જાદુ : કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ રીતે ન સમજાય તેવી વિસ્મયજનક અને પ્રભાવશાળી ઘટનાઓને હાથચાલાકી અને યાંત્રિક સાધનોની મદદથી દર્શાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાની કરામત.

વૈદિક સાહિત્યમાં અને સમકાલીન અવસ્તા ગ્રંથોમાં જાદુવિદ્યા અંગે જે ઉલ્લેખો મળે છે તે પરથી એવું તારણ કાઢી શકાય કે તે આદિમાનવના સાંસ્કૃતિક જીવનનું પ્રધાન અંગ રહ્યું છે. ઋગ્વેદમાં ‘યાતુ’ શબ્દ મેલીવિદ્યાના અને ‘માયા’ શબ્દ સાત્વિક અથવા વિધાયક વિદ્યાના અર્થમાં પ્રયોજાયા છે. વિરોધીઓનું અહિત કરવાના ઉદ્દેશથી કરાતું અને અર્ધદૈવી મલિન સત્ત્વોની મદદ પર આધારિત મારણ, મોહન, ઉચ્ચાટન ઇત્યાદિ અભદ્ર કર્મકાંડ તે અભિચારવિદ્યા ગણાતી. અથર્વવેદમાં સંરક્ષણાત્મક જાદુનું વર્ણન છે. તેનો ઉપયોગ વ્યક્તિ કે સમાજના રક્ષણ માટે થતો. શત્રુનો નાશ કરવા માટે, અહિત કરનારાના પ્રયોગો રોકવા માટે જે વિદ્યાનો ઉપયોગ થતો તે પ્રતિકારાત્મક અથવા વિધ્વંસાત્મક ગણાતી. આર્યોનાં ધર્મકર્મોમાં વિઘ્ન માટે, ધનવૈભવ અને પશુસંપત્તિનો નાશ કરવા માટે અને તેમનાં સૈન્યોને પરાસ્ત કરવા વિરોધીઓ દ્વારા ચાલુ પ્રયોગ થતા. આર્યો આ પ્રકારની વિદ્યાથી પરિચિત હતા. શત્રુએ મૂકેલી મૂઠ, યાતુજનિત રોગોનું નિવારણ વગેરે માટે સાત્ત્વિક વિધિવિધાન કરી ઇન્દ્ર વગેરે દેવોની સહાય માગતા. વાણીની કુશળતા, મેધાની પ્રાપ્તિ તેમજ શક્તિ અને સામર્થ્ય મેળવવા સાત્વિક વિધિવિધાનો કરતા. ઓલ્ડેનબર્ગના મંતવ્ય મુજબ સમગ્ર વૈદિક કર્મકાંડ જાદુથી વ્યાપેલું છે. ‘સામવિધાન બ્રાહ્મણ’, ‘અદભુત બ્રાહ્મણ’ અને ‘ષડ્વિંશ બ્રાહ્મણ’માં યાતુવિદ્યાની વિગતે ચર્ચા કરવામાં આવી છે. બ્લૂમફિલ્ડના મત પ્રમાણે વૈદિકોની પવિત્રતમ વિધિઓમાં જાદુને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. અથર્વવેદમાં ગૂઢશક્તિથી ભરેલી ઔષધિઓ, વૃક્ષો અને વનસ્પતિના ઉલ્લેખો છે. આ ઉપરથી જણાય છે કે પ્રાચીન સમયમાં જાદુ પ્રત્યે લોકોની ચાહના અને શ્રદ્ધા હતી.

કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જાદુને જંભકવિદ્યા અને ઇન્દ્રજાળ સંજ્ઞાથી ઓળખાવેલ છે. શત્રુનો નાશ કરવા અથવા તેની સાથે દગો કરવા માટેના મંત્રો તથા વિધિની વિસ્તૃત ચર્ચા કરેલી છે. તેમાં અભિચાર સાથે મનોરંજનનું તત્વ પણ હતું. મનોરંજનના હેતુથી થતી અને યુક્તિ-પ્રયુક્તિ કે નજરબંધીથી જ્ઞાનેન્દ્રિયોમાં ભ્રમ ઊભો કરી જ્ઞાનવિપર્યય જન્માવતી હાથચાલાકી તે ઇન્દ્રજાળ. તેમાં પ્રેક્ષકો માયાજાળમાં ફસાતા હોય છે. તેનાથી ખોટા કાર્યકારણ કે તર્ક પ્રત્યે પ્રેક્ષકોને શ્રદ્ધા જન્મતી હોય છે. જાદુગર પ્રેક્ષકો સમક્ષ જે કંઈ કરે તે ભ્રાંતિ અથવા માયા તરીકે વર્ણવાયેલું છે. પ્રેક્ષકોનાં મન જીતી લેનારી જાદુવિદ્યા વિશ્વભરમાં મનોરંજનનું અનોખું સાધન બની છે

જર્મનીના પાટનગર બર્લિનના સંગ્રહાલયમાં મૂકવામાં આવેલા દસ્તાવેજો પરથી માલૂમ પડે છે કે ઈ. પૂ. 4000 વર્ષથી વિશ્વમાં જાદુવિદ્યા અસ્તિત્વમાં હતી. માનવજીવન તદ્દન પ્રાથમિક અવસ્થામાં હતું ત્યારે જાદુ અને ધર્મ વચ્ચે નિકટનો સંબંધ હતો. આ બંને તે જમાનામાં માણસ પર આવી પડેલ સંકટ કે આપત્તિ દરમિયાન તેને રક્ષણ પૂરું પાડવાનાં સાધન ગણાતાં. તેમ છતાં ધર્મ અને જાદુ વચ્ચેના તફાવતને નજરઅંદાજ કરી શકાય નહિ. ધર્મ અને તેની સાથે સંકળાયેલાં કર્મોને સામાજિક માન્યતા પ્રાપ્ત થતી હોય છે જ્યારે જાદુ એ કમકમાટી કે ભય ઉપજાવે તેવી વિદ્યા ગણાય છે. (અલબત્ત, તેની ભયજનકતા લોકોનું રંજન પણ કરે છે.) ધર્મમાં કોઈ દૈવી કે અધિમાનવ શક્તિને શરણ જવાની ભાવનાથી માણસ પ્રેરિત થયેલો હોય છે, જ્યારે જાદુમાં માણસો અને ઘટનાઓ પર વર્ચસ્ પ્રસ્થાપિત કરવા જાદુગર પ્રેરાયેલો હોય છે. ધર્મ સામાજિક સંસ્થા છે જ્યારે જાદુવિદ્યા મહદ્અંશે વૈયક્તિક લાભપ્રાપ્તિનું સાધન છે. વિશ્વના બધા જ પ્રદેશોમાં ધર્મનું સ્વરૂપ એકસરખું નથી હોતું જ્યારે જાદુવિદ્યાનું સૈદ્ધાંતિક અને ક્રિયાત્મક સ્વરૂપ સર્વત્ર એકસરખું જોવા મળે છે. બંને વચ્ચે જો કોઈ સામ્ય હોય તો તે ઉપરછલ્લું છે, વૈચારિક નથી. બંને સંકટમાં સપડાયેલા માણસને કેટલીક ક્રિયાઓ દ્વારા હૂંફ આપે છે અને તે માનસિક તાણ ઓછી કરવામાં મદદરૂપ થાય છે.

જાદુવિદ્યા અને વિજ્ઞાન વચ્ચેનો તફાવત પણ નોંધપાત્ર છે. જાદુવિદ્યામાં દૈવી ચમત્કાર પર ભાર મૂકવામાં આવે છે. જાદુગર ક્યારેક ભૂતપ્રેતનું જાણે કે આવાહન કરે છે અને પોતાના કૌશલ દ્વારા પ્રેક્ષકોને પ્રભાવિત કરે છે. જાદુવિદ્યાનો હેતુ મુખ્યત્વે મનોરંજન હોય છે. જાદુવિદ્યામાં પ્રાકૃતિક ઘટનાઓ અંગેની વિભાવના કપોલકલ્પિત અને તેથી વિજ્ઞાનની કસોટી પર ન ઊતરે તેવા પ્રકારની હોય છે. વિજ્ઞાનમાં સત્યના અન્વેષણ પર ભાર મુકાય છે. તેમાં થતા અન્વેષણમાં નિરીક્ષણ પર આધારિત તર્કબદ્ધતા પાયાની બાબત ગણાય છે. જાદુની ક્રિયાઓને શાસ્ત્ર કહેવાય નહિ. તેનાથી ઊલટું, વિજ્ઞાન સંશોધનશીલ હોય છે, તેના સિદ્ધાંતો ચકાસણીને પાત્ર હોય છે, તે પ્રયોગોની કસોટી પર સચોટ સાબિત થાય તો જ માન્ય થાય. જાદુ- વિદ્યા કલ્પનાધિષ્ઠિત હોવાથી મિથ્યા અને ભ્રમને પોષે છે, જ્યારે વિજ્ઞાન તર્કશુદ્ધિ પર નિર્ભર છે. વિજ્ઞાનમાં પ્રયોગ નિષ્ફળ થાય તો વૈજ્ઞાનિક પોતાના મૂળ વિધાન(premise)ને તર્કશુદ્ધતાની કસોટી પર ફરી ચકાસવા તૈયાર હોય છે, જ્યારે જાદુમાં એવું બનતું નથી.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી પશ્ચિમના વૈજ્ઞાનિકો અને શાસ્ત્રજ્ઞોએ રોગચાળાના નિવારણના માધ્યમ તરીકે અથવા વ્યક્તિગત વિપત્તિઓ અને સંકટો દૂર કરવાના સાધન તરીકે ઉપયોગમાં લેવાતી જાદુવિદ્યાની કેટલીક ક્રિયાઓનો તલસ્પર્શી અભ્યાસ હાથ ધર્યો અને તેમાંથી જે તારણો ઊપસી આવ્યાં તેના દ્વારા જાદુવિદ્યાની શાસ્ત્ર તરીકેની મર્યાદાઓ છતી કરી. તેમ છતાં નિરક્ષરતા, અજ્ઞાન અને અંધશ્રદ્ધાનું વ્યાપક પ્રમાણ ધરાવતા ભારત જેવા અનેક દેશોમાં ગામડાંમાં વસતી પ્રજામાં તથા આદિવાસી સમાજોમાં જાદુની કહેવાતી રોગનિવારક અને સંકટનિવારક શક્તિ પ્રત્યે અહોભાવની લાગણી જોવા મળે છે. શીતળાનો રોગ થાય તો દવાદારૂ કરવાને બદલે બાવાને બોલાવવામાં આવે છે, શીતળામાતાની આરાધના કરવામાં આવે છે. વીંછી કરડે કે સર્પદંશ થાય તો તેનું ઝેર ઉતારવા માટે મંત્રવિદ્યાનો સહારો લેવામાં આવે છે. પીળિયા જેવા રોગો જાદુટોણાથી દૂર થઈ શકે છે એવું માનનારી પ્રજા આજે પણ છે પરંતુ તે અજ્ઞાનથી પીડાયેલી હોય છે. આમ, યાતુવિદ્યા શ્રદ્ધા પર ચાલે છે અને તેના પર જ તે ટકી રહી છે. જાદુટોણાથી લોકોને છેતરનારા બાવાઓ લોકો પર પોતાનો પ્રભાવ પાડવા માટે કેટલીક ક્રિયાઓ અને સાધનોનો સહારો લેતા હોય છે. ક્રિયાઓમાં ભૂતપ્રેતને કે કહેવાતી દૈવી શક્તિને વશ કરવા માટે દર્દીને જ્યાં સુવાડવામાં આવ્યા હોય ત્યાં જુદા જુદા પ્રકારનો અવાજ કરવો, નાચ કરવો, ભમરાની જેમ તીવ્ર ગતિથી ગોળગોળ ફરવું વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે સાધનોમાં મુખ્યત્વે લીંબુ, લોટના દીવા, ભાત, કંકુ કે ગુલાલ, નારિયેળ, કાળા કે લાલ રંગનું કાપડ, અડદ, સોય અથવા ટાંકણી, ખીલીઓ, મરચાં, માણસની ખોપરી અને હાથપગનાં હાડકાં, મીણ, લાકડા અથવા કાપડની ઢીંગલીઓ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જાદુટોણાના પ્રયોગ પછી ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ ગામની ભાગોળે અથવા તળાવના કિનારે મૂકી દેવામાં આવે છે. આવા કાર્યમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ દેશકાલ પરત્વે ભિન્ન ભિન્ન હોય તોપણ તેની પાછળની ભૂમિકા અને પ્રયોગોની ક્રિયાઓ તથા પદ્ધતિ સર્વત્ર લગભગ સમાન હોય છે. કોઈ વ્યક્તિ કે વસ્તુને બંદી કરી દેવા માટે તેની આસપાસ વર્તુળ કરવામાં આવે છે. સીતાના કહેવાથી કાંચનમૃગ પાછળ દોડેલા રામને શોધવા સીતાને પર્ણકુટીમાં મૂકી જ્યારે લક્ષ્મણ નીકળ્યા ત્યારે તેમની ગેરહાજરીમાં સીતાનું રક્ષણ થાય તે માટે તેમણે લક્ષ્મણરેખા દોરી હતી તે કથા સર્વવિદિત છે.

અલબત્ત, પ્રાચીન જમાનાની યાતુવિદ્યા અને આધુનિક જમાનાની મનોરંજન માટેની જાદુવિદ્યામાં ઘણો તફાવત છે. આધુનિક જાદુવિદ્યાની સફળતા મુખ્યત્વે હાથચાલાકી, ઉપકરણોની વિવિધતા, રંગમંચની સજાવટ, પ્રયોગોમાંની ચમત્કૃતિનું સ્તર અને વૈવિધ્ય, જાદુગરનું વ્યક્તિત્વ, તેની વક્તૃત્વછટાની ગુણવત્તા તથા મનોવૈજ્ઞાનિક અને શાસ્ત્રીય જ્ઞાન પર અવલંબે છે. આધુનિક જાદુવિદ્યાના મુખ્ય પાંચ પ્રકારો છે : (1) હસ્તકૌશલના પ્રયોગો, જે માટે જાદુગરની આંગળીઓ અત્યંત ચપળ હોવી જોઈએ. હાથમાં રાખેલી, છુપાયેલી, આંગળીઓ નીચે દબાયેલી વસ્તુઓ તેનું મુખ્ય માધ્યમ હોય છે. (2) મનોવૈજ્ઞાનિક પ્રકારના પ્રયોગો જેમાં વ્યક્તિના મનમાં ચાલતા વિચારો વાંચવાની યુક્તિઓ તથા ભવિષ્યની આગાહી કરવાની કુશળતાનો સમાવેશ થાય છે. (3) રંગમંચ પરની વસ્તુઓ કે માણસો ગુમ કરવાના પ્રયોગો, એક વસ્તુ કે વ્યક્તિની જગા પર બીજી વસ્તુ કે વ્યક્તિ દેખાડવી, જાદુગરને બાંધેલી હાલતમાં પેટીમાં બંધ કર્યા છતાં તેનું બહાર નીકળવું, સ્ત્રીને આધાર વિના લટકાવવાના કે કરવતથી તેના ટુકડા કરવાના પ્રયોગો વગેરેનો તેમાં સમાવેશ થાય છે. (4) સામાન્ય પ્રયોગો : તેમાં રમવાનાં પત્તાં, ચલણી સિક્કાઓ કે નોટો, ફૂલો, દોરડા સાથેના પ્રયોગો વગેરે છે. (5) રસાયણો, વિદ્યુતશક્તિ દ્વારા ચાલતાં સાધનો, ખાસ તૈયાર કરવામાં આવેલાં ઉપકરણોની મદદથી કરવામાં આવતા પ્રયોગો. ઘણા પ્રયોગો હિપ્નોટિઝમ (વશીકરણવિદ્યા) તથા મેસ્મેરિઝમ(મોહિની વિદ્યા)ની મદદથી કરવામાં આવે છે.

એક જમાનામાં જાદુગરો અંગે સમાજમાં વિવિધ પ્રકારની ગેરસમજ પ્રવર્તતી હતી જેને લીધે કેટલાક પર ન્યાયાલયોમાં કામ ચલાવી તેમને કડકમાં કડક સજા કરવાના બનાવો પણ બન્યા છે; પરંતુ અઢારમી સદીથી તેમની વિદ્યા પરત્વે લોકોનો અભિગમ બદલાયો છે. ચિંગ લિંગ ફૂ, હેરી હૂડિની, લિફાઝે, અલ્લાબક્ષ અને પીરભાઈ રસૂલ જેવા જાદુગરોએ પોતાની વિદ્યા વધુ સમૃદ્ધ બનાવવાના પ્રયાસોમાં શહાદત વહોરી છે. આજે વિશ્વમાં આશરે એક લાખ કરતાં પણ વધુ જાદુગરો સાત્વિક જાદુવિદ્યાના પ્રયોગો દ્વારા પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન કરે છે. અને તેમના જેવા જાદુગરોના કૌશલને લીધે જ હવે વિશ્વભરમાં જાદુવિદ્યાને કલાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જાદુગરોએ પોતાની આંતરરાષ્ટ્રીય તથા દેશવ્યાપી સંસ્થાઓ પણ ઊભી કરી છે. દા.ત., અમેરિકામાં મુખ્ય મથક ધરાવતી સંસ્થા ‘ઇન્ટરનૅશનલ બ્રધરહૂડ ઑવ્ મૅજિશિયન્સ’ છે. તેના સભ્યોની સંખ્યા 22,000 જેટલી છે. ભારતમાં કૉલકાતા ખાતે ‘ઇન્ડિયન મૅજિશિયન ક્લબ’ નામની સંસ્થા ચાલે છે. જાદુવિદ્યાનાં સામયિકોમાં અમેરિકામાં 4, ઇંગ્લૅન્ડમાં 2થી 3, જર્મની અને ઑસ્ટ્રેલિયામાં દરેકમાં એક તથા ભારતમાં બે-ત્રણ પ્રકાશનો છે.

વિશ્વના પ્રથમ કક્ષાના જાદુગરોમાં બાર્ટોલોમિયો બૉસ્કો (1790–1863), લુડવિગ લિયોપોલ્ડ ડૉબ્લર (1801–64), અલેક્ઝાંડર હાઇમબર્ગર (1819–1909) – આ ત્રણ વિશ્વપ્રવાસી જાદુગરો ઉપરાંત કાગળના ભૂતનો પ્રયોગ કરનાર ડંકેલ (1805–74), જાદુવિદ્યાક્ષેત્રે નવાં ઉપકરણો દાખલ કરનાર ફ્રેન્ચ જાદુગર રૉબર્ટ હૂડિન (1805–71, વિદ્યુત ચુંબકનો પ્રથમ પ્રયોગ તેણે જ રજૂ કર્યો), જ્હૉન નેવિલ માસ્કિલિન (1839–1917) જેણે લંડનમાં જાદુવિદ્યાના પ્રયોગો માટેનું પ્રેક્ષકગૃહ ઊભું કર્યું હતું તથા આધાર વિના લટકાવેલા માણસને ઉપર-નીચે હલાવવાનો પ્રયોગ તેમજ બંધ પેટીમાંથી બહાર નીકળવાના નવા પ્રયોગો સફળતાથી દાખલ કર્યા. બૌટિયર ડી કોલ્ટા (1845–1903) જેણે ‘વૅનિશિંગ લેડી’ તથા ‘ફ્લાઇન્ગ બર્ડ કેજ’ના નવા પ્રયોગો દાખલ કર્યા. હૉવર્ટ થર્સ્ટન (1869–1936) પત્તાંની જોડનો અજોડ જાદુગર ગણાતો, હોરેસ ગોલ્ડિને (1873–1939) જીવતી સ્ત્રીને મંચ પર કરવતથી કાપવાનો પ્રયોગ રજૂ કર્યો, ચીની જાદુગર ચિંગ લિંગ (1854–1918), અમેરિકાના વર્જિલ અને માઇટી ચેંગ (જે મોં પર પ્લાસ્ટિક સર્જરી કરાવીને ચીનો બન્યો હતો), જર્મનીના કાલા નાગ, બ્રિટનના ગ્રેટ લાયલ, રશિયાના રુબોનોવ, યારસન ધ ગ્રેટ અને કાસ્ટર ધ ગ્રેટ, ગોલ્ડ સ્ટોન, બ્લૅક સ્ટોન, ભારતના અરદેશર મેડીવાલા, ગોગિયા પાશા, કુમારબાબુ (ગીતાબાબુ), પી. સી. સરકાર અને કે. લાલ જેવા જાદુગરોનાં નામ પણ વિશ્વના જાદુના તખ્તા પર મશહૂર થયાં છે. પી. સી. સરકારને ઉત્કૃષ્ટ પ્રયોગો માટે અમેરિકા દ્વારા અપાતું ‘ફિનિક્સ’ પારિતોષિક બે વાર એનાયત થયું હતું. તેમણે ‘ઇન્ડિયન મૅજિક સર્કલ’ નામની સંસ્થા સ્થાપી. ‘પ્રૉફેસર સરકાર ઑન મૅજિક’ (1970) નામનો ગ્રંથ પણ લખ્યો છે. છીપલામાંથી પરી બનાવવી, રૉકેટ ગર્લ, રંગમંચ પર ભૂતનો નાચ, માયાજાળ એ તેમના જાણીતા પ્રયોગો હતા. ભારત સરકારે 1963માં તેમને પદ્મશ્રીનો ખિતાબ આપી તેમનું સન્માન કર્યું. હાલ ભારતના કે. લાલનું નામ વિશ્વમાં રોશન થયું છે. સામાન્ય રીતે પ્રથમ કક્ષાનો જાદુગર પોતાના એક ખેલમાં 20થી 22 નાનામોટા પ્રયોગો રજૂ કરતો હોય છે જ્યારે કે. લાલ તેમના ખેલ દરમિયાન 45 જેટલા પ્રયોગો રજૂ કરે છે. જાદુના ખેલોમાં જીવતાં પ્રાણીઓના જાદુના ખેલ રંગમંચ પર રજૂ કરવાનો જશ કે. લાલને ફાળે જાય છે. કૂતરા, અજગર, સિંહ, વાંદરા જેવાં પ્રાણીઓ રંગમંચ પર રજૂ કરીને તે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ બનાવી દે છે. લોકકલ્યાણ માટે ઊભી કરવામાં આવેલી સંસ્થાઓને ફંડફાળો ભેગો કરવામાં મદદરૂપ થવા તે પોતાના કાર્યક્રમો આપે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે