ચાઉ ત્સો-જેન (પિન્યિન ઝાઉ ઝુઓ-રેન) (જ. 16 જાન્યુઆરી 1885, શાઑ-સિંગ, ચેકિયૉંગ-પ્રોવિન્સ, ચીન; અ. 1966, બેજિંગ) : નિબંધકાર, અનુવાદક અને વિદ્વાન ચીની સાહિત્યકાર. પરદેશી ભાષાઓની અનેક નવલકથાઓનો અનુવાદ તેમણે ચીની ભાષામાં કર્યો છે.

ચાઉ ત્સો-જેનના ભાઈ ચાઉ શુ જેન (લૂ-શૂન) પણ સાહિત્યકાર હતા. બંને ભાઈઓએ ચીની ભાષાના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કરેલો. ચાઉ ત્સો-જેને અંગ્રેજી ભાષા અને પશ્ચિમના બૌદ્ધિક ઇતિહાસના વિષયોમાં ખાસ રસ દાખવેલો. કવિ ઍડ્ગર ઍલન પૉના ‘ધ ગોલ્ડ બગ’(1905)નું તેમણે ભાષાંતર કરેલું. બંને ભાઈઓ 1906માં જાપાન ગયેલા અને ત્યાં ચાઉ ત્સો-જેને જાપાની ભાષા અને સાહિત્યનો અભ્યાસ કરેલો. અહીં તેમણે ગ્રીક અને અંગ્રેજી સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો. યુરોપના નવલકથાસાહિત્યના અનુવાદ દ્વારા સામ્રાજ્યવાદીઓના ક્રૂર શાસન સામે અવાજ ઉઠાવવા માટે તેમણે સક્ષમ પ્રયત્ન કરેલો.

1912માં ચાઉ ત્સો-જેન અને તેમનાં જાપાની પત્ની ચીનમાં પાછાં ફર્યાં. બેઇજિંગ યુનિવર્સિટીમાં તેમણે અધ્યાપન કરેલું. અહીં તેમણે નિબંધસ્વરૂપની વિશેષ માવજત કરી. તેમનું લખાણ મુખ્યત્વે ચીની ભાષાની સુધારણા માટેનું હતું. માતૃભાષાના ઉપયોગ અને તેની પ્રતિષ્ઠા માટે તેમણે ભવ્ય પુરુષાર્થ આદર્યો. સાહિત્યમાત્રનો ચહેરો ‘માનવીય’ હોવો જોઈએ એવો તેમનો મત હતો. સામાજિક ચેતનાને અભિવ્યક્ત કરતાં પશ્ચિમનાં લખાણો પરત્વે તેમને પક્ષપાત હતો. ગ્રીક, રૉમન, રશિયન અને જાપાની ભાષાઓના ગ્રંથોનો તેમણે ચીની ભાષામાં અનુવાદ કર્યો છે.

1920 પછી ચાઉ ત્સો-જેને સામાજિક અને રાજકીય સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થાઓમાં સક્રિય કાર્ય કર્યું. પ્રવર્તમાન સરકારના કાળી યાદીમાં મુકાયેલા લોકો (blacklisted persons) સાથે તેમનું નામ 1926માં નોંધવામાં આવ્યું હતું. ડાબેરીઓને તેમના સાહિત્યિક અભિગમ સામે સખત અણગમો હતો. ચીનમાંથી સાહિત્યકાર તરીકે તેમના નામની બાદબાકી કરવામાં આવી હતી.

ચીન જાપાન યુદ્ધ (Sino-Japanese war) (1937–45) વખતે તેઓ જાપાનની તરફેણમાં કામ કરતા હતા. રાષ્ટ્રીય સરકારે યુદ્ધ પછી તેમના પર મુકદ્દમો ચલાવ્યો અને તેમને દેશદ્રોહી પ્રવૃત્તિ માટે મોતની સજા ફરમાવવામાં આવેલી. જોકે પાછળથી ફાંસીને બદલે તેમને જીવનભર કેદની સજામાં ફરમાવવામાં આવી હતી. 1949માં તેમને જેલમાંથી સદંતર મુક્તિ આપવામાં આવેલી. સામ્યવાદીઓની સરકાર સત્તા પર આવ્યા પછી તેમણે લગભગ સોળ વર્ષ સુધી લેખનકાર્ય ચાલુ રાખેલું.

વિ. પ્ર. ત્રિવેદી