જામનગર જિલ્લો : પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કચ્છના અખાતના દક્ષિણ કિનારે આવેલો જિલ્લો. તે 21° 47’ અને 22° 57’ ઉ. અ. અને 68° 57’ અને 70° 37’ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કચ્છનો અખાત, પૂર્વ તરફ રાજકોટ જિલ્લો, દક્ષિણે જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લો અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે. આ જિલ્લો અગાઉ આ વંશના આદ્ય સ્થાપક જામ હાલાજીના નામ ઉપરથી હાલાર તરીકે ઓળખાતો હતો. આ જિલ્લામાં 10 તાલુકાઓ, 12 શહેરો અને 693 ગામડાં છે. જિલ્લાનો વિસ્તાર 14,125 ચોકિમી. છે.

જિલ્લાના ઉત્તર અને પૂર્વ ભાગમાં રણ અને ઉત્તર-પશ્ચિમે દરિયાકિનારે રેતીના ઢૂવાની હારમાળા છે. ઓખા અને જામખંભાળિયા વચ્ચે કળણો અને વેરાન ખારોપાટ છે જે રણ તરીકે ઓળખાય છે. ભાણવડ તાલુકાનો મોટો ભાગ ડુંગરાળ છે, જ્યારે જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકાઓનો થોડો ભાગ ડુંગરાળ છે. તેના જોડિયા, જામનગર, કલ્યાણપુર, ખંભાળિયા અને ઓખામંડળ તાલુકા સપાટ છે. દરિયાકિનારા નજીકના નીચાણવાળા સપાટ ભાગમાં મોટી ભરતી વખતે દરિયાનું પાણી ફરી વળે છે. ખારાપાટવાળો ભાગ 26 કિમી. લાંબો અને 8 કિમી. પહોળો છે. અહીં પિરોટન ટાપુની આજુબાજુ પરવાળાંની જીવસૃષ્ટિ પથરાયેલી છે. તે જોવા અહીં પ્રવાસીઓ આવે છે.

અહીં બરડા ગિરિમાળાનો 181.30 ચોકિમી. વિસ્તાર છે. બરડા ઉપરાંત આલેક અને દલ્સાના ડુંગરો આવેલા છે. તેમની ઊંચાઈ 303 મી.થી ઓછી છે. બરડાનું વેણુશિખર 606 મી. ઊંચું છે. આભપરા અને ગોપની ટેકરીઓ અનુક્રમે  587.2 મી. અને 361 મી. ઊંચી છે.

આ જિલ્લામાં આજી, ઊંડ, ઘી, રંગમતી, નાગમતી, ફૂલઝર, સાસોઈ, સિંહણ, રૂપારેલ, ડેમી, વર્તુ, ખારી વગેરે નાની નદીઓ આવેલી છે. આ નદીઓમાં ચોમાસામાં પાણી રહે છે પણ પછી તે સુકાઈ જાય છે. દ્વારકા નજીકની ગોમતી, નદી નથી પણ સમુદ્રનો ફાંટો છે. આ નદીઓ પૈકી કેટલીક ઉપર બંધ બાંધીને ખેતી માટે પાણી અપાય છે.

આ જિલ્લો ઉષ્ણકટિબંધમાં આવેલો છે, પણ સમુદ્રના સામીપ્યને લીધે શિયાળામાં જાન્યુઆરી માસમાં સરેરાશ ગુરુતમ તાપમાન જામનગરમાં 26° સે. અને દ્વારકામાં 25.4° સે. રહે છે. રાત્રિનું સરેરાશ લઘુતમ તાપમાન જામનગર અને દ્વારકામાં અનુક્રમે 11.6° સે. અને 15.3° સે. રહે છે. સૌથી વધારે ગરમી મે માસમાં પડે છે. જામનગરનું મે માસનું સરેરાશ દૈનિક ગુરુતમ તાપમાન 36. 3° સે. અને દ્વારકામાં 31.1° સે. રહે છે. મે માસનું સરેરાશ લઘુતમ દૈનિક તાપમાન 25.1° સે. જામનગરમાં અને 27.1° સે. દ્વારકામાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 412.2 મિમી. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પડે છે. જામનગર શહેરનો સરેરાશ વરસાદ 466 મિમી. છે. દ્વારકામાં તેનું પ્રમાણ 358.3 મિમી. રહે છે. દ્વારકાની આબોહવા બારે માસ ખુશનુમા રહે છે.

આ જિલ્લામાં 647.49 ચોકિમી.માં જંગલો આવેલાં છે. દરિયાકિનારે મૅનગ્રોવ પ્રકારનાં જંગલોનો વિસ્તાર 155.40 ચોકિમી. છે. ચેર કે તમ્મરિયાં મુખ્ય વૃક્ષ છે. તે ખારી જમીનમાં પણ ઊગે છે ને ક્ષાર ચૂસી લે છે. કાંટાળાં વૃક્ષોનો વિસ્તાર 233.10 ચોકિમી. છે. બાકીનો વિસ્તાર ઘાસનાં બીડોનો છે. ડુંગર ઉપરનાં જંગલો મોટા પ્રમાણમાં કપાઈ ગયાં છે. અહીં બાવળ, ગોરડ, કેરડા, ટીમરુ, ખાખરો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે.

જંગલોમાં દીપડો, જરખ, નાર, શિયાળ, લોંકડી, જંગલી બિલાડો, ભૂંડ, શેઢાડી, નોળિયો, હરણ, છીંકારા, સાપ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. ઓખાથી સિક્કા સુધીના સમુદ્રમાંની ‘કંસારા છીપ’ (window paneoyster)માંથી હલકી જાતનાં મોતી મળે છે.

આ જિલ્લામાં કાગડો, કબૂતર, હોલો, ચકલી, કાબર, સમડી, ગીધ, ઘુવડ વગેરે પક્ષીઓ ઉપરાંત શિયાળામાં ઓખામંડળમાં સુરખાબ, કુંજડા, સારસ, બગલા વગેરે પક્ષીઓ થોડી સંખ્યામાં આવે છે.

બૉક્સાઇટ, ચિરોડી, મીઠું, ચૂનાખડકો, રંગીન માટી, કૅલ્સાઇટ, મુરમ, કપચી અને ચૂનાની રેતી આ જિલ્લાનાં મુખ્ય ખનિજો છે.

2011માં જિલ્લાની વસ્તી આશરે 21,59,130 હતી. તે પૈકી 40.35 % શહેરોમાં હતી. દર ચોકિમી. દીઠ વસ્તીની ગીચતા 111 છે. દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 949 છે. જિલ્લાની સાક્ષરતાનું પ્રમાણ 40.52 ટકા છે.

જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. બાજરી, જુવાર, મગફળી, કપાસ, રાયડો, એરંડા, જીરું, લસણ વગેરે મુખ્ય પાક છે. સૂકા વિસ્તારમાં ઘેટાં ઉછેરાય છે. તેના ઊનની નિકાસ થાય છે. દ્વારકા, સલાયા વગેરેના નાવિકો સાહસિક છે અને મલબારથી ઈરાની અખાત અને રાતા સમુદ્રની ખેપ ખેડે છે.

દ્વારકા અને સિક્કામાં સિમેન્ટનું કારખાનું છે. ઓખામાં બૉક્સાઇટ ઉપર પ્રક્રિયા કરીને તેની નિકાસ કરાય છે. મીઠાપુરમાં મીઠું, ક્લોરિન, બ્લીચિંગ પાઉડર, સોડા ઍશ, કૉસ્ટિક સોડા વગેરે રસાયણોનું ઉત્પાદન થાય છે. રિલાયન્સે અહીં પોતાના એકમો સ્થાપ્યા છે. સચાણામાં સ્ટીમરો ભાંગવાનો ઉદ્યોગ છે. સિક્કાથી જામનગર વચ્ચેના સમુદ્રમાંથી મોતી મળે છે. ઓખા મત્સ્યઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. સલાયાથી જોડિયા સુધીનાં કાંઠાનાં ગામોના લોકો મચ્છીમારીમાં રોકાયા છે. દરિયાકાંઠે મીઠું પકાવાય છે અને તેની ભારતનાં વિવિધ રાજ્યો તથા જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં નિકાસ થાય છે.

જામનગર જિલ્લાનાં 693 ગામો પૈકી 488 ગામોને ડામરના પાકા રસ્તાનો લાભ મળેલ છે. 462.4 કિમી. લાંબી બ્રૉડ ગેજ અને મીટર ગેજ રેલવેનો આ જિલ્લાને લાભ મળે છે. જામનગરને બ્રૉડ ગેજ રેલવેનું જોડાણ મળતાં ભારતના અન્ય ભાગો સાથે તેને જોડાણ મળ્યું છે. જિલ્લામાં બેડી, સિક્કા અને ઓખાનાં મધ્યમ કક્ષાનાં અને બેટ, રૂપેણ, પિંડારા, સલાયા અને જોડિયાનાં લઘુબંદરો આવેલાં છે. 30 લાખ ટન માલની આ બંદરો દ્વારા આયાત-નિકાસ થાય છે. મીઠાપુર ખાતે ખાનગી વિમાનના ઉતરાણ માટેની પટ્ટી છે.

આયુર્વેદિક યુનિવર્સિટી ઉપરાંત જિલ્લામાં વિવિધ વિદ્યાશાખાની 16 કૉલેજો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ,  પ્રાથમિક શાળાઓ, બાલમંદિરો, પુસ્તકાલયો, પૉલિટૅકનિક, આઇ.ટી.આઇ., સૈનિક શાળા વગેરે આવેલાં છે. લશ્કરની ત્રણ શાખાની તાલીમશાળાઓ આવેલી છે. દ્વારકા અને જામનગર ખાતે ત્રણ સંસ્કૃત પાઠશાળાઓ આવેલી છે. જામનગર, અલિયાબાડા અને ધ્રોળ ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકો માટેનાં અધ્યાપન મંદિરો આવેલાં છે.

દ્વારકાનું રણછોડરાયનું મંદિર ચાર ધામ પૈકીનું એક છે. પિંડારામાં કુંડ છે. સોનકંસારી, મિયાણી, બેટ, બિલેશ્વર, કિંડરખેડા, નવલખો ગોપ વગેરેનાં પ્રાચીન મંદિરો ગુપ્તકાળથી સોલંકીકાળ દરમિયાન બંધાયેલાં જણાય છે. જૂની દ્વારકાના દરિયામાંથી કિલ્લો વગેરેના અવશેષો શોધી કઢાયા છે. આ જિલ્લાના લાખા બાવળ, બૈડ, આમરા વગેરે સ્થળોનું ઉત્ખનન કરાતાં હડપ્પા-અનુહડપ્પાકાલીન અવશેષો મળ્યા છે. આમ આ જિલ્લાની સંસ્કૃતિ ખૂબ પ્રાચીન છે. તેના અવશેષો જામનગરના સંગ્રહસ્થાનમાં સચવાયા છે.

શિવપ્રસાદ રાજગોર