જેઠવાણી, હરિકાન્ત

January, 2012

જેઠવાણી, હરિકાન્ત [જ. 1935, જેકોબાબાદ, સિંધ (હાલ પાકિસ્તાન); અ. 1994] : જાણીતા સિંધી કવિ, વાર્તાકાર, નાટ્યકાર, પત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સોચ જૂં સૂરતૂં’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો.

સિંધનાં જુદાં જુદાં નગરોમાં શાળાકીય અભ્યાસ. ભારતના ભાગલા બાદ ભારતમાં સ્થળાંતર અને અજમેર ખાતે સ્થાયી થયા. પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. હિંદી સાહિત્ય સંમેલન, પ્રયાગમાંથી સાહિત્યરત્નની પદવી મેળવી. ત્યારબાદ દિલ્હી ખાતે ઑલ ઇન્ડિયા રેડિયોમાં સંદેશાવાચક તરીકે જોડાયા અને દિલ્હી યુનિવર્સિટીમાં દર્શન અને મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1993માં ઑલ ઇન્ડિયા રેડિયોમાંથી સિંધી એકમના વડા તરીકે નિવૃત્ત થયા. પત્રકાર તરીકે જીવનનો પ્રારંભ કર્યો અને 5 વર્ષ કેન્દ્રીય સૂચના સેવામાં રહ્યા.

તેમણે કિશોરાવસ્થામાં કાવ્યો અને વાર્તાઓ લખવાં શરૂ કર્યાં. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રીહં ખૉં પહરિં’ (સૂર્યોદય પહેલાં) 1961માં પ્રગટ થયો અને તેમને કવિ તરીકેની પ્રતિષ્ઠા મળી. તેમનાં 11 પુસ્તકોમાં 3 અનુવાદનાં છે અને 2 નાટ્યસંગ્રહો અને 4 કાવ્યસંગ્રહો છે.

હરિકાન્ત જેઠવાણી

તેમના અન્ય કાવ્યસંગ્રહોમાં ‘ઉધારા આવાજ’ (1981), ‘એક ટુકડા ઇતિહાસ’ (1982, હિંદી), ‘લપ ભર રોશની’ (1987), અને ‘સોચ જૂં સૂરતૂં’ ઉલ્લેખનીય છે. તેમના વાર્તાસંગ્રહ ‘ફહલજનદડ રેગિસ્તાન’ને શિક્ષા મંત્રાલયનો પુરસ્કાર મળ્યો છે. તેમની કેટલીક વાર્તાઓનો અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમનું નાટક ‘મકાન ખાલી આહે’ દૂરદર્શન પર પ્રસારિત થઈ ચૂક્યું છે.

પુરસ્કૃત કૃતિ શૈલી અને સ્વરમાં આધુનિક, સાહજિક તથા આવેગપૂર્ણ હોવાથી વાચક પર તે તાત્કાલિક પ્રભાવ પાડે છે. એ કૃતિમાં બૌદ્ધિક ઓજસ્વિતા, પદરચનાનો અભિનવ પ્રયોગ, રૂપકોની તાજગી તથા ઉપમાઓ જોવા મળે છે.

બળદેવભાઈ કનીજિયા