ચિલ્કા : ઓરિસા રાજ્યમાં આવેલું ભારતનું સૌથી વિશાળ ખાડી સરોવર. મહાનદીના મુખત્રિકોણ પ્રદેશની નૈર્ઋત્ય દિશામાં આ સરોવર આવેલું છે. તેની લંબાઈ ઈશાનથી નૈર્ઋત્ય તરફ 65 કિમી.ની છે. ઓછા પાણીના કારણે શિયાળામાં તેનો વિસ્તાર નાનો બને છે અને ચોમાસામાં તે વધુ વિસ્તૃત બને છે. સરોવરમાં ક્ષાર ચોમાસામાં ઓછો અને શિયાળામાં વધુ હોય છે. ઈશાન દિશામાં નદીનો કાંપ જમા થતો હોવાથી સરોવરની ઊંડાઈ ઓછી છે જે નૈર્ઋત્ય દિશા તરફ ક્રમશ: વધતી જાય છે. મત્સ્યઉદ્યોગ તથા મીઠાના ઉત્પાદન માટે આ સરોવર વિશેષ મહત્વ ધરાવે છે.

નદીઓના મુખપ્રદેશમાં સમુદ્રના પ્રવાહ દ્વારા રેતાળ માટીના પાળા તૈયાર થાય છે અને તે ખાડી સરોવર (લગૂન) બનાવે છે. ભારતના પૂર્વકિનારે બંગાળના ઉપસાગર અને પૂર્વઘાટની પર્વતમાળાઓની વચ્ચે પૂર્વકિનારાનાં મેદાનો આવેલાં છે. ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશથી કન્યાકુમારી સુધીના વિસ્તારમાં વધુ પ્રમાણમાં રેતી જમા થવાને કારણે તૈયાર થયેલાં લગૂન સરોવરોમાં સૌથી મોટું ચિલ્કા સરોવર તેની આગવી અગત્ય ધરાવે છે.

અમી રાવલ