છક્કમ્મોવએસ (ષટ્કર્મોપદેશ)

January, 2012

છક્કમ્મોવએસ (ષટ્કર્મોપદેશ) : અપભ્રંશ ભાષામાં સંધિબદ્ધ જૈન ઉપદેશાત્મક કાવ્યકૃતિ. કર્તા અમરકીર્તિ નામક માથુરસંઘીય દિગમ્બર આચાર્ય. ગૂર્જર-વિષયના મહિયડ દેશમાં ગોદહય (હાલનું ગોધરા) નગરમાં, ચાલુક્ય વંશના રાજા કૃષ્ણના શાસનમાં, વિ. સં. 1247 (ઈ. સ. 1190)માં રચના કર્યાનું કવિએ કૃતિની અંતિમ પ્રશસ્તિમાં નોંધ્યું છે. સમગ્ર રચના તેમણે એક માસમાં પૂર્ણ કરી હતી તેમ પણ પોતે જ જણાવ્યું છે. કવિએ આ ગ્રંથ ઉપરાંત ‘ણેમિણાહચરિઉ’ (નેમિનાથચરિત), ‘મહાવીરચરિઉ’ (મહાવીરચરિત), ‘જસહરચરિઉ’ (યશોધરચરિત), ‘ધમ્મચરિઉ-ટિપ્પણ’ (ધર્મચરિત-ટિપ્પણ), ‘સુહાસિઅ-રયણનિહિ’ (સુભાષિત રત્નનિધિ), ‘ધમ્મોવએસચૂડામણિ’ (ધર્મોપદેશ-ચૂડામણિ) અને ‘ઝાણપઇઉ’ (ધ્યાનપ્રદીપ) નામે કૃતિઓ તથા બીજાં પણ સંસ્કૃત-પ્રાકૃત કાવ્યો લોકરંજન માટે રચ્યાં હતાં તેવો ઉલ્લેખ પ્રશસ્તિમાં જ છે. કવિએ પોતાના આશ્રયદાતા નાગરકુલીન અંબાપ્રસાદનો ઉલ્લેખ પ્રત્યેક સંધિની પુષ્પિકામાં કર્યો છે અને તેને પોતાના લઘુબંધુ તરીકે ઓળખાવેલ છે તથા સમગ્ર કૃતિ પણ તેને જ અર્પણ કરી છે.

છક્કમ્મોવએસ 14 સંધિ અને 215 કડવકોમાં વિભક્ત વિસ્તૃત રચના છે. તેમાં કવિએ શ્રાવક અર્થાત્ જૈન ગૃહસ્થના ધર્મનું નિરૂપણ કરી શ્રાવકો માટેનાં છ કર્તવ્યનો મહિમા ગાયો છે – (1) દેવપૂજા, (2) ગુરુસેવા, (3) શાસ્ત્રાભ્યાસ, (4) સંયમ, (5) તપ અને (6) દાન. આ છ કર્તવ્યના પાલનનો ઉપદેશ તેમણે અનેક સુંદર કથાનકો દ્વારા કુશળતાથી કાવ્યમાં વણી લીધો છે. ધાર્મિક તત્વો અને ઉપદેશની પ્રધાનતાને કારણે કાવ્યસૌંદર્ય પ્રતિ કવિએ ધ્યાન આપ્યું નથી; પરંતુ સરળ ભાષા અને શૈલી તથા ઉચિત ઉદાહરણોની કથાઓના કારણે કવિ પોતાના ઉદ્દેશમાં સફળ રહ્યા છે.

સમગ્ર કાવ્યમાં પદ્ધડિયા અને ઘત્તા મુખ્ય છંદ છે, તે ઉપરાંત ગાથા, દોહા, ચોપાઈ, ખંધક, હેલા, મંજરી જેવા છંદો પણ અલ્પમાત્રામાં કવિએ પ્રયોજ્યા છે. કવિએ કૃતિને મહાકાવ્ય તરીકે ઓળખાવી છે પરંતુ કાવ્યત્વ અને કથાનકની ર્દષ્ટિએ તેને મહાકાવ્યમાં મૂકી શકાય તેમ નથી.

રમણિકભાઈ મ. શાહ