ચિત્રદુર્ગ : કર્ણાટક રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 14° 14’ ઉ. અ. અને 76° 24’ પૂ.રે.. તેનો કુલ વિસ્તાર 8,440 ચોકિમી. તથા તેની વસ્તી 16,60,378 (2011) છે. ચિત્રદુર્ગનગર એ તેનું વહીવટી મથક છે. જિલ્લો રાજ્યના પૂર્વભાગમાં આવેલો છે. તેની ઉત્તરે રાજ્યનો બેલ્લારી, પશ્ચિમે શિમોગા અને હાવેરી, નૈર્ઋત્યે ચિકમગલુર, દક્ષિણે અને અગ્નિ તરફ તુમકુર જિલ્લાઓ અને પૂર્વ તરફ આંધ્ર રાજ્યનો અનંતપુર જિલ્લો છે. આ જિલ્લામાં જુવાર, રાગી, નારિયેળ, સોપારી અને કપાસનું ઉત્પાદન નોંધપાત્ર છે.

ચિત્રદુર્ગ જિલ્લાનું વહીવટી મથક આ જ નામ ધરાવતા શહેરમાં આવેલું છે. આ નગર બૅંગાલુરુથી આશરે 202 કિમી. અંતરે છે. મિરજ–બૅંગાલુરુ રેલફાંટો ત્યાંથી પસાર થાય છે. વિજયનગર સામ્રાજ્યના ઘણા શિલાલેખો ત્યાં સાંપડ્યા છે. ચિત્રકલ દુર્ગ ઉપરથી આ નગરનું નામ પડ્યું છે. શહેરની દક્ષિણે આવેલી ટેકરી ઉપર ઘણાં પ્રાચીન મંદિરો છે. દા.ત., આબેલદેવીનું સિદ્ધેશ્વર, હિંડલેશ્વર, ગોપાલકૃષ્ણ, અંજનેય સુબ્બરાય વગેરે. નગરમાં કાપડની મિલો તથા દીવાસળીનાં કારખાનાં છે. શહેરથી છ કિમી. દૂર ચિત્રદુર્ગ કિલ્લો છે. અહીં ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓનો વિકાસ થયેલો છે.

અમી રાવલ