જેલ : ગુનાઇત કૃત્ય માટે સજા પામેલા કેદીઓને તથા ગુનામાં સંડોવાયેલી શકમંદ વ્યક્તિને ન્યાયાધીશના આદેશ અનુસાર  ટૂંકા સમય માટે અટકાયતમાં રાખવાનું સ્થળ. રાષ્ટ્ર કે સમાજના હિતને જોખમકારક કે હાનિકારક ગણાતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા માટે જુદા જુદા અટકાયતી ધારાઓ હેઠળ તેમને નજરબંધ રાખવા માટે પણ આવા સ્થળનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કાયમી કે હંગામી ધોરણે આવી જગ્યાઓ જાહેર કરવામાં આવેલી હોય છે અને તેમાં મધ્યવર્તી તુરંગ અને જિલ્લા કક્ષાની સ્થાનિક પેટાજેલોનો પણ સમાવેશ થાય છે. ગુનામાં સંડોવાયેલી વ્યક્તિને જેલમાં પૂરી રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ન્યાયાલય દ્વારા ફરમાવવામાં આવેલ શિક્ષાનો અમલ કરવાનો તો હોય છે જ; તે ઉપરાંત, આવી વ્યક્તિઓની હેરફેર પર નિયંત્રણ મૂકી સમાજના અન્ય ઘટકોને ગુનેગારોથી રક્ષણ પૂરું પાડવાનો તથા શાંતિ અને સુવ્યવસ્થા જાળવી રાખવાનો ઉદ્દેશ પણ તેમાં સમાયેલો હોય છે. ફોજદારી ગુના માટે એક વર્ષ કરતાં ઓછી સજા પામેલા ગુનેગારોથી માંડી જનમટીપની તથા ફાંસીની સજા પામેલા ગુનેગારોને પણ જેલમાં રાખવામાં આવતા હોય છે. કેટલીક જેલોમાં મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારોને ફાંસી આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી હોય છે. જુદા જુદા પ્રકારના કેદીઓને અને અટકાયતીઓને તેમના કારાવાસ દરમિયાન અપાતી સગવડો અંગે નિયમો અને ધારાધોરણો ઘડવામાં આવેલાં હોય છે જેનું વિવરણ ‘જેલ મૅન્યુઅલ’માં કરવામાં આવે છે. બંદી પર સતત દેખરેખ રાખવા માટે તથા જેલની સુરક્ષા જાળવી રાખવા માટે જુદા જુદા પ્રકારના રક્ષકોની નિમણૂક કરવામાં આવે છે. બંદી કયા વિસ્તારમાં, કયા સમયે, કયાં કારણોસર હરીફરી શકે, તે કોની સાથે કયા પ્રકારનો વ્યવહાર કરી શકે, તે કઈ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે, તેમને કઈ સગવડો આપી શકાય, કયા મુલાકાતીઓ કેટલા સમય માટે કોની હાજરીમાં મળી શકે, માંદગી દરમિયાન તેને કેવી સારવાર આપી શકે, કયાં કારણોસર તેને જેલની બહાર લઈ જવામાં આવી શકે વગેરે બાબતો અંગે ઘડવામાં આવેલા નિયમોનું ચુસ્ત પાલન કરાવવાની જવાબદારી જેલના રક્ષકોની હોય છે. જેલનો સંબંધ કાયદો અને સુવ્યવસ્થા સાથે હોવાથી તેનો વહીવટ સામાન્ય રીતે શાસનના ગૃહવિભાગમાં પોલીસખાતા નીચે મૂકવામાં આવેલો હોય છે.

ભૌગોલિક ર્દષ્ટિએ જેલોનું વર્ગીકરણ સ્થાનિક, જિલ્લા સ્તર કક્ષાની તથા મધ્યસ્થ (central) જેલ આ ત્રણ રીતે કરવામાં આવે છે. અન્ય રીતે પણ વર્ગીકરણ કરી શકાય છે. દા. ત., ખૂન, સામૂહિક હત્યા, ધાડ, અપહરણ, રાષ્ટ્રદ્રોહ જેવા જઘન્ય ગુનાઓ માટે સજા પામેલા કેદીઓને મહત્તમ સુરક્ષા જેલ(maximum security prison)માં રાખવામાં આવે છે. મૃત્યુદંડ પામેલા કેદીઓને આવી જ જેલમાં સજાના અમલ સુધી એકાંતવાસમાં એક અલાયદી કોટડીમાં પૂરી રાખવામાં આવે છે. ચોરી, મારામારી, સામાન્ય પ્રકારનો હુમલો જેવા નિમ્ન સ્તરના ગુના માટે શિક્ષા પામેલા ગુનેગારોને મધ્યમ સુરક્ષા જેલ(medium security prison)માં રાખવામાં આવે છે. આનાથી પણ સામાન્ય ગણાય તેવા ગુનાઓ માટે સજા પામેલા ગુનેગારોને લઘુતમ સુરક્ષા જેલ(minimum security prison)માં રાખવામાં આવે છે. કેટલીક જેલોને ખુલ્લી જેલો (open prisons) તરીકે પણ ઓળખવામાં આવે છે.

મહત્તમ સુરક્ષા જેલની ચોફેર ઊંચી, પથ્થરની મજબૂત દીવાલો અથવા કાંટાવાળા તારની ફરતી વાડ હોય છે. દીવાલો પર થોડા થોડા અંતરે નિરીક્ષણ સ્તંભો હોય છે. ઉચ્ચ શક્તિ ધરાવતા ફરતા ઝળહળતા પ્રકાશની જોગવાઈ હોય છે. આવા જેલના કેદીઓ માટેના નિયમો પણ ખૂબ કડક હોય છે. મધ્યમ સુરક્ષા જેલની ચોફેર પણ તારની વાડ તથા નિરીક્ષણ સ્તંભો હોય છે. મહત્તમ સુરક્ષા જેલના બંદોબસ્ત કરતાં અહીંનો બંદોબસ્ત તથા કેદીઓ માટેના નિયમો હળવા હોય છે, એટલું જ નહિ; પરંતુ તેમાં રાખવામાં આવેલા કેદીઓને વાચનાલય તથા રમતગમતની સગવડો પણ અપાય છે. લઘુતમ સુરક્ષા જેલમાં ઓછા ખતરનાક કેદીઓને રાખવામાં આવે છે અને તેમના માટે આરામદાયક ઓરડીઓ તથા આનંદપ્રમોદની વધુ સગવડો અપાય છે. આવા ત્રણ પ્રકારની જેલોમાં સ્ત્રી-ગુનેગારો માટે અલાયદા ખંડ તથા સુરક્ષા કર્મચારીઓ રાખવામાં આવે છે.

18 વર્ષ કરતાં ઓછી ઉંમરના કિશોર-ગુનેગારોને તરુણો માટેની જેલોમાં તથા બાળ-ગુનેગારોને રિમાન્ડ હોમ નામનાં સ્થાનોમાં રાખવામાં આવે છે, જેથી રીઢા કે ખતરનાક ગુનેગારોના સંપર્કથી તેમને મુક્ત રાખી શકાય.

કેટલીક વાર જેલોને સુધારાગૃહ (penitentiaries) તથા જેલ એવા બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સુધારાગૃહમાં ગુનેગારને રાખવાનો આશય તેને સજા કરવા કરતાં તેણે કરેલા ગુના માટે પ્રાયશ્ચિત્ત કરી સમાજના સામાન્ય પ્રવાહમાં તેને પુન:સ્થાપિત કરવાની તક પૂરી પાડવાનો હોય છે, જ્યારે જેલમાં કેદીને રાખવાનો મુખ્ય આશય તેણે કરેલા ગુના માટે શિક્ષા દ્વારા શારીરિક અને માનસિક વ્યથા આપી અપરાધ કરવો સારી વાત નથી એ ઠસાવવાનો હોય છે.

1776–87 દરમિયાન ઇંગ્લૅન્ડમાં સજા પામેલા ગુનેગારોને ટેમ્સ નદી પર જૂના, ભંગારમાં કાઢી નાખેલાં વહાણોનાં ખોખાંમાં ગોંધી રાખવામાં આવતા; પરંતુ ગુનેગારોની સંખ્યામાં જેમ જેમ વધારો થવા લાગ્યો તેમ તેમ આ પ્રકારની ‘તરતી જેલો’ (prison hulks) નાબૂદ કરવામાં આવી.

ગુના તથા ગુનેગારો અંગે તાજેતરનાં વર્ષો દરમિયાન સમાજનો અભિગમ બદલાયો છે. ભૂતકાળમાં ગુનેગારે કરેલા ગુનાનો બદલો (retribution) લેવા માટે તેને જેલમાં ગોંધી રાખી શારીરિક અને માનસિક ત્રાસ તથા યાતના આપવાનો અભિગમ હતો. આમ કરવાથી સમાજના સંભવિત ગુનેગારોને પાઠ ભણાવી શકાય અને તે દ્વારા ગુનેગારીનું પ્રમાણ ઘટાડી શકાય તેવી માન્યતા પ્રવર્તતી હતી. આ અંગેની આધુનિક વિચારસરણી મુજબ મોટા ભાગના ગુનેગારો જન્મથી ગુનાઇત માનસ (mens rea) ધરાવતા હોતા નથી; પરંતુ ગરીબી, બેકારી કે કાબૂ બહારની અન્ય આર્થિક અને સામાજિક વિટંબણાઓને કારણે અનૈચ્છિક રીતે ગુનાઇત કૃત્ય કરવા પ્રેરાતા હોય છે. આવા ગુનેગારોને માત્ર પ્રતિકારાત્મક સજા કરવાને બદલે તેમને સુધારવાની તક પૂરી પાડી સમાજમાં પુન:સ્થાપિત કરવાની સામાજિક ફરજ ગણવામાં આવે છે. આ નવા અભિગમના પરિણામ રૂપે જ હવે ‘પ્રાયશ્ચિત્ત-સુધાર જેલ’(penitentiary or reformatory or correctional prison)ની જોગવાઈ પર વધુ ભાર મૂકવામાં આવે છે. આવી જેલોમાં ગુનેગારો પર યાતના ગુજારવાને બદલે તે ફરી સારા અને કાયદાને વફાદાર નાગરિક બને તે માટે શિક્ષણ, વ્યાવસાયિક કૌશલ પ્રાપ્ત કરવા માટેના તાલીમવર્ગો, પરામર્શ (counselling) બેઠકો, સાધુસંતોનાં પ્રવચનો, વિદ્વાનોનાં વ્યાખ્યાનો જેવા પ્રકલ્પો હાથ ધરવામાં આવે છે. જેલોમાં હવે નિરક્ષરોને સાક્ષર કરવા, ઓછું ભણેલાઓને વધુ ભણવાની તક પૂરી પાડવા, ગુનેગારોમાં રહેલી સુપ્ત કલાત્મક શક્તિઓને પાંગરવા તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાં વાળવા, કુટુંબ અને સમાજ પ્રત્યેની તેમની જવાબદારીઓ પ્રત્યે સભાન કરવા માટે નક્કર સ્વરૂપના પ્રયત્નો કરવામાં આવે છે. દિલ્હી ખાતેની તિહાર જેલમાં તે જેલનાં નિયામક કિરણ બેદીના અભિનવ ર્દષ્ટિકોણ હેઠળ આ દિશામાં કરવામાં આવેલા પ્રયોગો ગુનેગારો અંગેના બદલાતા અભિગમનો સંકેત આપે છે. માર્ચ-એપ્રિલ 1995માં લેવામાં આવેલા નિર્ણય મુજબ સ્ત્રી-ગુનેગારોનાં બાળકોને જેલ બહારની શાળાઓમાં ભણવા માટે મોકલવાની શરૂઆત કરવામાં આવી છે. સ્ત્રી-ગુનેગારો માટેના અલાયદા ખંડો સાથે ઘોડિયાઘરની જોગવાઈ કરવામાં આવે છે, જ્યાં તેમનાં બાળકોની યોગ્ય દેખભાળ કરવામાં આવે છે.

જેલોમાં રાખવામાં આવતા કેદીઓના ગુનાનું સ્વરૂપ ધ્યાનમાં લઈને તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે અને તે મુજબ કેદીઓને અલગ અલગ ખંડોમાં રાખવામાં આવે છે.

માત્ર રાજકીય કારણોસર જેમને અટકાયતમાં રાખવામાં આવે છે તેમને વિશેષ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. દા. ત., તેમને વર્તમાનપત્રો, સામયિકો તથા અન્ય પ્રકારની વાચનસામગ્રી પૂરી પાડવી, તેમના ખંડોમાં આરામદાયક સગવડો આપવી, જેલમાં હરવાફરવા પર ઓછા પ્રતિબંધો લાદવા, તેમને સારો ખોરાક પૂરો પાડવો, તેમના મુલાકાતીઓ માટે હળવા નિયમો રાખવા વગેરે.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં વૈશ્વિક સ્તર પર ગુનેગારીનું પ્રમાણ તથા તેના સ્વરૂપમાં થયેલ ફેરફારોને લીધે જેલોના સંચાલનમાં કેટલીક નવી સમસ્યાઓ ઊભી થઈ છે. દા. ત., ભીડ (over-crowding), કાનૂની કાર્યવાહીમાં વિલંબ, આરોપી સામે કામ ચલાવ્યા વગર લાંબા સમય સુધી તેમની અટકાયત, રાજકીય અટકાયતીઓનું વધતું પ્રમાણ, મોટા ભાગની જેલોમાં હવા-પાણી-ઉજાસ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સુરક્ષા કર્મચારીઓની ઘટતી કાર્યક્ષમતા, કેદીઓ દ્વારા જેલની અંદર આચરવામાં આવતી ગુનેગારી (માદક પદાર્થોનું સેવન, જુગાર, શિસ્તના ધોરણમાં ઘટાડો વગેરે).

ભારતની આઝાદીની લડત દરમિયાન દેશના નેતાઓ તથા સ્વાતંત્ર્યસેનાનીઓને કેટલીક જેલોમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા, જેને પરિણામે તે જેલોએ ઐતિહાસિક મહત્ત્વ પ્રાપ્ત કર્યું છે. દા. ત., નાશિકની કેન્દ્રીય જેલ, અહમદનગરની જેલ, સાબરમતી જેલ, લાહોરની જેલ, નૈની જેલ, વિસાપુર જેલ, અલીપુર જેલ વગેરે. કાળાપાણીની સજા પામેલા કેદીઓને આંદામાનની કોષ્ઠ જેલ(સેલ્યુલર જેલ)નામે ઓળખાતી જેલમાં ગોંધી રાખવામાં આવતા, જ્યાં તેમના પર ભયંકર યાતનાઓ ગુજારવામાં આવતી. લોકમાન્ય ટિળકને બ્રહ્મદેશ(મ્યાનમાર)ની માંડલે જેલમાં 6 વર્ષની સજા ભોગવવા રાખવામાં આવેલા અને તેથી ભારતના આઝાદીના સંગ્રામમાં માંડલેનું નામ પણ મોખરે મુકાય છે. 1942માં ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન મહાત્મા ગાંધી, કસ્તૂરબા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈને પુણે ખાતેના આગાખાન પૅલેસમાં નજરકેદમાં રાખવામાં આવ્યાં હતાં – અને એ રીતે આગાખાન પૅલેસનો કામચલાઉ જેલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વિશ્વના આજ સુધીના ઇતિહાસમાં મોટામાં મોટી જેલ 40,000 કેદીઓની ક્ષમતા ધરાવતી ભૂતપૂર્વ સોવિયેટ સંઘની ખારકોવ જેલ ગણાય છે. સોવિયેટ સંઘની જ કારગન્દા તથા કોલીમા ખાતેની મોટામાં મોટી બંદી છાવણીમાં 1958માં 12થી 15 લાખ કેદીઓને ગોંધી રાખવામાં આવ્યા હતા. વિશ્વની અતિ ભીષણ જેલ તરીકે દક્ષિણ અમેરિકાના ફ્રેંચ ગુયાના ખાતેની સાં લોરાં દ્યુ મારોની જેલ ગણાય છે. તેમાં 1854થી 1953ના 100 વર્ષના ગાળામાં 70,000 કેદીઓમાંથી 68,000 જેલવાસ દરમિયાન મરણ પામ્યા હતા. ફ્રાન્સમાં બેસ્તિલ, બ્રિટનમાં લંડન ટાવર, અમેરિકામાં એલકત્રાઝ અને સિંગસિંગ તથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલૅન્ડમાં નાઝી ઔશવિત્ઝ જેલો વિશ્વમાં સૌથી નામચીન બની છે.

ઘનશ્યામ પંડિત