ચરણદાસ (જ. 1703, ડેહરા, રાજસ્થાન; અ. 1782) : વૈષ્ણવ સંત કવિ. નામ રણજિતસિંહ. તે વૈશ્ય હતા. કેટલાક તેમને બ્રાહ્મણ કહે છે. નાનપણથી જ તેમનામાં વૈરાગ્યવૃત્તિ હતી. 19 વર્ષની યુવાવસ્થામાં તેમણે શુકદેવ ગુરુ પાસેથી શબ્દમાર્ગની દીક્ષા લીધી. શુકદેવ ગુરુ ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર પાસેના હતા. દીક્ષા પછી રણજિતસિંહનું નામ ચરણદાસ રખાયું. ચરણદાસની સાધનામાં જ્ઞાનપૂર્વકનું નામસ્મરણ, ભજન, ધ્યાન એ બધાંનો સમાવેશ થતો. દીક્ષા પછી 12 વર્ષ તેમણે તપસ્યામાં ગાળ્યાં અને પછી ભારતભ્રમણ કરી જ્ઞાન-કર્મ-ભક્તિના સમન્વયવાદનો પ્રચાર કર્યો અને અજપાજપમાં સાધનાની પરિણતિ ઉપદેશી. એમણે રચેલાં પદો અને ગ્રંથો ઉપરથી આ માહિતી મળે છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં અનેક સ્થળે તેમના સંપ્રદાયના મઠ છે. દિલ્હીમાં તેમનું મુખ્ય સ્થાનક છે. 79 વર્ષની વયે તેમનું અવસાન થયું. દિલ્હીમાં તેમની સમાધિ છે.

ચરણદાસ ઉચ્ચ કોટિના ભક્ત કવિ હતા. તેમની રચનાઓમાં ‘અષ્ટાંગયોગવર્ણન’, ‘ભક્તિપદાર્થવર્ણન’, ‘બ્રહ્મજ્ઞાનસાગર’, ‘ધર્મજહાજ-વર્ણન’, ‘વ્રજચરિત્ર’, ‘જ્ઞાનસ્વરોદય’, ‘ભક્તિસાગર’ વગેરે પ્રસિદ્ધ છે.

તેમના મુખ્ય 52 શિષ્યોમાં 2 સ્ત્રીઓ પણ હતી. આ સંપ્રદાયમાં સંન્યાસી અને ગૃહસ્થ એમ બે પ્રકારના અનુયાયી છે. સંન્યાસી ગોપીચંદનનું ઊર્ધ્વતિલક અને તુલસીમાલા ધારણ કરે છે, પીળા રંગનાં વસ્ત્રો અને ટોપી પહેરે છે તથા ભિક્ષાચર્યાથી નિર્વાહ કરે છે.

નટવરલાલ યાજ્ઞિક