિદ્યુત (photoelectric) પડદા ઉપર પ્રકાશને કેન્દ્રિત (focus) કરવામાં આવે છે. ચિત્રનો જે ભાગ વધુ પ્રકાશિત હોય તેના ઉપરથી પ્રકાશનો વધુ જથ્થો ટ્યૂબના પડદા ઉપર  આપાત થતાં વધુ સંખ્યામાં ફોટોઇલેક્ટ્રૉન ઉત્સર્જિત થતા હોય છે; અને ઓછા પ્રકાશિત ભાગ વડે ઓછાં ફોટોઇલેક્ટ્રૉન ઉત્સર્જિત થાય છે. આ રીતે ક્રમવીક્ષણ કરવાથી પ્રત્યેક અંશની તેજસ્વિતાને પ્રમાણસર, તાત્ક્ષણિક (instantaneous) વિદ્યુતપ્રવાહ મળે છે. વિદ્યુતપ્રવાહના ફેરફારને લીધે ઉદભવતા વિદ્યુતચુંબકીય તરંગોને સંચારિત કરીને અભિગ્રાહક (receiver) સુધી મોકલવામાં આવે છે. અભિગ્રાહક આગળ સમગ્ર પ્રક્રિયાને  ઉલટાવવામાં આવે છે. ચિત્રનળી(picture tube)માં ઇલેક્ટ્રૉનની કિરણાવલીની પ્રબળતામાં, દાખલ થતા સંકેત વડે ફેરફાર કરવામાં આવે છે. ચિત્ર-નળીની પ્રકાશવિદ્યુત સપાટી ઉપર આપાત થતી ઇલેક્ટ્રૉન-કિરણાવલી તેની પ્રબળતાના પ્રમાણમાં પ્રકાશ પેદા કરે છે. આ રીતે મૂળ ચિત્રના સૂક્ષ્મ અંશોનું યોગ્ય સ્થાને યોગ્ય તેજસ્વિતા અથવા રંગ સાથે પુનરુત્પાદન થાય છે. અભિગ્રાહકમાં ચિત્ર પેદા કરતી ચિત્ર-નળીને કિનોસ્કોપ કહે છે. પ્રસારણમથકે ધ્વનિસંચારણ માટે જેમ માઇક્રોફોન વપરાય છે તેમ પ્રકાશના સંચારણ માટે કૅમેરા-ટ્યૂબ વપરાય છે અને અભિગ્રાહક આગળ ધ્વનિવર્ધક(loud speaker)ની જેમ પ્રકાશ માટે ચિત્રનળીનો ઉપયોગ થાય છે. કૅમેરા-ટ્યૂબ ખાસ ત્રણ પ્રકારની હોય છે : આઇકોનોસ્કોપ, ઑર્થિકોન અને વિડિકોન.

આકૃતિ 2 : દૂરદર્શન અભિગ્રહણની પ્રક્રિયા

સમક્રમણ (synchronization) : ચિત્રમાં અંતર એ ક્રમવીક્ષણમાં સમયને અનુરૂપ હોય છે. કૅમેરા-ટ્યૂબમાં ઇલેક્ટ્રૉનની કિરણાવલી ચિત્રનું ક્રમવીક્ષણ કરે છે તેમ કિરણાવલી, ચિત્રના વિવિધ અંશોને આવરી લે છે. અને તદનુરૂપ માહિતી પૂરી પાડે છે. કિરણાવલી ચિત્રનળીના પડદાનું ક્રમવીક્ષણ કરે ત્યારે તે બરાબર સમય પ્રમાણે થવું જોઈએ, જેથી ચિત્રની બધી જ માહિતી યોગ્ય સ્થાને મળી રહે. સંચારણ અને અભિગ્રહણના ક્રમવીક્ષણ વચ્ચે તાલમેળ જળવાઈ રહે તે માટે ચિત્રની માહિતી સાથે ખાસ પ્રકારના સમક્રમિત સંકેતો સંચારિત કરવામાં આવે છે. આવા કાલમાપન (timing) કરતા સંકેતો સંચારણ અને અભિગ્રહણના ક્રમવીક્ષણને અંકુશિત કરે છે.

રંગીન ટેલિવિઝન માટે સંચારણ અને અભિગ્રહણ પદ્ધતિઓ અનુક્રમે આકૃતિ 1 અને આકૃતિ 2માં દર્શાવી છે. રંગીન ટેલિવિઝનનો પ્રથમ ઘટક ટેલિવિઝન-કૅમેરા છે. અરીસાની પ્રણાલી ચિત્રના પ્રકાશનું લાલ, લીલા અને વાદળી જેવા પ્રાથમિક (primary) રંગોમાં વિભાજન કરે છે. આ સાથે માઇક્રોફોન, ધ્વનિનું શ્રાવ્ય સંકેતમાં રૂપાંતર કરે છે. ત્યારબાદ કૅમેરા-ટ્યૂબ રંગીન પ્રકાશનું ઇલેક્ટ્રૉનિક ર્દશ્યસંકેતમાં રૂપાંતર કરે છે. તે પછી આ સંકેતો કૂટ-સંકેતકારક (encoder) ઉપર જાય છે જે સંચારણ માટે રંગીન સંકેત તૈયાર કરે છે. પ્રેષિત્ર (transmitter) શ્રાવ્ય અને ર્દશ્ય-સંકેતોનું સંયોજન કરીને એરિયલ વડે પ્રસારિત કરે છે.

અભિગ્રાહી તેના એરિયલ વડે સંકેતોને પકડી પાડે છે. ત્યાંથી સંકેતો સમસ્વરિત્ર (tanner) ઉપર જાય છે જેને લીધે ઇચ્છિત કેન્દ્ર (station)  પકડાય છે. ટેલિવિઝન–સેટમાં રાખેલ  ઇલેક્ટ્રૉનિક પરિપથ ર્દશ્ય અને શ્રાવ્ય–સંકેતોને છૂટા પાડે છે. વિવર્ધક (amplifier) સેટ શ્રાવ્ય–સંકેતોનું ધ્વનિમાં રૂપાંતર કરે છે. કૂટવાચક (decoder) ર્દશ્ય સંકેતનું પ્રાથમિક રંગોના સંકેતમાં રૂપાંતર કરે છે. ત્રણ પ્રાથમિક રંગો માટે ચિત્ર-નળીમાં ત્રણ ઇલેક્ટ્રૉન ગન રાખેલી હોય છે, જેથી પડદા ઉપર દરેક રંગનું ક્રમવીક્ષણ થાય છે. પરિણામે લાલ, લીલા અને વાદળી રંગનાં સૂક્ષ્મ ટપકાં વડે મૂળ ચિત્ર મળે છે. પડદા ઉપર  ઇલેક્ટ્રૉનનું કિરણ આપાત થાય ત્યારે રંગીન ટપકાં ઝબકી ઊઠે છે અને એ રીતે ચિત્ર રચાય છે.

માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતા સમૂહમાધ્યમ તરીકે ટેલિવિઝન આધુનિક સમાજનું, અતિ આધુનિકતામાં સરી પડતું, સૌથી વધુ વ્યાપક, ઝડપી અને પ્રભાવક સાધન છે; જીવન સમગ્ર સાથે એ સંપર્ક જોડી આપે છે. ઘરને ખૂણે આપણા નિયંત્રણ હેઠળનું  એનું અસ્તિત્વ જ અજબ એવો સાંસ્કૃતિક સંદર્ભ ખડો કરે છે. હવે એના પ્રેક્ષકોને સિનેમાગૃહોમાં જવું નથી પડતું, ખાસ ટી.વી. માટે પણ એવા જ ર્દશ્યશ્રાવ્ય કાર્યક્રમો તૈયાર કરી શકાય છે. રેડિયો દ્વારા એના શ્રોતાને જે ઝડપી સમાચાર અને તત્કાલીન અહેવાલ ટિપ્પણી મળતાં એ હવે ‘ક્લૉઝ-અપ’માં શ્યની વિશ્વસનીયતા સાથે ટીવીની અનેક ચૅનલો દ્વારા સુલભ છે.

વિજ્ઞાન કે યંત્રવિદ્યાના કોઈ સાધનની જેમ આ ટેલિવિઝન કોઈ એક ઘટના કે એકાકી વૈજ્ઞાનિક વિકાસનું પરિણામ નથી. વીજળી, ટેલિગ્રાફી, ચલચિત્રો (ફિલ્મ), વીજાણુ અને રેડિયો જેવી અનેક શોધખોળોએ ટેલિવિઝનના વિકાસમાં નિર્ણાયક ફાળો આપ્યો છે. ઈ. સ. 1800થી 1831 વચ્ચે વોલ્ટાની બૅટરીથી માંડી ફૅરેડેએ બનાવેલ ઇલેક્ટ્રૉમૅગ્નેટિક ઇન્ડક્શન સુધીની અનેક શોધખોળો; 1837 પછી ટેલિગ્રાફીની હરણફાળો, 1802માં વેગવુડ અને ડેવીએ સ્થિર તસવીરકલામાં આગળ ધરેલ ‘પ્રકાશલેખન’નો વિચાર અને ‘કૅમેરા ઑબ્સ્ક્યુરા’; 1897માં ધ્વનિનું વૅક્સ-રેકર્ડિંગ; 1895માં માર્કોનીએ વહેતો મૂકેલો પ્રથમ રેડિયો-ટેલિગ્રાફી સંદેશો વગેરેએ પ્રસારણના ક્ષેત્રમાં ભૂમિકા તૈયાર કરી હતી. ટેલિગ્રાફ દ્વારા તસવીરો મોકલવાનું વિદ્યુત-યંત્ર બેઇને 1842માં બનાવ્યું; 1847માં બેકવેલે ટેલિગ્રાફની પ્રતો કાઢી અને 1862માં કેસિલીએ દૂર સુધી એવી તસવીરો પાઠવી. એ પછીની આટલી ઘટનાઓ પણ નોંધપાત્ર ગણાય : 1875માં કારી દ્વારા ‘વિદ્યુત્ આંખ’, 1884માં નિપકોલ દ્વારા વૃત્ત-પૃથક્કરણ (સ્કૅનિંગ)પદ્ધતિ, 1890માં બ્રાઉન દ્વારા કૅથોડ-રે-ટ્યૂબ, 1907માં રોઝિંગ દ્વારા કૅથોડ-રે-રિસીવર, 1911માં કૅમ્પબેલ સ્વીન્ટોન દ્વારા ઇલેક્ટ્રૉનિક કૅમેરા વગેરે.

પણ આ બધું અનેક સ્થળે, વિખૂટું અને અનેકો દ્વારા શોધાયું હતું. એને એક સાંકળે બાંધે અને જોઈ પણ શકે, એ માટે સામાજિક ક્ષેત્રે જરા પણ પ્રયત્ન કે જાગૃતિ નહોતાં. જોકે યંત્રવિદ્યાકીય ર્દષ્ટિએ પણ એમાં હજી ઘણું ખૂટતું હતું; દા. ત., બહુસ્તરીય ઍમ્પ્લીફાયર. પ્રથમ વિશ્વયુદ્ધે એની શોધખોળોને ખોરંભે પાડી; પણ પછી રાજકીય સંરક્ષણ અને આર્થિક કારણોસર બધું એક કડીમાં ગૂંથાવા માંડ્યું. પરિણામે 1925માં એક બાજુ જ્હૉન લોગી બેયર્ડે અને બીજી બાજુ બેલ કંપનીના જેન્કિન્સે  અલગ અલગ સ્થળે કામ કરીને, યાંત્રિક વૃત્ત-પૃથક્કરણની પદ્ધતિથી દૂર દૂરનાં અંતરોએ ટીવી-ચિત્રો મોકલવાની પદ્ધતિઓ વિકસાવી. આ દરમિયાન રેડિયો દ્વારા બિનતારી ધ્વનિ-પ્રસારણનું માધ્યમ પણ એમને માટે નમૂનારૂપ હતું જ.

જોકે ટીવીનો ખરેખરો વિકાસ તો વીસમી સદીના પાંચમા દશકમાં વીજાણુપદ્ધતિ વિકસી તે પછી જ યુરોપમાં પણ થયો. ભારતમાં એના પ્રથમ કેન્દ્ર (દિલ્હી) માટે છેક 1959 સુધી રાહ જોવી પડી હતી.

જગતનું સૌપ્રથમ ટીવી–પ્રસારણ 1936માં બી.બી.સી. (બ્રિટિશ બ્રૉડ-કાસ્ટિંગ કૉર્પોરેશન) દ્વારા આરંભાયું; પરંતુ ત્રણ વર્ષ પછી બીજા વિશ્વયુદ્ધને લીધે એ ખોરંભે પડ્યું. અમેરિકામાં એન.બી.બી.સી.એ 1937માં ન્યૂયૉર્કમાંથી પ્રસારણ શરૂ કર્યું. 1960 સુધીમાં અમેરિકાનો 90 % કુટુંબોને ટેલિવિઝન ઉપલબ્ધ બન્યું અને જગતનો સૌપ્રથમ ‘ટીવી સમાજ’ બનવાનું માન એ ખાટી ગયું. સાતમા દાયકાના અંત સુધીમાં તો જાપાન, ઑસ્ટ્રેલિયા, સ્વીડન, ફ્રાન્સ જેવા દેશોમાં એનો પ્રચાર-પ્રસાર વધ્યો. આજે અમેરિકામાં ટીવી સેટ ધરાવવો એ નાગરિકઅધિકાર છે. કોઈને એ મોંઘો પડે તો અમેરિકી સરકાર ટેલિવિઝન સેટનું ભાડું સુધ્ધાં સહાય તરીકે આપે છે !

પ્રસારણના આ માધ્યમે બીજી મોટી હરણફાળ ભરી તેમાં આ  ઘટનાઓ કારણભૂત ગણાય : મોટા સ્ટુડિયોમાં જંગી સ્થાવર ર્દશ્ય-મુદ્રણયંત્રો અને કૅમેરાને બદલે ખભે ઊંચકી શકાય એવા જંગમ કૅમેરા અને મુદ્રણયંત્રો (વી.સી.આર.) વિકસ્યાં; કૅમેરામાં જ એનું મુદ્રણયંત્ર બેસાડવામાં આવ્યું (camcorder). ઉપગ્રહ દ્વારા આખી પૃથ્વીને આવરી શકાય એવાં સંચાર-ઉપગ્રહો (સેટેલાઇટ) અને ભૂ-કેન્દ્રો(earth stations)ની યંત્રવિદ્યા શોધાઈ; ‘એનેલૉગ’ને સ્થાને ‘ડિજિટલ’ પદ્ધતિથી ચિત્ર-ધ્વનિમુદ્રણ અને સંકલન(editing)-પદ્ધતિ આરંભાઈ; ટીવી માટે કમ્પ્યૂટર દ્વારા ગતિશીલ ચિત્રો સર્જી શકાયાં વગેરે.

આ બધાંને પરિણામે આજે પોતાના દીવાનખંડમાં બેઠેલો પ્રેક્ષક પૃથ્વીના કોઈ પણ ભાગમાં બનતી ઘટનાઓ નિહાળી શકે છે. (દા. ત., પ્રજાસત્તાક દિનની ઉજવણી, ખાડીયુદ્ધ વગેરે); રાષ્ટ્રીય ચર્ચામાં ભાગ લેતા હોવાનું અનુભવે છે (દા. ત., ચૂંટણીપરિણામો અને એ અંગેની ચર્ચાઓ, સામાજિક પ્રશ્નો અંગેના ટૉક-શો વગેરે); રમતગમતનાં જીવંત પ્રસારણો (દા. ત.,  એશિયાઈ, ઑલિમ્પિક રમત-ઉત્સવો), કુદરતી આફતો કે અકસ્માતો (દા. ત., પૂર, વાવાઝોડાં, રેલવેદુર્ઘટનાઓ), સમાજજીવનને સ્પર્શતી ઘટનાઓ અંગેના પ્રતિભાવો (દા. ત., અંદાજપત્ર, બજારોની વધઘટ, આર્થિક કૌભાંડો) અને આખા જગત વિશેની રસપ્રદ હકીકતો, અવનવીન ઘટનાઓ, નવી શોધખોળો અને અવનવીન વિચારોથી જ્ઞાન, માહિતી અને મનોરંજન સાથે, ભલે એકમાર્ગી રીતે પણ, એમાં ભાગ લીધાનું અનુભવી શકે છે.

ધ્વનિના ક્ષેત્રમાં ટેપ અને કૅસેટો દ્વારા ભાવકોએ ઇચ્છિત ગીત-સંગીતને પોતાને અનુકૂળ સમયે સાંભળવાને જેમ મહત્વ આપ્યું, તેમ પ્રસારણ ઉપરાંત ટેલિવિઝન માધ્યમનો ઉપયોગ ચોક્કસ વિસ્તાર કે લોકસમૂહ માટે ‘નૅરો કાસ્ટિંગ’ અને ‘કૉમ્યુનિટી ટીવી પ્રસારણ’ માટે એક બાજુ, તો બીજી બાજુ કૅસેટોમાં મુદ્રિત કાર્યક્રમો અને ફિલ્મો જોવા માટે પણ મહત્વ આપી ભાવકોએ વ્યક્તિગત વિકલ્પ શોધ્યો છે; ઘરોઘર કેબલ દ્વારા કાર્યક્રમ નિહાળવાનો માર્ગ નાણી જોયો છે. આ રીતે ઉપગ્રહો દ્વારા બહુરાષ્ટ્રીય ટીવી કંપનીઓ દેશોની સરહદો વળોટી ટીવી પ્રસારણને મહાકાય ઉદ્યોગ બનાવી રહી છે ત્યારે સામાન્ય પ્રેક્ષક સ્વપસંદગી અને જરૂરત મુજબ પોતાનાં શિક્ષણ, વિકાસ, સંશોધન અને દસ્તાવેજીકરણ માટેનો એનો વિકલ્પ પણ પ્રયોજી રહ્યો છે.

ટીવી-સેટ ઘરના ખૂણાનું હવે માહિતી કે મનોરંજનનું સાધન માત્ર રહ્યું નથી. કાર્યક્રમ-નિર્માણ અને પ્રસારણમાં થતો ખર્ચ આપતી મોટી કંપનીઓ માટે પોતાનો માલસામાન વેચતું એ સેલ્સ કાઉન્ટર છે; રાજકીય વિચારસરણીના પ્રચારનું એ હથિયાર છે. ચિત્રો અને ધ્વનિઓથી ભાવકના ચિત્ત અને ભાવતંત્રને દૂરગામી અસર કરતું, આજે થોડે અંશે કલા અને વધુ અંશે કસબ, પ્રયોજતું માધ્યમ છે; એના એકમાર્ગી પ્રત્યાયન(communication)માં પ્રેક્ષકને જગત સમગ્રની ઘટનાઓમાં ભાગ લીધા જેવું લાગવા છતાંય  એનો અમર્યાદ ઉપયોગ પ્રેક્ષકને નિષ્ક્રિય અને આત્મસંતુષ્ટ બનાવી દે એવું તે સાધન છે. રાષ્ટ્રીય વિકાસ અને નિરંતર શિક્ષણની એની અપાર શક્યતાઓ મોટેભાગે ઉવેખાવાને પરિણામે આ માધ્યમ મનોરંજનને નામે, વિશ્વગ્રામ (global village) સર્જવાને બહાને કદાચ એક એવી વિશ્વ-સંસ્કૃતિ સર્જી દેશે જેમાં સ્થાનિક સંસ્કૃતિઓની વિશિષ્ટતા નામશેષ થઈ જવાનો ભય અનેક સામાજિક પ્રત્યાયન-શાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે.

ટી વી પ્રસારણના માધ્યમ તરીકે એના પુરોગામી રેડિયોની નજીક છે, તો ર્દશ્યશ્રાવ્ય માધ્યમ તરીકે ફિલ્મની ભાષાનું વ્યાકરણ એ પ્રયોજે છે. આ મિશ્રણથી રેડિયો  અને ફિલ્મ બંનેના કાર્યક્રમપ્રકારો ટીવી પર પોતીકા હોય  તેમ સ્વીકારાયા છે. મોટા પડદા માટેની ફિલ્મ ખુદ કે એની કથનરીતિ તેમજ દસ્સ્તાવેજી પણ એ જ રીતે ટીવી પર રસપ્રદ  બને છે; પરંતુ એમાંથી ટેલિફિલ્મનો કાર્યક્રમપ્રકાર વિકસ્યો, જેમાં કથા અને નિરૂપણ વધુ અંગત અને ‘ક્લોઝ અપ’માં રજૂ થાય છે. કૉમ્પેઅર્ડ કે ઍન્કર-પર્સન સાથેનાં ગીતો કે ર્દશ્ય-સામગ્રીના ટુકડાઓ પણ લોકપ્રિય બને છે; એમાં સામાજિક રાજકીય પ્રશ્નોની ચર્ચા હોય તો ટીવીનો પડદો મંચ (tribune) પણ બની જાય છે. આવા કાર્યક્રમોમાં લોકભાગીદારી કેન્દ્રે છે. અને પ્રસારણનું આ અંગત માધ્યમ જો સુસંગત પણ બને તો લોકશિક્ષણનું મોટું કામ કરી શકે. એની એવી શક્તિ અને શક્યતા છે.

કહે છે કે વંચાવા અને સંભળાવા કરતાં દેખાય તે વધુ યાદ રહે છે; અને તેથી ટીવીના માધ્યમે ફિલ્મ અને રેડિયો બંને પાસેથી શિક્ષણ માટેના કેટલાક  કાર્યક્રમો પોતીકા બનાવાયા છે. દસ્તાવેજી માહિતી આપે, પણ એમાં જો માહિતીના ઉપયોગ અંગેનાં સૂચનો હોય તો એ શૈક્ષણિક બને છે. અભ્યાસક્રમ-આધારિત કાર્યક્રમો ઉપરાંત વ્યક્તિમાં વ્યાવસાયિક આવડત વધે એવા કાર્યક્રમો ખૂબ ઉપયોગી બની શકે. પ્રૌઢશિક્ષણમાં લખતાં-વાંચતાં, ગણતાં શીખવાય, તેમ શિક્ષિત બનવા પ્રેરણા પણ આપી શકાય. એમાં દસ્તાવેજી પ્રકાર ઉપરાંત, સફળ વ્યક્તિઓનાં ઉદાહરણો અનુકરણીય બને.

વિકાસપ્રક્રિયામાં સહાયરૂપ બનતા પ્રત્યાયન(developmental communication)ની પણ અન્ય માધ્યમોની જેમ ટીવીને પડદે તરફેણ થઈ રહી છે. લોકોની સામેલગીરીના કાર્યક્રમપ્રકારમાં વિકાસની પ્રક્રિયા, એની માહિતી, એમાં નડતી મુશ્કેલીઓ, યથાવત્ સ્થિતિ (status quo) જાળવવાની મનોદશામાંથી મુક્તિની ગતિમાટેના સંઘર્ષની કથા વગેરે શિક્ષણપ્રદ બને છે અને લોકજાગૃતિ લાવે છે. ફિલ્મ કે નાટકોની કાલ્પનિક કથા કરતાં વાસ્તવિકતા અને એની જીવંત વ્યક્તિઓ પ્રેક્ષકો માટે બહેતર માપદંડ બને, જીવન વધુ સમૃદ્ધ બને.

સમૂહ-પ્રત્યાયનનાં આ જનમાધ્યમો – રેડિયો, ફિલ્મ અને ટીવીની એક વિશેષ ભાષા છે, વ્યાકરણ છે, ‘સંગીત’ છે, એ જોવા-માણવાની અલાયદી રીત છે. એની પ્રાથમિક સમજ એના રસાસ્વાદમાં મદદરૂપ બને, તો એના અનુભાવનની સજ્જતા કેટલી બધી ઉપયોગી થઈ પડે ! આવી ‘માધ્યમ-સાક્ષરતા’ જો પ્રેક્ષકોમાં હોય તો જે તે માધ્યમને મનોરંજન, માહિતી કે શિક્ષણ કોઈ પણ હેતુ માટે પ્રયોજવામાં માધ્યમોના નિર્ણાયકોને પ્રેક્ષકો ફરજ પાડી શકે.

માધ્યમો એ ફક્ત માધ્યમો છે – સાધનો છે; એના દ્વારા શું, શા માટે, કોના માટે, કેવી રીતે સાધ્ય કરવાનું છે એ પ્રત્યાયનનીતિ અને એના અમલનો મહત્વનો ભાગ છે. જેમ અગ્નિ, પૈડા કે લિપિની શોધોએ માનવજીવનને બદલી નાખ્યું; તેમ આ વીજાણુસાધન પણ માનવજીવનના પરિવર્તનમાં નિર્ણાયક સ્થાને છે. અગ્નિ, પૈડા કે અણુશક્તિના ઉપયોગ જેટલી જ સતર્કતા આ માધ્યમ વિશેય સૌએ કેળવવી રહે છે.

પ્રહલાદ છ. પટેલ

હસમુખ બારાડી