જર્મન સાહિત્ય
પૂર્વ અને પશ્ચિમ જર્મની (હવે એક જ) ઉપરાંત મોટા ભાગના ઑસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડમાં આજે જર્મન ભાષાનો વ્યવહાર થાય છે. વિશ્વની તે એક સમૃદ્ધ ભાષા છે. ઐતિહાસિક ર્દષ્ટિએ તેના Old High German – ઓલ્ડ હાઈ જર્મન, Middle High German – મિડલ હાઈ જર્મન અને New High German – ન્યૂ હાઈ જર્મન એમ 3 વિભાગો પાડવામાં આવ્યા છે અને જર્મન સાહિત્યને પણ એ જ નામો આપી તેના 3 યુગ પાડવામાં આવ્યા છે : પહેલો યુગ : આરંભથી 1050 સુધી, બીજો યુગ 1050થી માર્ટિન લ્યૂથરનું જર્મન બાઇબલ 1534માં પ્રકટ થયું ત્યાં સુધી અને 1534થી ત્રીજો યુગ.
જર્મેનિક ટોળીઓ રોમન સંસ્કૃતિ અને ખ્રિસ્તી ધર્મના સંપર્કમાં આવી તે પહેલાંના તેમના સાહિત્ય વિશે કશું ખાસ જાણવા મળતું નથી. તેમનાં ગીતો મૌખિક રીતે ઊતરી આવ્યાં છે અને આઠમી સદીના ઉત્તરાર્ધમાં ‘હેલ્દન લીદર’ એ શીર્ષકથી સંગૃહીત થયાં છે. તેમાં વીરપુરુષોનાં પરાક્રમો, પુરાણી ધર્મવિધિઓ, યુદ્ધગીતો મુખ્ય વિષયો છે. નવમી સદીની આસપાસ જર્મન ભાષામાં – ઓલ્ડ હાઈ જર્મનમાં – સાહિત્યના ઉલ્લેખો મળે છે. તે સમયના સાહિત્યની આજે ઉપલબ્ધ એકમાત્ર રચના છે ‘હિલ્દે બ્રાન્દ લીદ’. પ્રસિદ્ધ ઈરાની કથા સોરાબ-રુસ્તમની જેમ પિતા-પુત્ર વચ્ચેના સંઘર્ષની એ કથા છે. એ સમયે પ્રચલિત અનેક વીરગાથાઓની જેમ આ વીરગાથા પણ ઝડઝમકની શૈલીમાં લખાયેલી છે. ખ્રિસ્તી મિશનરીઓના વિરોધ છતાં પ્રાચીન રચનાઓમાંથી આ રચના બચી ગયેલી છે. પ્રાચીન જર્મન સાહિત્યની પરંપરાની જીવંતતાના પુરાવા રૂપે બીજી રચના મળે છે તે છે ‘લુદવીગ લીદ’.
આમ તો સાતમી સદીથી મિશનરીઓએ આજના જર્મનીમાં ખ્રિસ્તી ધર્મ અને મઠોની સ્થાપના કરી હતી, અને ઓલ્ડ હાઈ જર્મન યુગની સંસ્કૃતિનાં આ મઠો જ કેન્દ્રો હતાં. મોટા ભાગનું સાહિત્ય ધાર્મિકતાની આસપાસ રચાતું અને તેમાં પણ લૅટિનમાંથી ધાર્મિક રચનાઓમાં કરવામાં આવેલાં ભાષાંતરો અને રૂપાંતરો મુખ્ય છે. શાર્લમને (આશરે 742–814) સંસ્કૃતિના વિકાસ માટે ઘણી જહેમત ઉઠાવેલી. આશરે 870માં કવિ ઑટફ્રિડનું ‘ગૉસ્પેલ હાર્મની’ કાવ્ય ઈસુના જીવન અને ઘટનાઓનું અર્થઘટન આલેખે છે. તે પછી લગભગ 150 વર્ષ સુધી ઑટોનિયન રાજાઓના સમય દરમિયાન જર્મનમાં મહત્વની સાહિત્યિક રચના મળતી નથી. યુરોપની બીજી ભાષાઓના સર્જકોની માફક જર્મન લેખકો પણ આ સમય દરમિયાન લૅટિનમાં જ રચનાઓ કરતા જોવા મળે છે.
મિડલ હાઈ જર્મન યુગમાં એટલે કે અગિયારમી સદી પછી મૂળ જર્મનમાં ધાર્મિક રચનાઓ થવા લાગી. તેમાં હાઇનરિખ ફૉન મેલ્કનાં કાવ્યોમાં (આશરે 1160) દુન્યવી સુખોની ત્યાગભાવના અને ઈશ્વરની કીર્તિનાં ગાન આલેખાયાં છે. વર્જિન મેરીને સાહિત્યમાં પવિત્રતાના પ્રતીક તરીકે કેન્દ્રમાં રાખવામાં આવી છે. આ પછીનાં ધર્મયુદ્ધોએ લેખકોને ઉત્કટ ધાર્મિક ભાવનાઓ પ્રકટ કરવાની ભૂમિકા તો પૂરી પાડી, પણ તે સાથે નજીકના પૂર્વથી પશ્ચિમ યુરોપની સાંસ્કૃતિક દુનિયા સાથે પરિચય કરાવ્યો અને મહાકાવ્ય તથા વીરગાથાઓની રચના માટે માર્ગ ઉઘાડ્યો. ભ્રમણ કરતાં ચારણો (spielmann – ‘સ્પીલમાન’) લોકપ્રિય કથાઓ પરનાં વીરગીતોને ભેગાં કરતા અને આમ ‘હેલ્દન લીદર’ને સાંકળી દીર્ઘ કથનાત્મક કાવ્યો રચવા લાગ્યાં. આના આધારે સરદારો વીરગાથા રચતા. એટલે કે હવે પાદરીને સ્થાને સરદાર કવિ બને છે, ધાર્મિક ઉપદેશાત્મકતાને સ્થાને દરબારી સામંતવર્ગીય મૂલ્યોની પ્રતિષ્ઠા થાય છે. મુખ્યત: સામંતવર્ગ દ્વારા રચાયેલું હોવાથી આ સાહિત્ય વર્ગસાહિત્ય – દરબારી સાહિત્ય – છે, તેનું મુખ્ય લક્ષણ છે નારીસન્માન – નારી માટેનો લગભગ ધાર્મિક ભક્તિભાવ. આ સાહિત્યની ઉત્તમ અભિવ્યક્તિ જર્મન ‘મિનેસાન્ગ’ – પ્રેમકાવ્યોમાં મળે છે. આ ઊર્મિકાવ્યના સ્વરૂપની સાથે વિકસેલું બીજું સાહિત્યિક સ્વરૂપ તે મહાકાવ્ય; તેમાં પરાક્રમ, દ્વંદ્વયુદ્ધ અને રોમાંચકતા છે, પ્રિયતમા અને ઈશ્વર માટેનાં પરાક્રમો છે, આત્મસંયમ અને ઔદાર્ય છે. એમ કહી શકાય કે 1150થી 1250 દરમિયાન રચાયેલી આ બધી કૃતિઓ પરવર્તી ગ્યૂઇથે યુગની કવિતાની ગહરાઈ અને રીતિની નાજુકતા સાથે સામ્ય ધરાવે છે.
આરંભમાં એટલે કે આશરે 1130ની રચના ‘ઍલેક્ઝાન્દર લીદ’માં ફ્રેંચ સ્રોત છે તો ‘કિંગ રૉથર’(1160)ના મહાકાવ્યમાં પૂર્વનો પરિવેશ છે. મધ્યકાલીન જર્મન સાહિત્યની મહાન પ્રબંધરચના છે ‘પાર્ઝિવલ’. એના કવિ વૉલ્ફ્રામ ફ્રૉન આઇશેનબાખ આ કૃતિમાં પવિત્ર ગ્રેઇલ(grail)નો વિષય લઈ માનવીની સત્યની શોધને આલેખે છે. 1190થી 1210 વચ્ચેની દરબારી રચનાઓમાં વૉલ્ફ્રામ સાથે કવિ હાર્ટમાન છે. જેમનાં ‘દેર આર્મ હાઇનરિખ’ – ‘કમનસીબ હેન્રી’માં ઈશ્વર સાથેનો માનવનો સંબંધ, અપરાધ, પશ્ચાત્તાપ, પ્રભુકૃપા જેવા વિષયો છે. આની કથા ઘણી રસપ્રદ અને લોકપ્રિય છે તો ‘પાર્ઝિવલ’ની પાત્રસૃષ્ટિ અવિસ્મરણીય છે. દરબારી મહાકાવ્યો ઉપરાંત રાષ્ટ્રીય વિષયો પર વીરચરિત કાવ્યો જર્મનમાં લખાયાં છે. એમાં ‘નિબેલુંગન લીદ’નું સ્થાન ઘણું મહત્વનું છે. આ પ્રકારનાં કાવ્યો જર્મનીની તળધરતીની સુવાસ લઈને પ્રગટતાં હોવાથી જનસાધારણમાં ઊંડે સુધી પ્રસરે છે. આશરે 1200માં કોઈ અનામી ઑસ્ટ્રિયન ચારણ કવિની આ રચના છે. એમાં નાયક સીગફ્રીડની કથા, બર્ગન્ડિયનોના પતનની કથા અને બીજાં પરાક્રમો વર્ણવવામાં આવ્યાં છે. એ નાટ્યોચિત કૌશલ અને કાવ્યત્વ સાથે કહેવાયેલી સુગ્રથિત કથા છે. આ કાવ્યની કથાવસ્તુ અને પાત્રોએ પછીના લેખકોને ઘણી સામગ્રી પૂરી પાડી છે. પછી, આ મહાકાવ્યની પરંપરા શિથિલ બનતાં દરબારી સાહિત્યનો અંત આવે છે. પંદરમી સદીથી નવી કટાક્ષયુક્ત શૈલી અને મધ્યમવર્ગીય વાસ્તવ અસ્તિત્વમાં આવે છે.
દરબારી પ્રેમગીતો મિનેસાન્ગમાં સરદાર અને તેની પ્રિયતમાના સંબંધની વિવિધતાઓ આલેખાઈ છે. આમાં સતત ફરતા રહીને પ્રેમશૌર્યનાં લોકગીતો ગાનાર ફ્રેંચ લોકગાયક ટ્રાઉબેદુર-(troubadour)ની કવિતાનો પ્રભાવ છે. નાયક-નાયિકા સંવાદ રૂપે ઉક્તિઓ પ્રગટ કરે છે. આ મધ્યકાળનો સૌથી મોટો ઊર્મિકવિ તો છે વાલ્તેર ફૉન દેર ફૉગલવાઈદ (આશરે 1170–1230). પ્રેમકાવ્યો ઉપરાંત તેણે રાજકીય અને બોધપ્રધાન કાવ્યરચનાઓ પણ કરી છે. આ કવિની વિશેષતા એ છે કે તે ઉચ્ચકુળની નારીને સ્થાને સાધારણ સરળ સ્વભાવની કન્યાને કેન્દ્રમાં રાખી નારીત્વનું સાચું આભિજાત્ય શોધે છે. એનાં પ્રેમકાવ્યોમાં આનંદ અને ઉલ્લાસ છલકાય છે. ફૉગલવાઈદ પછી ઊર્મિકવિતાના લેખનમાં પણ ઊણપ વરતાય છે. ચૌદમી સદીના આરંભે લગભગ મોટા ભાગની મધ્યકાલીન કવિતા ‘હાઇદેલબર્ગર લીદર હૅન્ડાશ્રીફટ’ નામની હસ્તપ્રતમાં સંગૃહીત થયેલી છે.
પંદરમી સદીમાં, માર્ટિન લ્યૂથરના આગમન પહેલાં મધ્યમવર્ગનો અને નગરસંસ્કૃતિનો ઉદભવ થાય છે. ગદ્યનું મહત્વ સ્થપાય છે; આ ગદ્ય વાસ્તવવાદી, ઉપદેશાત્મક અને કટાક્ષભરી શૈલીમાં લખાય છે. બૌદ્ધિક પ્રવાહોમાં મોટી વિસંગતિ આલેખાય છે. આ સમયે પ્રેમ અને પરાક્રમ આલેખતી કૃતિઓનું બીજું મોજું ફ્રાન્સમાંથી જર્મનીમાં પ્રવેશે છે. અલબત્ત, આ કાવ્યો મિડલ હાઈ જર્મન(Middle High German)નાં મહાકાવ્યોની તુલનામાં ઊભાં રહી શકે નહિ. વળી વિશેષત: લેખકો ઇટાલિયન સાહિત્ય તરફ વળી, પૅટ્રાર્ક અને બોકેશિયોના અનુવાદ કરે છે. ક્લાસિકલ સાહિત્યની શૈલીગત ખૂબીઓ ધરાવતી પહેલી મહત્વની ગદ્યકૃતિ છે ‘ઍકરમાન આઉસ બોહમન’ (1401 : Death and Ploughman). આ રચનામાં માનવતાવાદી ર્દષ્ટિકોણ પહેલી વાર જોવા મળે છે. આ મધ્યયુગનાં અંતિમ વર્ષોમાં ધાર્મિક સાહિત્યના ભાગ રૂપે ઈસ્ટર કે ક્રિસ્ટમસ વિશે સંવાદો રચાતા; પછી તો ઈશુજીવનનાં નાટકો (passion plays) તથા નીતિબોધનાં નાટકો (morality plays) અને પયગંબરોનાં જીવન જેવું વિષયવૈવિધ્ય આવે છે. લોકપ્રિય નાટકો(fastnachts spiele – carnival plays)માં મનોરંજન માટે માનવીય દૂષણોને અસભ્ય અને અણઘડ રીતે ઉઘાડાં પાડવામાં આવતાં. ‘માઇસ્ટર ગૅસાન્ગ’ રૂપે માઇસ્ટર સિંગર દ્વારા રચાતાં. તે વખતે આવી રચનાઓ કરનાર માટે, માઇસ્ટર સિંગર માટે તાલીમી શાળાઓ હતી; યોગ્યતા પ્રમાણે પ્રમાણપત્રો મળતાં. 1500માં અતિ જાણીતો થયેલો માઇસ્ટર સિંગર ન્યૂનબર્ગની શાળામાંથી આવેલો હાન્સ ફૉલ્ઝ છે. સોળમી સદીમાં હાન્સ સાખ્સ(1494-1576)ના હાથે આ સ્વરૂપ સન્માનભર્યું સ્થાન પામી ખૂબ લોકપ્રિય બને છે. જોકે નાનાં વર્તુળોમાં વધારે પ્રચાર હતો અનામી ‘ફૉક્સ લીદ’નો – લોકગીતનો. પછી તો એ લોકગીતો પેઢી દર પેઢી ઊતરી આવે છે. જર્મનીમાં હર્ડરે સૌપ્રથમ ‘ફૉક્સ લીદ’ની કલાત્મકતા સિદ્ધ કરી; તેની અસર યુવાન ગ્યૂઇથે પર અને અંતે રોમૅન્ટિક કવિઓ પર પડી.
1453માં કૉન્સ્ટૅન્ટિનોપલના પતનથી પશ્ચિમી યુરોપમાં તુર્કોનો ભય છવાયો; તેનું પ્રતિબિંબ સોળમી અને સત્તરમી સદીના જર્મન સાહિત્ય પર છવાયેલું રહે છે, પણ બીજી તરફ પ્રિન્ટિંગ મશીનની શોધ(1440)થી મુદ્રણમાં તેમજ સાહિત્યમાં ક્રાન્તિ આવી. અલબત્ત, પ્રાચીન સાહિત્યસ્વરૂપો, એટલે કે મધ્યકાલીન રૂપકકથા, લોકગીતો, પ્રેમગીતો, કથાગીતો વગેરેની પરંપરા ચાલુ રહે છે, તો હાન્સ વોલ્ઝ માઇસ્ટર સિંગરની કલાને ઉદાત્તતા સાથે પુનર્જીવિત કરે છે. દક્ષિણમાં સ્થૂળ હાસ્ય, કટાક્ષ અને રમૂજવાળાં નાટકો (fastnachts spiele) અને ઉત્તરમાં એનું સંયમિત રૂપ પ્રવર્તે છે. ઉપરાંત (Schwanke ‘શ્ર્વેન્ક’) કોઈ એક નાયકની આસપાસ ગૂંથાયેલા રમૂજી ટુચકા (anecdotes) પ્રચલિત બને છે. ટિલ યુલેનસ્પીગલ આવો એક નાયક છે જેને યુરોપભરમાં નામના મળી હતી.
આમ મિડલ હાઈ જર્મનથી બરોક યુગ તરફ જતાં જર્મન સાહિત્યમાં આ સ્થિતિ તો છે, પણ 1450થી નવો મધ્યવર્ગીય વાસ્તવવાદ, માનવતાવાદ રૂપે આવે છે અને મધ્યકાલીન દરબારી પ્રણાલીનો તીવ્ર વિરોધ જાગે છે. માનવતાવાદીઓ લૅટિન, ગ્રીક, ભારતીય પ્રશિષ્ટ રચનાઓમાંથી પ્રેરણા લે છે; એ કૃતિઓના અનુવાદ કરે છે. કેટલાક સાક્ષરો લૅટિનમાં જ લખે છે. તેઓ યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા હોઈ યુનિવર્સિટીમાં નાટકની પરંપરા શરૂ કરે છે રોમન કૉમેડીથી, લૅટિન નાટકોથી. નાટકમાં આ માનવતાવાદી, પ્રભાવ સીધો જ વરતાય છે. આ લેખકોને પોતાના આદર્શ નમૂના રૂપે રાખી તે નાટકોનાં રૂપાંતરો કરે છે. મધ્યકાલીન નાટકો કરતાં આ પરંપરા તદ્દન ભિન્ન છે. જોકે આને લીધે સ્થાનીય દેશી ભાષાની રચનાઓનું મહત્ત્વ 1490થી 1520 સુધી ઓછું થઈ જાય છે; પણ વ્યંગાત્મક અને ઉપદેશાત્મક કૃતિ ‘ધ શિપ ઑવ્ ફૂલ્સ’(1493)ના કર્તા સેબેશિયન બ્રાન્ટ એમાં તે યુગનાં દૂષણોનો આલેખ આપે છે તો લો જર્મન ‘Reynard the Fox’, (1498)માં સમકાલીન પ્રપંચોની રજૂઆત છે.
ધર્મસુધારણા અને માર્ટિન લ્યૂથર (1483–1546) : માર્ટિન લ્યૂથર ધર્મસુધારણાનો અગ્રણી પ્રવર્તક છે. 1515 સુધી તે ઑગસ્ટાઇન મઠવાસી સાધુ હતો, પણ પછી ધર્મગુરુઓનાં પાખંડ અને ધાર્મિક વિધિઓના આડંબર જોઈ તે ખ્રિસ્તી ધર્મસંઘ સામે વાંધાનું ચર્ચાપત્ર બહાર પાડી તેમને પડકારે છે. બહિષ્કૃત થવા છતાં તે અડગ રહે છે. જનસમાજ આ આંદોલનને સફળ કરવામાં સાથ આપે છે, કારણ કે ચર્ચ સામે એમને પણ અણગમો છે. તેમાં લ્યૂથરે લોકોની ભાષામાં બાઇબલ આપ્યું. 1522માં ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’ અને 1534માં સમગ્ર બાઇબલનો જર્મન અનુવાદ. તેનાં અનેક પત્રો, ઉપદેશો, પુસ્તિકાઓનું પણ સાહિત્યિક મૂલ્ય છે, પણ આધુનિક જર્મનની ઇબારત લ્યૂથરના બાઇબલના અનુવાદના ર્દઢ પાયા પર રચાઈ છે. ‘કિંગ જેમ્સ બાઇબલ’નું જે સ્થાન અંગ્રેજીમાં, તેવું જ આનું જર્મનમાં. આ અનુવાદે જર્મન ભાષાને શિષ્ટરૂપ આપ્યું; જર્મન ગદ્યના ઉત્તમ નમૂના આપ્યા; પેઢીઓ સુધી લોકપ્રિય જર્મનશૈલીનું સ્થાન મળ્યું; તેનાં સ્તોત્રો ‘ગાઇસ્ટલિખ્ય લીદર’ સંગીતમય અને ઊર્મિસભર છે. આ સ્તોત્રોએ સમૂહપ્રાર્થના માટેની એક પરંપરા સ્થાપી; ગદ્યશૈલી વેધક, વિનોદભરી અને સરળ છે. બાઇબલના કેટલાક વિષયોમાંથી જર્મનમાં નાટકો સર્જવાની બિર્ક, વાલ્ડિસ અને યૉર્ક વિક્રામ જેવા નાટકકારોને પ્રેરણા મળી.
આ સદીના અન્ય પ્રકારના સાહિત્યમાં ધાર્મિક વાદવિવાદનાં લખાણો છે, જેમાં નાટકો મુખ્ય છે. બોધકથાઓ (fables) પણ રોચક શૈલીમાં પુનર્જીવિત થાય છે. પછી, ધર્મસુધારણાના વિવાદનાં વળતાં પાણી થતાં મનોરંજન માટેની રચનાઓ પ્રકટ થવા લાગે છે. તેમાં સદીનો લાક્ષણિક લેખક અને મોટો માઇસ્ટર સિંગર હાન્સ સાખ્ય આવે છે. ‘ફાસ્ટનાખ્ત્સ સ્પીલ’ અને કૉમિક ટુચકાની રચનામાં તેનું કાર્ય ઉત્તમ પ્રકારનું છે. બીજા માત્ર મનોરંજનલક્ષી વાર્તાકારોમાં યૉર્ક વિક્રામ છે. 1557માં તેણે ગદ્યમાં લખેલી ‘ધ ગોલ્ડ થ્રેડ’થી આધુનિક જર્મન નવલકથાની શરૂઆત થાય છે. એક અનામી લેખકની ‘ફૉક્સ બુખ ફોમ દોક્તોર ફાઉસ્ટ’(1587)માં નાયકના વ્યક્તિત્વની અનન્યતાનું અને વૈશ્વિક જ્ઞાનની ઝંખનાનું આલેખન નવું જ વલણ દર્શાવે છે. માર્લો, ગ્યૂઇથે વગેરેની રચનાઓ આ કથાઘટક પર છે. આમાંથી સમગ્ર યુરોપિયન સાહિત્યમાં ‘ફાઉસ્ટ’ પરંપરા સર્જાય છે. સદીનાં અંતિમ વર્ષોમાં અંગ્રેજી નટમંડળી સમકાલીન અંગ્રેજી નાટકો લઈને આવે છે; તે નવાં સર્જાતાં જર્મન ભાષાનાં નાટકોને પ્રભાવિત કરે છે. આ નવા પ્રભાવ સાથે જર્મન સાહિત્ય સત્તરમી સદીના બરોક યુગમાં પ્રવેશે છે.
બરોક સાહિત્ય : સત્તરમી સદી. આ સાહિત્ય જર્મનીના તત્કાલીન સમય અને સામાજિક સ્થિતિની નીપજ છે. આરંભનો સમય ધાર્મિક સંઘર્ષો, અનિશ્ચિતતા અને 30 વર્ષીય યુદ્ધની પશ્ચાદભૂમિકામાં, તેના ઓછાયામાં પસાર થાય છે. વળી નવી વૈજ્ઞાનિક શોધોથી લ્યૂથર વગેરે આગલી પેઢીની વ્યક્તિઓનો પ્રભાવ ઝાંખો પડે છે. સ્થાપત્યશાસ્ત્રમાંથી લેવામાં આવેલી સંજ્ઞા બરોકનો સાહિત્યિક સંદર્ભ એટલે જ મોટા ભારેખમ શબ્દો, વિશેષણોની ભરમાર, શબ્દોનો ફુગાવો, અસમતુલા. જોકે આ આડંબરી શૈલી સદીના અંતભાગે ઓસરવા લાગે છે. અન્ય યુરોપીય સાહિત્યની જેમ જ સર્જકો નાટકો કે ઊર્મિકવિતાનાં સ્વરૂપો જ ખેડે છે. સાહિત્યના વિષયો આધ્યાત્મિકતા અને ઇન્દ્રિયપરસ્તી વચ્ચે ઝોલા ખાય છે. જીવનની નિ:સારતાના ખ્યાલને પરિણામે તેઓ અતિશય ધાર્મિક લાગણીવેડાને શરણે જતા કે અતિશય શૃંગારિકતાને શરણે; તો બીજા કેટલાક લેખકો ઇટાલિયન, ફ્રેંચ, સ્પૅનિશ સાહિત્યના અનુવાદો કરવા તરફ વળે છે.
આ સદીનો પહેલો મોટો કવિ તે ગેયોર્ગ રુદોલ્ફ વેખ્યરલીન (1584–1653). તે પ્રાસબદ્ધ પંક્તિરચના છોડી ફ્રેંચ ઍલેક્ઝાન્ડ્રાઇનનો ઉપયોગ કરનાર પહેલો જર્મન કવિ છે. સાઇલેસિયાના સાહિત્યિક કેન્દ્રમાંથી આવે છે બીજો મહત્વનો કવિ માર્ટિન ઓપિત્ઝ (1597–1639). ઓપિત્ઝ આચાર્ય અને કવિ છે. 1624માં જર્મન કવિતા વિશે ગ્રંથ લખી દરેક સાહિત્યિક સ્વરૂપનાં વિશિષ્ટ લક્ષણો અને કેટલાક નિયમો તે સ્થાપિત કરે છે. આથી કવિતાપ્રવૃત્તિને તે વેગ આપી તેમાં નવો પ્રાણસંચાર કરે છે. પછીના કવિઓ પર એનો ઘેરો પ્રભાવ છે. જેમ કે, પૉલ ફ્લેમિંગ; એનાં ઊર્મિકાવ્યો અને સૉનેટમાં ઊંડાણ જોવા મળે છે. એન્ડ્રિયાસ ગ્રીફીઅસ નામનો કવિ સ્તોત્રો તથા ધાર્મિક કાવ્યોની રચનાથી આવા સ્વરૂપને સિદ્ધહસ્ત કરે છે. આ કવિએ ખ્રિસ્તી ધર્મના શહીદો પર નાટ્યરચનાઓ પણ લખી છે. તેમાં શેક્સપિયરની ટ્રૅજેડીની અસર જોવામાં આવે છે. પછી લોકપ્રિય સ્વરૂપો ઑપેરા, બૅલે, માસ્ક (masques) વગેરેની પણ શરૂઆત થાય છે. આ સમયના બરોક કવિઓ પૈકી સિલેસિયન રહસ્યવાદી યાકોબ બોહમની તત્વચિંતનાત્મક રચનાઓ મળે છે. પછીથી રોમૅન્ટિક યુગમાં તત્વચિંતક ગૉટફ્રીડ લાઇબનિત્ઝ બોહમની રચનાઓને પુન: સ્થાપિત કરે છે.
ગદ્યમાં યુરોપિયન પરંપરામાંથી જર્મન લેખકો પ્રભાવિત થયા છે; હવે અનુવાદો નવલકથાના પણ મળે છે; તેમાં ઉપદેશાત્મક ઉપરાંત તરંગ અને મનોરંજનનું તત્વ પણ છે. યોહાન બિયર(1655–1700)ની કથાઓમાં અઢારમી સદીના યથાર્થવાદના સંકેત મળે છે. પણ જર્મન સાહિત્યની એક મોટી નવલકથા 1669માં આવે છે તે ‘સિમ્પ્લીસિઉસ સિમ્પ્લી સિસ્સીમુસ.’ લેખક હાન્સ યાકોબ ફૉન ગ્રીમેલ્સહાઉસને (1625–76) એમાં ત્રીસવર્ષીય યુદ્ધની ભૂમિકા લઈ પોતાના અનુભવોને વાર્તાકથનની રાષ્ટ્રીય પરંપરામાં ગૂંથ્યા છે. પણ તે સાથે સ્પૅનિશ પિકરેસ્ક નવલકથા ‘ડૉન કિહોટે’ની શૈલીને અનુસરી કંઈક બાઘા જેવા નાયકનાં પરાક્રમો તથા તેની નિષ્ફળતા આલેખ્યાં છે. જન્મ ઉચ્ચ કુળમાં પણ ભાગ્યબળે એક ખેડુના એકાંત ખોરડામાં શૈશવ ગુજારવું પડે એવી વિચિત્રતા ધરાવતું આ પાત્ર છે. સંસારથી તદ્દન અપરિચિત આ પાત્રની નજરે તે સમયના જર્મનીની વાસ્તવિકતાને લેખક તિર્યક્ નજરે આલેખે છે. આ નવલકથા એક તરફ મધ્યકાલીન મહાકાવ્ય ‘પાર્ઝિવલ’ સાથે અનુસંધાન ધરાવે છે, તો બીજી બાજુ વીસમી સદીમાં તેનું અનુસંધાન ગ્યુન્ટર ગ્રાસની પ્રસિદ્ધ નવલકથા ‘ટિન ડ્રમ’માં જોઈ શકાય છે.
ત્રીસવર્ષીય યુદ્ધને કારણે સત્તરમી સદીમાં જર્મન સાહિત્ય ગજું કાઢી શકતું નથી, તે અઢારમી સદીમાં સિદ્ધિઓ હાંસલ કરે છે.
અઢારમી સદી : પ્રબોધન કાળ (enlightenment) અને મંથન-મથામણ(Strum und Drang)નો યુગ. આ સદીના પૂર્વાર્ધમાં પ્રબોધન યુગ શરૂ થાય છે, તેમાં મંથન-મથામણ આવે છે; એની ચરમોન્નતિ મળે છે લેસિંગમાં અને કાન્ટની બૌદ્ધિક સઘનતામાં. સદીના ઉત્તરાર્ધને જર્મન સાહિત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે તે ગ્યૂઇથે-શિલરનો યુગ.
સત્તરમી સદીના બુદ્ધિવાદી અને કહેવાતી આધ્યાત્મિકતા સામેનું આંદોલન તે અઢારમી સદીના પૂર્વાર્ધનું પ્રબોધન. રહસ્ય, મૂળભૂત પાપની ખ્રિસ્તી ધાર્મિક વિભાવનાના સિદ્ધાંત અને અતાર્કિક બાબતોની વિરુદ્ધ કાર્યકારણના સિદ્ધાંતમાં તેમજ માનવીય શક્તિમાં શ્રદ્ધા ઉદભવે છે. વિજ્ઞાન અને શિક્ષણથી માનવી પૂર્ણતા હાંસલ કરી માનવજાતને સુધારણાને માર્ગે લઈ જઈ શકે છે. દુનિયામાં માનવનું આ ગૌરવ સ્થાપિત કરનાર અને બૌદ્ધિકતા(rationalism)નો પાયો નાખનાર ગૉટફ્રીડ લાઇબનિત્ઝ ‘થીઓડિસ’ (1710) રચનામાં એવી રજૂઆત કરે છે કે ઈશ્વર અને માનવનો સંબંધ માત્ર ખ્રિસ્તી રૂઢિચુસ્તતા(dogma)માં સીમિત નથી, પણ વ્યક્તિની અંગત આધ્યાત્મિક અનુભૂતિમાં છે.
જર્મન સાહિત્યમાં આ સમયે અંગ્રેજીનો દૂરવર્તી પ્રભાવ પડે છે. સામયિકો ‘સ્પેક્ટેટર’, ‘ટેટલર’, ‘ગાર્જિયન’ વગેરેમાંથી જર્મન સામયિક ‘દેર ફરન્યુનફટલર’માં અનેક ઉતારા તથા અનુવાદ પ્રકટ થાય છે. રિચાર્ડસનની નૈતિકતાધર્મી નવલકથા અને ‘રૉબિન્સન ક્રૂઝો’નો વિશેષ પ્રભાવ પડે છે. સાહિત્યિક રુચિ નવેસર ઘડાતી જાય છે. આવી રહેલા આ નવાયુગ – મંથન-મથામણ – પર પછી તો અંગ્રેજ જેમ્સ મેક્ફર્સનની ‘ઑસિયન પોએમ્સ’ (Ossian Poems), પર્સીની ‘રેલિક્સ ઑવ્ એન્શ્યન્ટ ઇંગ્લિશ પોએટ્રી’ અને શેક્સપિયર જર્મન સાહિત્ય પર ઊંડો પ્રભાવ પડે છે.
અઢારમી સદીના આરંભના કવિ યોહાન્ન ગ્યુન્થર(1695–1723)નો મરણોત્તર કાવ્યસંગ્રહ ‘ગેદિખ્તે’(કાવ્યો)માં કરુણ અનુભવો, વૈફલ્ય તથા સંઘર્ષ ડોકાય છે. તેની કવિતા શુદ્ધ તથા સરળ છે; મિનેસાન્ગ પછી પ્રેમગીતોનો લુપ્ત થયેલો પ્રવાહ ગ્યુન્થરમાં પ્રગટ થાય છે. પણ મુખ્યત્વે તો આંદોલનોનો આ સમય છે 1724થી 1740 વચ્ચે વિવેચક યોહાન્ન ગૉટશૅડ પ્રબોધન સાથે મહત્વનું આંદોલન ચલાવે છે. રંગભૂમિનાં અનિષ્ટો દૂર કરી નૈતિકતા તેમજ બુદ્ધિને પ્રાધાન્ય આપે છે. સત્તરમી સદી ફ્રેંચ ટ્રૅજેડી અને ફ્રેંચ ક્લાસિસિઝમને જર્મન નાટક માટે નમૂનારૂપ ગણે છે. આ બૌદ્ધિકતા સામે જે. જે. બૉડમર અને જે. જે. બ્રાઇટિંજર અંગ્રેજ કવિ મિલ્ટન અને તેના ‘પૅરેડાઇઝ લૉસ્ટ’નો ઉલ્લેખ કરી બુદ્ધિ પર કલ્પના અને ભાવનાના આધિપત્યની વાત રજૂ કરે છે.
આ સમયે લેસિંગ સાહિત્યના વિવેચનના લેખો સાથે આવે છે. એમાં ‘લાઓકુન’ (1766) પ્રસિદ્ધ છે. એ લેખમાં તે ચાલી આવતી કવિતા અને અન્ય કળાઓની સેળભેળવાળી વિચારણાનો છેદ ઉડાડે છે. ફ્રેંચ આદર્શને સ્થાને ગ્રીક કલાનો આદર્શ સ્થાપે છે. એરિસ્ટોટલના જર્મન સાહિત્ય સિદ્ધાંત અને વાસ્તવિક અનુભવોની વાત સાથેનો નાટક પરનો મહત્વનો નિબંધસંગ્રહ તે પ્રકટ કરે છે. લેસિંગ ઉત્તમ વિવેચક ઉપરાંત ઉત્તમ નાટકકાર પણ છે. તેનું ‘નાથાન દેર વાઇઝ’ (1779) જાણીતું પદ્યનાટક છે; તેમાં બ્લૅન્ક વર્સનો વિનિયોગ કર્યો છે અને સર્વધર્મ-સમભાવની ભાવના આલેખાઈ છે. ‘એમિલિયા જાલોત્તી’ (1772) નામની ટ્રૅજેડી દ્વારા ‘સર્વસાધારણ વર્ગની ટ્રૅજેડી’ પ્રકારનાં નાટકોનો તેણે આરંભ કર્યો. જેમ લેસિંગે જર્મન વિવેચક તરીકે યુરોપમાં ખ્યાતિ મેળવી તેમ એફ. જી. ક્લૉપસ્તૉકે (1724–1803) ‘દેર મેસિયાહ’ (1748) કાવ્યરચનાના વિશિષ્ટ કથાવસ્તુથી યશ પ્રાપ્ત કર્યો. મિલ્ટનના ‘પૅરેડાઇઝ લૉસ્ટ’ના આધારે રચાયેલું આ કાવ્ય માનવજાતની મુક્તિનું પ્રશંસાસ્તોત્ર છે.
ગ્યૂઇથે યુગ (યોહાન્ન વૉલ્ફગાન્ગ ગ્યૂઇથે – 1749–1832) : મહાકવિ ગ્યૂઇથેના દીર્ઘસર્જનવ્યાપી જીવનકાળ દરમિયાન જર્મન સાહિત્યના ત્રણ સાહિત્યિક યુગ એટલે કે ‘મંથન અને મથામણ’ (Strum und Drang), ‘નવ્ય પ્રશિષ્ટતાવાદ’ (Neo-classicism) અને રોમૅન્ટિસિઝમ (romanticism) પથરાયેલા છે.
બૌદ્ધિકતાવાદને દૂર કરનાર ‘મંથન અને મથામણ’નું આંદોલન ગ્યૂઇથેથી ખૂબ જ પ્રભાવિત છે. આ આંદોલન પ્રબોધનયુગના ધર્મને સ્થાને વિજ્ઞાનને સ્થાપિત કરવાની વાતથી આગળ જાય છે. હવે વિજ્ઞાનને સીમા પર રાખી જીવનના તાત્ત્વિક મૂળ પ્રશ્ર્નો કેન્દ્રમાં આવે છે. રૂઢિને સ્થાને આવેગ, સંસ્કૃતિને બદલે પ્રકૃતિ, નીતિપરકતાની સામે ઊર્મિમયતાનો પુરસ્કાર થાય છે. ભાવના, અંત:સ્ફુરણા, કલ્પના લગભગ ધર્મના જેટલી મહત્તા પામે છે, માનવીય ચેતનાથી કશું ઊંચું નથી. આવા ષ્ટિકોણ માટે ફાઉસ્ટના જેવી અ-થક મહેનતની આવશ્યકતા છે; તણાવ, ક્રાન્તિ, ઝંખના પ્રધાન લક્ષણો છે.
યોહાન્ન ગૉટફ્રીડ હર્ડર (1744–1803) દ્વારા ‘મંથન અને મથામણ’ની મુખ્ય ધારા પ્રવાહિત થાય છે. એમના માનવતાવાદી ર્દષ્ટિકોણની વિભાવના મહત્વની છે. હર્ડર સાથેના સંપર્ક દ્વારા ગ્યૂઇથે આ આંદોલન સાથે અંતરંગપણે જોડાય છે. હર્ડરે ઐતિહાસિક સાતત્યનું, બાઇબલના કાવ્યત્વનું અને શેક્સપિયરનું મૂલ્ય ર્દઢપણે સ્થાપ્યું – ફ્રેંચ ક્લાસિસિઝમને અવગણ્યું; બૅલાડ, લોકગીતો અને તેનું સંગીત, મધ્યયુગીન રોમાન્સ-કથાઓ વગેરે પર ભાર મૂકી પ્રેરક બળો તરીકે સ્થાપિત કર્યાં. એમાં અંગ્રેજી કવિ પર્સીના રેલિક્સ (Reliques) અને મેક્ફર્સનનાં ‘ઑસિયન’ (Ossian) કાવ્યો આવી જાય. ગ્યૂઇથેએ તેની નવલકથા ‘વૅર્થર’માં આવાં કાવ્યોના અનુવાદના ખંડો મૂક્યા છે. આ યુગના મૅનિફેસ્ટો જેવી ગ્યૂઇથે સાથે રચાયેલી કૃતિ ‘કન્સર્નિંગ’ (Concerning), ‘જર્મન નેચર ઍન્ડ આર્ટ’ (1773) (‘ફૉન દોઇચર આર્ન ઉન્દ ક્યુન્સ્ત’) દ્વારા તેમણે એ પેઢીની સાહિત્યિક રુચિ બદલી નાખી.
સ્ટ્રુમ ઉન્દ ડ્રાન્ગ આંદોલનથી યુવાન ગ્યૂઇથે અને શિલર(1759–1805)ને પ્રેરણા-પ્રોત્સાહન મળ્યાં. સ્ટ્રાઝબર્ગ(1770)માં હર્ડર સાથેના વાર્તાલાપોથી ગ્યૂઇથેમાં નવા સૌન્દર્યલક્ષી વિચારો અંકુરિત થયા અને લોકસાહિત્યમાં તથા શેક્સપિયરનાં નાટકોમાં ઊંડો રસ જાગ્યો. 1773માં વિચારપ્રધાન ઐતિહાસિક નાટક ‘G ö tz Von Berlichingen’ અને 1774માં ‘Die Leiden des Jungen Werthers’ નવલકથાએ ગ્યૂઇથેને યુરોપભરમાં પ્રસિદ્ધિ અપાવી. નવલકથાની શૈલી રંગદર્શી હોઈ શુષ્ક બૌદ્ધિકતા પર તેમાં પ્રહાર કરાયા છે. તે પછી 1783માં વાઇમરમાં રચાયેલું પ્રસિદ્ધ કાવ્ય ‘વૉન્ડરર્સ નાઇટસૉન્ગ’ શાંતિ અને માનવતાનો સંદેશ લાવે છે. ઇટાલીની મુસાફરીથી પ્રેરાઈ તેમની સર્જકતા ‘ઇફિજીની આઉફ ટૉરિસ’ (1787) અને ‘તાસો’ (1790) જેવી પ્રશિષ્ટ નાટ્યરચનાઓ સર્જે છે. અહીં વાઇમરમાં શિલર સાથે મૈત્રી અને હૂંફ પામે છે. શિલરનાં નાટકો Die Räuber (1781) અને વધારે પ્રભાવક ટ્રૅજેડી Den Carlos(1787)ને ગ્યૂઇથે જ રંગભૂમિ પર લાવે છે. જર્મનીમાં આ સમયે રાષ્ટ્રીય રંગભૂમિ કાયમી ધોરણે સ્થાપિત થાય છે.
મંથન-મથામણના આંદોલનનાં વળતાં પાણી થતાં ગ્યૂઇથે અને શિલરની કવિતામાં નૈતિક આદર્શવાદ વ્યક્ત થતો જોવા મળે છે. 1794થી 1805 સુધી બંને સાથે વાઇમરમાં રહે છે. કાન્ટનું તત્વચિંતન અને ફ્રેન્ચ ક્રાન્તિના પ્રભાવ હેઠળ તેઓ પ્રશિષ્ટવાદી વલણ તરફ વળે છે. શિલર ઇતિહાસ અને ફિલસૂફી તરફ વળે છે અને તત્વચિંતનાત્મક ઊર્મિકાવ્યો રચે છે. ઉપરાંત પ્રશિષ્ટ જર્મન નાટકોની (1798થી 1805) ‘વાલેન્સ્ટાઇન’, ‘મારિયા સ્ટુઅર્ટ’ તથા ‘દી પુંગ ફાઉ ફૉન ઑર્લિન્સ’ નાટકત્રયી પ્રકટ થાય છે તથા ભજવાય છે. ઉપરાંત પ્રસિદ્ધ નાટક ‘વિલ્હેમ ટેલ’ રચાય છે.
ગ્યૂઇથેની ‘વિલ્હેમ માઇસ્ટર્સ લેહરયાર’ (1795–96) એક તરુણના ઘડતરની નવલકથા છે. વિલ્હેમ ‘માઇસ્ટર’ બને છે તેની વાત ‘વિલ્હેમ માઇસ્ટર્સ વૉન્ડરયાર્હ’(1829)માં આલેખાઈ છે. શિલરે જેની રચના માટે સતત પ્રેરણા આપી હતી તે ગ્યૂઇથેની મહાન રચના ‘ફાઉસ્ટ-1’ (1808) અને ‘ફાઉસ્ટ-2’ (1832) આધ્યાત્મિક શાંતિની શોધમાં નીકળેલા માનવીના અને વિશ્વમાંગલ્યના મહાનાટક તરીકે જગતની અમર સાહિત્યકૃતિ છે. ‘ફાઉસ્ટ’માંનો જીવનસંદેશ એટલે અવિરત કર્મ દ્વારા સાચા માનવ બનવું તે, સાચી મુક્તિ પામવી તે.
અઢારમી સદીના અંતભાગમાં વાઇમર જર્મનીનું સાહિત્યિક કેન્દ્ર હતું; ગ્યૂઇથે અને શિલરનું ત્યાં પ્રભુત્વ હતું. તે સાથે રોમૅન્ટિક આંદોલન પણ આવી રહ્યું હતું; પણ કેટલાક સર્જકો આ બેમાંથી એકેયની સાથે સંકળાયેલા નહોતા. તેમાંના એક અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થના સમવયી કવિ ફ્રિદરિખ હોલ્ડરલીન(1770–1843)ની ઊર્મિકવિતાને ગ્યૂઇથે અને રિલ્કેની કવિતા સાથે મૂકવામાં આવે છે. એની કવિતાની કેન્દ્રવર્તી પ્રેરણા છે પ્રેમ. તેનો કાવ્યાદર્શ છે ગ્રીક કવિતા. ગ્રીક સાહિત્ય અને પુરાણકથાના અનેક સંદર્ભ તેની કવિતામાં ડોકાયા કરે છે, પણ એ ગ્રીક આદર્શે પહોંચવાની અક્ષમતા તેને હતાશા તરફ લઈ જાય છે. આ જ રીતે જ્યાં પૉલ (યોહાન્ન ફ્રિદરિખ રિખ્તર) માનવમનનાં ઊંડાણોને ઉદઘાટિત કરે છે. 1795થી 1804ની વચ્ચે રચાયેલી તેમની નવલકથાઓમાં તરંગી શૈલીસ્વરૂપની શિથિલતા હોવા છતાં તે લોકપ્રિય બની હતી.
રોમૅન્ટિક આંદોલન : ‘મંથન અને મથામણ’ના આંદોલનમાંથી ગ્યૂઇથે-શિલરના વિપુલ સર્જનથી પ્રશિષ્ટતાવાદનો તેમજ તેની સાથોસાથ રોમૅન્ટિક આંદોલનનો પણ જન્મ થયો હતો. આ સાહિત્યસર્જન ઊર્મિપ્રચુર છે; તેમાં એક ભાવના સર્વસાધારણ છે તે વિશ્વવેદનાની. વળી આ આંદોલન તત્ત્વચિંતકો જે. જી. ફિખ્તે અને ફ્રિદરિખ શેલિંગના ચિંતનમાંથી પ્રેરણા પામ્યું હતું. આ સર્જકો માટે દૂરના ગ્રીસને બદલે ગ્યૂઇથે, શિલર અને મધ્યકાલીન યુગો પ્રોત્સાહક બને છે. પહેલું રોમૅન્ટિક આંદોલન 1798માં લુદવિગ ટિક (1773–1853)ના નેતૃત્વ હેઠળ શરૂ થતાં શેક્સપિયર અને એલિઝાબેથન તથા સ્પૅનિશ નાટક માટેનો પ્રસાર-પ્રચાર થાય છે. ટિકનાં કાવ્યો કરતાં તેની પરીકથાઓ વધારે જાણીતી છે. રોમૅન્ટિકોમાં અગ્રદૂત અને કીટ્સ-શેલી જેવો અલ્પાયુ કવિ નોવાલિસ (1772–1801) (ફ્રિદરિખ ફૉન હાર્દેનબર્ગ) છે. તેણે તેના રહસ્યવાદી વિચારો પ્રસિદ્ધ ‘હિમ્નન આન દી નાખ્ત’- (Hymanen an die Nacht)માં પ્રકટ કર્યા છે. તેની અપૂર્ણ નવલકથા પ્રતીકાત્મક પરીકથા ‘હાઇનરિખ ફૉન ઑફતર દિન્ગન’ દ્વારા ગ્યૂઇથેની વાસ્તવલક્ષી ‘વિલ્હેમ માઇસ્ટર્સ લેહરયાર’ની સામે તેણે તરંગલક્ષી કથા આપી છે. શ્યુબર્ટ અને શ્યુમાન જેવા સંગીતકારોએ સંગીતબદ્ધ કરેલી ઉત્તમ ઊર્મિકવિતા આ સમયમાં મળે છે.
આ આંદોલન 1804માં વીખરાઈ જતાં 1806માં હાઇડલબર્ગમાંથી આંદોલનનો બીજો તબક્કો શરૂ થાય છે. ક્લીમેન્ત્સ બ્રેન્તાનોએ અન્ય સાથે સંપાદિત કરેલ લોકગીતોનો સંગ્રહ ‘દેસ નાબન વુન્દસ્હૉર્ન’ પ્રકટ થાય છે. બ્રેન્તાનો અને યૉસેફ ફૉન આઇખેનડૉર્ફમાં કાવ્યમાં પ્રકૃતિ-સૌંદર્યને મધુરતાથી અને હૃદયના ઋજુ ભાવોને સરળતાથી અને સચ્ચાઈથી ઉતારવાની અદભુત ક્ષમતા જોવા મળે છે. આ આંદોલનના અગ્રણી સંકલનકાર છે ગ્રિમ બ્રધર્સ; તેમણે ‘કિન્દર ઉન્દ હાઉસમૅર્ખન’(1812–1814)ની પરીકથાઓનો વિશ્વવિખ્યાત સંગ્રહ આપ્યો છે; તેમણે જર્મન ડિક્શનરી પણ તૈયાર કરી. કવિ આઇખેનડૉર્ફની નવલકથા ‘દેર તાઉગેનિખ્ત’માં આ યુગની લાક્ષણિકતાઓ પ્રકટ થાય છે.
રોમૅન્ટિક આંદોલનના પછી જુદા જુદા ફાંટા જોવા મળે છે. ઉત્તરમાં હાઇનરિખ ફૉન ક્લાઇસ્ત (1777–1811) પદ્યમાં કૉમેડી, પ્રયોગવાદી નાટકો તેમજ વાર્તાઓની રચના કરે છે. ઈ.ટી.એ. હૉફમાન ફૅન્ટસી- સભર અતિયથાર્થવાદી કથાઓ લઈને આવે છે. વિલ્હેમ મ્યૂલર, લુદવિગ ઉહલાન્દ, ગુસ્તાવ શ્વાબ વગેરેનો ઉલ્લેખ કરવો જોઈએ.
ઓગણીસમી સદી–વાસ્તવવાદી આંદોલન : 1832માં ગ્યૂઇથેના અવસાન પછી ક્લાસિકલ-રોમૅન્ટિક આંદોલનનો અંત આવે છે. આગલી પેઢીના સર્જકોએ આલેખેલાં ઉન્નત ચિત્રોનો હવેના સમયની રાજકીય વાસ્તવિકતા સાથે મેળ પડતો નથી. તેમાંયે 1867માં આખાયે વિશ્વની વિચારધારામાં જબરદસ્ત ઊથલપાથલ કરનાર કાર્લ માર્કસનો ગ્રંથ ‘દાસ કાપિતાલ’ પ્રકટ થાય છે. માર્કસ એટલે વિલ્હેમ ફ્રિદરિખ હેગલ(1770–1831)નો શિષ્ય. મહાન દાર્શનિક હેગલની ઐતિહાસિક ઉત્ક્રાંતિવાદની પદ્ધતિ અને પ્રયોગ રોમૅન્ટિક યુગથી પ્રભાવિત છે, અને છતાં એની પ્રભાવક દાર્શનિકતાએ જ રોમૅન્ટિક યુગનાં વળતાં પાણીને વેગ આપ્યો હતો. હેગલ સાથેના બીજા પ્રસિદ્ધ દાર્શનિક આર્થર-શૉપેનહાવર(1766–1838)ને પણ એટલા માટે યાદ કરવા જોઈએ કે તે દાર્શનિક ઉપરાંત મોટા શૈલીકાર હતા. જર્મન ગદ્યને તેમણે ઊંચી પ્રતિષ્ઠા અપાવી. તેમણે જર્મનીમાં ભારતીય ઉપનિષદોનો મહિમા સ્થાપિત કર્યો હતો. માર્કસનું દર્શન ભૌતિકતાવાદી અને સામાજિક વાસ્તવને મહત્વ આપનારું હતું, વધતો જતો વર્ગસંઘર્ષ, પ્રભાવક થતી વિજ્ઞાનની અસર, શૉપેનહાવરના દર્શનથી શરૂ થયેલો એક પ્રકારનો નિરાશાવાદ– બુદ્ધિજીવીઓના ચિત્ત પર આ બધું પ્રભાવક નીવડ્યું – એક નવા યુગનો આરંભ થતો હતો– કામદારોના યુગનો, વ્યાપારી સામ્રાજ્યના યુગનો; પરિણામે વાસ્તવવાદનો જન્મ થાય છે. આ વાસ્તવવાદ પ્રથમ પ્રગટે છે ‘તરુણ જર્મની’ની પ્રવૃત્તિમાં.
અલબત્ત, અઢારમી સદીને અંતે જન્મેલા અને નેપોલિયનનાં યુદ્ધો પછી લખતા થયેલા લેખકોમાં સંક્રાન્તિકાળની લાક્ષણિકતાઓ જોવા મળે છે. મોટા ઑસ્ટ્રિયન નાટકકાર ફ્રાન્ઝ ગ્રિલ પાર્ઝર (1791–1872), ‘સાફો’ (1818) નાટકમાં સમકાલીન જર્મન રંગભૂમિનાં વલણોને અનુસરે છે; એની સામે ગ્યૂઇથેના ‘તાસો’નો આદર્શ છે. ‘દાસ ગોલ્દન વ્લાઇસ્સ’ (‘The Golden Fleece’)માં પાત્ર અને પરિવેશનું સંમિશ્રણ છે. ‘મીડિયા’માં ‘સાફો’ની જેમ લગ્નજીવનમાં બે સાથીઓ નિરર્થક એકબીજાને પામવા મથે છે અને એકલવાયાપણું અનુભવે છે. ‘દેર ત્રાઉમ આઇન લેબન’(1834)માં મહત્વાકાંક્ષાની પોકળતા રજૂ થાય છે. ગેઓર્ગ બ્યૂખનર અને સી. ડી. ગ્રાબ્બની કૃતિઓમાં પણ ગ્રિલ પાર્જર જેવો ગંભીર ભાવ આલેખાયો છે. ક્લાસિસિઝમ અને રોમૅન્ટિસિઝમનું મૂલ્ય ઘટ્યું છે, પણ કોઈ નવી શ્રદ્ધા જન્મી નથી, તેથી આ નાટકકારોમાં સંઘર્ષયુક્ત એષણાઓ વિરોધાભાસ તથા નિરાશા જન્માવે છે.
ઊર્મિકવિતાના ક્ષેત્રે એદુઆર્દ મૉરિકનું નામ આજે જાણીતું છે. એની કાવ્યબાનીમાં લોકગીતોની સાદગી છે. પ્રકૃતિપ્રેમી અને પ્રસન્નચિત્ત આ કવિની કવિતામાં વિશેષત: ગીતોનું નાદમાધુર્ય સંમોહક છે; તો ઊર્મિકવિઓ ફ્રિદરિખ રુખર્ત્ત અને પ્લાતન-હાલર મ્યુન્દમાં સ્વરૂપરચનાનું કૌશલ અને કલા છે. રોમૅન્ટિસિઝમ પર કોઈએ પણ હાઇનરિખ હાઈન (1797–1856) જેટલો પ્રહાર કર્યો નથી. (જર્મનીમાં હાઇન વિવાદાસ્પદ વ્યક્તિ ગણાય છે.) પણ તેની કૃતિ ‘બ્યુખ દેર લીદર’ (1827) પ્રેમકાવ્યોનો અતિપ્રસિદ્ધ સંગ્રહ છે. હાઇન રોમૅન્ટિકોમાં છેલ્લો અને આધુનિકોમાં આદ્ય. મહાન સંગીતકારોએ તેની કાવ્યરચનાઓને સંગીતબદ્ધ કરી છે. ગદ્યલેખક તરીકે તે ઓછો જાણીતો છે. પણ તેના ‘ઑન ધ હિસ્ટરી ઑવ્ રિલિજિયન ઍન્ડ ફિલૉસૉફી ઇન જર્મની’(1834)માં તે વ્યંગ્યાત્મક ગદ્યસ્વામી તરીકે પ્રગટે છે. તેનાં લખાણો પર સેન્સરશિપ આવતાં એની ઉત્તરકાલીન કૃતિઓમાં વ્યંગ ચરમ સીમાએ પહોંચે છે. તેણે પૅરિસમાં દેશવટામાં, જીવનનાં અંતિમ રુગ્ણાવસ્થાનાં વર્ષોમાં મર્મસ્પર્શી રચનાઓ આપી છે.
‘તરુણ જર્મની’ નામ આ રીતની કડકાઈભરી સેન્સરશિપથી હતાશ બનેલા લેખકોની મંડળીનું હતું. હાઇન થોડો વખત એની સાથે જોડાયેલો હતો. આ સમુદાયના લેખકો હેગલના ઉદ્દામવાદમાં માનનારા રાજકીય ઉદ્દામવાદીઓ હતા. એમાંથી ઘણાને દેશનિકાલ કરવામાં આવ્યા હતા અથવા તેમણે જાતે તે વહોરી લીધો હતો.
વાસ્તવવાદી આંદોલન : વાસ્તવવાદ આમ પ્રથમ પ્રકટે છે ‘તરુણ જર્મની’માં ‘દાસ યુંગ દોઇચલાન્દ’માં. સામાજિક વાસ્તવ કેન્દ્રમાં હોવા છતાં પછીથી આવતા પ્રકૃતિવાદ જેવું વાસ્તવિક ચિત્ર અહીં નથી. વાસ્તવવાદી ઉદ્દેશ જીવનમાં વિધેયાત્મક મૂલ્યો શોધવાનો હતો.
જર્મન ઇતિહાસની વિધેયાત્મક વિભાવના રિચાર્ડ વાગ્નર(1813–1883)ની રચનાઓમાં મળે છે, જેમાં તે શબ્દ, સંગીત અને અભિનય એ ત્રણેના સમન્વય દ્વારા કલાકૃતિ ‘ઑપેરા’ સર્જે છે. વાસ્તવવાદી યુગમાં વાગ્નરનું સર્જનકાર્ય રોમૅન્ટિક ભાવવધારાથી વણાયેલું છે. તેણે વિશ્વને જર્મન મધ્યકાલીન સમયનાં પાત્રો અને દંતકથાઓથી સૌથી વધારે પરિચિત કર્યું તે ‘પાર્સિફાલ’ (1877) તથા ‘દેર રિંગદેસ નિ બેલુન્ગન (1876) દ્વારા. ‘દી માઇસ્ટર સિન્ગર ફૉન ન્યૂર્નબર્ગ’ (1862) વાગ્નરની હાન્સ સાખ્સ અને તેના સમયની અંતરંગ જાણકારી રજૂ કરે છે, તો ‘ત્રિસ્તાન ઉન્દ ઇસોલ્દે’ (1857) પ્રેમ અને મૃત્યુનો વિષય સંગીત અને શબ્દમાં આલેખે છે. ગેઓર્ગ બ્યૂખનર(1813–1837)નાં નાટકોમાં અસ્તિત્વવાદી ઉદ્વેગ છે, તો બીજામાં કૉમિક અભિવ્યક્તિ પણ મળે છે. બ્યૂખનરના બે સમકાલીનો ઓતો લુદવિગ (1813–1865) અને ક્રિશ્ચિયન ફ્રિદરિખ હેબ્બલ(1813–1863) નાટકની સૈદ્ધાંતિક ભૂમિકાઓ આપે છે, પણ શેક્સપિયરના અભ્યાસ છતાં તે સફળ નાટકકાર થઈ શકતો નથી; ઊલટું તે વાર્તાકથનકલામાં કુશળતા દાખવે છે. ‘ઝ્વીશન હિમેલ ઉન્દ એર્દ’ (‘સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે’) (1856) મહત્વની વાસ્તવદર્શી નવલકથા કહેવાય છે. બીજી તરફ હેબ્બલ તેના સિદ્ધાંતો કામે લગાડી ઐતિહાસિક ચિંતનાત્મક સમસ્યાઓ પર પ્રહાર કરે છે. હેબ્બલના ટ્રૅજેડીના સિદ્ધાંત પ્રમાણે સામાજિક અને સાંસ્કૃતિક વલણો વચ્ચેના સંઘર્ષમાં વ્યક્તિ માટે સહન કરવું એ જ અનિવાર્ય છે. આ અર્થમાં લેસિંગ અને શિલરે શરૂ કરેલી આદર્શવાદી પરંપરામાં હેબ્બલ છેલ્લો પ્રતિનિધિ છે. તેનાં ટ્રૅજિક નાટકોમાં ‘હેરોદ્ઝ ઉન્દ મરિયમ્ને’ (1850), અને ‘મારિયા મેગ્દેલિના’ (1844) વગેરે છે.
માનવીના પરિવેશની મહત્તાની સજગતાથી ગદ્યમાં કથનાત્મક સાહિત્યનો વિકાસ થાય છે. કાર્લ ઇમ્મરમાને (1796–1840) તેની નવલકથા ‘દી એપિગોનન’ (1836) – ગ્યૂઇથે પછીના સમગ્ર યુગને આ પ્રતીકાત્મક નામ આપેલું છે –માં ભૌતિકવાદથી વિસર્જિત થયેલી જૂની સામાજિક વ્યવસ્થાનું વર્ણન કર્યું છે. ઇમ્મરમાને ખેડૂતસમાજ વિશે લખ્યું છે; તેવો બીજો લેખક છે સ્વિસ જેરેમિયાસ ગોતહેલ્ફ, કાવ્યાત્મક વાસ્તવનવલકથાકાર ગૉતફ્રીદ કેલ્લર(1819–1890)ની રચનાઓમાં તે સમાજ સમજપૂર્વક આલેખાયો છે. તેની નવલકથા ‘દેર ગ્રુન હાઇનરિખ’ (1854) કંઈક આત્મકથનાત્મક શૈલીમાં રચાયેલી અને ચરિત્રઘડતરને લગતી ‘બિલ્દુંગ્સ રોમાન’ છે. તેમાં એક સ્વિસ કલાકારના સંઘર્ષ અને પ્રગતિની કથા છે. કેલ્લરે તેની રચનાઓમાં વાસ્તવ અને કલ્પનાની સુંદર સંવાદિતા સાધી છે. પોતાના દેશ અને લોકો વિશે પણ રચનાત્મક અને વિધેયાત્મક અભિગમો દર્શાવતી કૃતિઓ આપી છે. કેલ્લરના સાથી ફર્નિનન્દ મેયરે (1825–1898) તેમની ગદ્યરચનાઓમાં ઇતિહાસની, ખાસ કરીને પુનરુત્થાનની, વાસ્તવદર્શી પશ્ચાદભૂમિકા લીધી છે; જેવી કે ‘દાસ એમુલેત્ત’, ‘એન્જેલા બોર્જિયા’ વગેરે. તેની ઊર્મિપ્રવણ કવિતામાં પણ વિરલ સ્વરૂપ વિશેની સજગતા છે. તેની કવિતા મુખ્યત્વે પ્રતીકાત્મક છે.
ઑસ્ટ્રિયન નવલકથાકાર આદલબર્ત સ્ટિફ્ટર(1805–1868)નું મહત્વ છેક વીસમી સદીમાં જાણવામાં આવેલું છે. તેની કેટલીક વાર્તાઓ ‘સ્તુદિયન’માં સંગૃહીત કરેલી છે, તેની પ્રશિષ્ટ ભાષા શૈલીગત પૂર્ણતાની શોધ માટે છે. દિનપ્રતિદિનનું જીવન તેને માટે ભાવાત્મક મહત્તા ધરાવે છે. ‘નાખસોમર’(1857)માં ગ્યૂઇથેના ‘વિલ્હેમ માઇસ્ટર’નો પ્રભાવ જોવા મળે છે. ઐતિહાસિક નવલકથા ‘વિતિકો’(1865–67)નો વિષય છે હિંસાનો પરિત્યાગ, આત્મસંયમ, નિખાલસતા.
વીસમી સદી – આધુનિક સાહિત્ય : કહેવાતા દેશપ્રેમ, છીછરા આશાવાદ અને ઓગણીસમી સદીના કંઈક તરંગી, પરીકથા જેવાં લક્ષણો ધરાવતા સાહિત્યથી આધુનિક જર્મનસાહિત્ય અલગ પડે છે. આ લક્ષણો સામે પ્રકૃતિવાદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, તે છેક નાઝીઓએ અવરોધેલી સર્જકપ્રવૃત્તિ સુધી તેની ઓછીવધતી અસર પડ્યા કરે છે. પછી તો 1945નું પતન. આ સમગ્ર સમયગાળા દરમિયાન લેખકો પ્રયોગશીલતામાં પ્રવૃત્ત રહે છે.
જર્મન પ્રકૃતિવાદ ફ્રાન્સના એમિલ ઝોલાથી પ્રભાવિત થયેલો છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને દાર્શનિક વિચારધારાઓને કારણે માનવીને વારસો અને વાતાવરણના સંદર્ભમાં મૂલવવામાં આવતો; હવે તેને સ્થાને વિરૂપ વાસ્તવ, ઉદ્યોગીકરણની સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ લેખકનો મુખ્ય વિષય બને છે. આ આંદોલનનો પ્રતિનિધિ કવિ આર્નો હોલ્ઝ (1863–1929) તેની ‘બ્યૂબ દેર ઝાઈટ’(1886 Book of the Times)માં આવા વિષયોનું વૈવિધ્ય રજૂ કરે છે. પણ ગેરહાર્ન હાઉપ્તમાન (1862–1964) મુખ્ય પ્રકૃતિવાદી નાટકકાર હતો, તે 1912નો નોબેલ પુરસ્કારવિજેતા છે. તેનાં આરંભનાં નાટકો ઇબ્સનનાં સામાજિક નાટકોની યાદ આપે છે. તેમાં મધ્યમવર્ગ અને શ્રમિકોનાં દુ:ખ અને યાતનાનાં ચિત્રો છે; દા.ત., ‘આઇનસમ મેન્ચન’ (1891), ‘દી વેબર’ (1892 – The Weavers). 1889માં લખાયેલું નાટક ‘ફૉર સોનન આઉફગાન્ગ’ તેની ટૅકનિકથી જાણીતું બન્યું છે, તેમાં નાયક કહી શકાય એવું કોઈ નથી કે કોઈ સુગ્રથિત કથા નથી. તે પછી હાઉપ્તમાન ઇતિહાસને પણ પ્રકૃતિવાદી ર્દષ્ટિથી નાટ્યરચનામાં ઉતારે છે પાછળથી તેમનાં સર્જનમાં પ્રતીકવાદની અસર જણાય છે; દા.ત, ‘ધ સંકન બેલ’ (1896). બીજાઓએ પણ હાઉપ્તમાનને અનુસરી પ્રકૃતિવાદી રચનાઓ લખવાની કોશિશ કરી છે.
જર્મન સાહિત્યમાં આધુનિક યુગના ઉંબરે ફ્રિદરિખ નિત્શે(1844–1900)ની વિરાટ પ્રતિભા છે. ‘દી ગેબુર્ત દેર ત્રાગોડી આઉસ દેમ ગાઇસ્ટ દેર મ્યુઝિક’ (1872) – એ તેમનો પ્રસિદ્ધ પ્રથમ ગ્રંથ છે. આમાં મૂળભૂત નિરાશાવાદ પર ભાર મૂક્યો છે. ખ્રિસ્તી નૈતિકતામાંથી વ્યક્તિત્વને અને કલાને મુક્ત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. એમનું જાણીતું વિધાન છે – ‘ઈશ્વર મૃત્યુ પામ્યો છે.’ નિત્શેનો પ્રભાવ વિસ્તરે છે તેમના શકવર્તી ગ્રંથ ‘આલ્સો સ્પ્રાખ જરથુષ્ટ્ર’થી (ચાર ભાગ : 1883થી 1891). જર્મન ભાષામાં વિરલ ગણાતી શૈલીમાં આ ગ્રંથ લખાયો છે. રચના એક સળંગ ‘ગદ્યકાવ્ય’ જેવી લાગે છે. ‘ઈશ્વર નથી’ની તેમની ઘોષણા ખંડેખડમાં ફરી વળી – હવે આ ઈશ્વરનું સ્થાન અતિમાનવ લેશે, એવું માનનારા આ દાર્શનિક ઊંચી કક્ષાના ઊર્મિકવિ તરીકે પ્રકટ થાય છે ‘ગેદિખ્ત ઉન્દ સ્પ્રાખ’ સંગ્રહથી. જર્મન ભાષા આ લખાણોમાં ઉદાત્તતાની કક્ષાએ પહોંચતી જણાય છે. નવી પેઢીને નિત્શેના વિચારો તીવ્રપણે પ્રભાવિત કરે છે.
પ્રભાવવાદ (impressionism) : આ સદી દરમિયાન, રૂઢ સાહિત્યિક સ્વરૂપોથી અસંતુષ્ટ સર્જકો સાહિત્યિક સ્વરૂપો સાથે નવા પ્રયોગો કરે છે; અને રૂઢ જર્મન ભાષાને પણ પુનર્જીવિત કરે છે. પ્રભાવવાદીની શૈલીનો આરંભ પ્રકૃતિવાદ સાથે જોડાયેલો છે. પ્રભાવવાદમાં સર્જક વસ્તુનિરીક્ષણથી દ્રષ્ટા પર થયેલા પ્રભાવ પર ભાર મૂકી એ મન:સ્થિતિને ઉદઘાટિત કરે છે. આ વલણ ચિત્રકળા જેવી તે સમયની અન્ય કળાઓમાં પણ સમાંતર ચાલે છે. પ્રતીકવાદી કવિ ગેઓર્ગ, સ્ટીફાનના (1868–1933) સર્જનમાં પણ પ્રભાવવાદી લક્ષણો નજરે પડે છે. કવિતાના ઊંચા આદર્શનું લક્ષ્ય રાખતા આ કવિની રચનાઓમાં રૂપગત કૌશલ પ્રકટ થાય છે. તેણે ‘જર્નલ ફૉર આર્ટ’ (1852) નામનું સામયિક શરૂ કર્યું હતું, તેમાં એની કાવ્યવિચારણા – ‘કલા ખાતર કલા’ – તેમજ એ વિચારણાને અનુસરી રચના કરતા કવિઓનાં કાવ્યો પ્રકટ થતાં. ઑસ્ટ્રિયન કવિ હ્યુગો ફૉન હૉફમાન સ્તાલ(1874–1929)નાં પ્રભાવવાદી લક્ષણોનું અનુસંધાન રોમૅન્ટિસિઝમ સાથે છે. તે ગેઓર્ગ સાથે જોડાતો નથી. તેણે યુરોપીય પ્રણાલીનાં ધ્વનિયુક્ત ઊર્મિકાવ્યો લખ્યાં છે. તેનાં ઊર્મિપ્રધાન નાટકો ઉપરાંત ધાર્મિક વલણ ધરાવતાં નાટકો જેવાં કે ‘ધ ગ્રેટ સાલ્ઝબર્ગ થિયેટર ઑવ્ ધ વર્લ્ડ’ અને ‘એવરીમૅન’માં તેણે બરોક અને મધ્યયુગીન વિષય અને શૈલી લીધાં છે. આ બધાંથીય ઘણું પહેલાં બીજા ઑસ્ટ્રિયન આર્થર શ્નિત્ઝલરે (1862–1931) 1901માં તેના નાટકમાં ફ્રૉઇડની જેમ સમાંતર સાહિત્યમાં પણ માનવમનનાં ઊંડાણોને શબ્દોમાં આલેખવાનો પ્રયાસ કર્યો છે. ‘Lieutenant Gustl’(1901)માં ઇન્ટિરિયર મૉનલૉગ અને મનોવિશ્લેષણાત્મક શૈલીઓનો વિનિયોગ કર્યો છે. ઑસ્ટ્રિયન સંસ્કૃતિનાં રહસ્યોના સંશોધક રૉબર્ટ મ્યૂસિલે (1880–1942) તેની મહાકાય નવલકથા ‘દેર માન ઓહને આઇગન શાફ્ટન’ (ધ મૅન વિધાઉટ ક્વોલિટીઝ’, (1930)માં સમાજનાં દંભ અને દૂષણોને ઉઘાડાં પાડ્યાં છે. તે આ સદીની સંસ્કૃતિથી શોકમગ્ન હતા જ અને તેમાં યુદ્ધે વિશેષ ઉમેરો કર્યો.
પ્રતીકવાદ (symbolism) : આ સમયના અન્ય ઊર્મિકવિઓની જેમ રાઇનર મારિયા રિલ્કે (1875–1926) પણ સર્જનપ્રક્રિયા માટે પ્રતીકવાદનો ઋણી છે. રિલ્કે વીસમી સદીમાં માત્ર જર્મનીનો જ કે યુરોપનો જ નહિ, પણ વિશ્વનો એક મહાન કવિ ગણાય છે. તેની આરંભની રચના ‘દાસ સ્તુન્દન બ્યુખ’ (1905) (‘The Book of Hours)માં તે ક્રૂર નગરસંસ્કૃતિની વચ્ચે આધ્યાત્મિકતાની શોધને આલેખે છે. તેની કેટલીક ઈશ્વરવિષયક રચનાઓ વાંચતાં કવિ રવીન્દ્રનાથનાં જીવનદેવતા વિશેનાં કાવ્યો સ્મરણમાં આવે છે. તેના પછીના સંગ્રહ ‘ન્યૂ પોએમ્સ’(1908)માં રિલ્કે આધ્યાત્મિક એકલતાને કવિના આત્મલક્ષી પ્રતિભાવથી નિરૂપતો નથી, પણ વાસ્તવને પરલક્ષિતાથી, ‘વસ્તુ’થી આલેખવા મથે છે અને ‘દિંગ ગેદિખ્ત’નો એટલે કે ‘વસ્તુ-કવિતા’નો સિદ્ધાંત યોજે છે. તેની યશોદાયી કૃતિઓ તો છે : ‘દુઈનો’ કરુણપ્રશસ્તિઓ અને ‘ઑર્ફિયસ’ પ્રતિ સૉનેટો. દુઈનોના કિલ્લામાં રચાયેલી કરુણપ્રશસ્તિઓ તેના આધ્યાત્મિક મંથન અને સંઘર્ષને પૂર્ણ રૂપે ઉદઘાટિત કરે છે. પહેલી રચાઈ 1912માં, તે આખરે પૂરી થાય છે છેક 1922માં. વચ્ચેના દિવસો ભારે સર્જનરિક્ત છે. અંતિમ દિવસોમાં ઑર્ફિયસ પરનાં સૉનેટો (1923) રચાય છે. ઑર્ફિયસ અસ્તિત્વના પ્રશ્નોને રૂપાંતરિત કરતું કાવ્યશક્તિનું પ્રતીક છે.
પ્રતીકવાદથી નવલકથાકારો પણ પ્રભાવિત થયા છે. ટૉમસ માન (1875–1955) તેમની કથાઓમાં આધુનિક માનવીના મનોવિશ્લેષણથી શરૂ કરી પ્રતીક અને પુરાણકલ્પનના વિનિયોગ સુધી પ્રયોગો-પ્રયાસો કરે છે. માનનું ચરિત્રચિત્રણ આમ તો પ્રભાવવાદી છે, પણ એ પ્રભાવ અચેતન મનની શક્તિને આલેખતા કથાઘટકો બની જાય છે. 1901માં તેમની પ્રથમ નવલકથા ‘બુદેન બ્રુક્સ’ પ્રકટ થઈ ત્યારથી અર્ધી સદી સુધી લખાયેલી તેમની નવલકથાઓનો વિકાસક્રમ એ આધુનિક યુગના કથાસાહિત્યનો વિકાસક્રમ બની રહે છે. ‘બુદેન બ્રુક્સ’ 4 પેઢીઓને આવરી લેતી મધ્યમવર્ગીય પરિવારની સામાજિક કથા છે. 1929માં આ નવલકથા માટે માનને સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળેલો. ‘ટોનિયો ક્રૂગર’ (1903) માનના આધ્યાત્મિક અને કલાત્મક વિકાસમાં કેન્દ્રસ્થ ગણાય છે. ‘દેર ઝાઉબરબર્ગ’ (1924 – ‘ધ મૅજિક માઉન્ટન’)માં વર્તમાન યુગની માનસિક રુગ્ણતાને પરિણામે વિનાશોન્મુખ થતો મધ્યમવર્ગ પ્રકટ થાય છે.
1947માં પ્રકટ થયેલી ‘ડૉક્ટર ફૉસ્ટસ’ બીજા વિશ્વયુદ્ધની પશ્ચાદભૂમિકામાં સંગીતકારની કરુણાંતિકાને આલેખે છે. તેમની છેલ્લી કૃતિ ‘ધ કન્ફેશન્સ ઑવ્ ફૅલિક્સ ક્રુલ’ (1954) સૌંદર્યસાધના કે સંસ્કૃતિ-કલાની સાધના આખરે એક છળ તો નથી ને ! – એવી લેખકની શંકાને વિનોદભરી શૈલીમાં રજૂ કરે છે.
1946ના નોબેલ પુરસ્કારવિજેતા હરમાન હેસ (1877–1962) તેમની નવલકથાઓમાં માનવીના આધ્યાત્મિક સંઘર્ષને આલેખે છે અને ચેતનાના ઊંડા સ્તરોનું રહસ્યોદઘાટન કરે છે; તેમનું વિશ્લેષણ તેમને પ્રભાવવાદના પ્રતિનિધિ તરીકે સ્થાપે છે, પણ તેમની રચનારીતિમાં પ્રતીકવાદનો પ્રભાવ વરતાય છે. તેમની ‘સિદ્ધાર્થ’ (1922) આત્માન્વેષણની ભારતીય પશ્ચાદભૂ અને દાર્શનિક પરિભાષામાં લખાયેલી નવલકથા છે.
અભિવ્યક્તિવાદી (expressionistic) આંદોલન : જર્મન સાહિત્યમાં આ આંદોલન પહેલાં વિશ્વયુદ્ધ અને તે પછી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અભિવ્યક્તિવાદ પદાર્થની આંતરિક મહત્તા પર ભાર મૂકે છે, બાહ્ય સ્વરૂપ પર નહિ. એટલે તેમાં જીવનની ક્રિયાશીલતા નહિ, પણ મન:સ્થિતિઓને આલેખવામાં આવે છે. અભિવ્યક્તિવાદ આરંભમાં ઊર્મિકવિતામાં જોવા મળે છે, પણ પછી કથાસાહિત્ય અને સૌથી વિશેષ નાટકોમાં ફૂલેફાલે છે. હોડીસનું કાવ્ય આ પ્રકારની પ્રથમ કાવ્યરચના ગણાય છે. તેમાં કલ્પનો પિકાસોની ચિત્રકલાની જેમ ‘કોલાજ’-પદ્ધતિથી યોજાયાં છે. કવિની કશી ટીકાટિપ્પણ વિના, કલ્પનો જે કહેવું હોય તે કહે છે. એના પ્રણેતાઓ ગેઓર્ગ હેયમ, ગેઓર્ગ ત્રાકલ, અર્ન્સ્ટ સ્ટેડલર યુવાનવયે જ મૃત્યુ પામે છે. ત્રાકલ (1887–1914) આધુનિક સંસ્કૃતિ સામેનો તેનો રોષ પ્રકટ કરે છે તો બીજાઓ વિનાશની આગાહીઓ અને ભય વિરૂપતાથી નિરૂપે છે. ગૉતફ્રીદ બેનમાં માનવયાતનાનું કરુણ તથા રુગ્ણ સ્વરૂપ પ્રકટ થાય છે. આ કવિતાનું વસ્તુ ઘણી વાર બોધપ્રધાન દેખાય છે. પ્રાકૃતવાદની જેમ અહીં સામાજિક વિષયો છે, પણ હેતુ છે ‘ચીસ’, નિરીક્ષણ નહિ.
ફ્રાન્ક વેદેકિન્દનાં નાટકોમાં આ શૈલીનાં એંધાણ દેખાય છે, પણ પહેલું પૂર્ણ અભિવ્યક્તિવાદી નાટક તે જે. આર. સોર્જનું ‘ધ બેગર’ (1912). આ અને આ પ્રકારનાં બીજાં નાટકોમાં વસ્તુના હાર્દની, જીવનની અર્થપૂર્ણતાની ખોજ છે. અર્ન્સ્ટ ટૉલર (1893–1939) તેનાં અભિવ્યક્તિવાદી નાટકોમાં રાજકીય પાસાંને ઉપસાવે છે. તે પોતે પ્રથમ વિશ્વયુદ્ધમાં મોરચે લડ્યો હતો. કારાવાસ દરમિયાન તેનું પ્રસિદ્ધ નાટક ‘દી વાન્દલુંગ’ લખાયું. કથ્ય અને કથનશૈલી – એમ બંને રીતે આ રચના લાક્ષણિક અભિવ્યક્તિવાદી નાટક છે. સુન્દરમે એનાં નાટકો ગુજરાતીમાં ઉતાર્યાં છે.
ફ્રાન્ઝ કાફકા (1883–1924) : ટૉમસ માનનો મુખ્ય વિષય હતો જીવન અને કલા વચ્ચેનો દ્વિધાભાવ તો કાફકાએ સમગ્ર અસ્તિત્વના પ્રશ્નને જ ઉખેળ્યો છે, વિશેષે કરીને મરણોત્તર પ્રકાશન પામેલી નવલકથાઓ ‘ધ ટ્રાયલ’ અને ‘ધ કૅસલ’માં. જર્મન ભાષામાં લખનાર આ યહૂદી તરફ ઉપેક્ષાવૃત્તિ દાખવવામાં આવતી; એમના જીવન દરમિયાન ટૂંકી વાર્તાઓ (અને ગદ્યખંડો) પ્રકાશન પામેલાં, તેમાં ‘ધ જજમેન્ટ’ અને ‘ધ મેટામૉર્ફોસિસ’ (1913થી 1915 દરમિયાન) તથા ‘ધ હંગરી આર્ટિસ્ટ (1922) અને ‘ઇન ધ પીનલ કૉલોની’ મુખ્ય છે. ‘ધ મેટામૉર્ફોસિસ’ સુગ્રથિત કલાત્મક રચના છે. નાયક સામસાની વાત માનવીય અક્ષમતાની કરુણ વાત છે. કાફકાનું દર્શન આધુનિક યુગની વિચ્છિન્નતાનું યથાર્થ પ્રતિબિંબ ઝીલે છે તેમજ વ્યંજનાગર્ભ શૈલી દ્વારા એ વિષમતાને અતિક્રમવાનું નિર્દેશી જાય છે. ‘હોમ કમિંગ’ તેમજ સૂત્રોક્તિઓ (aphorisms) જેવા ગદ્યખંડોમાં માનવીની વ્યથાભરી એકલતાની ઓથે ગાઢ આત્માનુભૂતિનો સ્રોત વહે છે તે તેમણે વ્યક્ત કર્યું છે. ‘ધ ટ્રાયલ’માં લેખકે અજાણ આપત્તિના ઝળૂંબી રહેલા ઓછાયાને અને મનસ્તાપને કલ્પનો કે ચિત્રો દ્વારા મૂર્ત કર્યા છે. નાયક શૅસેફ કે. આટાપાટાની સંકુલ રમત પછી જાણે બંધિયાર ગલીના નાકે આવીને ઊભો રહે છે એટલે કે હતોત્સાહ બની જાય છે અને છેવટે મોતને ભેટે છે. ‘ધ કૅસલ’માં નાયક કે. પોતે મેળવેલા સમન્સથી નોકરી માટે દુર્ગમાં પ્રવેશ માટે આવે છે, પણ તેના દરેક પ્રયત્નમાં હતાશ થાય છે : દુર્ગ એ દુર્ગ છે.
સામાજિક વાસ્તવવાદ : 1918 પછી અભિવ્યક્તિવાદને સ્થાને સામાજિક વાસ્તવવાદ સ્થાપિત થાય છે. મુખ્ય વિષયો હતા પહેલું વિશ્વયુદ્ધ અને તેની અસરો. આનૉર્લ્ડ ઝ્વાઇગનું ‘ધ કેસ ઑવ્ સાર્જન્ટ ગ્રિશા’ (1927), એંરિખ મારિયા રેમાર્કનું ‘ઑલ ક્વાયેટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ (1929), કાર્લ ઝુકમેયરનું ‘ધ કૅપ્ટન ઑવ્ કૉયપૅનિક’ (1932) અને તેનું નાઝીવિરોધી નાટક ‘ધ ડેવિલ્સ જનરલ’ (1946) વગેરે આમાં આવે છે. તો અર્ન્સ્ટ યુંગરે આધુનિક સંસ્કૃતિનાં દાર્શનિક અર્થઘટનોનો વિષય લીધો છે. તેની નવલકથાનું નામ છે ‘હેલિઓપોલિસ’ (1949). તે યુદ્ધ દરમિયાન લખાઈ હતી – દુ:સ્વપ્નની સૃષ્ટિ સાથે.
નાઝીઓની સત્તાનો ઉદય થતાં ઘણા જર્મન સર્જકો જર્મની છોડીને ચાલી નીકળ્યા, કેટલાકને કાઢી મૂકવામાં આવ્યા અને કેટલાકને ચૂપ કરી દેવામાં આવ્યા. તેથી આ સમયગાળામાં ગણનાપાત્ર જર્મન સાહિત્ય સર્જાયું નહિ, તે છેક બીજા વિશ્વયુદ્ધ પછી પ્રકટ થયું – અવરુદ્ધ સર્જકતાનાં વર્ષો 1933–1945 પછી.
બીજા વિશ્વયુદ્ધ પછીનું સાહિત્ય : સ્થાપિત થયેલા લેખકો, જેમ કે માન, કાફકા, મ્યૂસિલ બેન વગેરેની રચનાઓનું પ્રકાશન ચાલુ થયું; તેમની કીર્તિ પુન: સ્થાપિત થઈ. યુદ્ધોત્તર સમયની સૌથી સનસનાટી-ભરી સાહિત્યિક ઘટના હોય તો તે વૉલ્ફગાન્ગ બોરખેર્તનું નાટક ‘ટ્રાઉસેન ફૉર દેર ટ્યુર’, જેના પર યુદ્ધના ઓળા ઊતરેલા દેખાય છે.
બર્તોલ્ત બ્રેક્ત(1898–1956)નું નામ ‘એપિક થિયેટર’ના પુરસ્કર્તા તરીકે જાણીતું છે; બ્રેખ્ત કવિમાં નાટકકાર અને નાટકકારમાં કવિ તરીકે પ્રકટ થાય છે. તેનું પહેલું નાટક ‘બાલ’ 1923માં ભજવાયું. તે પછી 1954માં ‘દેર કાઉકેસીશ ક્રાઇદેકાઈસ’ ભજવાયું. આ વર્ષો જર્મનીની રાજકીય-આર્થિક ઊથલપાથલનાં અને બ્રેખ્તની વિચારસરણીના પરિવર્તનનાં પણ છે. ‘બાલ’માં જર્મન સાહિત્યક્ષેત્રે પ્રવર્તમાન અભિવ્યક્તિવાદની અસર પડેલી જણાય છે. ‘ઇન ધ સ્વામ્પ’(1921–1924)માં વિશ્વનું વિષાદભર્યું આલેખન અતિયથાર્થવાદી ચિત્રોની શ્રેણી દ્વારા કર્યું છે. 1926ના વર્ષથી તે સામ્યવાદ-કામદાર ક્રાન્તિ સાથે જોડાય છે અને તેની માર્કસવાદી વિચારધારા અને અભ્યાસનું પરિણામ ‘ધ થ્રી પેની ઑપેરા’ (1928) તથા એપિક થિયેટરનો પહેલો મુસદ્દો મળે છે. 1933માં તેને દેશ બહાર જવાની ફરજ પડે છે. દેશ બહાર તેનાં સર્જનનાં વહેણ બદલાય છે. તેનાં ઉત્તમ ગણાતાં નાટકો આ રીતે લખાયાં છે : ‘લેબૅન દેસ ગેલિલાઈ’ (1937–39), ‘મુતર કોરાજ ઉન્ડ ઇહરે કિન્ડર’ (1938–39), ‘દેર ગુટે મેન્શન ફોન સેજુઆન’ (1938–41 — ‘ધ ગુડ વુમન ઑવ્ સેત્ઝુઆન’), ‘દેર કાઉકેસીશ ક્રાઇદેકાઇસ’(1944–45 —‘ધ કૉકેશિયન ચૉક સર્કલ’). વળી એપિક થિયેટરની વિભાવનાને પણ એ બધાં સ્ફુટ કરે છે. ઉત્તરજીવનમાં તેમણે (અગાઉના) સામ્યવાદી પૂર્વ જર્મનીમાં પોતાની નાટ્યપ્રવૃત્તિ વિકસાવી તેમાં તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટ છે; પણ તેની કલાત્મકતાથી આધુનિક રંગમંચના તે એક અગ્રણી છે.
યુદ્ધોત્તર કાળના બીજા બે સ્વિસ નાટકકારો મૅક્સ ફ્રિશ અને ફ્રિદરિખ દ્યુરન માટે પ્રયોગો કર્યા છે, તો બીજા પ્રયોગશીલ નાટકકાર ઇન્ગેબર્ગ બાખમાન ‘દેર ગ્યુટ ગૉટ ફૉન મેનહટ્ટન’(1958)માં આધુનિક આધ્યાત્મિક વંધ્યતા સામે બંડ પોકારે છે.
ગ્રૂપ 47 : યુદ્ધ પછી જર્મની (અગાઉનું)માં કેટલાક તરુણ લેખકોએ અનૌપચારિક રીતે મળવાનું, રચનાઓ વાંચવા-સાંભળવાનું શરૂ કર્યું; તે રીતે બનેલું આ ‘ગ્રૂપ 47’ તે કોઈ નિયમોથી કે ઉદ્દેશોથી બંધાયેલું નહોતું; સામ્યવાદી વર્તુળના લેખકોને પણ પ્રવેશબંધી નહોતી. 1947માં જર્મનીમાં સાહિત્યિક આબોહવા નિરાશાજનક હતી ત્યારે તેમાં ગ્યુન્ટર ગ્રાસ (જ. 1927), પાઉલ સિલેન (1920–1970), હાઇનરિખ બ્યૉલ (1917–1985), ઉવ યોહાનસન (1934–84) જેવા સામસામેના છેડેના સમર્થ સર્જકો સમાવિષ્ટ છે. તેમાં કડક વિવેચના થતી, તેથી જે ખુરશીમાં બેસી લેખક ગ્રૂપ સમક્ષ રચના વાંચી સંભળાવતો તે હજુ ‘વીજળી ખુરશી’ કહેવાય છે.
યુદ્ધોત્તર કથાસાહિત્યમાં ગ્યુન્ટર ગ્રાસ અને હાઇનરિખ બ્યૉલ – એ બે નામો અતિ મહત્વનાં છે. ગ્યુન્ટર ગ્રાસે નવલકથા, કવિતા, નાટક એ બધાંય સાહિત્યસ્વરૂપો પોતાની આગવી વિશિષ્ટ મુદ્રાથી અંકિત કર્યાં છે. તેની બે કથાઓ પ્રસિદ્ધ છે : ‘દી બ્લેખ્ત્રોમેલ’ અને ‘હુન્દરયારે’. 1959માં ‘દી બ્લેખ્ત્રોમેલ’ પ્રસિદ્ધ થતાં ગ્રાસે કથાકાર તરીકે ઊંચું સ્થાન મેળવી લીધુ. આત્મકથનાત્મક રીતે, કંઈક રમૂજભરી શૈલીમાં આ કથા કહેવાઈ છે; વાત છે વિનાશક અરાજકતાની, વિકૃતિભર્યાં જુગુપ્સાજનક વર્ણનોથી ભરેલી.
1972ના નોબેલ પારિતોષિકવિજેતા બ્યૉલના આગમન સાથે જર્મન સાહિત્યમાં પુન: સંચારની સંભાવનાઓ પ્રગટે છે. બીજા વિશ્વયુદ્ધમાં રશિયન મોરચે સૈનિક તરીકે લડનાર બ્યૉલે 1947માં લખવાનું શરૂ કર્યું. તે વધારે જાણીતા થયા 1959માં પ્રકટ કરેલી ‘સાડા નવ વાગ્યે બિલિયર્ડ’થી. તે યુદ્ધના પ્રભાવ હેઠળની પારિવારિક નવલકથા છે. તેમણે ઘણા વાર્તાસંગ્રહો આપ્યા છે. આમ, તેમની સર્જનસૃષ્ટિના કેન્દ્રમાં છે યુદ્ધ, પણ તેમના સર્જનમાં પ્રચારકની મુખરતા નથી, પણ કલાકારોનો સંયમ છે.
યુદ્ધ પછીની કવિતા પર ફ્રેંચ પ્રતીકવાદી અને અતિવાસ્તવવાદી કવિઓની અસર ઉપરાંત એલિયટ, ઑડેન, લૉર્કા જેવા કવિઓનો પ્રભાવ છે. પાઉલ સિલેન(1920–1970) અને કાર્લ ક્રોસોવ શુદ્ધ કવિતાના આગ્રહી છે. શબ્દો જ્યારે ક્ષય પામે છે ત્યારે ભાષા જ પ્રત્યાયનમાં વિઘ્ન બને છે એ બાબત સિલેનની કવિતાનો વિષય બને છે; ઉપરાંત પ્રેમ, સ્મૃતિ, મૃત્યુ અન્ય વિષયો છે. પ્રત્યક્ષ અને યથાર્થ કવિતાના પુરસ્કર્તા કવિઓમાં ગ્યુન્ટર આઇખ (1907–1972), ગ્યુન્ટર ગ્રાસ અને હાન્સમાન્ગુસ એર્ઝેન્સબર્ગર (1929) જેવા કવિઓ છે.
1966નો નોબેલ પુરસ્કાર મેળવનાર યહૂદી કવયિત્રી નેલી સાક્સ(1891–1970)ની રચનાઓમાં અભિવ્યક્તિવાદી લઢણો જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધમાં નિર્વાસનને પરિણામે તેમના સાહિત્યમાં વળાંક આવે છે. હત્યાકાંડમાં હોમાયેલા લોકો વિશે કવયિત્રીએ શોકગીતો રચ્યાં છે. તેમણે પ્રયોજેલાં પ્રતીકો તેમનાં આંતરજગતને પ્રકટ કરે છે. ઑસ્ટ્રિયન કવયિત્રી (1926–1973) ઇન્ગેબોર્ગ બાખમાનમાં પ્રયોગ અને પરંપરાનું વિરલ સંમિશ્રણ છે. કાવ્યસંગ્રહનું નામ છે ‘દી ગેસ્તુન્દેત ઝાઇટ’ (1953) અને વાર્તાસંગ્રહો છે ‘દાસ ટ્રાઇઝિગ્સ્ટે યાહર’ (1961) અને ‘ઉનદાઇન્ટ ગેહ્ટ’ (1973).
સર્જાતી જર્મન કવિતામાં ‘ઍન્ગ્રી યંગમેન’ તરીકે ઓળખાતા હાન્સ માગ્નુસ એર્ઝેન્સબર્ગર સમકાલીન જર્મન સાહિત્યમાં અગ્રસ્થાને છે. ફાસિઝમ, બીજા વિશ્વયુદ્ધથી તારાજ જર્મની અને જર્મનીનું વિભાજન : આના કવિ સાક્ષી રહ્યા છે – અનુભવની વિડંબના રૂપે કવિતા પ્રકટે છે. સામાન્ય ઘટનાઓને સાર્વભૌમિક અર્થ આપતી કવિતારીતિ પણ અભિનવ છે. અન્ય સમકાલીન કવિઓમાં વુલ્ફ બિયરમાન, કોન્રાડ બેયર, જીરાલ્ડ બિસીંજર, બિંકમાન, યુજીન ગોમરિંજર, હાન્સ હાઇઝ, યોર્ગ સ્ટાઇનર, થીઓબાલ્ડી વગેરેનું પ્રદાન નોંધપાત્ર છે.
અનિલા દલાલ