જયવંત, નલિની (જ. 18 ફેબ્રુઆરી 1926, મુંબઈ) : રંગમંચ તથા હિંદી ફિલ્મોની અભિનેત્રી તથા અગ્રણી અભિનેત્રી શોભના સમર્થની પિતરાઈ બહેન. બાળપણથી જ નૃત્ય અને અભિનયનો શોખ. માત્ર 6 વર્ષની ઉંમરે આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી ‘બાળસભા’ કાર્યક્રમમાં ગીતો રજૂ કર્યાં. 10 વર્ષની વયે શાળાના કાર્યક્રમમાં અભિનય આપ્યો. આ પછી રવીન્દ્રનાથ ટાગોરના નાટક ‘શ્રીમતીજી’માં નાયિકા તરીકેના અભિનયમાં લોકપ્રિયતા મેળવી. નિર્દેશક વીરેન્દ્ર દેસાઈએ ‘રાધિકા’ ફિલ્મ દ્વારા 13 જ વર્ષની ઉંમરે નલિનીને મુખ્ય નાયિકા તરીકે સૌપ્રથમ તક આપી. માસૂમ અદા અને તાજગીભર્યો સુકોમળ ચહેરો ધરાવતી નલિની રાતોરાત લોકપ્રિય બની ગઈ. મહેબૂબખાનની ‘સિસ્ટર’, વીરેન્દ્ર દેસાઈની ‘નિર્દોષ’, આર. એસ. ચૌધરીની ‘આંખમિચૌલી’ તેમજ ‘આદાબ અર્જ’ ફિલ્મો દ્વારા નલિની ફિલ્મ ક્ષેત્રમાં પ્રસિદ્ધિ પામી. માત્ર 17 વર્ષની યુવા વયે નિર્દેશક વીરેન્દ્ર દેસાઈ સાથે કરેલાં પ્રેમલગ્ન (1943) નલિનીની સિને કારકિર્દી માટે ઘાતક પુરવાર થયાં. હિંદી ફિલ્મોમાં કામ ન મળતાં તેણે ગુજરાતી ફિલ્મ ‘વારસદાર’માં કામ કર્યું. આ ફિલ્મ દ્વારા ઉચ્ચ કક્ષાનો અભિનય અને ભાષાદોષ વિનાની સ્પષ્ટ ગુજરાતી સંવાદછટાના કારણે નલિની ફરી એક વાર પ્રેક્ષકોમાં પ્રિય થઈ પડી. હિંદી ફિલ્મોમાં તેનો પુન:પ્રવેશ ધરમસીકૃત ‘અનોખા પ્યાર’ સાથે થયો. આ પછી ‘આંખેં’ અને ‘નૌજવાન’ ફિલ્મોથી તેણે પુન: ખ્યાતિ પ્રાપ્ત કરી. ફિલ્મિસ્તાનકૃત સુભાષચન્દ્ર બોઝની ‘આઝાદ હિંદ ફોજ’ની પશ્ચાદભૂ ઉપર નિર્માણ પામેલી સફળ ફિલ્મ ‘સમાધિ’માં નલિની સાથે અશોકકુમાર નાયક હતા. આ પછી અશોકકુમાર નલિનીની જોડી અત્યંત સફળ ગણાવા લાગી. આ જ કલાકાર-બેલડીની બૉમ્બે ટૉકીઝકૃત ફિલ્મ ‘સંગ્રામ’ હિંસા અને અપરાધને ઉત્તેજન આપે તેવી કથા ધરાવતી હોવાના કારણસર પાકિસ્તાનમાં પ્રતિબંધિત બની હતી. અશોકકુમાર-નલિનીની અન્ય ફિલ્મોમાં ‘કાફલા’, ‘ચંચલ’, ‘શોલે’, ‘નૌબહાર’, ‘સલોની’, ‘જલપરી’, ‘નાઝ’ અને ‘મિ. એક્સ’નો સમાવેશ કરી શકાય.

ફ્રાન્સના સહયોગથી હિંદી અને અંગ્રેજીમાં એકસાથે બનેલી નલિની- અભિનીત ‘લાસ્ટ જજમેન્ટ’ ભારતની સૌપ્રથમ ગેવા કલરની ફિલ્મ હતી. નવકેતનનિર્મિત ‘કાલા પાની’ ફિલ્મમાં નલિની સૌપ્રથમવાર ‘તવાયફ’ના પાત્રમાં પ્રસ્તુત થઈ હતી.

તેની અન્ય ફિલ્મોમાં મરાઠી અને હિંદીમાં બનેલી ‘નન્દકિશોર’, ફિલ્મિસ્તાનની ‘દુર્ગેશનંદિની’, કોલમ્બિયા પિક્ચર્સની ‘કારમેન’, એ. આર. કારદારની ‘જાદૂ’ તથા ‘એક નજર’, દેવ આનંદ સાથેની ‘હિન્દુસ્તાન હમારા’ અને ‘રાહી’, ફિલ્મિસ્તાનની ‘નાસ્તિક’ અને ‘મુનીમજી’, ‘હમ સબ ચોર હૈં’ તથા ‘શિકસ્ત’ ઉલ્લેખનીય છે. નલિનીની છેલ્લે છેલ્લે 1961માં ‘અમર રહે યહ પ્યાર’ અને 1965માં ‘બૉમ્બે રેસકોર્સ’ ફિલ્મો સરિયામ નિષ્ફળ નીવડ્યા બાદ તેણે ક્ષેત્રસંન્યાસ લીધો હતો. તે હવે નિવૃત્ત જીવન ગાળે છે.

દિનેશ દેસાઈ