જોશી, અનિલ રમાનાથ (જ. 28 જુલાઈ 1940, ગોંડલ) : ગુજરાતી કવિ, નિબંધકાર, કટારલેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી 1964માં ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. 1962થી 1969 દરમિયાન હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક રહેલા. પછી મુંબઈમાં ‘કૉમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલીના અંગત સહાયક તરીકે 1971થી 1976 સુધી સેવાઓ આપી. 1976–77માં ત્યાં જ પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા. 1977થી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ‘લૅંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’માં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર હતા.

‘કદાચ’ (1970) અને ‘બરફનાં પંખી’ (1981) એમના કાવ્યસંગ્રહો છે. સાતમા-આઠમા દાયકાના નવતર કવિઓમાં અનિલ જોશીનું મહત્વનું સ્થાન રહ્યું છે. 1960 પછી કવિતામાં આધુનિક વલણો દેખાયાં અને વિસ્તર્યાં ત્યારે ગીતને પણ આધુનિકતાનો સંસ્પર્શ થયો. ગુજરાતી ગીતમાં આધુનિકતાનો એવો ઉન્મેષ અનિલ જોષીનાં ગીતોમાં પમાયો. પરંપરાગત ગુજરાતી ગીતને એમણે ર્દઢ તર્ક વગેરેમાંથી મુક્ત કર્યું. મર્યાદિત ભાવ-અર્થબોધના પ્રણાલિકાગત સંદર્ભોમાંથી પણ અનિલ જોશીને હાથે ગીત મુક્તિ પામે છે. ગીતમાં એમણે નવતર અને સાંપ્રત જીવનસંદર્ભોને નવા ભાવાર્થસાહચર્યોથી રજૂ કર્યા, અપરિચિત શબ્દસાહચર્યો વડે ગીતમાં નવું વાતાવરણ તથા અરૂઢ મિજાજ એ લઈ આવ્યા. તળપદા ભાવો, શબ્દો, તળપદા લય વગેરે પ્રયોજવા સાથે એમણે ગીતમાં શિષ્ટ અભિવ્યક્તિ પણ સિદ્ધ કરી. દીર્ઘલયનાં ગીતો પણ એમનો વિશેષ રહ્યો છે. પ્રેમસંવેદન ઉપરાંત યંત્રચેતનાગત ભાવસ્પંદનો પણ એમની કવિતામાં ધ્યાન ખેંચે છે. ખાસ તો લયબદ્ધ અને અછાંદસ કવિતામાં નાગરી ચેતનાનો અનુભવ થાય છે. એમની અછાંદસ કવિતા વ્યંગ, કાકુ વગેરેથી પણ સ્પર્શ્ય બનેલી છે. ગઝલ એમને ખાસ સદી નથી. ‘બરફનાં પંખી’ને જયન્ત પાઠક પારિતોષિક મળ્યું છે. ‘રંગ સંગ કિરતાર’ (2005)માં એમનાં ચિંતનાત્મક લખાણો છે. ‘અનિલ જોશીની કેટલીક વાર્તાઓ’ એમનું સંપાદનનું પુસ્તક છે.

‘સ્ટૅચ્યૂ’ (1988) અને ‘પવનની વ્યાસપીઠ’ (1988) એમના અંગત તથા લલિત નિબંધોના સંગ્રહો છે. ‘જળની જન્મોતરી’, ‘ઓરાં આવો તો વાત કરીએ’ (2002) અને ‘ઊર્મિનો ઓચ્છવ’ એમના અન્ય નિબંધસંગ્રહો છે. ‘જન્મભૂમિ-પ્રવાસી’ આદિ વર્તમાનપત્રોમાં લખાયેલા આ નિબંધો ગદ્યકાર અનિલ જોશીનો પરિચય કરાવે છે. ‘સ્ટૅચ્યૂ’ સંગ્રહને 1990નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મળ્યું છે.

મણિલાલ હ. પટેલ