જીવનવીમા નિગમ

January, 2012

જીવનવીમા નિગમ : ભારતમાં જીવનવીમા ઉદ્યોગમાં જાહેર ક્ષેત્રની એકમાત્ર સ્વાયત્ત સંસ્થા. 18 જૂન, 1956ના રોજ સંસદે પસાર કરેલો કાયદો 1 જુલાઈ, 1956થી અમલમાં આવ્યો અને 1 સપ્ટેમ્બર, 1956થી જીવનવીમા નિગમ અસ્તિત્વમાં આવ્યું. વીમા-ઉદ્યોગ 245 પેઢીઓ રૂપે ખાનગી ક્ષેત્રમાં હતો તે એક નિગમ રૂપે જાહેર ક્ષેત્ર હેઠળ આવ્યો. નિગમ જાહેર ક્ષેત્રમાં હોવા છતાં, એક સ્વાયત્ત સંસ્થા છે. જીવનવીમાનું રાષ્ટ્રીયકરણ કરવાનો હેતુ, બચત કરવાનાં માધ્યમોને વિસ્તૃત બનાવવાનો તેમજ રાષ્ટ્રીય યોજનાઓ માટે નાણાં મેળવવાનો હતો. નિગમને કાયદા દ્વારા સોંપાયેલી જવાબદારીઓ જેવી કે સંપૂર્ણ સલામતી, સસ્તા દર, પૉલિસી માટેની સારી શરતો તથા કરકસરયુક્ત વહીવટ સારી રીતે પાર પાડીને તેણે લોકોનો વિશ્વાસ સંપાદન કર્યો.

નિગમના 15 સભ્યો છે. કેન્દ્રીય કાર્યાલય મુંબઈમાં તથા 6 ક્ષેત્રીય કાર્યાલયો મુંબઈ, કૉલકાતા, દિલ્હી, કાનપુર, હૈદરાબાદ અને ચેન્નાઈ ખાતે છે. મંડળ-કાર્યાલયો 81 છે તથા શાખા-કાર્યાલયો 1774 છે. તેમાં સમય જતાં ઉમેરો થતો રહે છે. તેના એજન્ટો લગભગ 5 લાખ છે. આ ઉપરાંત લંડન, ફિજી અને મૉરિશિયસ ખાતે શાખા કાર્યાલયો છે. નિગમની પૉલિસી હેઠળની વીમાની રકમો તથા જાહેર કરેલ બોનસની ચુકવણી અંગે ભારત સરકારે બાંયધરી આપી છે, તેથી વીમો ઉતરાવનારને સંપૂર્ણ સલામતી મળે છે.

કાયદા હેઠળ, નિગમ ઓછામાં ઓછું દર બે વર્ષે એક વાર, તેના કામકાજની પરિસ્થિતિ વિશે વીમા-ગણિતજ્ઞ (actuary) પાસે તપાસ કરાવે છે. આવી તપાસમાં, નિગમની આર્થિક જવાબદારીઓની મુલવણીનો પણ સમાવેશ થાય છે. હવે નિગમ દર વર્ષે કામકાજનું  મૂલ્યાંકન કરે છે અને નફા સહિતની પૉલિસી ઉપર બોનસ જાહેર કરે છે. આવી તપાસને પરિણામે જે પુરાંત નીકળે તેના 95 % કેન્દ્ર સરકાર નક્કી કરે તો તેથી વધુ રકમ નિગમના પૉલિસી-ધારકોને ફાળવવામાં આવે છે. વીમા-ગણિતજ્ઞનો અહેવાલ કેન્દ્ર-સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે છે. નિગમની દૈનિક આવક રૂ. 30 કરોડથી વધારે છે. તેમાં 20 કરોડ પ્રીમિયમની આવક છે. સમય અનુસાર નિગમ લોકોની આકાંક્ષા પ્રમાણે નવી નવી પૉલિસી-યોજનાઓ પ્રસ્તુત કરે છે.

ઈન્દુભાઈ દોશી