ઝુરિક (Zurich) : સ્વિટ્ઝર્લૅન્ડનું મોટામાં મોટું નગર, પરગણાનું પાટનગર તથા દેશનું પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 47o 25´ ઉ. અ. અને 8o 40´ પૂ. રે.. દેશમાં ઉત્તરે ઝુરિક સરોવરના વાયવ્ય છેડા પર તે આવેલું છે. દેશના પાટનગર બર્નથી 96 કિમી. અંતરે છે. પડખેની આલ્પ્સ પર્વતમાળાને લીધે તેના પ્રાકૃતિક સૌંદર્યમાં સવિશેષ વધારો થાય છે. નગરની વસ્તી 3,76,008 (2011) છે. નગરનો વાર્ષિક સરેરાશ વરસાદ 1270 મિમી. તથા તાપમાન જાન્યુઆરીમાં 0o સે. તથા જુલાઈમાં 18o સે. વચ્ચે બદલાયા કરે છે. મોટાભાગના લોકો જર્મનભાષી છે. ઇટાલિયન અને ફ્રેન્ચભાષી લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે.

અઢારમી સદીના અંતિમ દાયકામાં નગરની તે વખતની વસ્તીના એક ચતુર્થાંશ જેટલા લોકો કાપડ-ઉદ્યોગમાં રોકાયેલા હતા. 1830 તથા 1869માં દેશના બંધારણમાં આર્થિક ઉદારીકરણની નીતિને પોષક એવા જે ફેરફારો કરવામાં આવ્યા તેને લીધે નગરના આર્થિક વિસ્તરણને  ઉત્તેજન મળ્યું. હાલ નગરમાં યંત્રો, યંત્રોનાં ઓજારો, ધાતુની ચીજવસ્તુઓ કાપડ તથા તૈયાર પોશાક, રેશમની બનાવટો, છાપકામ વગેરેનો વેપાર ચાલે છે. આધુનિક વિશ્વની નાણાવ્યવસ્થામાં આ નગરે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યાંનું નાણાબજાર ખૂબ સંવેદનશીલ અને સક્રિય છે. પ્રથમ કક્ષાની 80 જેટલી  અગ્રણી બૅેકો ત્યાં આવેલી છે. ત્યાંનું શૅરબજાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. બૅેકિંગ ઉપરાંત વાણિજ્ય અને વીમા-વ્યવસાયનું પણ તે અગત્યનું કેન્દ્ર છે. બીજા વિશ્વયુદ્ધ પછી નગરના કાપડ-વ્યવસાયનું અગ્રિમ સ્થાન યંત્ર-ઉદ્યોગે લીધું છે. ઔદ્યોગિક ક્ષેત્રે નગરે ઝડપભેર પ્રગતિ કરેલી હોવા છતાં ઔદ્યોગિક પ્રદૂષણથી તે મુક્ત રહ્યું છે.

નગરમાં નાટ્યગૃહો, ઑપેરા, સ્વિસ નૅશનલ સંગ્રહાલય (1898), યુનિવર્સિટી (1833) પૉલિટૅક્નિક (1885), કાર્લ ગુસ્તાફ યુંગ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍનાલિટિકલ સાયકૉલૉજી (1948) તથા જિલ્લાનું મુખ્ય દેવળ (cathedral) આવેલાં છે. દર વર્ષે એપ્રિલ અને સપ્ટેમ્બરમાં બે મોટા મહોત્સવો અહીં યોજવામાં આવે છે. પડખે જ આલ્પ્સ પર્વત આવેલો હોવાથી નગરજનો દ્વારા પર્વતારોહણની પ્રવૃત્તિ વ્યાપક પ્રમાણમાં ચાલતી હોય છે. પર્યટકો માટે આ નગર મોટું આકર્ષણ છે. ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદો માટે ભૂતકાળમાં આ નગરની પસંદગી થયેલી છે.

સ્વિટ્ઝર્લૅન્ડ તથા યુરોપનાં મહત્વનાં શહેરો સાથે આ નગર રેલમાર્ગ દ્વારા જોડાયેલું છે. નગરથી 10 કિમી. અંતરે આવેલું ઝુરિક ક્લોટેન આંતરરાષ્ટ્રીય વિમાનમથક વિશ્વના  અત્યંત કાર્યરત એવાં વિમાનમથકોમાંનું એક છે.

આ સ્થળે પ્રાગૈતિહાસિક કાળમાં સર્વપ્રથમ વસવાટ થયો હતો એવા પુરાવા સાંપડ્યા છે. ઈ. સ. પૂ. 58માં રોમન શાસકોએ નગર પર આધિપત્ય જમાવ્યું. ત્યારે નગરનું નામ ટુરિકમ હતું. લિમ્માટ નદીના જમણા કિનારા પર વસેલા લોકોએ યુરોપના અન્ય વ્યાપારી માર્ગોનો ઉપયોગ કરી વ્યાપારમાં ખૂબ વિકાસ સાધ્યો. 1218માં સામ્રાજ્યના મુક્ત નગર (Imperial Free City) તરીકે તે સ્વીકારાયું. 1351માં સ્વિસ પ્રજાસત્તાક સાથે તેનું જોડાણ થયું. 1400માં આ નગર સામ્રાજ્યમાંથી અલગ થયું. ઓગણીસમી સદીના ચોથા દાયકામાં ત્યાં  ઉદારમતવાદ પર આધારિત લોકશાહી વ્યવસ્થા આવી અને તે દ્વારા ધારાસભા તથા કારોબારી પાંખ પર નાગરિકોએ ચૂંટેલા પ્રતિનિધિઓનો અંકુશ દાખલ થયો. આ પગલાંને લીધે ઝુરિક નગરમાં ઔદ્યોગિકીકરણ આધારિત નવા યુગની શરૂઆત થઈ અને ત્યારથી આ નગરે ઝડપી આર્થિક પ્રગતિ સાધી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે