જયંતિચરિય : ભગવતી સૂત્રના બારમા શતકના બીજા ઉદ્દેશકના આધારે ભયહર સ્તોત્રના કર્તા માનતુંગસૂરિએ રચેલો પ્રકરણગ્રંથ. આ ગ્રંથ પર તેમના શિષ્ય મલયપ્રભસૂરિએ 1203માં સુંદર વૃત્તિ લખી છે. તેમાં સંસ્કૃત ગદ્ય-પદ્યનો ઉપયોગ કરેલ છે.

‘જયંતિચરિય’માં માત્ર 28 ગાથા છે પરંતુ તેના પરની વૃત્તિમાં અનેક આખ્યાન આપ્યાં છે. મહાસતી જયંતી કૌશાંબીના રાજા સહસ્રાનીકની પુત્રી શતાનીકની બહેન અને તેના પુત્ર ઉદયનની ફોઈ હતી. જયંતી મહાવીર સ્વામીને જીવ અને કર્મવિષયક અનેક પ્રશ્ર્ન પૂછે છે.

ઉજ્જૈનનો રાજા પ્રદ્યોત શતાનીકની રાણી મૃગાવતીને મેળવવા ઝંખતો હતો. તેથી બંને વચ્ચે યુદ્ધ થયું છે. છેવટે મૃગાવતી પ્રભુ મહાવીર સમક્ષ દીક્ષા ગ્રહણ કરે છે. મહાવીરે પ્રદ્યોતને પરદારાત્યાગનો ઉપદેશ આપ્યો છે. અભયદાન અંગે મેઘકુમાર, શીલ અંગે સુદર્શન શેઠ, સુપાત્ર દાન સંબંધે વીરભદ્ર અને કરુણાદાન બાબત રાજા સમ્પ્રતિની કથા આપવામાં આવી છે. 18 પાપસ્થાનકની ઉદાહરણપૂર્વક રજૂઆત કરી છે. ભવ્ય-અભવ્ય જીવ સંબંધે પણ ચર્ચા કરી છે. અંત ભાગમાં સતી જયંતી મહાવીર પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરીને ચારિત્ર્ય પાળીને મોક્ષપદ મેળવે છે તેની વાત છે.

મલૂકચંદ શાહ