ચુંબક-ચિકિત્સા : રોગને મટાડવા માટેની એક ચિકિત્સાપદ્ધતિ. ઍલૉપથી, આયુર્વેદ, હોમિયોપથી, યુનાની વગેરે ચિકિત્સાપદ્ધતિઓમાં દરદીને દવાઓ આપવામાં આવે છે. દવાઓના ખૂબ ઊંચા ભાવ, સમય સમય પર દવા લેવાની ઝંઝટ અને ઍન્ટિબાયૉટિક દવાઓની આડઅસરોથી લોકો કંટાળી જાય છે. પરિણામે દવા વગરની ચિકિત્સા-પદ્ધતિઓ વિકસી આવી છે. દા.ત., પ્રાકૃતિક ચિકિત્સા, રંગ-ચિકિત્સા, રત્ન-ચિકિત્સા, સ્વમૂત્ર-ચિકિત્સા, સૂર્યકિરણ-ચિકિત્સા, ઍક્યુપ્રેશર, ઍક્યુપંક્ચર, યોગ-ચિકિત્સા વગેરે. આ પદ્ધતિઓ સાદી, સરળ અને અસરકારક હોવાથી લોકપ્રિય થતી જાય છે.

ચુંબકનો ઉપયોગ હોકાયંત્ર તેમજ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રૉનિક્સનાં સાધનોમાં બહોળા પ્રમાણમાં થાય છે; પરંતુ વનસ્પતિ, પશુઓ અને માનવશરીર પર ચુંબકની અસર જાણવા માટે ઈસુની સોળમી સદીમાં રશિયા, જર્મની, અમેરિકા વગેરે દેશોમાં અવનવા પ્રયોગો થયા અને તેને પરિણામે જીવનચુંબકશાસ્ત્ર (biomagnatism) નામનું આગવું શાસ્ત્ર વિકસ્યું.

ઉપર્યુક્ત પ્રયોગોનાં કેટલાંક પરિણામો જાણવાં રસપ્રદ થશે : (i) છોડનાં બીને ચુંબકના સંપર્કમાં રાખ્યા પછી વાવવામાં આવ્યાં. પરિણામે તેનો ઉછેર ઝડપી થયો અને ફળ વધારે આવ્યાં. (ii) શેરડીના પાકને ચુંબકિત જળ પાવામાં આવ્યું – પરિણામે પાક 1/3 સમય વહેલો ઊતર્યો અને શેરડીમાં સાકરનું પ્રમાણ વધારે જોવા મળ્યું. (iii) શાકભાજીનાં બીને વાવતાં પહેલાં છ કલાક દક્ષિણ ધ્રુવના સંપર્કમાં રાખવામાં આવ્યાં – પરિણામે બીટમાં સાકરનું પ્રમાણ વધ્યું, ટમેટાંમાં ખટાશનું પ્રમાણ ઘટ્યું અને કાકડીમાં સ્વાદ અને સુગંધ વધ્યાં.

(i) ઉંદરોની આવરદામાં 45 %નો વધારો થયો અને કૅન્સરની અસરોમાંથી ઉંદરો મુક્ત થયા. (ii) લંગડાતા કૂતરાના માથા ઉપર ચુંબકનો ઉત્તર ધ્રુવ બાંધવાથી કૂતરો લંગડાતો મટીને સાજો થયો. (iii) ચુંબકો બનાવવાનાં કારખાનાંમાં કામ કરનાર કામદારોને ત્યાં સંતાનવૃદ્ધિ થવા લાગી.

આમ, ચુંબક વનસ્પતિ, પશુઓ અને માનવશરીર પર વિધાયક અસર ઉપજાવવામાં સફળ નીવડતાં રોગની સારવાર આપવા માટે ચુંબકના ઉપયોગને લગતા વિશેષ પ્રયોગો થવા લાગ્યા.

ભારતના ઋષિમુનિઓ છેક વેદકાળમાં ચુંબક-ચિકિત્સાથી પરિચિત હતા તેવા ઉલ્લેખો અથર્વવેદનાં સૂક્તોમાં જોવા મળે છે. પ્રાચીન ગ્રીસમાં સમ્રાટ સિકંદર અને વિશ્વસુંદરી ક્લિયોપેટ્રા તેમના મુગટમાં ચુંબક રાખતાં હતાં, જેથી તેમની શક્તિ અને સૌંદર્ય જળવાઈ રહેતાં હતાં તેવા ઐતિહાસિક ઉલ્લેખો મળે છે. ચીન, જાપાન, કોરિયા, રશિયા, જર્મની, અમેરિકા વગેરે દેશોમાં રોગમુક્તિ માટે ચુંબકીય સારવારને લગતાં સંશોધનો થવા લાગ્યાં. સંશોધનોને પરિણામે ચુંબકની અસર વડે અંત:સ્રાવી ગ્રંથિઓનું નિયમન, લોહીના લાલ કણોનું ધ્રુવીભવન, કૅન્સરના કોષોની વૃદ્ધિમાં રુકાવટ, હાડકાંનું ઝડપી સંધાન, દુખાવામાં રાહત વગેરે જોવા મળ્યાં. આને પરિણામે ચુંબક-ચિકિત્સાનો એક સફળ ચિકિત્સાપદ્ધતિ તરીકે વિશ્વભરમાં સ્વીકાર થવા લાગ્યો.

ભારતમાં પણ ચુંબક-ચિકિત્સાનો પ્રચાર અને પ્રસાર થવા લાગ્યો છે. ભારતમાં ‘ઑલ ઇન્ડિયા મૅગ્નેટોથેરપી ઍસોસિયેશન’ની સ્થાપના થયેલી છે. આ ઍસોસિયેશન તરફથી ‘મૅગ્નેટિક હીલિંગ’ નામનું અંગ્રેજી ત્રૈમાસિક પ્રકાશિત થાય છે. ડૉ. ભટ્ટાચાર્ય, ડૉ. રામચંદ્રન, ડૉ. બંસલ, ડૉ. સન્તવાની વગેરેએ ચુંબક-ચિકિત્સા અંગે સાહિત્ય પ્રકાશિત કર્યું છે. આ સાહિત્યમાં ભારતના વિવિધ ભાગોમાં ચુંબક-ચિકિત્સા વડે દરદીઓને આપવામાં આવેલી સારવારથી કેવી અને કેટલી અસર થઈ તેના વિગતપૂર્ણ અહેવાલો આપવામાં આવ્યા છે.

કોઇમ્બતૂરની ‘ઇન્ડિયન એકૅડેમી ઑવ્ નેચરોપથી’ તરફથી તથા દિલ્હીના ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅગ્નેટોથેરપી’ તરફથી ટપાલ દ્વારા ચુંબક-ચિકિત્સક માટેનો ડિપ્લોમા અભ્યાસક્રમ કરાવવામાં આવે છે.

ચુંબકચિકિત્સાની વિશેષતાઓ : આ ચિકિત્સા સરળ, સસ્તી અને સલામત છે, સરળતાથી શીખી શકાય છે. એક વખત વસાવેલું ચુંબક વર્ષો સુધી પેઢી દરપેઢી ઉપયોગમાં લઈ શકાય છે. ચુંબકની સીધી અસર શરીરના અણુ, પરમાણુ, કોષો, અવયવો, જ્ઞાનતંતુઓ, સ્નાયુઓ અને લોહી પર થતી હોવાથી તરત અસર થાય છે અને તેની અસર લાંબો સમય ટકી રહે છે. આ સારવારની ટેવ પડતી નથી. કોઈ દવા લેવાની હોતી નથી પરંતુ દવા લેવાતી હોય તોપણ બાધ નથી. બીમાર ઉપરાંત તંદુરસ્ત માણસને આ સારવાર લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તંદુરસ્તી જળવાઈ રહે છે. એવો દાવો કરવામાં આવે છે કે ચુંબકનો નિયમિત ઉપયોગ યૌવનને ટકાવી રાખે છે; ઉપરાંત શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિ વધારવામાં ઉપયોગી થાય છે. ગમે ત્યાં અને ગમે ત્યારે સૂતાં સૂતાં કે બેઠાં બેઠાં આ સારવાર લઈ શકાય છે. કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી.

ચુંબકચિકિત્સાનાં સાધનો : ચુંબક-ચિકિત્સાનો પ્રચાર વધતાં સારવારમાં ઉપયોગી એવાં વિભિન્ન શક્તિશાળી ચુંબકોનું ઉત્પાદન દિલ્હી, કૉલકાતા, બૅંગાલુરુ, મુંબઈ, વડોદરા, અમદાવાદ વગેરે શહેરોમાં થવા લાગ્યું છે. આ ઉપરાંત વિવિધ રોગો તેમજ અવયવોને અનુલક્ષીને અવનવાં ઉપકરણો પણ બનવા લાગ્યાં છે. જેમ કે; ‘હેડ બેલ્ટ’, ‘આઈ બેલ્ટ’, ‘ની-બેલ્ટ’, ‘પેઇન બેલ્ટ’, ‘થાઇરૉઇડ બેલ્ટ’, ‘બ્લડપ્રેશર બેલ્ટ’, ‘મૅગ્નેટિક સ્પાઇન રોલર’, ‘નેકલેસ’, ‘વાઇબ્રો બેલ્ટ’ વગેરે. વળી, પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રોમાં ‘ઇલેક્ટ્રો-મૅગ્નેટ’વાળી ખુરશીઓ, સોફા અને પલંગો વગેરે સાધનો હજારો રૂપિયાની કિંમતે વસાવવામાં આવી રહ્યાં છે. વધારે ને વધારે લોકો આવાં સાધનોનો ઉપયોગ કરીને લાભ મેળવતા થયા છે.

સારવાર માટેનાં ચુંબકો : મુખ્યત્વે ત્રણ પ્રકારનાં હોય છે : (1) ઉચ્ચ શક્તિશાળી ચુંબક(high power magnet)ની જોડી (3500 ગૉસ), (2) મધ્યમ શક્તિશાળી ચુંબક(medium power magnet)ની જોડી (2500 ગૉસ), (3) નિમ્ન શક્તિશાળી ચુંબક(low power magnet)ની જોડી (1500 ગૉસ).

પ્રત્યેક ચુંબકમાં બે ધ્રુવ હોય છે. એક બાજુ દક્ષિણ ધ્રુવ (south pole) અને બીજી બાજુ ઉત્તર ધ્રુવ (north pole). ધ્રુવ અંગેની જાણકારી માટે ચુંબક ઉપર અનુક્રમે એક બાજુ S અને બીજી બાજુ Nની નિશાની કરવામાં આવે છે. કેટલાંક ચુંબકો લાલ-વાદળી રંગવાળા પૉલિમર અથવા રેક્ઝિનથી મઢેલાં મળે છે. લાલ અને વાદળી રંગ અનુક્રમે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ દર્શાવે છે.

સારવાર માટેનાં ચુંબકો જોડીમાં મળે છે. સાર્વદૈહિક સારવારમાં બંને ચુંબકોનો એકસાથે ઉપયોગ કરવાનો હોય છે. સ્થાનિક સારવારમાં બેમાંથી એક અથવા બંનેનો ઉપયોગ થાય છે. ચુંબક વડે સારવાર લેવી એટલે હાથની હથેળીઓ, પગનાં તળિયાં અને શરીરના રોગગ્રસ્ત અવયવોને ચુંબકના N કે Sના સંપર્કમાં અમુક સમય સુધી રાખવાં. બાહ્ય સારવાર ઉપરાંત N કે S રાખેલ ચુંબકિત જળ પીવાથી પણ આંતરિક સારવાર મળે છે.

સાર્વદૈહિક સારવાર માટેની રીતો : ઉચ્ચ શક્તિશાળી ચુંબકો વડે આ સારવાર આપવામાં આવે છે. સારવાર લેતી વખતે લાકડાનાં ટેબલ, ખુરશી કે પલંગનો ઉપયોગ કરવો. લોખંડનું ફર્નિચર વાપરવું નહિ.

રીત 1 : નાભિ ઉપરના શરીરના રોગો માટે નીચેની આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે જમણા હાથની હથેળી એક ચુંબકના N ઉપર અને ડાબા હાથની હથેળી બીજા ચુંબકના S ઉપર મૂકવી. ડાબા હાથની હથેળીથી જમણા હાથની હથેળી સુધી ચુંબકીય પ્રવાહને વહેતાં દસ મિનિટનો સમય લાગે છે. આ રીતથી નાભિ ઉપરના ભાગે આવેલા પ્રત્યેક અવયવને લાભ મળે છે.

આકૃતિ 1

રીત 2 : નાભિની નીચેના શરીરના રોગો માટે આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે જમણા પગનું તળિયું એક ચુંબકના N ઉપર અને ડાબા પગનું તળિયું બીજા ચુંબકના S ઉપર મૂકવું. ડાબા પગના તળિયાથી જમણા પગના તળિયા સુધી ચુંબકીય પ્રવાહને વહેતાં દસ મિનિટનો સમય લાગે છે. આ રીતથી નાભિ નીચેના ભાગે આવેલા પ્રત્યેક અવયવને લાભ મળે છે.

આકૃતિ 2

સાર્વદૈહિક સારવાર દરમિયાન ચુંબકીય મોજાં જ્ઞાનતંતુઓ દ્વારા શરીરમાં પ્રસરીને રોગ-પ્રતિકારક શક્તિ વધારે છે અને તનાવ દૂર કરે છે. એવો દાવો કરવામાં આવે છે કે આ સારવાર નિયમિત લેવાથી રક્તપ્રવાહ ઝડપી બને છે, અંત:સ્રાવી ગ્રંથિઓનું નિયમન થાય છે. શરીરના કોષોની સંખ્યા અને શક્તિમાં વધારો થાય છે; લોહીમાં ખરાબ કૉલેસ્ટરૉલની માત્રા અને ઊંચું રક્તદબાણ ઘટે છે; સોજા, દુખાવા, ઘા વગેરેમાં ત્વરિત લાભ થાય છે; ભાંગેલાં હાડકાં વહેલાં સંધાય છે; હૃદયનું કાર્ય વ્યવસ્થિત બને છે તેમજ શરીરને તાજગી અને સ્ફૂર્તિ મળે છે.

ચુંબકચિકિત્સા અંગેના નિયમો : (1) રીત  1 અને રીત  2 મુજબ સારવાર લીધા પછી તુરંત ઠંડી વસ્તુ ખાવી કે પીવી નહિ; સારવાર પછી બે કલાક સ્નાન ન કરવું અને સારવાર પહેલાં અને પછી દોઢેક કલાક ભોજન કરવું નહિ. (2) રીત 1 અને રીત 2 મુજબ સારવાર લેતી વખતે ચુંબકોને પરસ્પરથી 0.3 મીટર દૂર રાખવાં અને રીત 2 મુજબ સારવાર લેતી વખતે ચુંબકોને જમીન પર ન મૂકતાં ગરમ ધાબળા પર કે લાકડાના પાટિયા ઉપર મૂકવાં. (3) ઉચ્ચ શક્તિશાળી ચુંબક આંખ, મગજ, હૃદય વગેરે નાજુક અવયવો પર વાપરવું નહિ. (4) સગર્ભા સ્ત્રીઓ તથા 12 વર્ષથી નાની ઉંમરનાં બાળકોને ઉચ્ચ શક્તિશાળી ચુંબકની સારવાર આપવી નહિ. (5) ઉપયોગમાં ન હોય ત્યારે બંને ચુંબકના વિરુદ્ધ ધ્રુવને એકબીજા સાથે જોડીને મૂકી રાખવાં. (6) ઘડિયાળ, રેડિયો, ટી.વી., કૅસેટ, કૅલ્ક્યુલેટર, મોબાઇલ વગેરે સાધનોથી ચુંબકોને દૂર રાખવાં. (7) ચુંબકને લોખંડની પેટી કે કબાટમાં ન મૂકતાં લાકડાની પેટી કે કબાટમાં મૂકવાં.

ચેતવણી : (1) લોહીના નીચા દબાણવાળા દરદીઓએ સંયમપૂર્વક ચુંબકનો ઉપયોગ કરવો. (2) લોહની ઍલર્જીવાળી વ્યક્તિએ ચુંબકની સારવાર લેવી નહિ. આવી વ્યક્તિને રીત 1 કે રીત 2 મુજબ સારવાર લેવાથી બેચેની અને ગભરામણ થવા લાગે છે. આવું જણાય ત્યારે તાત્કાલિક ચુંબકનો સંપર્ક છોડી દઈને હાથમાં જસતનો સળિયો પકડવાથી ચુંબકની અસર દૂર થઈને રાહત મળે છે. (3) ચુંબક-ચિકિત્સકના માર્ગદર્શન નીચે સારવાર લેવી.

સ્થાનિક ચિકિત્સા : રોગગ્રસ્ત અવયવને અમુક સમય સુધી ચુંબકનો N કે S અડકાડીને આપવામાં આવતી સારવારને સ્થાનિક ચિકિત્સા કહે છે. દા.ત., દાંતનો દુખાવો કે પેઢાંની તકલીફ હોય તો ઉચ્ચ શક્તિશાળી ચુંબકના Nને પંદર મિનિટ સુધી જડબાના બહારના ભાગે અડકાડી રાખવામાં આવે છે. પગના નળા ઉપર ખરજવું હોય તો તેના પર Nથી મસાજ કરવામાં આવે છે. વંધ્યત્વ, નષ્ટાર્તવ અને જાતીય નબળાઈ માટે ગુદામાર્ગ અને જનન અવયવની વચ્ચેના ભાગે S વડે સારવાર અપાય છે.

કેટલાક રોગોમાં બંને ધ્રુવ વડે એકસાથે સ્થાનિક સારવાર આપવામાં આવે છે. દા.ત., પીઠનો દુખાવો હોય તો કરોડરજ્જુના ઉપરના ભાગે N અને નીચેના ભાગે S અડકાડીને સારવાર અપાય છે. કમરનો દુખાવો હોય તો દુખાવાની જમણી બાજુએ N અને દુખાવાની ડાબી બાજુએ S રાખીને સારવાર અપાય છે. પેટમાં વાયુનો ગોળો ચડ્યો હોય તો શરીરના આગળના ભાગે નાભિ ઉપર N અને બરાબર નાભિ સામેના પાછળના ભાગે કમરમાં S રાખવાથી થોડી વારે વા-છૂટ થઈને આરામ થાય છે.

આમ, સ્થાનિક સારવારમાં બંને ધ્રુવનો એકસાથે ઉપયોગ કરવાનો હોય ત્યારે શરીરના ઉપરના ભાગે, જમણી બાજુએ અને આગળના ભાગે Nનો ઉપયોગ કરવો અને શરીરની નીચેના ભાગે, ડાબી બાજુએ અને પાછળના ભાગે Sનો ઉપયોગ કરવો.

સ્થાનિક ચિકિત્સા દિવસમાં બે વખત 15થી 20 મિનિટ આપવામાં આવે છે. વિશેષ રાહત મેળવવા માટે બેથી વધારે વાર અને લાંબો સમય સારવાર લેવાથી કોઈ નુકસાન થતું નથી.

ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના વિભિન્ન ગુણધર્મો :

ઉત્તર ધ્રુવ : આ ધ્રુવ ઠંડક આપે છે. કોઈ પણ ક્રિયાને આગળ વધતી અટકાવે છે. બૅક્ટેરિયા જંતુ-રોગના કીટાણુને વધતા અટકાવે છે. ચામડીના રોગો, રક્તસ્રાવ, શરીરમાં થતો પાક, સોજો, ગાંઠ, ટ્યૂમર, સાંધાનો દુખાવો, કરોડનો દુખાવો, હાથપગનો દુખાવો, દાંતનો દુખાવો, કાનના રોગો, ઘામાંથી વહેતું લોહી, કૅન્સર, બ્લડપ્રેશર, કિડનીનો સોજો, પથરી, પેઢાંનો સોજો, કંઠમાળ, ફ્રૅક્ચર, અત્યાર્તવ, મોતિયો, સસણી, લિવરનો સોજો વગેરે રોગોમાં કામ આપે છે.

દક્ષિણ ધ્રુવ : આ ધ્રુવ ગરમ છે. શરીરની કોઈ પણ ક્રિયાને વેગ આપે છે. નીચે દર્શાવેલા રોગોમાં કામ આપે છે : પાચનક્રિયાને લગતા રોગો, જ્ઞાનતંતુઓના રોગો, હૃદયરોગ, મધુપ્રમેહ, જાતીય નબળાઈ, પૌરુષ ગ્રંથિની વૃદ્ધિ, શરીર જકડાઈ જવું, અમ્લપિત્ત વગેરે.

ચેતવણી : ઘા – સોજો – ચેપ – સડો કે રક્તસ્રાવમાં આ ધ્રુવનો ઉપયોગ કરવો નહિ. આવી ક્રિયાઓને તે વધારી દે છે.

ચુંબકિત જળ : ચુંબકો દ્વારા અસર પામેલા જળના ભૌતિક-રાસાયણિક ગુણધર્મોમાં ફેરફારો થાય છે. જળનાં દુર્વાહિતા, ઘનતા, વજન, વીજવહન શક્તિ વગેરે ભૌતિક પરિમાણો પરિવર્તિત થાય છે. રાસાયણિક પરિમાણો જેવાં કે જળમાં સ્ફટિકીકરણનાં કેન્દ્રો, આયનોની સંખ્યા, હાઇડ્રોજન અણુઓની સક્રિયતા વગેરેમાં વૃદ્ધિ થાય છે. આથી ચુંબકથી પ્રભાવિત થયેલા જળનું સેવન કરવાથી શરીરના અંદરના ભાગને સીધો લાભ મળે છે.

ચુંબકિત જળ બનાવવાની રીત : જળને ગાળીને ઉકાળવાનું હોય છે. ઠંડું પડ્યા પછી સપાટ તળિયાવાળી કાચની બરણી કે શીશામાં ભરીને ઢાંકણું બંધ કરી દેવામાં આવે છે. નીચે આકૃતિ 3માં દર્શાવ્યા પ્રમાણે ઉચ્ચ શક્તિશાળી ચુંબકના S કે N અથવા N અને S બન્નેના સંપર્કમાં 12 કલાક મૂકી રખાય છે. આ રીતે ત્રણ પ્રકારનું ચુંબકિત જળ તૈયાર કરી શકાય છે. પ્રત્યેક બાટલા ઉપર S, N અથવા N + Sનું લેબલ લગાડાય છે.

આકૃતિ 3

ચુંબકિત જળ બનાવવા માટે કાચના પાત્ર ઉપરાંત તાંબાના પાત્રનો પણ ઉપયોગ કરી શકાય – અન્ય ધાતુના પાત્રનો ઉપયોગ કરવો નહિ. ચુંબકિત જળને ગરમ કરવું નહિ તથા ફ્રિજમાં મૂકવું નહિ.

ચુંબકિત જળની માત્રા : સારવાર માટે પુખ્તવયની વ્યક્તિને ચાના અડધા કપ જેટલું ચુંબકિત જળ સવારે નરણા કોઠે, બપોરે જમ્યા પછી બે કલાકે અને રાત્રે સૂતી વખતે એમ દિવસમાં ત્રણ વખત આપવું. જળ પીતાં પહેલાં કે પછી અર્ધો કલાક કશું ખાવું-પીવું નહિ.

ઉત્તર ધ્રુવ ચુંબકિત જળ : N-જળ નીચેના રોગોમાં ફાયદાકારક છે. અલ્સર, ઊલટી, નાકના મસા, પથરી, પેશાબની તકલીફ, મૂત્રપિંડ, સારણગાંઠ, ખરજવું, હરસ-મસા-ભગંદર, ફિશર, વાયુના રોગો, દાંત-પેઢાંની તકલીફ, નસકોરી ફૂટવી, ક્ષય, આંખોની તકલીફ, ગાલપચોરિયાં, પક્ષાઘાત, અમ્લપિત્ત, કાનના રોગો, આંત્રવૃદ્ધિ, ઝાડા, ટ્યૂમર, કૅન્સર, તાવ, પરમિયો, સિફિલિસ, વ્રણ, સફેદ કોઢ વગેરે.

દક્ષિણ ધ્રુવ ચુંબકિત જળ : S-જળ નીચેના રોગોમાં ફાયદાકારક છે : પેટનો દુખાવો, પૌરુષ ગ્રંથિની વૃદ્ધિ, શિરદર્દ, સ્નાયુઓનો દુખાવો, મણકો ખસી જવો, જ્ઞાનતંતુઓનો દુખાવો, સ્પૉન્ડિલાઇટિસ, ગાઉટ, કષ્ટાર્તવ, વધરાવળ, સંધિવા, ગોઠણનો વા, કબજિયાત, આમવાત, વાળને લગતા રોગો (ટાલ, ખોડો, ઉંદરી, વાળ ખરવા), શરદી, શ્વાસ વગેરે.

બંને ધ્રુવ ચુંબકિત જળ : N + S – જળ – નીચેના રોગોમાં ફાયદાકારક છે : કાકડા, વાઈ-ફેફરું, કેડનો દુખાવો, અનિદ્રા, નષ્ટાર્તવ, અત્યાર્તવ, જાતીય નબળાઈ, કમળો, મધુપ્રમેહ, અગ્નિમાંદ્ય, કંઠમાળ, પાંડુ, સ્મૃતિભ્રંશ, હૃદયરોગ, ફ્રૅક્ચર, બરોળ, મૂત્રકૃચ્છ્ર, સોજા વગેરે.

ઉપરની રીતે દૂધને ચુંબકિત કરવાથી તેની પોષણક્ષમતા વધે છે. તેલને ચુંબકિત કરવાથી તેની ગુણવત્તામાં ઉમેરો થાય છે. કેળાં, સફરજન વગેરે ફળોને પણ ચુંબકના સંપર્કમાં રાખીને ચુંબકત્વની અસરવાળાં કરી શકાય છે.

  ગુજરાતનાં કેટલાંક ચુંબક-ચિકિત્સા કેન્દ્રો :

. નામસરનામું
1 મૅગ્નેટ થેરપી નિ:શુલ્ક સારવાર કેન્દ્ર : ડૉ. ઉમેશભાઈ યાજ્ઞિક : ‘પરિતોષ’ 7બી, નવેન્દુ સોસાયટી, કેશવ ઍપા. પાછળ, તળાવડી પાસે, મેમનગર, અમદાવાદ-380 052
2 ચુંબકીય સારવાર કેન્દ્ર : ડૉ. યજ્ઞેશ પટેલ, 4 પટેલ સોસાયટી, રમૂજીલાલ હૉલ પાસે, જવાહર ચોક, મણિનગર, અમદાવાદ-380 028
3 શ્રી હૈડાખંડી ઇલેક્ટ્રો-મૅગ્નેટિક સારવાર કેન્દ્ર : અ. હિં. મહિલા પરિષદના મકાનમાં, ચોરા પાસે, પાલડી ગામ, અમદાવાદ-380 007
4 એકમે બ્યૂટી પાર્લર અને યોગિક હેલ્થ સેન્ટર : 5, શિવબાગ સોસાયટી, રામબાગ, ગિરીશ શિખંડ દુકાનના ખાંચામાં, ભૈરવનાથ રોડ, મણિનગર, અમદાવાદ-380 008
5 મૅગ્નેટ થેરાપિકલ સેન્ટર : બસ સ્ટૅન્ડની બાજુમાં, કલોલ-382 721
6 આરોગ્ય કેન્દ્ર : રાષ્ટ્રીય શાળા : રાજકોટ-360 001
7 મૅગ્નેટ થેરપી સારવાર કેન્દ્ર : તખ્તેશ્વર પ્લૉટ, ભાવનગર-364 007
8 અંબાલાલ મુનશી નેચર ક્યૉર હૉસ્પિટલ : બાકરોલ-લાંભવેલ માર્ગ, વિદ્યાનગર-388 120; ફોન : 7739

ચુંબક ચિકિત્સા માટેનાં સાધનો ગુજરાતનાં અનેક શહેરોમાં તેમજ મુંબઈ અને દિલ્હીમાં પણ ઉપલભ્ય છે.

ઉમેશ યાજ્ઞિક