ઝૂંપડપટ્ટી : આર્થિક કંગાલિયતની કાયમી પરિસ્થિતિમાં જીવતા લોકોના વસવાટોનો સમૂહ. વિશ્વમાં માનવજીવનના પ્રારંભથી આશ્રયસ્થાન, રહેઠાણ કે આવાસ વ્યક્તિ અને કુટુંબના કેન્દ્રમાં રહેલ છે. સામંતશાહીનો અસ્ત, વિશ્વભરના મૂડીવાદી દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ અને ત્રીજા વિશ્વના દેશોમાં શહેરીકરણને કારણેઝૂંપડપટ્ટીનો ઉદભવ એક અનિવાર્ય ઘટના બની. તેણે અનેક સમસ્યાઓ સર્જી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની વ્યાખ્યા પ્રમાણે ગીચ વસ્તી, નિમ્ન જીવનની પરિસ્થિતિ, ગંદકીનો નિકાલ કરવાની વ્યવસ્થાનો અભાવ અને એવી અનેક બાબતોને કારણે જોખમાતું આરોગ્ય તથા ભયમાં મુકાતી માણસોની જિંદગી અને નીતિમત્તાવિહીન વાતાવરણ જ્યાં હોય તેવું રહેઠાણ તે ઝૂંપડપટ્ટી. ઝૂંપડપટ્ટીની વ્યાખ્યા સ્થાનિક પરિસ્થિતિને લક્ષમાં લઈને રજૂ કરવામાં આવતી હોય છે. 1976માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેરની ઝૂંપડપટ્ટીના સર્વેક્ષણ અર્થે સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી કેટલાક માપદંડો તારવ્યા છે. તે આ પ્રમાણે છે : (1) તે રહેઠાણ ગેરકાયદેસર રીતે સરકારી, મ્યુનિસિપલ અથવા ખાનગી જમીન પર ઊભું કરવામાં આવેલું હોય. (2) તે પાયાની નાગરિક સુવિધાઓ(પાણી, ગટર વગેરે)થી વંચિત હોય. (3) તે મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં મકાનો અંગેના પેટા-કાયદાઓ (પ્લીન્થ લેવલ અને ઓરડાનું કદ વગેરે) પ્રમાણે બંધાયેલું ન હોય.

‘ઝૂંપડપટ્ટી’ શબ્દને ભારતીય સંદર્ભમાં જોઈએ તો પ્રાદેશિક ભિન્નતાને આધારે તેને માટે જુદા જુદા શબ્દો પ્રયોજાયા છે, જેમ કે, કૉલકાતા અને લખનૌમાં ‘બસ્તી’, ચેન્નાઈમાં ‘ચેરી’, કાનપુરમાં ‘આહતા’, દિલ્હીમાં ‘કત્રા’, મુંબઈમાં ‘ઝોપડપટ્ટી’ તથા મધ્યપ્રદેશમાં ‘ઝુગ્ગી ઝોંપડી’. ભારતની જેમ ત્રીજા વિશ્વના અનેક દેશોમાં વીસમી સદીની શરૂઆતથી વધતી જતી શહેરી વસ્તી એક તરફ સમૃદ્ધિનું અને બીજી તરફ અમાનવીય વાતાવરણ સર્જતી ઝૂંપડપટ્ટીનું પ્રતીક છે. આપણું વિશ્વ ઘણું ઝડપથી શહેરી બનતું જાય છે. વીસમી સદીની શરૂઆતમાં વિશ્વની વસ્તીના 8 % લોકો શહેરોમાં રહેતા હતા તે 1995માં 50 % થયા. 2020 સુધીમાં વિશ્વની પોણા ભાગની વસ્તી શહેરોમાં રહેતી હશે એેવું અંદાજવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં વિકસતા દેશોમાં શહેરી વસ્તીને રહેવા માટે જમીન અને રહેઠાણની તેમજ પાણી, ગટર અને આરોગ્યવિષયક પ્રાથમિક સુવિધાઓની અકલ્પ્ય અછત સર્જાઈ છે. આ પ્રશ્ન વિકરાળ અને અમાનવીય સ્વરૂપ ધારણ કરતો જાય છે.

ઝૂંપડપટ્ટીઓ શા માટે સર્જાય છે એ સમજવા માટે ઐતિહાસિક અવલોકન આવશ્યક છે. એક સર્વસંમત મત એવો છે કે ઝૂંપડપટ્ટી ઔદ્યોગિક ક્રાંતિ પછીના શહેરીકરણની નીપજ છે. જોકે ઔદ્યોગિક ક્રાંતિની પૂર્વે પણ એવા વસવાટના વિસ્તારો હતા જેને આપણે વર્તમાન ઝૂંપડપટ્ટી સાથે સરખાવી શકીએ. મધ્ય યુગમાં અનેક યુરોપિયન દેશોમાં તેને ‘જ્યૂઇશ ગેટો’ તરીકે ઓળખાવેલ છે. આવા વિસ્તારો અત્યંત ગીચ વસ્તી અને એક વિશિષ્ટ યહૂદી સાંસ્કૃતિક તરાહ ધરાવતા હતા. પ્રાચીન અને મધ્યયુગના પ્રારંભના મોટા ભાગના યહૂદીઓ ગામડાં કરતાં શહેરોમાં વધુ રહેતા હતા. 1848માં એક ઇટાલિયન લેખકે આવા ‘ગેટો’ને ‘ઘોલકાં’ અને ગંદાં ઘરોના આકારવિહીન સમૂહ તરીકે ઓળખાવ્યા છે. અઢારમી સદીમાં ઇંગ્લૅન્ડનાં શહેરોનો ઝડપી વિકાસ થયો કારણ કે ઔદ્યોગિક ક્રાંતિએ લિવરપૂલ, માન્ચેસ્ટર, બર્મિંગહામ, લંડન અને શેફિલ્ડ જેવાં શહેરોમાં રોજગારીની અનેક નવી તકો સર્જી. કારખાનાંનો વિકાસ થતાં કામદારો પોતાના કુટુંબને લઈને શહેરોમાં ઠલવાવા માંડ્યા અને કારખાનાંની નજીકમાં નાની ઓરડીઓમાં રહેવા લાગ્યા. આજથી દોઢ સો વર્ષ પૂર્વેના ઇંગ્લૅન્ડના શ્રમજીવી વર્ગની સ્થિતિ તપાસતાં એ સ્પષ્ટ થાય છે કે હજારો માણસો ઊંઘમાંથી જાગતા ત્યારે તેમને કલ્પના નહોતી કે ફરી વાર રાત્રે તેઓ કઈ જગ્યાએ ઊંઘશે. દિવસના અંતે થોડીઘણી બચત કરનારાઓને જ પથારી નસીબમાં હતી. એક ઓરડીમાં ચાર-પાંચ કે છથીય વધુ પથારીઓ કરવામાં આવતી અને જેમને પથારી ન મળે તેઓ જ્યાં જગ્યા મળે ત્યાં લંબાવતા. આ વર્ણનમાં અને આજની એશિયાનાં શહેરોની ઝૂંપડપટ્ટીની વાસ્તવિકતામાં તફાવત માત્ર એટલો જ છે કે વધુ ને વધુ લોકો આ દોજખમાં ધકેલાતા જાય છે. ઓગણીસમી સદીના અંતમાં ચાર્લ્સ બૂથે, ‘લાઇફ ઍન્ડ લેબર ઑવ્ ધ પીપલ ઇન લંડન’ નામનો અભ્યાસ પ્રકાશિત કર્યો હતો. આ અભ્યાસ દ્વારા લંડનની ગરીબાઈ અને ઝૂંપડપટ્ટી પ્રત્યે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાતું થયું હતું. કારખાનાંમાં કામ કરતાં માતાપિતાનાં બાળકો લંડનની ગંદી વસાહતોમાં દિવસભર રખડતાં રહીને અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થવા માંડ્યાં. બાળકોનાં માનસ અને ભવિષ્ય પર પડતી ઝૂંપડપટ્ટીના વાતાવરણની વિપરીત અસરો સંબંધી અનેક નવલકથાઓ અને અભ્યાસો વિશ્વભરમાં પ્રકાશિત થયાં છે.

અમેરિકામાં ઝૂંપડપટ્ટીના વિસ્તારોનું ‘બીજું અમેરિકા’ એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. અમેરિકામાં ઝૂંપડપટ્ટીના ઉદભવને ગઈ સદીમાં થયેલી અમેરિકા તરફની હિજરત સાથે ઘનિષ્ઠ સંબંધ છે. 1914માં મેક્સિકો, ઇટાલી, ગ્રીસ પોલૅન્ડ, જર્મની અને અન્ય પૂર્વ એશિયાના દેશોમાંથી લગભગ 12 લાખ જેટલા લોકો કામધંધાની શોધમાં અને અમેરિકન દોલત મેળવવાના ખ્યાલથી અમેરિકા આવ્યા હતા. કમનસીબે આમાંના ઘણાખરા લોકો માંડ માંડ દાળ-રોટલી  પામી શક્યા અને અમેરિકન કાળી પ્રજાની જેમ પોતાની અલગ વસાહતોમાંથી બહાર પણ નીકળી શક્યા નહિ.

‘અર્બનાઇઝેશન ઇન એશિયા ઍન્ડ ધ ફાર ઈસ્ટ’ પુસ્તકમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે એશિયાનાં રાષ્ટ્રો સામાન્યપણે ‘અતિ શહેરીકરણ’ના રોગથી પીડાઈ રહ્યાં છે. આ અતિ શહેરીકરણનું એક મહત્ત્વનું પરિણામ મોટાં શહેરોમાં મકાનોની તીવ્ર તંગી છે. આ સંદર્ભમાં મુંબઈનું ઉદાહરણ ધ્યાનાકર્ષક છે. આ શહેરમાં કામદાર અને નોકરિયાત વર્ગને શરૂઆતથી જ યોગ્ય રહેઠાણ મળી શક્યાં નથી. સૌપ્રથમ રત્નાગિરિ, સતારા અને કોલાબા જિલ્લાના ગરીબ ખેડૂતો કાપડની મિલોમાં કામ મેળવવા આવ્યા હતા. 1881માં માત્ર રત્નાગિરિ જિલ્લામાંથી 1,26,000 હિજરતીઓ મુંબઈમાં આવ્યા હતા. આ હિજરતીઓમાં મોટા ભાગે જમીનવિહોણા ગરીબ ખેડૂતો હતા અને એ સમયે ભારતમાં આ વર્ગની સંખ્યા અત્યંત ઝડપથી વધી રહી હતી. બીજા વિશ્વયુદ્ધ પહેલાં મુંબઈ મહાનગરપાલિકાએ કરેલા સર્વેક્ષણ બાદ શહેરના 85 લત્તાઓને ઝૂંપડપટ્ટીનાં લક્ષણો ધરાવતા નોંધવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ બાદ આ આંકડો વધીને 144 થયો, જે 65 %નો વધારો દર્શાવે છે.

કેટલીક ઝૂંપડપટ્ટીઓ એવી હોય છે જ્યાં થોડા સમય પહેલાં જ ગ્રામપ્રદેશોમાંથી આવેલા લોકો રહેતા હોય છે. જોકે તેઓ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક પશ્ચાદભૂમિકા ધરાવતા હોવા છતાં પોતાની પ્રજાતિ, ધાર્મિક અને આદિજાતિ ઓળખ સાચવી રાખે છે, જ્યારે અન્ય એવી ઝૂંપડપટ્ટીઓ હોય છે, જ્યાં લોકો પેઢીઓથી બદતર હાલતમાં રહેતા હોય છે. ઝૂંપડપટ્ટીઓ તેના રહીશોના સંગઠનની ર્દષ્ટિએ પણ જુદી પડતી હોય છે. કેટલાંક સ્થાને કૌટુંબિક એકતા ઢીલી પડી હોવા છતાં અન્ય પ્રકારનાં સામાજિક જોડાણો મજબૂત હોય છે. કેટલાક વધુ સ્થાયી ઝૂંપડાવિસ્તાર હોય છે, જ્યાં કુટુંબજીવન મજબૂત રીતે ટકી રહેલું જણાય છે. એક સમયના ગુલામ નિગ્રો લોકોની અમેરિકન ઝૂંપડપટ્ટીમાં અને રંગભેદથી તિરસ્કૃત થયેલા દક્ષિણ આફ્રિકાના ઝૂંપડપટ્ટીના રહીશોમાં ઊંચો ગુનાનો દર, કૌટુંબિક અસ્થાયીપણું, કાનૂનભંગનું વલણ અને હિંસા જોવા મળ્યાં છે. જોકે ગરીબાઈ, વધારે પડતી વસ્તીની ગીચતા, આરોગ્યની કથળેલી સ્થિતિ, ગંદકી, નશાખોરી વગેરે સમસ્યાઓ સમગ્ર વિશ્વની કોઈ પણ ઝૂંપડપટ્ટીમાં જોઈ શકાય છે  પછી ભલે તે એશિયા, આફ્રિકા, લૅટિન અમેરિકા કે અમેરિકા હોય.

ભારત જેવા ગરીબ દેશમાં ઝૂંપડપટ્ટીના શ્રમજીવી લોકો સસ્તી મજૂરી પૂરી પાડનારો વર્ગ છે. સંગઠિત કરતાં અસંગઠિત ક્ષેત્રે કામ કરનારા લોકોનું પ્રમાણ વધુ હોય છે. બાળમજૂરી એ વર્તમાન ઝૂંપડપટ્ટીનું એક મહત્વનું લક્ષણ છે. ભારતમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત હોવા છતાં મોટાં શહેરોની ઝૂંપડપટ્ટીનાં બાળકોને કુટુંબના ભરણપોષણ માટે ભયજનક પરિસ્થિતિમાં કામ કરવું પડે છે.

1993માં સૂરત શહેરસ્થિત ‘સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝ’ સંશોધનસંસ્થાએ સૂરતની ઝૂંપડપટ્ટીઓનું સર્વેક્ષણ કર્યું હતું. તેનાં કેટલાંક તારણો ભારતની વર્તમાન ઝૂંપડપટ્ટીઓની લાક્ષણિકતાઓ રજૂ કરે છે. ગુજરાતના આ ઔદ્યોગિક શહેરના 4.3 લાખ ઝૂંપડાવાસીઓ 94 હજાર પરિવારોમાં વિભાજિત થયેલા હતા. આ પરિવારોમાં
64 % વિભક્ત પરિવારો હતા, જ્યારે 24 % સંયુક્ત પરિવારો હતા. 8 % પરિવારો મિશ્ર હતા અને 4 % એક વ્યક્તિના પરિવારો હતા. જે લોકો 20 વર્ષથી વધુ સમયથી આ શહેરમાં રહે છે તેમાં સંયુક્ત કુટુંબોનું પ્રમાણ વિશેષ જોવા મળ્યું હતું. અહીંની ઝૂંપડપટ્ટીના 81 % લોકો હિંદુ હતા, 18 % મુસ્લિમ હતા અને અન્ય બૌદ્ધધર્મીઓ હતા, જેઓ રોજગારની શોધમાં મહારાષ્ટ્રમાંથી આવેલા છે. 80 % ઝૂંપડાવાસીઓ ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા હતા. તેમાંના મોટા ભાગના મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઓરિસા અને આંધ્રપ્રદેશના હતા. આ રાજ્યોના આર્થિક રીતે પછાત, વસ્તીની અતિશય ગીચતા અને ઓછું અક્ષરજ્ઞાન ધરાવતા ગ્રામપ્રદેશના તેઓ વતની હોય છે. સ્ત્રી-પુરુષ પ્રમાણ તપાસતાં જણાય છે કે 1000 પુરુષોએ 725 સ્ત્રીઓ હતી. કારખાનાંઓની નજીક રહેતા ઝૂંપડાવાસીઓમાં તો આ પ્રમાણ 1000 પુરુષો એ માત્ર 200 સ્ત્રીઓનું હતું.

ભારતીય બંધારણે પ્રત્યેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર આપ્યો હોવા છતાં આજનાં ભારતીય શહેરોમાં લોકોને પશુથી પણ બદતર હાલતમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેવું પડે છે. શહેરની સુંદરતાને નામે, ટ્રાફિકના પ્રશ્નના નામે કાયદાઓના રક્ષણ તળે આજે ઝૂંપડાવાસીઓનાં આશ્રયસ્થાનોને નાબૂદ કરવાની પ્રવૃત્તિઓ સરકારી આદેશ અનુસાર ચાલે છે. આ સંજોગોમાં કૃષિક્ષેત્રે જમીનની ટોચમર્યાદા જેવા કાયદાઓનો પૂરેપૂરો અમલ કરી સામાન્ય માણસને માથે છાપરું મળી રહે અને જીવનની લઘુતમ સુવિધાઓ સૌને મળે તેવા સરકારી, બિનસરકારી પ્રયત્નો આવશ્યક છે એમ આ ક્ષેત્રના અભ્યાસીઓનું મંતવ્ય છે.

ભારતના આર્થિક પાટનગર ગણાતા મુંબઈ શહેર માટે ધારાવી તથા આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા અમદાવાદ શહેર માટે ગુલબાઈ ટેકરા અને વાડજ નજીકની ઝૂંપડપટ્ટીઓ ‘વિકાસનો વિરોધાભાસ’ પૂરો પાડે છે.

ગૌરાંગ જાની