જાવા માનવ : પ્રાચીન કાળમાં અસ્તિત્વ ધરાવતી હોમો ઇરેક્ટસ પ્રજાતિનો આદિમાનવ. આ માનવીના જીવાવશેષો સૌપ્રથમ 1891–93માં યુવાન ડચ શરીરરચનાવિજ્ઞાની (anatomist) યુજેન દુબ્વાએ જાવા દ્વીપમાં સોલો નદીના કાંઠે આવેલ ટ્રિનિલ ખાતેથી શોધી કાઢ્યા હતા. દુબ્વાને મળેલાં હાડકાંમાં નીચા ઘાટની, જાડાં હાડકાંવાળી, ભ્રમર ઉપર આગળ પડતી ધાર ધરાવતી ખોપરી તથા વિકસિત જાંઘનાં હાડકાંનો સમાવેશ થાય છે. તે પરથી લાગે છે કે તે માનવી ખૂબ ચાલવા ટેવાયેલો હશે. અગાઉ જર્મન જીવવિજ્ઞાની (biologist) અર્ન્સ્ટ હૅકેલે કરેલા સૂચન પરથી દુબ્વાએ આ પ્રાણીનું નામ ‘પિથેકેન્થ્રોપસ ઇરેક્ટસ’ (ટટાર કપિ-માનવ) એવું રાખ્યું હતું. પાછળથી તેને હોમો ઇરેક્ટસ તરીકે ઓળખાવવામાં આવ્યું.

1920ના દશકના ઉત્તરાર્ધમાં ઉત્તર ચીનમાં બેજિંગ(પેકિંગ)માંથી પણ આવા જીવાવશેષો મળી આવેલા જેને સીનેન્થ્રોપસ પેકિનેન્સિસ (પેકિંગ માનવ) નામ આપવામાં આવ્યું હતું. જાવા માનવનો સમય તેની પહેલાંનો માનવામાં આવે છે.

જાવા માનવની અવિકસિત ખોપરી તથા સાથળનાં વિકસિત હાડકાંના જીવાવશેષો એકીસાથે મળવાને લીધે વિવાદનો વંટોળ ઊભો થયો હતો. પણ પાછળથી 7થી 9 લાખ વર્ષ પૂર્વેના વધુ અવશેષો મળતાં વિવાદનો અંત આવ્યો હતો. મોડજોકાર્તામાંથી 1936માં મળી આવેલા પાંચ વર્ષના બાળકના અવશેષ એમ દર્શાવે છે કે હોમો ઇરેક્ટસ 10થી 5 લાખ વર્ષ પૂર્વે જાવામાં વસેલો. ચીન, આફ્રિકા અને યુરોપમાંથી મળતા અવશેષો એક જ પ્રકારના હોવાથી તે ‘ટટાર માનવ’ના છે તેમ નક્કી થયું છે. આ માનવી મોટો ચહેરો, નીચું ઢળતું કપાળ, ભરાવદાર જડબાં, મોટા દાંત, ભ્રમરનાં આગળ પડતી ધારવાળાં હાડકાં ધરાવતો હતો. તેને હડપચીનો ભાગ ન હતો. તેની ઊંચાઈ 1.57થી 1.72 મી. હોવાનું મનાય છે.

શિવપ્રસાદ રાજગોર