ચર્યાપદ (ઊડિયા) : ઊડિયા સાહિત્યની સૌથી પ્રાચીન મનાતી રચનાઓ. બૌદ્ધ ધર્મનું ભારતમાં ભારે વર્ચસ્ હતું અને અભિવ્યક્તિ માટે પ્રાકૃત-અપભ્રંશ મુખ્ય સાધન હતું એ કાળે આ ગીતોની રચના થઈ હોવાનું સ્વાભાવિક અનુમાન છે. આવાં ગીતોનો સંચય હરપ્રસાદ શાસ્ત્રીને 1907માં નેપાળમાંથી હાથ લાગ્યો હતો. આ ગીતસંચયનો ‘ચર્યાચર્યાવિનિશ્ચય’ અથવા ‘આશ્ચર્યચર્યાચર્યા’ તરીકે ઓળખાતી રચનાઓ ‘ચર્યાપદ’ કહેવાય છે. તેમાં 23 કવિઓનાં 50 ગીતો અથવા દોહા છે અને એ ગીતરચનાઓમાં બૌદ્ધ ધર્મના ‘વજ્રયાન’ સંપ્રદાયના અથવા તાંત્રિક પ્રક્રિયાના સિદ્ધાંતો વણી લેવાયા છે. તે સમયે પશ્ચિમ ભારતમાં પ્રચલિત બનેલી પ્રાકૃત-અપભ્રંશ જેવી મિશ્ર ભાષામાં લખાયેલાં આ ગીતો, આજુબાજુના પ્રદેશમાં વસતા કવિઓની કૃતિ હશે અને તેમનો જીવનકાળ આઠમીથી અગિયારમી સદી હશે એમ મનાય છે. એમાંના કેટલાક કવિઓ અત્યારે ઓરિસા તરીકે ઓળખાતા પ્રદેશના વતની હતા અને એ વિસ્તારમાં તેમણે આ સંપ્રદાયના ધર્મનો પ્રચાર કર્યો. આ ગીતોની વિચારસરણી તથા શૈલીનો સ્પષ્ટ અને સીધો પ્રભાવ, સોળમી સદીના પંચશાખા કવિઓ તરીકે ઓળખાતા, ઊડિયા ભાષાના પાંચ સંત-કવિઓની રચનાઓ ઉપર જોવા મળે છે. પ્રાકૃત તથા અપભ્રંશ ભાષાઓની સાહિત્યિક પ્રવૃત્તિનો આ સર્વપ્રથમ આવિષ્કાર હતો.

બૌદ્ધ ધર્મના વજ્રયાન સંપ્રદાયનું ઉદભવસ્થાન ઓરિસા હોવાનું મનાય છે. આ સંપ્રદાયે જ બૌદ્ધ ધર્મમાં દેવી અથવા શક્તિની પૂજાનો સિદ્ધાંત દાખલ કર્યો, જેના પરિણામે માતૃ ડાકિણીની દેવીપૂજા તથા કાયસાધનાની પ્રથા પ્રચલિત બની. ‘ચર્યાપદ’નાં ગીતોમાં આ બંને પ્રકારના અનુભવોની અભિવ્યક્તિ છે. જોકે એ માટે ગૂઢ અને સાંકેતિક ભાષાનો પ્રયોગ થયો હોવાથી સામાન્ય વાચક તો એ રચનાઓમાંના રહસ્ય કે તત્વજ્ઞાનને પામ્યા વિના એમાંના લૌકિક અનુભવો તથા ઘટનાક્રમોનો જ આસ્વાદ માણે છે. ભાષાર્દષ્ટિએ ચર્યાપદ ગીતોની ભાષાસામગ્રી અર્વાચીન ઊડિયા ભાષાને ઘણી રીતે મળતી આવે છે અને નામ, વિશેષણ, ક્રિયાપદ વગેરે મળીને 125 જેટલા શબ્દોનું મૂળ ઊડિયા ભાષા મનાય છે.

ચર્યાપદ (બંગાળી) : અમુક પ્રકારનાં ગીતોનો સંગ્રહ. ચર્યાપદોની હસ્તપ્રત હરપ્રસાદ શાસ્ત્રીને નેપાળ દરબાર ગ્રંથાલયમાંથી મળી આવી હતી અને 1916માં તે ‘બુદ્ધિસ્ટ સાગ્ઝ ઍન્ડ વર્સિઝ રિટન ઇન બેંગાલી થાઉઝન્ડ યિઅર્સ અગો’ એ શીર્ષક હેઠળ પ્રગટ કરવામાં આવી હતી. ઇન્ડો-આર્યન ભાષાકુળની કોઈ પણ અર્વાચીન ભાષાના સૌથી પ્રારંભિક તબક્કાના આ એકમાત્ર હયાત નમૂના છે. આ ગ્રંથમાં 4 કૃતિઓ ભેગી છપાઈ હતી. શાસ્ત્રીનો મત એવો હતો કે આ 4 કૃતિઓ જૂની બંગાળીમાં લખાયેલી હતી. થોડાં વર્ષો પછી સુનીતિકુમાર ચેટરજીએ મુખ્યત્વે ભાષાકીય આધાર સાથે પુરવાર કર્યું કે એ 4 કૃતિઓમાંની ‘ચર્યાચર્યાવિનિશ્ચય’ બંગાળીમાં લખાયેલી હતી; પરંતુ ઊડિયા, અસમિયા તથા મૈથિલી ભાષાના વિદ્વાનોએ પણ તે પોતપોતાની ભાષા તથા સાહિત્યની કૃતિઓ હોવાનો દાવો કર્યો છે.

શાસ્ત્રીને મળી આવેલી આ હસ્તપ્રતોમાં સાલ કે શીર્ષકનો નિર્દેશ નથી. ‘ચર્યા’ અમુક પ્રકારના ગીતનું નામ છે. તેનો અર્થ થાય વ્યવહાર; ઉત્તરકાલીન બૌદ્ધ ધર્મની સાંપ્રદાયિક પરિભાષાનો તે શબ્દ છે. દરેક ગીતની ઉપર રાગ તથા તાલનો નિર્દેશ પણ કરાયો છે, જેથી તે સરળતાથી ગાઈ શકાય. તે આશરે દશમીથી બારમી સદી વચ્ચે રચાયેલાં છે અને ‘ચર્યાપદ’ની હસ્તપ્રતમાં જુદા જુદા 20 કવિઓનાં 47 ગીતો છે. મોટા ભાગનાં ગીતો 10-10 લીટીનાં ટૂંકાં છે અને તેમાં છેવટે કર્તાનો નામનિર્દેશ કરતી પંક્તિઓ ‘ભાણિત’ (colophon) હોય છે. ગીતોની શૈલી સાંધ્યભાષા તરીકે જાણીતી સાંકેતિક પ્રકારની ભાષા છે. દેશના ઘણા ભાગોમાં ગૂઢ પ્રકારના સંપ્રદાયોમાં આ ભાષા ખૂબ પ્રચલિત હતી, જેથી સામાન્યજન એ રચનાઓનો સાંપ્રદાયિક ગૂઢાર્થ સમજી શકતો નહિ. નવી ઇન્ડો-આર્યન ભાષાઓના પ્રારંભિક તબક્કાનો આ એકમાત્ર સુલભ દસ્તાવેજી પુરાવો હોઈ આ ગીતો બહુધા ભાષાકીય મહત્વ ધરાવે છે. અલબત્ત, કેટલાંક ગીતો સાહિત્યિક ગુણવત્તાવાળાં પણ છે.

ચર્યાપદ (મૈથિલી) (અથવા સિદ્ધોએ રચેલ ચર્યાપદવિનિશ્ચય) : મૈથિલી ભાષાની સૌથી પ્રાચીન સાહિત્યરચના. આઠમીથી અગિયારમી સદી દરમિયાન રચાયેલી આ કૃતિઓની હસ્તપ્રત 1907માં નેપાળમાંથી હરપ્રસાદ શાસ્ત્રીને મળી હોવાનું મનાય છે. તેમાંનાં વિચારો, લાગણીઓ, ભાષા, વ્યાકરણ, શબ્દપ્રયોગો વગેરેના આધારે તે મૈથિલી ભાષામાં રચાયેલી કૃતિ જણાય છે. તત્કાલીન સમયના સામાજિક, સાંસ્કૃતિક તથા રાજકીય જીવનનો તેમાં વાસ્તવિક ચિતાર છે. ખેતીના વ્યવસાય ઉપર તથા વિશેષ કરીને કુટુંબપ્રથા તથા લગ્નપ્રથાના મહત્વ વિશે આ રચનાઓમાં ભાર મુકાયો છે. અનેક મધુર પદોમાં શૃંગારિક ભાવનું પણ નિરૂપણ છે. એમાંની સંગીતમય અને પ્રતીકાત્મક ભાષા ‘સાંધ્યભાષા’ તરીકે ઓળખાય છે અને આજના વાચક માટે તે સમજવી અઘરી છે.

મહેશ ચોકસી