જોશી ઇલાચંદ્ર (જ. 13 ડિસેમ્બર, 1902, અલમૌડા; અ. 1982)  : હિન્દી કથાસાહિત્યમાં પ્રેમચંદ યુગ પછીના નવલકથા ક્ષેત્રે તેજસ્વી લેખક. તેમનો જન્મ મધ્યમ વર્ગના બ્રાહ્મણપરિવારમાં થયો હતો. તેમણે હાઈસ્કૂલ સુધી વિધિસર શિક્ષણ મેળવ્યું; પરંતુ સ્વપ્રયત્ને તેઓ હિંદી, સંસ્કૃત, બંગાળી, ઉર્દૂ, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓમાં પ્રવીણ બન્યા; એટલું જ નહીં, પણ તે ભાષાઓના સાહિત્યનો પણ સંપૂર્ણ અભ્યાસ કર્યો. તેમણે તર્કશાસ્ત્રનો પણ ઝીણવટભર્યો અભ્યાસ કરેલો.

હાઈસ્કૂલ-પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ કૉલકાતા ગયા. ત્યાં તેમણે નાની-મોટી નોકરીઓ કરી, આખરે પત્રકારત્વમાં પ્રવેશ્યા, ‘હિંદુ’ દૈનિકમાં પત્રકારત્વ શરૂ કર્યું. ત્યારબાદ તેમણે ‘ચાંદ’, ‘સુધા’, ‘સંમેલનપત્રિકા’, ‘ભારત’, ‘ધર્મયુગ’, ‘સાહિત્યકાર’, ‘સંગમ’ અને ‘વિશ્વવાણી’ જેવાં હિંદી સમાચારપત્રો અને સાહિત્યિક સામયિકોનું સંપાદન સંભાળ્યું. થોડો વખત આકાશવાણીમાં નિર્માતા તરીકે પણ કામ કર્યું.

તેમણે 11 નવલકથાઓ આપી છે. તેમાં ‘ઘૃણામયી’ (1929)માં પાછળથી સુધારીને ‘લજ્જા’ (1947) નામે પ્રસિદ્ધ થઈ. ‘સંન્યાસી’ (1940),  ‘પર્દે કી રાની’ (1942), ‘પ્રેત ઔર છાયા’ (1944), ‘નિર્વાસિત’ (1946), ‘મુક્તિપથ’ (1948), ‘સુબહ કે ભૂલે’ (1951), ‘જિપ્સી’ (1952), ‘જહાજ કા પંછી’ (1954), ‘ઋતુચક્ર’ (1969) અને ‘ભૂત કા ભવિષ્ય’ (1973) – આ બધી તેમની મુખ્યત્વે મનોવૈજ્ઞાનિક નવલકથાઓ છે. તેમાં તેમણે મધ્યમ અને ઉચ્ચ વર્ગનાં સ્ત્રીપુરુષોના અસામાન્ય મનોવૈજ્ઞાનિક અને વિલક્ષણ આઘાત-પ્રત્યાઘાતો ગૂંથી લીધા છે.

તેમણે સો જેટલી વાર્તાઓ લખી છે. તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહો છે : ‘ધૂપરેખા’ (1938), ‘દિવાલી ઔર હોલી’ (1942), ‘રોમૅન્ટિક છાયા’ (1943), ‘આહુતિ’ (1945), ‘ખંડહર કી આત્માયેં’ (1948), ‘ડાયરી કે નીરસ પૃષ્ઠ’ (1951), ‘કાતિલ ફૂલ  લાજિલે કાંટે’ (1959). આ ઉપરાંત તેમણે ‘વિજનવતી’ નામક કાવ્યસંગ્રહ અને 5 નિબંધસંગ્રહો આપ્યા છે. વળી તેમણે શરતચંદ્ર ચેટરજી, રવીન્દ્રનાથ ટાગોર અને ગૉર્કી વિશે ચરિત્રાત્મક અને વિવેચનાત્મક ગ્રંથો આપ્યા છે. વળી ખ્યાતનામ વિવેચકોની કેટલીક કૃતિઓ તેમણે હિંદીમાં અનૂદિત કરી છે. મહાપુરુષોની પ્રેમકથાઓ, ઉપનિષદ-કથાઓ જેવાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે.

રઘુવીર ચૌધરી