ચૉપર (chopper) : સિગ્નલ પરિપથ(signal circuit)ને નિશ્ચિત સમયાંતરે ચાલુ-બંધ કરતી એક વિદ્યુત-યાંત્રિક રચના. સિગ્નલ પરિપથ ઉપરાંત પ્રકાશ-વૈદ્યુત, ઇલેક્ટ્રૉનિક અને ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં ચૉપર યાંત્રિકીય કાર્ય કરે છે. પહેલાંના સમયમાં કૅમેરામાં પ્રકાશનું નિયંત્રણ કરવા માટે વપરાતી ઑપ્ટિકલ શટર(optical shutter)ની રચના ચૉપરને મળતી આવે છે. ચૉપર શબ્દ ચૉપિંગ (chopping interruption-રુકાવટ) પરથી આવેલો છે. વિદ્યુતપ્રવાહ, પ્રકાશપુંજ કે વિકિરણપુંજને નિયમિત સમયાંતરે અવરોધી, તેમને સ્પંદમાં ફેરવવાની ક્રિયા ચૉપિંગ કહેવાય છે. ચૉપિંગનો સામાન્ય ઉપયોગ ડી.સી. પ્રવાહને એ.સી. પ્રવાહમાં રૂપાંતરિત કરવા માટે થાય છે. એ.સી. પ્રવાહનું વિવર્ધન ઝડપથી થઈ શકે છે. પ્રકાશપુંજ નિશ્ચિત સમયાંતરે તેના લક્ષ્ય સુધી ન પહોંચે તે માટે તેના માર્ગમાં કંપિત (vibrating) અરીસો ઘુમાવવામાં આવે છે. વિદ્યુતપ્રવાહને ચુંબકીય દોલક વડે અથવા બહુદોલક વડે કે અન્ય નિયંત્રકમાંથી પસાર કરી અવરોધી શકાય છે.

યાંત્રિક ચૉપરની રચનામાં ધાતુની ગોળાકાર સપાટ તકતી હોય છે. આ તકતીના પરિઘ ઉપર નિયમિત અંતરે ગોળાકાર છિદ્ર હોય છે. તકતીનો ભ્રમણદર બદલી શકાય તેવી રચના હોય છે. આ તકતીને પ્રકાશપુંજના માર્ગમાં મૂકતાં, પરિભ્રમણ દરમિયાન જ્યારે પ્રકાશપુંજના માર્ગમાં તકતીનું છિદ્ર આવે ત્યારે પ્રકાશનો સ્પંદ છિદ્રમાંથી બહાર પડે છે. પ્રકાશના આવા ક્રમિક સ્પંદ વચ્ચે પ્રકાશકિરણ કપાય છે. સતત પ્રકાશને કારણે આવા સ્પંદ રચાતા જાય છે. પ્રકાશપુંજને બદલે વિદ્યુતપ્રવાહને પણ ક્રમિક સ્પંદમાં ફેરવી શકાય છે. કેટલાક પ્રયોગમાં પ્રકાશના કિરણને પ્રકાશસંવેદી વીજાણુકોષ (photoelectric cell) પર નાખી એકમાર્ગી વોલ્ટેજ (D.C. Voltage) પ્રાપ્ત કરાય છે. આ વોલ્ટેજમાં પ્રકાશની તીવ્રતા અનુસાર ફેરફાર થાય છે. પ્રકાશના કિરણની તીવ્રતાનો ફેરફાર ડી.સી. વિવર્ધક(D.C. Amplifier)ની મદદથી સમજી શકાય છે. પરંતુ આ પ્રકારના વિવર્ધક ઊંચી ગુણવત્તા ધરાવતા હોતા નથી. ઉપરાંત ડી.સી. સિગ્નલનું મૂલ્ય એકસરખું રાખવામાં આવે તોપણ આઉટપુટ સિગ્નલમાં સૂક્ષ્મ ફેરફાર જોવા મળે છે. આ ફેરફારનું કારણ પરિપથના ટ્રાન્ઝિસ્ટર-અવરોધ જેવા ઘટકો છે. આ ઘટકો પર તાપમાનની અસરથી વોલ્ટેજમાં ફેરફાર થાય છે. ડી.સી. વિવર્ધકની સરખામણીમાં એ.સી. વિવર્ધક ઊંચી ગુણવત્તા ધરાવે છે. પ્રકાશના કિરણની તીવ્રતામાં થતા ફેરફારના અભ્યાસ માટે તકતી પ્રકારનું ચૉપર વાપરી, પ્રકાશના કિરણને સ્પંદમાં રૂપાંતરિત કરી પ્રકાશ-સંવેદી વીજાણુ-કોષ પર નાખવામાં આવે છે. તેને પરિણામે કોષમાંથી મળતો વોલ્ટેજ, એકમાર્ગી ન રહેતાં લંબચોરસ આકારના તરંગના સ્વરૂપમાં મળે છે અને એ.સી. વોલ્ટેજની જેમ વર્તે છે. આ વોલ્ટેજનું વિવર્ધન સહેલાઈથી થઈ શકે છે.

ચૉપરનો મુખ્ય ઉપયોગ મંદ ઊર્જા ધરાવતા સિગ્નલને ઊંચી ઊર્જા ધરાવતા સિગ્નલમાં ફેરવવામાં થાય છે. આ ઉપરાંત રેડિયોસંચાલિત મિસાઇલમાં પણ ચૉપર ઉપયોગી છે. ઘણા જ નાના ડી.સી. વોલ્ટેજ(10-6 વોલ્ટ જેટલા)ને પણ અત્યંત ચોકસાઈથી 106 વોલ્ટ જેટલા મોટા બનાવતા ચૉપરનિયંત્રિત વિવર્ધક ઉપલબ્ધ છે. પરિપથમાં યાંત્રિક હલનચલન અને ઘર્ષણ નિવારવાના હેતુથી ચૉપર તરીકે, ટ્રાન્ઝિસ્ટર વાપરવામાં આવે છે.

સૂ. ગી. દવે

રાજેશ શર્મા