જિંદાલ, સજ્જન

December, 2023

જિંદાલ, સજ્જન (જ. 5 ડિસેમ્બર 1959, કોલકાતા) : જેએસડબલ્યુ ગ્રૂપ ઓફ કંપનીઝના ચૅરમૅન અને ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ. ગ્રૂપની વિવિધ કંપનીઓ સ્ટીલ, ખાણ-ખનીજ, ઊર્જા, સિમેન્ટ, રમતગમત, માળખાગત સુવિધા તેમજ સૉફ્ટવેર ડેવલપમેન્ટ જેવાં ક્ષેત્રોમાં કાર્યરત. પિતા ભારતીય ઉદ્યોગપતિ અને સાંસદ ઓમ પ્રકાશ જિંદાલ. માતા સાવિત્રી જિંદાલ, જેઓ વર્ષ 2021માં ભારતની ધનિક મહિલાઓમાં ટોચનું સ્થાન ધરાવતાં હતાં. તેમણે પ્રારંભિક શિક્ષણ કોલકાતામાં. બૅંગાલુરુની રમૈયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅકનૉલૉજીમાંથી મિકૅનિકલ ઇજનેરીમાં સ્નાતકની ઉપાધિ મેળવી.

વર્ષ 1982માં તેઓ ઓ. પી. જિંદાલ ગ્રૂપમાં સામેલ થયા અને થોડા મહિનાઓમાં તેમને પશ્ચિમ ભારતની કામગીરી સંભાળવા મુંબઈ મોકલવામાં આવ્યા. પિતા ઓમ પ્રકાશ જિંદાલે મુંબઈ નજીક કાર્યરત બે પ્લાન્ટને ખોટમાંથી નફો કરતી કરવાનો પડકાર ફેંક્યો. સજ્જન જિંદાલે આ પડકાર સફળતાપૂર્વક પાર પાડ્યો. 1989માં તેમણે કોલ્ડ રોલ્ડ અને ગૅલ્વેનાઇઝ શીટનું ઉત્પાદન કરવા જિંદાલ આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની લિમિટેડ(જિસ્કો)ની સ્થાપના કરી. વર્ષ 1995માં ઉત્પાદનની પ્રક્રિયાનું સંપૂર્ણ સંકલન કરવા જિંદાલ વિજયનગર સ્ટીલ લિમિટેડ (જેવીએસએલ), જેએસડબલ્યુ એનર્જી લિમિટેડ (જેએસડબલ્યુઇએલ), જિંદાલ પ્રેક્સએર ઑક્સિજન લિમિટેડ (જેપીઓસીએલ) અને વિજયનગર મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ (વીએમપીએલ)ની સ્થાપના કરી. વર્ષ 2005માં તેમની સ્ટીલ કંપનીઓ જિસ્કો અને જેવીએસએલને જેએસડબલ્યુમાં વિલીન કરી. પછી તેમને ‘સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા’નું બિરુદ મળ્યું. આ કંપનીએ ફોર્ચ્યુન 500 કંપનીઓમાં 24મું સ્થાન મેળવ્યું છે.

ગ્રૂપ ભારત સહિત અમેરિકા, ચિલી, યુરોપ અને યુએઇ એમ સમગ્ર વિશ્વમાં કામગીરી ધરાવે છે. આ રીતે ગ્રૂપ ભારતનું બહુરાષ્ટ્રીય ગ્રૂપ છે.

વર્ષ 2009માં જેએસડબલ્યુ સ્ટીલ લિમિટેડ ભારતની ત્રીજી સૌથી મોટી સ્ટીલ કંપનીઓ પૈકીની બની. કંપની અદ્યતન ટૅકનૉલૉજીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ સ્ટીલનું ઉત્પાદન કરવા માટે પણ પ્રસિદ્ધ છે.

વર્ષ 2014માં ઇન્ડિયન સ્ટીલ ઍસોસિયેશન સ્થાપિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. વર્ષ 2021-22માં વર્લ્ડ સ્ટીલ ઍસોસિયેશનના ચૅરમૅન બન્યાં અને તેમણે પોસ્કોના જિઓંગ-વૂ ચોઈનું સ્થાન લીધું.

વર્ષ 2005માં પિતા ઓ. પી. જિંદાલનું હેલિકૉપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું. તે પછી જિંદાલ ગ્રૂપનું નેતૃત્વ માતા સાવિત્રીએ સંભાળ્યું. ચાર ભાઈઓ વચ્ચે સરખે ભાગે સંપત્તિની વહેંચણી કરી અને ભાઈઓ પોતાની માલિકી ધરાવતા હોય એ કંપનીઓમાં એકબીજાનો હિસ્સો ધરાવે એ સુનિશ્ચિત કર્યું. આ રીતે ભારતીય સંયુક્ત પરિવારનાં મૂલ્યો જાળવ્યાં.

વર્ષ 2008માં સજ્જન જિંદાલ એસોચેમના પ્રમુખ બન્યા. તેમનો સામાજિક સંસ્થાઓમાં સક્રિય ફાળો રહ્યો છે. તેઓ ટેરી સ્કૂલ ઓફ એડવાન્સ સ્ટડીઝની સલાહકાર સમિતિના સભ્ય છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેટલ્સ અને ક્રિયા યુનિવર્સિટીની પરિષદોના સભ્ય છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મૅનેજમેન્ટ ઇન્દોરના બોર્ડના સભ્ય પણ છે. વર્ષ 2023માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅકનૉલૉજી, તિરુપતિના બોર્ડ ઓફ ગવર્નર્સના  અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક થઈ. સાથે સાથે તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી, બૉમ્બેમાં સેન્ટર ઑફ એક્સલન્સ ઇન સ્ટીલ ટૅકનૉલૉજી (સીઓઇએસટી)ના પ્રોફેસર ચેર પણ છે.

વર્ષ 2014માં તેમને ભારત સરકારના સ્ટીલ મંત્રાલયે નેશલ મેટલર્જિસ્ટ ઍવૉર્ડઃ ઇન્ડસ્ટ્રી એનાયત કર્યો હતો. વર્ષ 2017માં મેટલર્જિકલ ઉદ્યોગમાં કૉર્પોરેટ લીડરશિપમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આઇઆઇએમ-જેઆરડી ટાટા ઍવૉર્ડ એનાયત થયો. વર્ષ 2018માં બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા સીઇઓ ઓફ ધ યર ઍવૉર્ડ એનાયત થયો. વર્ષ 2019માં બિઝનેસ ટૂડે મૅગેઝિન દ્વારા બેસ્ટ સીઇઓ ઍવૉર્ડ મળ્યો. વર્ષ 2022માં અર્નેસ્ટ ઍન્ડ યંગ આંતરપ્રિન્યોર ઓફ ધ યર ઍવૉર્ડ એનાયત થયો.

સજ્જન જિંદાલના લગ્ન સંગીતા જિંદાલ સાથે થયાં છે, જેઓ જેએસડબલ્યુ ફાઉન્ડેશનના ચૅરપર્સન છે. દંપતી બે પુત્રી તારિણી અને તન્વી તેમજ એક પુત્ર પાર્થ એમ કુલ ત્રણ સંતાનો ધરાવે છે.

સજ્જન જિંદાલ ગ્રૂપની સફળતા માટે પાંચ પરિબળોને શ્રેય આપે છે :  કટિબદ્ધતા, સાહસ, ઝડપથી ગુણવત્તાયુક્ત કામગીરી, જોડાણ અને દરેક પ્રત્યે સંવેદના.

કેયૂર કોટક