જેઠવા વંશ : સૌરાષ્ટ્રનો સૌથી જૂનો રાજવંશ. જેઠવાઓ સૌરાષ્ટ્રમાં ક્યારે આવ્યા અને જેઠવા તરીકે કઈ રીતે ઓળખાયા એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. તેઓ જ્યાં રાજ્ય કરતા હતા એ પ્રદેશ દસમી સદીની મધ્યમાં જ્યેષ્ઠુકદેશ તરીકે ઓળખાતો હતો. ડૉ. વિલ્સન એમને જાટ તરીકે ઓળખાવે છે, જ્યારે ડૉ. જૅક્સન એમને હૂણ લોકોની ‘યેથા’ શાખામાંથી ઊતરી આવેલા માને છે. ડૉ. અલ્તેકર એમને સૈન્ધવોના વંશજો ગણીને સૈન્ધવોના પૂર્વજ જયદ્રથ ઉપરથી જેઠવા તરીકે ઓળખાયા હોવાનું માને છે. એક એવી પણ માન્યતા છે કે મગધના રાજા પુષ્યમિત્ર શુંગનો પૌત્ર (અગ્નિમિત્રનો પુત્ર) જ્યેષ્ઠ-મિત્ર બૅક્ટ્રિયન ગ્રીકોને હરાવવા સૌરાષ્ટ્રમાં આવ્યો હતો. એ પછી એનું શું થયું એ જાણવા મળતું નથી. એ કદાચ સૌરાષ્ટ્રમાં જ રોકાઈ ગયો હોય અને એના વંશજો જેઠવા તરીકે ઓળખાયા હોય એવું અનુમાન કરવામાં આવે છે. જેઠવા વંશમાં એક જેઠીજી નામના રાજા થઈ ગયા. એના વંશજોએ પોતાને જેઠવા તરીકે ઓળખાવ્યા હોય એવી પણ માન્યતા છે.

શરૂઆતમાં જેઠવાઓ શ્રીનગરમાં રહીને રાજ્ય કરતા હતા, જે અત્યારે દરિયાકિનારે આવેલું નાનું ગામ છે. નવમી સદીના અંતમાં એમણે એમની રાજધાની શ્રીનગરથી ઘૂમલીમાં ફેરવી. 1392 સુધી, એટલે કે લગભગ 500 વર્ષ સુધી, એ રાજધાની ઘૂમલીમાં રહી. ત્યારબાદ રાણપુર પાટનગર બન્યું. રાણપુરથી 1550 આસપાસ છાયા નામના ગામમાં રાજધાની લઈ જવામાં આવી. 1700 આસપાસ રાણા ખીમજીએ છાયાને બદલે પોરબંદરને પાટનગર બનાવ્યું.

ચારણોની અનુશ્રુતિ પ્રમાણે હનુમાનના પ્રસ્વેદબિંદુમાંથી ઉત્પન્ન થયેલ મકરધ્વજ જેઠવાઓના મૂળપુરુષ હતા. મકરધ્વજથી શરૂ કરીને છેલ્લા રાજવી નટવરસિંહ સુધીમાં આ રાજવંશમાં કુલ 185 રાજવીઓએ રાજ્ય કર્યું હોવાનું માનવામાં આવે છે. આમાંના 100મા રાજવી ચાંપસેને કનકસિંહ ચૌહાણની પુત્રીના સ્વયંવરમાં ભાગ લીધાનો ઉલ્લેખ છે. આ વંશના શિયોજી નામના રાજાએ એના ભત્રીજા હલામણ પાસેથી ઘૂમલીનું રાજ્ય પડાવી લીધું. તેથી હલામણે સિંધના રાજાની મદદથી શિયોજીને મારી નાખીને ઘૂમલીનું રાજ્ય પાછું મેળવ્યું. 1000ની આસપાસ નાગજી નામના રાજાએ એના પુત્ર વિકિયાજીને ઘૂમલીનું રાજ્ય આપી પોતે બીજા પુત્ર નાગાર્જુન સાથે ઢાંકમાં જઈને રહ્યા. નાગાર્જુન રસાયણશાસ્ત્રનો મોટો વિદ્વાન હતો અને એણે ‘રસરત્નાકર’ નામનું પુસ્તક લખ્યું હતું. 1194માં મહમ્મદ ઘોરીના સેનાપતિ કુત્બુદ્દીન ઐબકે આ વિસ્તાર પર આક્રમણ કર્યું હતું.

આ વંશના એક રાજા ભાણ જેઠવા સાથે સોન કંસારીની વાત જોડાયેલી છે. ભાણ જેઠવો એના ભત્રીજાના અવસાન પછી સતી થવાની ઇચ્છા રાખનાર એની પત્ની સોન કંસારી સાથે લગ્નની ઇચ્છા રાખતો હતો. તેથી સોન કંસારીએ શાપ આપ્યો કે એની ઘૂમલી થોડા સમયમાં નાશ પામશે. આ ભાણ જેઠવો 1360માં અવસાન પામ્યો. એ પછી કચ્છના રાજા જામ ઉન્નડજીના પુત્ર બામણિયોજીએ ઘૂમલી જીતી લઈને 1392માં એનો વિનાશ કર્યો. એ પછી જેઠવાઓ નિરાધાર જેવી સ્થિતિમાં આવ્યા અને એક સ્થાનેથી બીજા સ્થાને ફરતા રહ્યા.

ઘૂમલીના પતન પછી જેઠવા કુળના વંશજો અનુક્રમે રાણપુર, છાયા અને પોરબંદરમાં આવીને રહ્યા. એમણે પોરબંદરને મુખ્ય મથક બનાવીને ફરીથી રાજ્ય જમાવ્યું. ઓગણીસમી અને વીસમી સદીમાં અનુક્રમે રાણા સરતાનજી, ખીમાજી, વિકમાતજી, ભાવસિંહજી અને નટવરસિંહજીએ રાજ્ય કર્યું. 1948માં એ સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીન બન્યું.

મુગટલાલ પોપટલાલ બાવીસી