જોશી, અરવિંદ (જ. 29 ઑક્ટોબર 1942) : નવી ગુજરાતી વ્યાવસાયિક રંગભૂમિના અભિનેતા. રંગમંચ, ટીવી અને ચલચિત્રજગત સાથે છેલ્લાં 35 વર્ષથી સંકળાયેલા છે. 1961માં આઈએનટી દ્વારા નિર્મિત ‘કૌમાર અસંભવમ્’ નાટકમાં પ્રવીણ જોશીના નિર્દેશન હેઠળ ભૂમિકા ભજવી, વ્યાવસાયિક નટ તરીકે પદાર્પણ કર્યું. તે પછીનાં વર્ષોમાં એ સંસ્થાનાં ‘મીનપિયાસી’, ‘અલિકબાબુ’, ‘કોઈનો લાડકવાયો’, ‘મને રોકો મા’, ‘માણસ નામે કારાગાર’, ‘તિલોત્તમા’, ‘અગનખેલ’, ‘ધુમ્મસ’, ‘મોતી વેરાણાં ચોકમાં’, ‘શરત’, ‘ખેલંદો’ (દિગ્દર્શક પ્રવીણ જોશી), ‘હિમડંખ’, ‘લીલાલહેર’ (દિગ્દર્શક અરવિંદ ઠક્કર), ‘તહોમત’ (દિગ્દર્શક સુરેશ રાજડા) વગેરે નાટકોમાં તથા ‘સળગ્યાં સૂરજમુખી’, ‘બાણશય્યા’ જેવાં અન્ય સંસ્થાનાં નાટકોમાં તેમજ ‘સરી જતી સુંદરી’, ‘કાચનો ચંદ્ર’, ‘ગીધડાં’, ‘કાળચક્ર’, ‘પુનર્જન્મ’, ‘રાહુકેતુ’, ‘વૃશ્ચિક’, ‘એની સુગંધનો દરિયો’ જેવાં સ્વદિગ્દર્શિત નાટકોમાં અનેકવિધ ભૂમિકાઓ ભજવી. પોતાની સ્વતંત્ર નાટ્યસંસ્થા ‘પ્રસ્થાન’ના નેજા હેઠળ ઉત્કૃષ્ટ નાટકોનું નિર્માણ અને નિર્દેશન કર્યું. આજપર્યંત 70 જેટલાં ગુજરાતી નાટકો, 65 જેટલી હિંદી ફિલ્મો, 5 ટીવી ફિલ્મ, 11 ગુજરાતી-હિંદી ટીવી શ્રેણીમાં અભિનય; 15 જેટલાં ગુજરાતી નાટકોનું નિર્માણ, 6 નાટકોનું લેખન, 35 જેટલાં નાટકોનું દિગ્દર્શન, તેમજ ગુજરાત સરકારના માહિતી ખાતા માટે ‘ભવાઈ, જૂની રંગભૂમિ, નવી રંગભૂમિ’ એમ 3 ભાગમાં વહેંચાયેલી દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ, ‘ગુજરાતની નાટ્યકળા’નું યશસ્વી નિર્માણ અને નિર્દેશન કર્યું. ગુજરાત રાજ્યનો ‘શ્રેષ્ઠ સહાયક ફિલ્મ અભિનેતા’નો પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્ય નાટ્યસ્પર્ધામાં અનેક વાર ‘શ્રેષ્ઠ અભિનેતા’નો પુરસ્કાર, કૅપવૂડ દ્વારા આયોજિત ત્રિઅંકી નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનય તથા શ્રેષ્ઠ નાટકનાં પારિતોષિકો તેમણે પ્રાપ્ત કર્યાં છે.

મહેશ ચંપકલાલ શાહ