છાલ (bark) : બહુવર્ષાયુ, દ્વિતીય વૃદ્ધિ ધરાવતી સપુષ્પી વનસ્પતિનાં મૂળ તથા પ્રકાંડના બાહ્ય સ્તરને છાલ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ત્વચા, વલ્કલ કે બાહ્ય વલ્કલ, અંગ્રેજીમાં બાર્ક (bark) અથવા કૉર્ક (cork) તરીકે ઓળખાય છે. ફળની છાલને રિન્ડ (rind) કહેવામાં આવે છે, જે ફલાવરણના એકીકરણથી બનેલી છે. કેરીની છાલનું બાહ્ય ફલાવરણ રંગીન હોય છે, મધ્ય ફલાવરણ રસ-ગરયુક્ત અને ખાવાલાયક હોય છે. અંત:ફલાવરણ કાષ્ઠમય હોય છે. તેની અંદર બીજ આવેલું છે જેને ગોટલી કહીએ છીએ. શ્રીફળનું બાહ્ય ફલાવરણ–ત્રોફામાં લીલું ને પક્વ ફળમાં બદામી રંગનું; મધ્ય ફલાવરણ રેષાયુક્ત જેમાંથી કાથી બને છે અને અંત:ફલાવરણ કાષ્ઠમય હોય છે જેને કાચલી કહીએ છીએ. આમ આખું ફળ છાલ રૂપે હોય છે. ખાવાલાયક ભાગ – કોપરું ભ્રૂણપોષનું બનેલું છે. કેળાની છાલ ફક્ત બાહ્ય ફલાવરણની બનેલી છે જ્યારે મધ્ય ફલાવરણ ખાવાલાયક હોય છે. દાડમના ફળની કઠણ છાલ બાહ્ય અને મધ્ય ફલાવરણના એકીકરણથી બનેલી હોય છે.

છાલની ઉત્પત્તિ : સપુષ્પી વનસ્પતિઓનાં મધ્યરંભમાં આવેલી એધા નામની વર્ધનશીલ પેશીમાં કોષવિભાજનની ક્રિયા સતત ચાલે છે. તેથી નવા નવા અનેક કોષો ઉત્પન્ન થવાથી પ્રકાંડ-મૂળનું રક્ષણાત્મક અધિસ્તર તૂટી જાય છે અને તેનું સ્થાન બાહ્યવલ્ક (periderm) નામનો નવો સ્તર લે છે. આ સ્તર ત્રણ પ્રકારની પેશીઓનો બનેલો હોય છે.

(1) ત્વક્ષૈધા (phellogen) : વર્ધી પેશી ધરાવતો, સજીવ કોષોનો બનેલો એક સ્તર છે. તેના કોષોમાં સતત વિભાજન થતું રહે છે.

(2) ઉપત્વક્ષા (phelloderm) : ત્વક્ષૈધા દ્વારા અંદરની તરફ ઉત્પન્ન થયેલું બહુસ્તરીય સ્તર જે મૃદુતકીય સજીવ કોષોનો બનેલો છે. કોષો અરીય રીતે ગોઠવાયેલા હોય છે.

(3) ત્વક્ષા (phellem) : ત્વક્ષૈધા દ્વારા બહારની તરફ વિકાસ પામેલી બહુસ્તરીય રચના છે. તેના કોષો નિર્જીવ, સજ્જડ રીતે ગોઠવાયેલા, અને તેના પોલાણમાં ટેનિન, સુબેરિન, રાળ, રબર તથા ગુંદર જેવા સ્રાવી પદાર્થો જોવા મળે છે.

આમ છાલની રચનામાં અધિસ્તર, બાહ્યવલ્ક (ત્વક્ષા, ત્વક્ષૈધા અને ઉપત્વક્ષા) અને ક્યારેક દ્વિતીયક અન્નવાહિનીનો સમાવેશ થાય છે. છાલમાં ઊપસેલા, ટપકા જેવી રચના ધરાવતા, સુબેરિન વગરના ભાગો જોવા મળે છે, જેને વાયુછિદ્રો (lenti cells) કહેવામાં આવે છે. તેની ગર્તામાં પૂરક કોષો આવેલા છે.

છાલ

છાલ, પ્રકાંડની ફરતે સળંગ વલયમાં વીંટળાયેલી હોય ત્યારે તેને વલય છાલ (ring bark) પરંતુ ત્રુટક ત્રુટક આવેલી હોય ત્યારે તેને શલ્ક છાલ (scale bark) કહેવામાં આવે છે.

છાલની ઉપયોગિતા : છાલ મસાલા તરીકે, ઔષધ તરીકે ટેનિન, રંજક પદાર્થોની પ્રાપ્તિ તથા તાંતણાઓ મેળવવા ઉપયોગી છે.

(1) તજની છાલ : જેને તજ (cinnamom) કહેવામાં આવે છે. તે syn. C. zeylanicum Cinnamomum zeylanicum, fam. Lauraceaqe નામના શ્રીલંકાનિવાસી વૃક્ષની છાલ છે. પંદરમી સદીમાં ભારત અને આરબ વેપારીઓએ તજને યુરોપમાં ગરમ મસાલા તરીકે લોકપ્રિય કરી. 1656માં આ વૃક્ષનું વાવેતર યુરોપમાં શરૂ કરાયું. હાલ તેનો ઉછેર બ્રાઝિલ, ચિલી, દ. અમેરિકાનાં અન્ય રાષ્ટ્રો, સ્પેન, નેધરલૅન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા તથા ભારતમાં કરવામાં આવે છે. આ છાલ-અધિસ્તર, ત્વક્ષા, ત્વક્ષૈધા અને ઉપત્વક્ષાની બનેલી છે. તેથી ગુણવત્તાની ર્દષ્ટિએ હલકી છે. વર્ષા ઋતુમાં આ છાલ કાઢી નાખી અંતરછાલ ઉતરડવામાં આવે છે જે દ્વિતીયક અન્નવાહિનીની બનેલી છે. ગુણવત્તાની ર્દષ્ટિએ શ્રેષ્ઠ છે. તેને ક્વિલ કહેવામાં આવે છે.

રાસાયણિક બંધારણ : તજની છાલ બાષ્પનશીલ તેલ, ફ્લોબેટેનિન, સિનામિક ઍલ્ડિહાઇડ C6H5CH : CH–CHO ધરાવે છે. ઉપરાંત યુજેનોલ, પાઇનિન, ફિલિડ્રિન, કૅલ્શિયમ ઓકિઝેલેટ, કાંજી વગેરે ધરાવે છે.

(2) ચીની તજ : જે C. aromaticum sun. C. cassia નામના ઝાડની છાલ છે. જોકે આ વૃક્ષનું મૂળ વતન મ્યાનમાર છે; પરંતુ ચીનાઓ ઈ. પૂ. 2500 વર્ષોથી તેનો ઉપયોગ કરતા હતા. આ ચીની તજ ગુણવત્તાની ર્દષ્ટિએ નિમ્ન પ્રકારની છે.

અનેક વૃક્ષની છાલ – જેમ કે ભારતમાં થતા તમાલવૃક્ષ C. tamala, વિયેટનામના C. loureiroi, ઇન્ડોનેશિયા-

મલેશિયાના C. burmanil આદિનો ઉપયોગ તજ તરીકે થાય છે.

ઉપયોગો : ગરમ મસાલા તરીકે; વાયુ અને પિત્તશામક ઔષધ તરીકે; શરદી, ખાંસી, છાતી તથા માથાનો દુખાવો દૂર કરવા માટે; દાંતનો સડો મટાડવા માટે અસરકારક ગણવામાં આવે છે.

(3) સિંકોના છાલ : આ છાલ Einchona calisaya નામની રુબિયેસી કુળની વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. સિંકોનાની છાલમાં અગત્યના દ્રવ્ય તરીકે ‘ક્વિનાઇન’ આવેલું છે, જે મલેરિયા રોગને મટાડે છે. છાલમાં અત્યંત કડવો ઍલ્કલૉઇડ ક્વિના કે ક્વિનાઇન નામનો પદાર્થ (C20H24O2N3 • 3H2O) રહેલો છે. સિંકોના દક્ષિણ અમેરિકાનું મૂળ વતની છે. સિંકોના અને ક્વિનાઇનની શોધ પાછળ રસપ્રદ ઇતિહાસ છે. સ્પેનના સિંકોના રાજ્યની મહારાણીનો પતિ દ. અમેરિકામાં વાઇસરૉય હતો. આ કાઉન્ટેસ ઑવ્ સિંકોના 1638માં પતિ સાથે લીમા (દ. અમેરિકા) ગઈ. ત્યાં સખત તાવમાં પટકાઈ. સ્થાનિક વૈદ્યોએ ચમત્કારી વૃક્ષની છાલનો કાઢો પાઈ તેની સારવાર કરી. રાણી 1640માં સ્પેન પાછી ફરી, ત્યારે આ ચમત્કારી વૃક્ષની છાલ સાથે લઈ આવી. આ છાલ હીલિંગ કે કાઉન્ટેસ બાર્ક તરીકે યુરોપભરમાં પ્રસિદ્ધિ પામી. કાર્લ લિનિયસ નામના વિખ્યાત વનસ્પતિશાસ્ત્રીએ આ ચમત્કારી વૃક્ષનું નામ 1742માં મહારાણીની સ્મૃતિમાં સિંકોના રાખ્યું. આ છાલમાંથી પ્રાપ્ત થયેલ રસાયણ થકી મહારાણી સાજી થઈ હતી, તેથી એલ્કલોઇડનું નામ ક્વિનાઇન રખાયું. 17મી સદીમાં આ વૃક્ષ યુરોપમાં લવાયું અને 1860માં તેનું જાવા, સુમાત્રા, કાલિમન્તમ્, શ્રીલંકા, મ્યાનમાર, જમૈકા, ભારત વગેરે દેશોમાં વાવેતર કરાયું. બીજા વિશ્વયુદ્ધ વખતે ક્વિનાઇનનો એકાધિકાર નેધરલૅન્ડ પાસે હતો અને તેનો ઉપયોગ સૈનિકોને સાજા કરવા થતો હતો. સામાન્ય માનવી માટે ક્વિનાઇન અપ્રાપ્ય હતું. 1940માં તેના રાસાયણિક ઘટકો અને બહુઉદ્દેશીય ઉપયોગો શોધાયા.

સિંકોનાની અનેક જાતિમાંથી ક્વિનાઇન મળે છે; પરંતુ 38 % જેટલું ક્વિનાઇન ફક્ત સિંકોના કેલિસાયામાંથી પ્રાપ્ત થાય છે. ભારતમાં ઉડાગમંડલમ, કોડાઈકેનાલ, સિક્કિમ, અસમ, મેઘાલય અને મધ્યપ્રદેશમાં તેનો ઉછેર કરવામાં આવે છે.

રાસાયણિક ઘટકો : સિંકોનાની છાલમાં 25 જેટલા એલ્કલોઇડ આવેલા છે. જેમાં ક્વિનીન, ક્વિનીડિન, સિંકોનિન, સિંકોનીડિન મુખ્ય છે. સિંકોનિન, (C19H22NO2) અને ક્વિનીન મલેરિયારોધક એલ્કલોઇડ છે. આ ઉપરાંત છાલમાં ફ્લોબેટેનિન, સિંકોટેનિન અને ક્વિનોવિન રહેલાં છે.

ઉપયોગો : સિંકોના છાલ, તાવનાશી (antipyretic) અને મલેરિયાનાશી (antimalarial) હોવાથી તમામ તાવ ઉપર અકસીર છે. તે રાંઝણ (rheumatism), જ્ઞાનતંતુનો દુ:ખાવો (neuralagia), રાંઝણ (sciatica) અને સાંધાના દુ:ખવા ઉપર ઉપયોગી છે.

ઔષધ તરીકે ઉપયોગી કેટલીક અન્ય વનસ્પતિઓની છાલો આ પ્રમાણે છે :

(4) ક્યુપિઆ છાલ : તે રુબિયેસી કુળની Renrigia pedunculata અને R. puradianaમાંથી પ્રાપ્ત થાય છે અને સિંકોનાની છાલ જેવાં રસાયણો ધરાવે છે. તેનો ઉપયોગ ક્વિનાઇનને સ્થાને થાય છે.

(5) કાસ્કારા છાલ : તે Rhamnas purshianaના કુળ રહેમનેસીના વૃક્ષની છાલ, ક્રેસોફીનોલ, એલોઇમોડિન ધરાવે છે; પેટનો દુખાવો તથા આંતરડાંનો બગાડ અટકાવે છે; પાચનતંત્રના રોગકારક જીવાણુઓનો નાશ કરે છે.

(6) વન્ય ચેરીની છાલ : Prunas serotina–કુળ રોઝેસીની વનસ્પતિની છાલ સાયનોજેનિક ગ્લાયકોસાઇડ તથા ગુંદર જેવો સ્રાવી પદાર્થ ધરાવે છે. છાલનો ઉકાળો ખાંસી, દમ, શરદી, સળેખમ, શ્વાસનળી તથા ફેફસાંના રોગો માટે લાભદાયી ગણવામાં આવે છે.

(7) ક્વિલજાની છાલ : Quihhaza saponaria કુળ : રોઝેસી-ની છાલ, સેપોનિન ક્વિલિક અને ગ્લુકોયુરેનિક અમ્લ ધરાવે છે જે શ્વસનતંત્રના રોગો મટાડે છે, ધબકારા નિયમિત કરે છે.

(8) કડવા ઇન્દ્રજવ(કૂરચી)ની છાલ : Holorrhena antidysenterica, કુળ : એપોસાયનેસીની છાલ કોનેસિન, નોરકોનેસિન અને કૂરચિન જેવાં એલ્કલોઇડ ધરાવે છે. આંતરડાંમાં રહેલા એન્ટામીબાનો નાશ કરે છે. તે અતિસાર અને જીર્ણ મરડો મટાડે છે. પેટ અને આંતરડાંનો દુખાવો મટાડે છે. જઠરનાં ચાંદાં ઉપર અકસીર ગણાય છે. છાલનો કાઢો તાવ મટાડે છે.

(9) અર્જુન(સાદડ)ની છાલ : Terminalia arjuna, કુળ : કોમ્બ્રિટેસીની છાલમાં ટેનિન, કાર્બનિક ઍસિડ, ફાયટોસ્ટેરોલ અને તેનાં એસ્ટર રહેલાં છે. અર્જુનિન arjunine (C24H32O3) અને અર્જુનિટાઇન વગેરે મુખ્ય છે. તે સેપોનિન પણ ધરાવે છે. અર્જુન વૃક્ષની છાલ રંગકામમાં તેમજ ચામડાં કમાવવામાં વપરાય છે. છાલ મૂત્રપિંડને લગતા રોગો ઉપર તથા શક્તિવર્ધક ઔષધ તરીકે ઉપયોગી છે. હૃદયને સ્વસ્થ રાખે છે.

(10) લીમડાની છાલ : કડવો લીમડો, Azadirachta indica, કુળ : મેલિયેસી. ભારતનું વતની અને ગુજરાતનું જાણીતું વૃક્ષ છે. તેની છાલમાં એઝાડિરિક્ટિન અને નિમ્બાડિન એલ્કલોઇડ રહેલાં છે. બાહ્ય છાલને ઊના પાણીમાં ઉકાળી સ્નાન કરવાથી ચર્મરોગ, માથાનો ખોડો, ટોલા મટે છે. અંતરછાલનો કાઢો શીતપ્રદ, રક્તશોધક, કૃમિનાશક છે. તે આંતરડાંનો બગાડ તેમજ તાવ મટાડે છે અને પિત્તનું શમન કરે છે.

(11) અશોકની છાલ : અશોક વૃક્ષનું શાસ્ત્રીય નામ : saraca indica, કુળ સિઝાલ્પિની. આ વૃક્ષ પ્રાચીન કાળથી જાણીતું છે. તેની છાલનો આસવ લોહીવા, શ્વેતપ્રદર, યોનિવિકાર તથા સ્ત્રીઓનાં જનન અંગોના રોગો ઉપર અકસીર છે. શક્તિવર્ધક છે. અશોકારિષ્ટ જાણીતી આયુર્વેદિક ઔષધિ છે.

(12) આવળ-બાવળની છાલ : આવળ – Cassia auriculata, કુળ : સિઝાલ્પિની. નિમ્નક્ષુપ સ્વરૂપી, સોનેરી પુષ્પો ધરાવતી, સૌરાષ્ટ્ર-કચ્છનાં વનવગડે નૈસર્ગિક રીતે ઊગતી સામાન્ય વનસ્પતિ છે. જ્યારે બાવળ — Acacia nilotica (A. arabica), કુળ : માયમોસી — કાંટાળું પરિચિત વૃક્ષ છે. તેના કુમળાં પ્રકાંડનો ઉપયોગ દાતણ તરીકે કરવામાં આવે છે. આવળ-બાવળની છાલ પુષ્કળ પ્રમાણમાં ટેનિન ધરાવે છે. તેનો ઉપયોગ ચામડાં કમાવવા કરાય છે. છાલને ઊના પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંત મજબૂત બને છે અને મોઢાનાં ચાંદાં મટે છે.

(13) ડીટા-છાલ : ડીટા સપ્તપર્ણી(Alstonia scholaris; કુળ એપોસાયનેસી)ની છાલ કડવી છે, જે ડિટેમાઇન ઇકિટેમાઇન અને ઇકિટીમીડિન જેવાં એલ્કલોઇડ ધરાવે છે. આ છાલનો ઉકાળો તમામ પ્રકારના જ્વર–તાવ ઉપર અકસીર છે.

(14) ભોજપત્ર : પ્રાચીન વૈદિક કાળથી જાણીતું ભોજપત્ર વૃક્ષ- Betula alnoides syn. B. acuminata અથવા B. utilis syn. b. bhoipatra; કુળ બેટ્યુલેસી. અંગ્રેજ શોધક વેલિચે ગઢવાલ-કુમાઉં હિમાલયમાંથી શોધી કાઢ્યું, જે 3000થી 4000 મીટર ઊંચાઈએ ઊગે છે. તેની છાલમાંથી વલ્કલ-કપડાં તૈયાર થતાં હતાં અને ઋષિઓએ અંતરછાલનો કાગળ તરીકે ઉપયોગ કરી પ્રાચીન ગ્રંથોની હસ્તપ્રતો તૈયાર કરી હતી. કૂફરી (સિમલા) તથા દેહરાદૂનની ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ભોજપત્ર વૃક્ષો જોવા મળે છે. સંસ્કૃત, પાંડુ, અર્ધમાગધી, માગધી ભાષામાં ભોજપત્ર ઉપર લખેલા પ્રાચીન ગ્રંથો હજુ હયાત છે.

અસંખ્ય વૃક્ષોની છાલમાંથી ટેનિન પ્રાપ્ત કરવામાં આવે છે, જેમાં હેમલોક (Pseuga candansis, કુળ : પાઇનેસી), ઓક (ક્વેરક્સ, કુળ : ફેગેસી), રાયઝોફોરા (કુળ : રાયઝોફોરેસી), ચેસ્ટનટ (Castanea dentata કુળ : ફેગેસી) વગેરેની છાલમાંથી વ્યાપારી ધોરણે ટેનિન ઉત્પન્ન કરવામાં આવે છે. બ્લૅક ઓક (ક્વેરસિટ્રોન) અમેરિકામાં ઊગે છે (Quercus valatina, કુળ : ફેગેસી). તેની છાલમાંથી ચળકતો પીળો રંગ બનાવવામાં આવે છે જેનો ઉપયોગ રેશમી, ઊની અને સુતરાઉ કાપડ રંગવામાં કરવામાં આવે છે. આ રંજક પદાર્થનું વ્યાપારી નામ ક્વેરસિટ્રોન છે. લોકાઓ નામનો લીલો રંગ ચીની ગ્રીન તરીકે જાણીતો છે જે ચીનનાં બકથૉર્ન (Rhamnus globosa અને Rhamnas utilis, કુળ : રહેમનેસી) નામના ઝાડની છાલમાંથી પ્રાપ્ત થાય છે, જે મુખ્યત્વે રેશમી અને સુતરાઉ કાપડ રંગવામાં વપરાય છે.

શણ (jute) (Corehorus olitorius અને C. capsularis, કુળ : ટિલિયેસી) છાલમાંથી બનાવવામાં આવે છે. સન હેમ્પ કે ભીંડીના તાંતણા (crotelaria jancea, કુળ : પેપિલિયોનેસી), રેમાઈના તાંતણા Behmeria nivea, કુળ : અર્ટિકેસીની છાલમાંથી પ્રાપ્ત થાય છે.

જૈમિન વિ. જોશી