જાવા સમુદ્ર : ઇન્ડોનેશિયાના કુલ 3000 ટાપુઓમાંના ઘણા ટાપુઓને આવરી લેતો સમુદ્ર. તેનો કુલ વિસ્તાર આશરે 20 લાખ ચોકિમી. જેટલો છે. તે 5° ઉત્તર અક્ષાંશથી 7° દક્ષિણ અક્ષાંશ અને 102°થી 118° પૂર્વ રેખાંશ વચ્ચે વિષુવવૃત્તની આજુબાજુ આવેલો છે. તેની પશ્ચિમ બાજુએ સુમાત્રા, દક્ષિણમાં જાવા અને બાલી, ઉત્તરમાં બોર્નિયો અને પૂર્વમાં સેલિબિસ ટાપુ આવેલા છે. સુમાત્રા, કાલીમન્તાન(બોર્નિયો), જાવા અને સેલિબિસ ટાપુઓની નાનીમોટી નદીઓ તેને આવીને મળે છે. આ સમુદ્રમાં ખંડીય છાજલીનું પ્રમાણ વિશેષ છે. તેની ઊંડાઈ સામાન્ય છે. તેનો વિસ્તાર બારેમાસ વરસાદવાળો છે. તેમાં નવા પાણીનો સતત ઉમેરો થતાં ક્ષારતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પાણીના બાષ્પીભવનનું પ્રમાણ પણ ઊંચું છે.

આ સમુદ્રની ઉત્તરે દક્ષિણ ચીન સમુદ્ર, પૂર્વે ફ્લોરિસ સમુદ્ર અને ઈશાન દિશામાં સેલિબિસ સમુદ્ર આવેલા છે. મલેશિયા અને સુમાત્રા ટાપુ વચ્ચે મલાક્કાની સામુદ્રધુની મારફત તેમાં પ્રવેશ કરી શકાય છે. કાલીમન્તાન અને સેલિબિસ વચ્ચે મકાસ્સર સામુદ્રધુની છે. સુમાત્રા અને જાવા ટાપુઓ વચ્ચે આવેલી સુંદા સામુદ્રધુની મારફત પણ તેમાં પ્રવેશ કરી શકાય.

ઇન્ડોનેશિયાના આર્થિક વિકાસમાં જાવા સમુદ્રનો ફાળો સૌથી વિશેષ છે. તેના પર જાકાર્તા, સુરબાયા, પાલમબાગ જેવાં મહત્વનાં બંદરો વિકસ્યાં છે. મલેશિયા અને સિંગાપોર માટે પણ આ સમુદ્ર તેટલો જ મહત્ત્વનો ગણાય છે. આ ત્રણે દેશોના આયાતનિકાસ વેપારમાં તેનો ફાળો વિશેષ રહ્યો છે.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ