જયભિખ્ખુ (દેસાઈ, બાલાભાઈ વીરચંદ)

January, 2012

જયભિખ્ખુ (દેસાઈ, બાલાભાઈ વીરચંદ) (જ. 26 જૂન 1908, વીંછિયા, જિ. રાજકોટ; અ. 24 ડિસેમ્બર 1969, અમદાવાદ) : અન્ય ઉપનામ — ‘ભિક્ષુ સાયલાકર’. ‘વીરકુમાર’, ‘મુનીન્દ્ર’. વીસા શ્રીમાળી જૈન. માતા પાર્વતીબહેન, પિતા વીરચંદભાઈ, પત્ની વિજયાબહેન, પુત્ર કુમારપાળ દેસાઈ. પિતાશ્રી વરસોડામાં કારભારી હતા. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ થયો વીંછિયામાં. પછી બોટાદ અને ઉત્તર ગુજરાતના વિજાપુર પાસેના વરસોડામાં. માધ્યમિક શિક્ષણ અમદાવાદની ટ્યૂટોરિયલ હાઈસ્કૂલમાં લીધું. ત્યારબાદ મુંબઈના વીર તત્વ પ્રકાશક મંડળ દ્વારા ચાલતી ગ્વાલિયર રાજ્યની શિવપુરી સંસ્થામાં સંસ્કૃત ન્યાયશાસ્ત્ર અને આગમનો અભ્યાસ. દર્શનશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રમાં વિદ્વાન. તર્કભૂષણ અને ન્યાયતીર્થની પદવી મેળવી. પત્નીનું જાણીતું નામ જયાબહેન અને પોતાના ભીખાલાલ નામમાંથી ‘જયભિખ્ખુ’ ઉપનામ.

બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખ્ખુ)

સાહિત્યિક વ્યક્તિત્વ ઘડવામાં ધાર્મિક સંસ્કારી કુટુંબનું વાતાવરણ; માતા, પિતા, સ્વજનો અને મહાનુભાવોની પ્રેરણા; પ્રસન્ન દામ્પત્યજીવન, પ્રકૃતિસૌંદર્ય તરફ વિશિષ્ટ અભિરુચિ. સંસ્કૃત તથા જૈનસાહિત્યનો ઊંડો અભ્યાસ. ‘સરસ્વતીચંદ્ર’નો પ્રભાવ. જર્મન વિદુષી ડૉ. ક્રાઉઝે સાથેનો સંપર્ક.

જીવનમાં નોકરી કરવી નહિ, પૈતૃક સંપત્તિ લેવી નહિ, પુત્રને સંપત્તિ આપવી નહિ અને કલમના આશરે જીવવું, એવા સંકલ્પોને વિપરીત સંજોગોની વચ્ચે અડગ મનથી પાળનાર જયભિખ્ખુના સાહિત્યમાં સાહિત્યિક સંપ્રાપ્તિની સાથે સાંસ્કૃતિક સંપ્રાપ્તિનો વિશિષ્ટ યોગ છે.

જયભિખ્ખુએ ‘જૈન જ્યોતિ’ નામક સાપ્તાહિકના તંત્રીની જવાબદારી સંભાળી હતી. વળી ‘જનકલ્યાણ’, ‘વિશ્વવિજ્ઞાન’ અને ‘વિશ્વમંગલ’ના વિશેષાંકોનું સંપાદન કર્યું.

સાહિત્યકાર જયભિખ્ખુ મુખ્યત્વે નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, બાળસાહિત્યકાર અને પત્રકાર. 300 જેટલાં પુસ્તકો લખ્યાં. ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’ (1940), ‘વિક્રમાદિત્ય હેમુ’ (1944), ‘ભગવાન ઋષભદેવ’ (1947), ‘શત્રુ કે અજાતશત્રુ ?’ ભાગ 1-2 (1961) જેવી 20 ઐતિહાસિક, પૌરાણિક, સામાજિક નવલકથા; ‘પારકા ઘરની લક્ષ્મી’ (1946), ‘વીર ધર્મની વાતો’ ભા. 1થી 4 (1947–53), ‘કંચન અને કામિની’ (1950), ‘કન્યાદાન’ (1964), ‘પગનું ઝાંઝર’ (1967) જેવી 365 વાર્તાઓને સમાવતા 21 વાર્તાસંગ્રહ, ‘રસિયો વાલમ અને બીજાં નાટકો’ (1955) જેવાં 7 નાટક, ‘નિર્ગ્રંથ ભગવાન મહાવીર’ (1956), ‘સિદ્ધરાજ જયસિંહ’, ‘પ્રતાપી પૂર્વજો’ ભા. 1થી 4 જેવા 23 જેટલા ચરિત્રગ્રંથ ઉપરાંત વિદ્યાર્થી વાચનમાળાની 10 શ્રેણીમાંનાં 66 ટૂંકાં, પ્રેરક, પ્રમાણભૂત અને વિદ્યાર્થીભોગ્ય ચરિત્ર તથા સમગ્ર સર્જનનો ત્રીજો ભાગ રોકતું બાળ, કિશોર અને પ્રૌઢસાહિત્ય વગેરે સાહિત્યક્ષેત્રે એમનું વિપુલ અને નોંધપાત્ર પ્રદાન છે. ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ નામની નવલકથા પરથી ‘ગીતગોવિંદ’ નામનું ચિત્રપટ તૈયાર થયેલ. વળી ‘રવિવાર’, ‘સંદેશ’, ‘ઝગમગ’, ‘ગુજરાત ટાઇમ્સ’ ઇત્યાદિમાં એમની કૉલમ આવતી હતી. ‘ગુજરાત સમાચાર’માં 1953થી શરૂ થયેલ ‘ઈંટ અને ઇમારત’ નામની કૉલમ દ્વારા તેમને ખ્યાતિ મળેલી. પ્રાચીન કથાઓનો સાંપ્રદાયિક અભિનિવેશ માટે નહિ પણ માનવતાના મુક્ત વાતાવરણને બહેલાવવામાં તેમણે ઉપયોગ કર્યો છે. જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્વ ગાળી નાખી તેને માનવતાની સર્વમાન્ય ભૂમિકા પર મૂકી આપ્યું. વળી ‘વિક્રમાદિત્ય હેમુ’માં મુસ્લિમ ધર્મ, ‘પ્રેમભક્ત કવિ જયદેવ’માં વૈષ્ણવ ધર્મ, ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’માં જૈન ધર્મ અને ‘ભગવાન ઋષભદેવ’માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે. સામગ્રીના વૈવિધ્યને આપસૂઝથી વાર્તાકલામાં સંયોજવાની અનેરી ક્ષમતાનો પરિચય કરાવતી વાર્તાસૃષ્ટિ, ઊગતી પેઢીના ઘડતરમાં કામ લાગે તેવાં ચરિત્રો અને શૈક્ષણિક મૂલ્યોને નજર સમક્ષ રાખીને લખાયેલું કિશોરસાહિત્ય અને પ્રૌઢસાહિત્ય જયભિખ્ખુની મૂલ્યવાન સાહિત્યસેવા છે. સચોટ અને સરસ કથનશૈલી એમની નોંધપાત્ર લાક્ષણિકતા છે. 1957માં એમને અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક મળ્યો હતો. 2008–09 દરમિયાન ગુજરાતની વિવિધ સંસ્થાના ઉપક્રમે એમની શતાબ્દીની ઉજવણી થઈ હતી. જયભિખ્ખુના 58 પુસ્તકોનું પુન:પ્રકાશન થયું ગુજરાતના જુદા-જુદા શહેરોમાં એમના સાહિત્ય વિશે પરિસંવાદો યોજાયા અને એમણે લખેલું ‘બંધન અને મુક્તિ’ નાટક ભજવાયું. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા ‘શીલભદ્ર સારસ્વત’ નામે લેખનસંચય પ્રકાશિત થયો.

એમની સ્મૃતિમાં સ્થપાયેલા શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા વ્યાખ્યાનો, નિબંધસ્પર્ધા, અપંગ, અશક્ત અને વૃદ્ધ લેખકને સહાય, જયભિખ્ખુ ઍવૉર્ડ, સંસ્કારલક્ષી સાહિત્યનું પ્રકાશન, થિયેટર વ્યાખ્યાન શ્રેણી, નવોદિત પ્રતિભાશોધ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયેલું છે.

નટુભાઈ ઠક્કર