જૈન, નૈનમલ (જ. 1918) : રાજસ્થાની સાહિત્યકાર. તેમની કૃતિ ‘સગલાં રી પીડા સ્વાતમેઘ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1987ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1941માં એલએલ.બી.ની પરીક્ષા પાસ કર્યા પછી વકીલાતનો આરંભ કર્યો હતો.

નૈનમલ જૈન

ઍડ્વોકેટ તરીકેની તેમની લાંબી કારકિર્દીની સાથોસાથ તેમની  સાહિત્યિક ઉપાસનાનું સાતત્ય પણ રહ્યું. તેમણે કૉલેજ તથા યુનિવર્સિટીકાળ દરમિયાન જ હિંદીમાં કાવ્યો લખવાનું શરૂ કર્યું. તેમનાં એ કાવ્યો જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થતાં હતાં. તેમનાં રાજસ્થાની કાવ્યો તથા વિવિધ લેખો આકાશવાણીના જોધપુર કેન્દ્ર પરથી નિયમિત પ્રસારિત થતાં રહ્યાં હતાં. તેમણે 6 પુસ્તકો આપ્યાં છે તેમાંનાં 4 હિંદીમાં અને 2 રાજસ્થાનીમાં છે. ‘મ્હારી કવિતા’ તેમની રાજસ્થાની કવિતાનું સંકલન છે. ‘નૈનનિધિ’, ‘નિધુવન’, ‘પવનાંજના’ તથા ‘નેમિનાથ રાજુલ’ તેમનાં હિંદી પુસ્તકો છે.

તેઓ અનેક સાહિત્યિક તથા સરકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમણે અનેક સામાજિક, ધાર્મિક અને સાહિત્યિક સંસ્થાઓનો પ્રારંભ કરી તેને માર્ગદર્શન આપ્યું હતું. તેમની પુરસ્કૃત કૃતિ રાજસ્થાની કાવ્યોનો સંગ્રહ છે. તેમાંનાં વ્યંગ્ય અને રમૂજ, સ્પષ્ટ દૂરંદેશિતા, આધુનિકતાની સંવેદના તેમજ પ્રતીકોનો ઉપયોગ તથા શૈલીની સાદગી ધ્યાનપાત્ર છે. રાજસ્થાનીની તે એક મહત્વની કૃતિ લેખાય છે.

મહેશ ચોકસી