જમુનાદેવી (જ. 1917, કૉલકાતા; અ. 24 નવેમ્બર, 2005, દક્ષિણ કૉલકાતા) : જૂની હિંદી ફિલ્મોની નાયિકા. માતાપિતા મૂળ ઉત્તરપ્રદેશનાં વતની, એટલે જમુનાને હિંદી અને બંગાળી બંને ભાષાની એકસરખી ફાવટ હતી. આશરે 17 વર્ષની વયે ફિલ્મક્ષેત્રે પ્રવેશેલાં જમુનાના જીવનમાં ફિલ્મકાર-કલાકાર પી. સી. બરુઆનું સ્થાન વિશિષ્ટ હતું. બરુઆની પ્રથમ ફિલ્મ ‘રૂપલેખા’ સાથે 1934માં જમુનાની સિનેકારકિર્દીનો આરંભ થયો. આ ફિલ્મમાં સૌપ્રથમ વાર ફ્લૅશબૅક ટૅકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેથી ભારતના ફિલ્મ-ઇતિહાસમાં તે વિશેષ ઉલ્લેખનીય છે. આ જ વર્ષે જમુનાએ બરુઆ સાથે પ્રેમલગ્ન કર્યાં. 1936માં બરુઆએ નિર્માણ કરેલ ‘દેવદાસ’ દ્વારા જમુના પારોના પાત્રથી નાયિકા તરીકે નામના પામી. આ ફિલ્મ બંગાળી અને હિંદી બંને ભાષામાં બની હતી. બંગાળી ફિલ્મમાં જમુના સાથે ‘દેવદાસ’ની મુખ્ય ભૂમિકા બરુઆએ નિભાવી હતી. હિંદી ફિલ્મમાં જમુના સાથે નાયક તરીકે કે. એલ. સાયગલ હતા. ભારતીય સિને ઇતિહાસમાં આ ફિલ્મ કલાત્મક ફિલ્મ તરીકે ઉલ્લેખ પામી છે અને તત્કાલીન સમયમાં તે અભૂતપૂર્વ સફળતા પામી હતી. જમુનાએ 1936ના વર્ષમાં એક પછી એક કુલ ત્રણ અતિ સફળ ફિલ્મો આપી, અને ફિલ્મજગત પર તે છવાઈ ગઈ. ‘દેવદાસ’ પછી બંગાળી સર્જક શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાયના કથાવસ્તુ ઉપર આધારિત ફિલ્મ ‘ગૃહદાહ’માં જમુનાએ નોંધપાત્ર સફળતા મેળવી. આ પછી ‘માયા’ ફિલ્મમાં જમુનાએ બે નાયક – પહાડી સન્યાલ અને બરુઆ – સાથે અભિનય કર્યો. પ્રણયત્રિકોણની કથા રજૂ કરતી આ ફિલ્મ પણ જમુનાની યાદગાર અને ઉલ્લેખનીય ફિલ્મ માનવામાં આવે છે. 1938માં રજૂ થયેલી, જમુનાની ‘અધિકાર’ ફિલ્મે પણ સફળતા મેળવી. બરુઆની વધુ એક ફિલ્મ ‘જિંદગી’માં જમુના સાથે કે. એલ. સાયગલ નાયક હતા. ‘દેવદાસ’ અને ‘જિંદગી’ બંનેમાં જમુનાએ ઉત્કૃષ્ટ અને યાદગાર અભિનય આપ્યો. ન્યૂ થિયેટર્સ સાથે સંકળાયેલી જમુનાએ એમ. વી. પ્રોડક્શન સ્ટુડિયોની બે ફિલ્મો ‘ઉત્તરાયણ’ અને ‘શેષ ઉત્તર’માં અભિનય કર્યો. ‘ઉત્તરાયણ’માં બરુઆ નાયક હતા. ‘શેષ ઉત્તર’ ફિલ્મને હિંદીમાં ‘જવાબ’ નામથી પુનર્નિર્માણ કરીને રજૂ કરવામાં આવી. આ બંને ફિલ્મો ખૂબ સફળ નીવડી. તે સમયે ‘જવાબ’ ફિલ્મે રૂ. 28 લાખ ઉપરાંતની જંગી કમાણી કરી. પી. સી. બરુઆ નિર્મિત અને અભિનીત ‘અમીરી’, ‘પહચાન’ અને ‘રાની’ ફિલ્મોમાં જમુનાની અદાકારી વખણાઈ. જમુના અને બરુઆ અભિનીત હિંદી ફિલ્મ ‘સુલહ’ને મળેલી અભૂતપૂર્વ સફળતાથી પ્રેરાઈને બંગાળીમાં પણ આ ફિલ્મ ‘સંધિ’ નામથી બનાવાઈ. ’40 અને ’50ના દાયકાની સફળ નાયિકા તરીકે જાણીતી બનેલી જમુનાને મુંબઈના ફિલ્મકાર રામ દરિયાની અને ફિલ્મકાર-કલાકાર બી. એમ. વ્યાસે પોતપોતાની ફિલ્મમાં પણ નાયિકા બનાવી. રામ દરિયાનીકૃત ‘હિન્દુસ્તાન હમારા’માં જમુના અને બરુઆની યુગલ જોડી હતી તથા બી. એમ. વ્યાસનિર્મિત ‘ઘર’ ફિલ્મમાં જમુના સાથે ઇફ્તેખાર નાયક બન્યા હતા. 1951માં પતિ પી. સી. બરુઆનું અવસાન થતાં જમુનાએ જાણે ક્ષેત્રસંન્યાસ લઈ લીધો.

દિનેશ દેસાઈ