ચુ, સ્ટીવન (Chu, Steven)(જ. 28 ફેબ્રુઆરી 1948, સેન્ટ લૂઈસ, મિસુરી, યુ. એસ.એ.) : લેસર પ્રકાશ વડે પરમાણુઓનું શીતલન (cooling) તથા તેમને પાશમાં લેવાની (પ્રગ્રહણ) કાર્યપદ્ધતિ વિકસાવવા માટે 1997નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે સ્ટીવન ચુ, ક્લૉડ કોહેન-તનુજી તથા વિલિયમ ડી. ફિલિપ્સને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.

સ્ટીવન ચુ અમેરિકન ભૌતિકશાસ્ત્રી છે. તેઓ ચીની માતા-પિતાનું સંતાન છે. અત્યંત ઉચ્ચ શિક્ષણ ધરાવતા ચીની કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાએ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી  કૅમિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. તેમના નાના હાઇડ્રોલિક એન્જિનિયર હતા અને તેઓએ કોર્નેલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી હતી.

સ્ટીવન ચુએ 1970માં યુનિવર્સિટી ઑવ્ રોચેસ્ટરમાંથી ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી. 1976માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી તેમણે પીએચ.ડી.ની પદવી મેળવી. ત્યારબાદ તેઓ બેલ લૅબોરેટરીઝમાં જોડાયા અને ત્યાં પસાર કરેલ સમયગાળા દરમિયાન તેમનાં સંશોધનો પરમાણુ-ભૌતિકશાસ્ત્ર પર કેન્દ્રિત હતાં. તેમણે તેમના સહકાર્યકર્તાઓ સાથે પરમાણુઓનું શીતલન તથા ચુંબક-પ્રકાશિકી પ્રગ્રહણ કરવાની પદ્ધતિ વિકસાવી, જે માટે તેઓએ લેસર પ્રકાશનો ઉપયોગ કર્યો. આ પદ્ધતિને લીધે વૈજ્ઞાનિકો પ્રત્યેક પરમાણુનો અત્યંત ચોકસાઈપૂર્વક અભ્યાસ કરી શકે છે.  આ પદ્ધતિનો ઉપયોગ ચોકસાઈયુક્ત પરમાણુ-ઘડિયાળ બનાવવામાં થાય છે.

સ્ટીવન ચુને અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ તરફથી પીએચ.ડી.ની માનદ પદવીઓ મળી છે. તેઓ ઇંગ્લૅન્ડની રૉયલ એકૅડેમી ઑવ્ એન્જિનિયરિંગના સભ્ય છે તથા રૉયલ સોસાયટી ઑવ્ લંડનના વિદેશી સભ્ય તરીકે ચૂંટાયા છે. 2009માં અમેરિકાના સેક્રેટરી ઑવ્ એનર્જી તરીકે સેનેટ દ્વારા તેમની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી. તેમણે ઊર્જા, પર્યાવરણ તથા હવામાન-બદલાવ ક્ષેત્રે મહત્વની કામગીરી બજાવી છે. હાલમાં તેઓ સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં સંશોધનોમાં કાર્યરત છે.

પૂરવી ઝવેરી