જેરૉનિમો, પોઝ મારિયા

January, 2012

જેરૉનિમો, પોઝ મારિયા (જ. જૂન 1829, મેક્સિકો; અ. 17 ફેબ્રુઆરી 1909, યુ.એસ.) : યુ.એસ.ની લશ્કરી સત્તા સામે માતૃભૂમિના રક્ષણ માટેના સંગ્રામની આગેવાની લેનાર અપૅચી પ્રજાનો નેતા. માતૃભૂમિ પર કબજો જમાવવા સતત પ્રયત્ન કરતા સ્પૅનિશ અને ઉત્તર અમેરિકનોનો નૈર્ઋત્ય વિસ્તારની આ અપૅચી પ્રજા પેઢી દર પેઢી સામનો કરતી આવી હતી. છેક 17 વરસની વયથી જેરૉનિમોએ પૂર્વજોની આ પરંપરા જાળવવાનું શરૂ કરી દીધું હતું. 1858માં એનાં સ્વજનો–માતા, પત્ની અને બાળકોની મેક્સિકન પ્રજાએ હત્યા કરતાં બળતામાં ઘી હોમાયું. મેક્સિકનો સામેનાં યુદ્ધોમાં બદલાની ભાવનાએ એનામાં અતિમાનવીય હિંમતનો સંચાર કર્યો. એ ઉપરાંત એની નિર્ણયશક્તિ અને વ્યવસ્થાશક્તિને લઈને ધીરે ધીરે એક નેતા તરીકે એનો સ્વીકાર થવા માંડ્યો. 1874માં યુ.એસ. તરફથી 4000 જેટલા અપૅચી લોકોને મધ્ય-પૂર્વના સાન કાર્લોસ નામના વેરાન પ્રદેશમાં સ્થળાંતર કરવાની ફરજ પાડવામાં આવી. પરંપરાપ્રાપ્ત હકો છીનવાઈ જતાં ખોરાક-પાણીની તંગી અનુભવતી, પોતાની માતૃભૂમિ માટે તલસતી આ પ્રજાએ જેરૉનિમોની આગેવાની હેઠળ આખા પ્રદેશમાં લૂંટફાટ ને ખુનામરકી કરવા માંડી અને એમ ગોરાઓની ઊંઘ હરામ કરી દીધી.

1870ના દાયકામાં લેફ્ટનન્ટ કર્નલ જ્યૉર્જ એફ. ક્રૂકે એ વિસ્તારમાં સ્થાપેલી થોડીઘણી શાંતિ એમના ઉત્તરાધિકારીઓને જાળવી રાખતાં ન આવડી અને ગોરી પ્રજા સામેનું યુદ્ધ ફરી ચાલુ થયું. 1884માં ક્રૂકને એરિઝોનામાં ફરી એક વાર આ રેડ ઇન્ડિયનો સામેના યુદ્ધ માટે નીમવામાં આવ્યા. જાન્યુઆરી 1884માં જેરૉનિમોએ શરણાગતિ સ્વીકારી પણ ફરી એક વાર મે 1885માં 35 પુરુષો, 8 છોકરાં અને 101 સ્ત્રીઓ સાથે એ આરક્ષિત વગડામાંથી ભાગી ગયો. 10 મહિના સુધી લશ્કરને હંફાવ્યા બાદ 27 માર્ચ, 1886ના દિવસે તેણે શરણાગતિ સ્વીકારી. પણ કતલની બીકે સરહદ પરથી વળી પાછો થોડા સાથીઓ સાથે એ ભાગી નીકળ્યો. ક્રૂકની જગ્યાએ બ્રિગેડિયર જનરલ નેલ્સન એ. માઇલ્સને નીમવામાં આવ્યા.

આ છેલ્લી ઝુંબેશમાં જુદે જુદે સમયે 5000 જેટલા ગોરા સૈનિકો અને 500 જેટલા રેડ ઇન્ડિયન મદદનીશોનો જંગી કાફલો તેની નાનકડી ટોળકીને ઝબ્બે કરવા રણમાં ઉતારવામાં આવ્યો હતો. 5 મહિનાની 2630 જેટલા કિમી.ની રઝળપાટ પછી એમને સોનોરા પર્વતમાળામાં તેની ભાળ લાગી. ફ્લૉરિડામાં અચોક્કસ મુદતની હકાલપટ્ટી બાદ એને અને એની ટોળકીને એમના માદરે વતન એરિઝોનામાં પાછા આવવા દેવામાં આવશે એવું વચન આપી માઇલ્સે જેરૉનિમોને 3 સપ્ટેમ્બર, 1886ની મસલતમાં શરણાગતિ સ્વીકારવા લલચાવ્યો. ગોરાઓએ વચનભંગ કર્યો. એની આખી ટોળકી સાથે એને કેદમાં કાળી મજૂરી કરવા ધકેલી દીધો. છેક 1887 સુધી એ પોતાના કુટુંબને મળી પણ નહોતો શક્યો. 1894માં એણે ગોરા લોકોની જીવનરીતિ અપનાવવાનો પ્રયત્ન કરી જોયો. એણે ખેતીકામ કરવા માંડ્યું અને ખ્રિસ્તી ધર્મ પણ અપનાવ્યો. એ જુગાર ન છોડી શક્યો અને એને કારણે ખ્રિસ્તી સંઘમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો. પોતાના માદરે વતન એરિઝોનામાં તો એ પાછો ન જ જઈ શક્યો. મૃત્યુ પહેલાં એણે એસ.એસ. બાર્રેટ આગળ રજૂ કરેલી કથા ‘જેરૉનિમો : હિઝ ઓન સ્ટોરી’ નામે પ્રકાશિત થઈ.

ફ્રાન્સિસ પરમાર