ચાવડો, અનંત સેન (દસમી સદી)

January, 2012

ચાવડો, અનંત સેન (દસમી સદી) : સૌરાષ્ટ્રની દક્ષિણે જાફરાબાદ પાસે આવેલા (આશરે 5 કિમી. ઘેરાવાવાળા, એકસોથી વધુ મીઠા પાણીના કૂવાવાળા) શિયાલબેટનો રાજવી. એણે છત્રીસ કુળના રાજવીઓને પકડી પોતાના બેટમાં કેદ કરેલા કહેવાય છે. તેમનામાં યાદવકુળનો કોઈ રાજવી નહોતો. વંથળી(જૂનાગઢ)નો સમા યાદવકુળનો રાજવી રા’કવાત એની નજરમાં હતો. આ બલિષ્ઠ રાજવીને પકડવાના ઉદ્દેશે એ પ્રભાસપાટણ આવ્યો ને પોતાના વહાણમાં ભોજન માટે નિમંત્રી, જેવો રા’કવાત વહાણમાં દાખલ થયો કે તરત જ લંગર ઉપાડી વહાણ શિયાલબેટ તરફ હાંકી ગયો અને રા’ને લાકડાના પાંજરામાં પૂરી દીધો. રા’કવાતના મામા તળાજાના ઊગાવાળાને આ સમાચાર પહોંચાડતાં ઊગાવાળાએ રાત્રિના સમયે નૌકાઓ દ્વારા શિયાલ પહોંચી અનંતસેનને ખતમ કર્યો ને પાંજરા પાસે ગયો. પાંજરું ખૂલ્યું નહિ એટલે ઊગાવાળાએ લાત મારી પાંજરું તોડી નાખ્યું અને એમ કરવા જતાં રા’કવાતને પગ અડી ગયો એટલે રા’કવાતને અપમાન લાગ્યું અને મામા-ભાણેજ વચ્ચે વૈમનસ્ય થયું.

રા’કવાતનો સમય ઈ.સ. 982થી 1003 સુધીનો હોઈ અનંતસેન ચાવડો દશમી સદીના અંતભાગમાં હયાત હતો. એ યુગમાં ચાવડાઓ સમુદ્રમાં ચાંચિયાગીરી કરતા હતા. સૌરાષ્ટ્રના આ જૂના ચાવડાઓ અણહિલ્લપુર પાટણના ચાવડાઓની શાખાના નહોતા. એમની પૂર્વે મારવાડમાંથી સૌરાષ્ટ્રમાં આવી વસેલા પૂર્વજના વંશજો હતા.

કે. કા. શાસ્ત્રી