જિન્ગોએલ્સ

January, 2012

જિન્ગોએલ્સ : અનાવૃત બીજધારી વનસ્પતિઓનો એક સમૂહ. તે આજથી 19 કરોડ વર્ષો પહેલાં ફૂલ્યોફાલ્યો હતો. પછી સમગ્ર સમૂહ નષ્ટ થયો. તેનો એક જ જીવંત સભ્ય હવે જોવા મળે છે. એવું મનાય છે કે

જિન્કગો બાઇલોબા

કોર્ડટેઇટીસ અને સાયકેડોફીલીકેલ્સ નામની હાલ અશ્મીભૂત વનસ્પતિમાં તેના પૂર્વજો હતા. જિન્કગો બાઇલોબા નામ ધરાવતી આમાંની એક જ વનસ્પતિ હાલ જોવા મળે છે. પર્મિયન કાળથી 1920 કરોડ વર્ષોનાં મળતાં અશ્મિલો તેના અસ્તિત્વનો સમય દર્શાવે છે. જુરાસિક યુગ દરમિયાન આ સમૂહની અનેક પ્રજાતિઓ વસતી, જે 13 કરોડ વર્ષો સુધી ટકી. તેની આશરે 50 પ્રજાતિઓ હતી, જેમાંની હાલ એક જ જિન્કગો બાઇલોબા હયાત છે. અલબત્ત, તેમની જુદી જુદી જાતો છે માટે તેને ‘જીવંત-અશ્મિલો’ (living fossil) કહેવામાં આવે છે.

ચીનના ગરમ પ્રદેશોમાં તે જીવી ગયું અને બૌદ્ધ મઠોમાં પવિત્ર વૃક્ષ તરીકે સચવાઈ રહ્યું. જોકે હાલ તો સમધાત હવામાન ધરાવતા જગતના બધા જ ભૌગોલિક પ્રદેશોમાં તે ઉગાડવામાં આવે છે.

જિન્કગોનું પર્ણ હંસરાજને મળતું આવે છે, જ્યારે અન્ય લક્ષણો સપુષ્પી વનસ્પતિઓને મળતાં આવે છે. માટે વનસ્પતિશાસ્ત્રીઓ તેને ‘ખૂટતી કડી’ (missing link) કહે છે. હાલમાં આવાં બે જાતનાં લક્ષણો ધરાવતા જિન્કગો સિવાય અન્ય વૃક્ષ અસ્તિત્વ ધરાવતું નથી.

અગાઉ ફક્ત ચીન અને જાપાનના બૌદ્ધ મઠો તથા દેવળોમાં શોભા રૂપે તે ઉગાડવામાં આવતું. આ વૃક્ષ હાલ તો સમસ્ત જગતમાં ફેલાયેલું છે.

જિન્કગો બાઇલોબા (Ginkgo biloba)નું સામાન્ય નામ ‘મેઇડન હૅર ફર્ન’ (maidenhair fern) છે : તેનું 20થી 36 મીટર ઊંચું વૃક્ષ છે તેમજ તેનાં પર્ણો શાખાને છેડે નીકળે છે અને પંખાકાર હોય છે. તે પાનખર વૃક્ષ છે. તેનાં નર અને માદા એમ બંને વૃક્ષો અંડકો અને બીજ ધરાવતાં હોય છે. બીજ પુષ્પદંડની ટોચે જોવા મળે છે. બીજનું બાહ્યાવરણ માંસલ હોય છે, પરંતુ મધ્યમાં તે કઠણ હોય છે. તેનાં મીંજ-મગજને શેકીને ખવાય છે. પરંતુ, બાહ્યાવરણનું માંસલ કવચ ખોરા માખણ જેવી વાસ મારતું તેમજ ચામડીને દાહક હોય છે.

અવિનાશ બાલાશંકર વોરા