ચારણ, રેવતદાન ‘કલ્પિત’

January, 2012

ચારણ, રેવતદાન ‘કલ્પિત’ (જ. 1924, મથામિયા મારવાડ, જોધપુર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઉછાલૌ’ને 1990ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. એમ.એ. તથા કાયદાની સ્નાતક ડિગ્રી તથા સાહિત્યરત્નની ઉપાધિ તેમણે મેળવેલ છે. તેમણે રાજસ્થાની, હિંદી, અંગ્રેજી તથા ગુજરાતીમાં પ્રાવીણ્ય મેળવ્યું. વ્યવસાયે તેઓ વકીલ છે.

તેઓ ડાયરાના કવિ તરીકે વિશેષ ખ્યાતિ પામ્યા. 1940થી તેમણે કાવ્યલેખનનો પ્રારંભ કર્યો. રાજસ્થાનનાં વિવિધ સ્થળોએ સ્વકંઠે તે રજૂ કર્યાં. રાજસ્થાનના કેટલાય નવોદિત કવિઓ તેમને અનુસરવા પ્રેરાયા. પોતાનાં કાવ્યોમાં તેમણે પોતાની ર્દઢીભૂત માન્યતાઓ તેમજ વિચારધારાને વણી લીધી છે.

તેમણે 3 કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમને રાજસ્થાન રત્નાકર ઍવૉર્ડ (1981) મળ્યો છે. ઑલ ઇન્ડિયા ચારણ સાહિત્ય સભા તેમજ રાજસ્થાન સાહિત્ય અકાદમીનું સન્માન પણ તેમને સાંપડ્યું છે. તેઓ ક્રાંતિમાં માને છે અને ખેડૂતો મારફત લોહિયાળ બદલાની વાત પણ કરે છે. તેમાં તેમનો રાજસ્થાની સામંતશાહી પરત્વેનો આક્રોશ પ્રગટ થાય છે. દલિત-પીડિત ગ્રામસમાજ વિશેનાં કેટલાંક કાવ્યો નિર્ભેળ રંગદર્શિતા પણ ધરાવે છે.

તેમના પુરસ્કૃત કાવ્યસંગ્રહમાં પોતાના રાષ્ટ્ર પ્રત્યેની કવિની પ્રતિબદ્ધતા ઉપરાંત સામાજિક પરિવર્તન માટેની તીવ્ર ઝંખના તથા જુસ્સો આલેખાયાં છે. તેમની ભાષા પ્રભાવશાળી તથા કલ્પકતા જીવંત છે. આ કાવ્યો લોકસમૂહ સાથે તેમની પોતીકી ભાષામાં જ વાત કરે છે. આ કાવ્યોની આવી પ્રત્યાયનક્ષમતાને લીધે રાજસ્થાની કવિતામાં આ કૃતિ ઉલ્લેખની ઉમેરણ બની છે.

મહેશ ચોકસી