ચણા : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cicer arietinum Linn. (સં. હરિમંથ, ચણક; હિં. ચના, છોલા; બં. ચણક; મ. હરભરા; તા. ક. કડલે; મલ. કટાલા; ફા. નખુદ; અ. હમસ; અં. બૅંગાલ ગ્રામ, હૉર્સ ગ્રામ, ચિક પી ગ્રામ) છે. તે કઠોળ વર્ગનો પાક છે. તેનો છોડ 30–50 સેમી. ઊંચો, ટટ્ટાર કે ફેલાતો, બહુશાખિત અને એકવર્ષાયુ હોય છે. સમગ્ર છોડ ગ્રંથિમય રોમ વડે આચ્છાદિત હોય છે. આ રોમ ઑક્સેલિક ઍસિડ અને મૅલિક ઍસિડ પુષ્કળ પ્રમાણમાં ધરાવતા હોવાથી પર્ણો અને ફળનો સ્વાદ ખાટો હોય છે. પર્ણો અયુગ્મ પીછાકાર (imparipinnate) સંયુક્ત અને ઉપપર્ણીય (stipulate) હોય છે. પર્ણિકાઓ 9–17, નાની, સંમુખ કે એકાંતરિક, ગોળાકાર અને દંતુર હોય છે. પુષ્પનિર્માણ ડિસેમ્બરમાં થાય છે. પુષ્પો સફેદ, ગુલાબી કે જાંબલી રંગનાં અને પતંગિયાકાર (papilionaceous) હોય છે. ફળ શિંબ (legume) પ્રકારનું, લંબચોરસ અને 2–3 સેમી. લાંબું હોય છે તથા એક કે બે બીજ ધરાવે છે. બીજ ચંચુવત્, ગોળ કે અર્ધગોળ, સુંવાળી કે ખબરચડી સપાટીવાળાં, અભ્રૂણપોષી (non-endospermic), કથ્થાઈ, પીળાં કે સફેદ હોય છે.

આકૃતિ : ચણાની ફળ સહિતની શાખા અને બીજ

ઉત્પાદન અને વિસ્તારની ર્દષ્ટિએ દાણાવાળા પાકમાં ભારતમાં ચણાનું ચોથું સ્થાન છે. પૂર્વ પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્ય ભારતનો વિસ્તાર ચણાના વાવેતર માટે અગત્યનો છે. દુનિયાના ચણાના કુલ વિસ્તાર અને ઉત્પાદનમાં ભારતનો ફાળો અનુક્રમે 77 % અને 82 % જેટલો છે.

ઉદભવસ્થાન : ચણાનું વાવેતર 7,000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે અને તેનું વિભિન્નતા(diversity)નું કેન્દ્ર પશ્ચિમ એશિયા ગણાય છે. કૉકેસસ અને હિમાલય વચ્ચેના પ્રદેશમાં તેનું ઉદભવસ્થાન છે. ત્યાંથી તેનો ફેલાવો દક્ષિણ યુરોપ, ઈરાન, ઇજિપ્ત અને ભારતમાં થયેલો છે. ભારતમાં તેનું વાવેતર ઈ. પૂ. 4000 વર્ષ પહેલાંથી થતું હતું. આ પાક મધ્ય અને દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકામાં પ્રચલિત કરવામાં આવ્યો છે.

ચણાના મુખ્ય બે પ્રકાર (જૂથ) છે : દેશી ચણા (ખરબચડાં અને નાનાં બીજ) અને કાબુલી ચણા (ગોળ અને મોટાં બીજ). દેશી ચણાને લઘુબીજમય (microsperma) અને કાબુલી ચણાને બૃહતબીજમય (macrosperma) જૂથમાં મૂકવામાં આવે છે. કાબુલી ચણાનું જૂથ મુખ્યત્વે ભૂમધ્યસમુદ્રી પ્રદેશમાં થાય છે. દેશી ચણાનું જૂથ વિવિધ ભૌગોલિક સ્થિતિમાં થતું હોવા છતાં પશ્ચિમના ભૂમધ્યસમુદ્રી દેશોમાં તેનું વાવેતર અત્યંત અલ્પ પ્રમાણમાં થાય છે.

કોષવિદ્યા : નાનાં બદામી બીજ ધરાવતી દેશી જાતોમાં રંગસૂત્રોની દ્વિગુણિત સંખ્યા 14 અને મોટાં સફેદ બીજ ધરાવતી કાબુલી જાતોમાં 16 હોય છે. વિકૃત દેશી જાતમાં 2n = 16 રંગસૂત્રો પણ જોવા મળે છે. સ્વચતુર્ગુણિત (autotetraploid) જાતમાં 2n = 32 રંગસૂત્રો નોંધાયાં છે. કેટલાક વિજ્ઞાનીઓ ચણાની પ્રજાતિ, Cicerને અપચતુર્ગુણિત (allotetraploid) ગણે છે. ચણામાં પ્રેરિત કુગુણિતતા (aneuploidy) પણ જોવા મળી છે(2n = 17). ‘N68’ નામની કૃષિજાત(cultivar)ના મૂલાગ્રમાં 18, 20 અને 24 રંગસૂત્રો નોંધાયાં છે.

ચણાની જાતો : દેશી ચણાની જાતો કરતાં સુધારેલી કૃષિજાતો ચણા ચાફા અને દાહોદ પીળી વધારે ઉત્પાદન આપે છે. ચણા ચાફા સુકારારોધી જાત છે. પિયત વિસ્તારોમાં ‘BG 270’, ‘BG 268’ અને ‘BG 278’ જાતોનું ઉત્પાદન પણ ઉત્સાહપ્રેરક છે. ‘ICC 4958’ શુષ્કતાસહિષ્ણુ (drought tolerant) જાત છે.

કાબુલી ચણાની ‘ICCV 2’ અને ‘ICC 5’ જાતો ઓછી ઊંચાઈવાળા પ્રદેશોમાં અનુકૂલન સાધી શકે છે. ‘Pant-G-114’માં પ્રોટીન-દ્રવ્ય 23.8–29.2 % અને ‘H-208’ જાતમાં 24.6–29.3 % પ્રાપ્ત થયું છે.

ભારતમાં ઉગાડવામાં આવતી દેશી ચણાની કૃષિજાતોમાં ‘અન્નેગેરી’, ‘અવરોધી’, ‘ભીમા’ (‘2375’), ‘BG 203’, ‘BG 209’, ‘B 108’, ‘BR 77’, ‘BR 78’, ‘ચાફા’, ‘Co 1’, ‘Co 2’ (‘PLS 10’), ‘C 214’, ‘C 235’, ‘દાહોદ પીળી’, ‘G 130’, ‘G 543’, ‘ગૌરવ’ (‘H-75-35’), ‘GJ 1’ (ગ્રીન ગ્રામ), ‘GNG 146’, ‘GL 769’, ‘H 208’, ‘H 355’, ‘હરે ચોલે 1’, ‘IC<C 4’, ‘JG 5’ (ગુલાબી ચણા), ‘JG 62’, ‘JG 221’, ‘JG 315 (‘જવાહર 315’), ‘જ્યોતિ’, ‘K 468’, ‘K 850’, ‘Pant G 110’, ‘Pant G 114’, ‘Phule G-5’, ‘Pusa 209’, ‘Pusa 212’, ‘Pusa 240’, ‘Pusa 244’, ‘Pusa 261’, ‘RS 10’, ‘RS 11’, ‘રાધેય’ અને ‘T 3’નો સમાવેશ થાય છે.

ભારતમાં વવાતી કાબુલી કૃષિજાતોમાં ‘C 104’, ‘K 4’, ‘L 144’, ‘L 550’, ‘ICCC 32’, ‘ગોરા હિસારી’, ‘BG 267’, ‘GNG 149’, ‘Pusa 267’ અને ‘K 5’(ગ્રીન કાબુલી)નો સમાવેશ થાય છે.

ખેતીપદ્ધતિ : ચણાનું વાવેતર સમગ્ર ભારતમાં રવી પાક તરીકે થાય છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ડાંગરનો પાક લીધા પછી ક્યારીની જમીનમાં સંગ્રહ થયેલ ભેજમાં ચણા વાવવામાં આવે છે. ચણાનો પાક પ્રાથમિકપણે ઓછા વરસાદવાળા વિસ્તારમાં થતો હોવા છતાં પિયત વિસ્તારોમાં તેનું ઉત્પાદન દોઢથી બેગણું મળે છે.

આબોહવા : ચણાના પાકને ઠંડું પણ સૂકું હવામાન માફક આવે છે. પુષ્પ કે ફળ બેસવા સમયે કમોસમી વરસાદ નુકસાન કરે છે. સખત ઠંડી અને હિમ પણ આ પાકને નુકસાનકારક નીવડે છે. ભેજવાળું અને વાદળિયું વાતાવરણ પણ ચણાને અનુકૂળ આવતું નથી.

મૃદા (soil) : ચણાના પાકને નિતારવાળી, મધ્યમકાળી કે બેસર ભાઠાની મૃદા વધારે માફક આવે છે. વધુ ક્ષારવાળી કે ઍસિડિક મૃદામાં પાક સારો થતો નથી. હલકી ગોરાડુ મૃદામાં પાક સારો થાય છે. ભારે કાળી મૃદામાં છોડની વાનસ્પતિક વૃદ્ધિ વધારે થતી હોવાથી ઉત્પાદન ઓછું મળે છે.

વાવણી : ઠંડીની શરૂઆત થાય ત્યારે ઑક્ટોબર માસના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બરના બીજા અઠવાડિયા સુધીમાં વાવણી કરવામાં આવે છે. બિનપિયત મૃદામાં ચણાના બીજની વાવણી 10 સેમી. ઊંડાઈએ અને પિયત મૃદામાં 5 સેમી. ઊંડાઈએ થાય છે. વાવેતરની બે હાર વચ્ચે 30 સેમી. અને બે છોડ વચ્ચે 10 સેમી. જેટલું અંતર રાખવામાં આવે છે.

બિયારણનું પ્રમાણ અને માવજત : ચણાના પાકમાં હૅક્ટરે 60 કિગ્રા. બિયારણ પૂરતું છે. બીજને વાવતાં પહેલાં ફૂગનાશક દવાનો પટ આપ્યા પછી વવાય છે; જેથી બીજજન્ય અને જમીનજન્ય રોગોને કેટલેક અંશે નિયંત્રણમાં લઈ શકાય છે.

પિયત : વાવણી વખતે જમીનમાં પૂરતો ભેજ ન હોય તો બીજ ઊગવા માટે હળવું પાણી અપાય છે. બાકીનાં ત્રણ પાણી વાવણી પછી 25, 45 અને 60 દિવસે આપવામાં આવે છે. પિયત આપવાથી બિનપિયત પાક કરતાં ઘણું સારું ઉત્પાદન પ્રાપ્ત થાય છે.

ખાતર : જમીનની ફળદ્રૂપતા વધારવા નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતા બૅક્ટેરિયાનો ખેતરમાં ફેલાવો કરવો જરૂરી છે. હૅક્ટર દીઠ 20–25 ગાડાં છાણિયું ખાતર જમીનમાં ભેળવીને ચણાનું વાવેતર કરવામાં આવે છે. પૂરક ખાતર તરીકે હૅક્ટર દીઠ 20 કિગ્રા. નાઇટ્રોજન અને 40 કિગ્રા. ફૉસ્ફોરિક ઍસિડ વાવણી પહેલાં ભેળવી દેવાય છે.

ચણાના રોગો : ચણાને લગભગ 50 જેટલા રોગજન (pathogen) રોગ ઉત્પન્ન કરે છે. તે પૈકી ગુજરાતમાં ચણાનો સુકારો (wilt), ઍસ્કોકાઇટાનો ઝાળ (blight), અલ્ટરનેરિયાનો ઝાળ, ગેરુ અને થડના કોહવારાનો રોગ નોંધાયેલા છે.

ચણાનો સુકારો : ચણાને સુકારાનો રોગ Fusarium oxysporum, Rhizoctonia bataticola, Macrophomina phaseolina, R. solani, Sclerotium rolfsil, Sclerotinia sclerotiorum અને Operculella padwickit નામની વિવિધ ફૂગ દ્વારા થાય છે. તે પૈકી આ રોગ મુખ્યત્વે F. oxysporum દ્વારા થાય છે. તે દુનિયાભરમાં ચણા ઉગાડતા દરેક પ્રદેશમાં નુકસાન પહોંચાડે છે. તે બીજ અને જમીનજન્ય રોગ છે.

લક્ષણો : પાકની કોઈ પણ અવસ્થામાં રોગ થાય છે. તેમાં નવા ઊગતા છોડ અથવા મોટા છોડ ગોળ કૂંડાળામાં મૃત્યુ પામેલા હોય છે. નવા ઊગતા છોડમાં રોગ ત્રણ અઠવાડિયામાં જોવા મળે છે. નવો આખો કુમળો છોડ (3થી 5 અઠવાડિયામાં) મૃત્યુ પામી જમીન પર લીલો ઢળી પડે છે. થડની જમીનની ઉપર અને નીચેનો 2.5 સેમી. જેટલો ભાગ ચીમળાયેલો હોય છે. આ ચીમળાયેલા ભાગમાં સડો જોવા મળતો નથી.

સુકારાની શરૂઆતમાં પુષ્પ-અવસ્થાના મોટા છોડમાં તેની કૂંપળો અને પર્ણો નમી પડે છે. આ અસર ઉપરના ભાગમાં સૌપ્રથમ જોવા મળે છે. 2થી 3 દિવસમાં તેની અસર આખા છોડ ઉપર થાય છે. નીચેનાં પર્ણો પીળાં થાય છે; જ્યારે ઉપરનાં પર્ણો લીલાં સુકાયેલાં નમી પડેલાં જોવા મળે છે. અંતે, બધાં જ પર્ણો સુકાઈ, પીળાં થઈ ઝાંખાં ભૂખરાં કે ઘાસના રંગનાં થાય છે અને મરણ પામેલા છોડ ઉપર ડાળી સાથે નીચે નમી લટકતા જોવા મળે છે. થડ અને મૂળના રોગગ્રસ્ત ભાગમાં જલવાહક (xylem) અને મજ્જા(pith)ની પેશીઓ ઘેરી ભૂખરી કે કાળી થયેલી હોય છે.

ચણાની કેટલીક જાતોમાં આખો છોડ સુકાતો નથી; પરંતુ ફક્ત થોડી ડાળીઓ જ સુકાય છે. કેટલીક જાતોમાં છોડ સુકાતાં પહેલાં તેનાં પર્ણો સુકાઈ જાય છે.

ગરમ (25° સે.થી વધારે) અને સૂકા વાતાવરણમાં રોગ વધારે તીવ્ર બને છે. પાકની ફેરબદલી ન કરવામાં આવે તો આ રોગથી વધારે નુકસાન થાય છે.

નિયંત્રણનાં પગલાં : (1) થાયરમ, કેપ્ટાન કે કાર્બન્ડેઝિમ જેવી ફૂગનાશક દવાઓનો પટ બીજને આપી વાવણી કરવામાં આવે છે. (3 ગ્રા. દવા/એક કિગ્રા. બીજ). (2) સમયસર એટલે કે ઑક્ટોબર–નવેમ્બર માસમાં વાવણી કરવામાં આવે છે. (3) ‘GG 588’ અને ‘GG 609’ રોગપ્રતિકારક જાતોનું વાવેતર લાભદાયી છે. ‘GL 782’, ‘GL 783’, ‘GL 734’, ‘GG 589’ અને ‘ICC 4969’ મધ્યમ રોગપ્રતિકારક જાતો છે. ‘ICCL 81001’, ‘ICCL 81002’ અને ‘ICCL 81004’ કાબુલી ચણાની રોગપ્રતિકારક જાતો છે. ‘G 24’, ‘C 214’, ‘H 355’, ‘G 543’, ‘Pant G 114’, ‘JG 315’, ‘Pusa 212’, ‘ICCC 32’, ‘Phule G5’, ‘અવરોધી’ વગેરે પણ સુકારારોધી જાતો છે. (4) પાકની ફેરબદલી કરવામાં આવે છે.

ઍસ્કોકાઇટાનો ઝાળનો રોગ Ascochyta rabiei દ્વારા, અલ્ટરનેરિયાનો ઝાળનો રોગ Alternaria alternata દ્વારા, ભૂકી છારાનો રોગ Leveillula taurica અને Oidiopsis taurica દ્વારા, થડનો કોહવારો Sclerotinia sclerotiorum દ્વારા અને ગેરુ Uromyces ciceris-arietini દ્વારા થાય છે; પરંતુ ગુજરાતમાં તે ખાસ નુકસાન કરતા નથી.

જીવાત : ચણાના પાકને વધારે નુકસાન કરતા કીટકોમાં છોડ કાપી નાખતી ઇયળો (છેદક ઇયળ = cutworms) અને પોપટા કોરી ખાતી ઇયળો(શિંબવેધક = pod borer)નો સમાવેશ થાય છે.

Agrotis ipsilon, Euxoa spinifera અને Mythimna seperata છેદક ઇયળો છે. તેઓ બીજાંકુરની સક્રિય અવસ્થા ઉપર આક્રમણ કરી પાકનો નાશ કરે છે. તેના નિયંત્રણ માટે વાવણી પૂર્વે મૃદાને ઍલ્ડ્રિન (5 %), BHC (10 %) કે સેવિડોલ (4 %), પાઉડર 25 કિગ્રા./હૅક્ટરની સારવાર આપવામાં આવે છે. ઊંડી ખેડથી સુષુપ્ત કોશિત બહાર આવે છે. વાવણી પૂર્વે સારવાર ન આપી હોય તો મૃદાને ઍલ્ડ્રિન, લિન્ડેન કે મિથાઇલ પેરાથિયોન આપવામાં આવે છે અથવા કીટનાશકોનો છંટકાવ કરવામાં આવે છે.

Helicoverpa armigera અને Heliothis armigera શિંબવેધક ઇયળો છે. તેઓ પુષ્પ અને ફળનિર્માણ સમયે આક્રમણ કરે છે. કાર્બેરિલ (4 %) કે BHC (10 %) કે મેલાથિયોન (5 %) કે એન્ડોસલ્ફાન કે ક્વિનલ્ફોસના છંટકાવથી જીવાત નિયંત્રણમાં આવે છે.

લણણી : ચણાની જાત ઉપર આધાર રાખીને 90થી 170 દિવસમાં પાક પરિપક્વ બને છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં તે 150થી વધારે દિવસોમાં અને દક્ષિણમાં 120 કે તેથી ઓછા દિવસોમાં પાકે છે. મોટા ભાગનાં પર્ણો અને પોપટા બદામી રંગનાં બને ત્યારે લણણી કરવામાં આવે છે. પાક કાં તો મૂળ સહિત ખેંચી લેવામાં આવે છે અથવા ઘણી વાર મૂળ જમીનમાં રહે તે રીતે દાતરડા વડે કાપવામાં આવે છે; જેથી જમીનની ફળદ્રૂપતામાં વધારો થાય. લણેલા છોડ ખળામાં એકઠા કરી તેમને અઠવાડિયા સુધી સૂકવી બળદોના પગ તળે કચડવામાં અથવા લાકડી વડે ધોકાવામાં આવે છે. કેટલાંક રાજ્યોમાં નિસ્તુષિત્ર(thresher)નો ઉપયોગ પણ કરવામાં આવે છે. પવન દ્વારા ફોતરાં છૂટાં પાડી અને ચાળીને બીજ મેળવવામાં આવે છે.

ઉત્પાદન : બિનપિયત પાકમાં હૅક્ટરે 1000–1200 કિગ્રા. અને પિયત પાકમાં 1800–2000 કિગ્રા. જેટલું ઉત્પાદન મળે છે. અનુકૂળ પરિસ્થિતિઓમાં હૅક્ટરે 3000 કિગ્રા. જેટલું ઉત્પાદન થાય છે. લાંબા ગાળાની કૃષિ જાતો સૌથી ભારે બીજ ઉત્પન્ન કરે છે. તેમનું ઉત્પાદન 4000 કિગ્રા./હે.થી પણ કેટલીક વાર વધી જાય છે.

રાસાયણિક બંધારણ અને ઉપયોગ : ચણાનાં વિવિધ સ્વરૂપોનું રાસાયણિક બંધારણ સારણી-1માં આપવામાં આવ્યું છે.

સારણી 1 : ચણાનું રાસાયણિક બંધારણ (100 ગ્રા. ખાદ્ય ભાગનું)

રાસાયણિક

બંધારણ

ચણા

(આખા)

ચણા

(દાળ)

ચણા

(ભૂંજેલા)

પર્ણો
પાણી, ગ્રા. 9.8 9.0 10.7 73.4
પ્રોટીન, ગ્રા. 17.1 20.8 22.5 7.0
લિપિડ, ગ્રા. 5.3 5.6 5.2 1.4
કાર્બોદિત, ગ્રા. 60.9 59.8 58.1 14.1
રેસો, ગ્રા. 3.9 1.2 1.0 2.0
ખનિજ, ગ્રા., દ્રવ્ય 3.0 2.7 2.5 2.1
ઊર્જા, કિ. કૅલરી 360 372 369 97
કૅલ્શિયમ, મિગ્રા. 202 56.0 58.0 340.0
ફૉસ્ફરસ, મિગ્રા.

(ફાઇટિન, P)

312

(158)

331

(133)

340

(159)

120

લોહ, મિગ્રા. 10.2 9.1 9.5 23.8
મૅગ્નેશિયમ, મિગ્રા. 168 138
સોડિયમ, મિગ્રા. 37.3 73.2
પોટૅશિયમ, મિગ્રા. 808 720
કૉપર, મિગ્રા. 0.76 0.98
સલ્ફર, મિગ્રા. 179 160
ક્લોરિન, મિગ્રા. 58 39
થાયેમિન, મિગ્રા. 0.30 0.48 0.20 0.09
રાઇબૉફ્લેવિન, મિગ્રા. 0.15 0.18 0.10
નાયેસિન, મિગ્રા. 2.9 2.4 1.3 0.6
વિટામિન ‘સી’, મિગ્રા. 3.0 1.0 0 61.0
ઑક્સેલિક ઍસિડ, મિગ્રા. 2.0 5.0 3.0
કૉલાઇન, મિગ્રા. 194
ફૅરોટિન, માઇક્રો ગ્રા. 189 129 113 978
કુલ ફૉલિક ઍસિડ, મિગ્રા. 186 147.5 139

ચણાનો આહાર તરીકે ઉપયોગ થાય છે. તે પશુઓ માટે પણ અગત્યનો આહાર છે. ચણાની દાળ અને તેના લોટ(બેસન)માંથી વિવિધ વાનગીઓ બનાવાય છે.

ચણામાં કેટલાંક પોષણરોધી (antinutritional) ઘટકો પણ આવેલાં હોય છે. આ ઘટકોની સક્રિયતા ગરમી આપવાથી અથવા આથવણ કે અંકુરણ દ્વારા ઘટે છે અથવા નાશ પામે છે. તેઓ મુખ્યત્વે કાર્બોદિતો છે અને પાચનક્રિયાને વિલંબમાં નાખે છે અથવા પ્રોટીનનું અપૂર્ણ પાચન કરે છે. આ ઘટકોમાં સ્ટેચિયોઝ અને મેનિનોટ્રાયોઝ છે. આ બંને શર્કરાઓ ચણાના ખોરાક તરીકેના પૂર્ણ ઉપયોગમાં મુખ્ય અવરોધરૂપ છે. આ ઉપરાંત ચણામાં પ્રોટિયેઝ અવરોધકો, વાયુ ઉત્પન્ન કરતી ઑલિગોસૅકેરાઇડો (રૅફિનોઝ, સ્ટૅચિયોઝ અને વર્બેસ્કોઝ), ફિનૉલિક સંયોજનો, ઍમાઇલેઝ અવરોધકો, ફાઇટોહિમેગ્લુટેનિન, સૅપોનિનો અને માયકોટૉક્સિનો છે.

પ્રોટિયેઝ અને ઍમાઇલેઝ અવરોધકો ઉષ્મા-અસ્થાયી (heatlabile) હોય છે. જો કે ઉષ્માચિકિત્સા દ્વારા પ્રોટિયેઝ અવરોધકોનો સંપૂર્ણ નાશ થતો નથી. તેથી આ અવરોધકોની અલ્પ સાંદ્રતા ધરાવતી કૃષિજાતોની પસંદગી કરવામાં આવે છે.

ચણાના બીજમાંથી મેદીય તેલ (4–5 %) મેળવવામાં આવે છે. કાબુલી જાતોમાંથી પ્રાપ્ત કરવામાં આવતું તેલ ઍરેચિડિક ઍસિડ (0.07 %) ધરાવે છે. બંને પ્રકારના તેલમાં સિટોસ્ટૅરોલ હોય છે. કાબુલી તેલ કૅરોટિનૉઇડો અને મેદદ્રાવ્ય વિટામિન ‘A’, ‘D’ અને ‘E’ ધરાવે છે.

અંકુરિત ચણાનો તાજો સમગ્ર બીજાંકુર બાયૉચેનિન A (C16H12O5, ગ.બિં. 212° સે.), બાયૉચેનિન B (C15H12O4, ગ.બિં. 250° સે.) અને બાયૉચેનિન C (C6H13O4N3, ગ.બિં. 310° સે.) ધરાવે છે. કાબુલી ચણામાં દેશી ચણા કરતાં બાયૉચેનિન A અને B પાંચગણું વધારે હોય છે. આ ઘટકોની સાંદ્રતા બીજાંકુરના વિકાસની શરૂઆતના તબક્કાઓમાં મહત્તમ હોય છે અને વૃદ્ધિ થતાં ક્રમશ: ઘટતી જાય છે. અંકુરિત બીજ ફ્લેવોનૉઇડો, ડાઇએડ્ઝીન, ફૉર્મોનોનેટિન, પ્રાટેન્સીન, લિક્વિરિટિજેનિન, આઇસોલિક્વિરિટિજેનિન અને તેના 4’-ગ્લુકોસાઇડ, 4’, 7-ડાઇહાઇડ્રૉક્સિન ફ્લેવેનોલ, ગાર્બેન્ઝોલ, બાયૉચેનિન-7-ગ્લુકોસાઇડ અને p-કાઉમેરિક ઍસિડ તથા α-ગૅલેક્ટોસાઇડેઝ I અને II ધરાવે છે. અંકુરિત બીજ વિટામિન Cનો ઘણો સારો સ્રોત છે અને સ્કર્વીના નિવારણમાં ઉપયોગમાં લેવાય છે.

આઇસોફ્લેવનો, બાયૉચેનિન A અને ફૉર્મોનોનેટિન ઇસ્ટ્રોજનીય હોવાનું જણાયું છે અને અલ્પલિપિડરક્ત (hypolipidemic) ક્રિયાશીલતા દર્શાવે છે. બાયૉચેનિન A ઉષ્મા-અસ્થાયી હોવાથી ઉષ્મા આપતાં તેની ઇસ્ટ્રોજનીય ક્રિયાશીલતા ગુમાવે છે. ચણા શક્તિશાળી અલ્પકૉલેસ્ટૅરોલરક્ત (hypocholesterolemic) પ્રક્રિયક છે. આ ગુણધર્મ અંકુરણ દરમિયાન ઉત્પન્ન થતા આઇસૉફ્લેવોનો અને p-કાઉમેરિક ઍસિડને આભારી છે. ચણાની તાણરોધી (antistress), અતિલિપિડરક્તરોધી (antihyperlipidemic) અને સહિષ્ણુતા-નિર્માણ (stamina building) સક્રિયતા પૅન્ગેમિક ઍસિડ (વિટામિન B15, 91.1–528.6 મિગ્રા./100 ગ્રા.) અને મુક્ત ન્યૂક્લિયોટાઇડ, થિયૉફાયલિન–9–β –D–ગ્લુકોપાયરેનોસિલ–6´–મૉનોફૉસ્ફેટને કારણે હોય છે. બીજમાં સિસરિટોલ (2.8 %), સ્યુડોયુરિડિન, યુરેસિલ–5 –β–D–ફ્રૂક્ટો-ફ્યુરેનોસિલ–1–મૉનોફૉસ્ફેટ, યુરેસિલ–5–β–D–રાઇબૉફ્યુરેનોસિલ–2´, 3´–સાયક્લિક મૉનોફૉસ્ફેટ, પેન્ટોપેનિક ઍસિડ, રાઇબૉફ્લેવિન, વિટામિન B6, β-સિટોસ્ટૅરોલ અને બાષ્પશીલ દ્રવ્યો (0.5 %) હોય છે.

કુમળી કૂંપળો અને પર્ણો શાકભાજી તરીકે વપરાય છે.

ચણા કેટલાક ઔષધીય ગુણધર્મો દર્શાવે છે. તે શીતળ હોય છે. પર્ણો સંકોચક (astringent) હોય છે અને શ્વસનીશોથ-(bronchitis)માં ઉપયોગી છે. ઉકાળેલાં પર્ણો મચકોડ અને સ્થાનભ્રંશ પામેલા (dislocated) અસ્થિઓ ઉપર લગાડવામાં આવે છે. વનસ્પતિના ઍસિડિક સ્રાવનો અપચો, મરડો અને અતિસાર-(diarrhoea)માં ઉપયોગ થાય છે.

બીજ ઉત્તેજક, બલકર, વાજીકર (aphrodisiac) અને કૃમિઘ્ન (athelmintic) હોય છે અને શ્વસનીશોથ, પિત્તદોષ (biliousness), કુષ્ઠરોગ (leprosy) તથા અન્ય ચામડીના રોગોમાં ઉપયોગી છે. ચણાનાં અને બાવચી(Psoralia corylifolia)નાં બીજ તથા લીમડાનાં પર્ણોના ચૂર્ણથી સફેદ ડાઘ (leucoderma) મટે છે. બીજનું તેલ β-સિટોસ્ટૅરોલની હાજરીને લીધે ઇસ્ટ્રોજનીય સક્રિયતા દાખવે છે.

બીજાવરણનો જલીય નિષ્કર્ષ મૂત્રલ (diuretic) ગુણ ધરાવે છે. તે ફૂગરોધી હોય છે અને Helminthosporium sativum, Fusarium oxysporum અને Colletotrichum falcatumના અંકુરણને અવરોધે છે.

ચણાનો ઉપયોગ વજન વધારવામાં, માથાનો દુખાવો, ગળામાં સોજો અને કફમાં થાય છે. બાફેલા ચણા ફેફસાં, ગર્ભાશય અને મળદ્વારના રોગોમાં વપરાય છે. ધતૂરો અને ચણા મિશ્ર કરી સોજામાં અને દાંતના દુ:ખાવામાં ઉપયોગમાં લેવાય છે. ચણાનો લોટ ચહેરો ઊજળો કરવા અને ખોડામાં ઉપયોગી છે.

આયુર્વેદ અનુસાર ચણા વાતલ, શીત, લઘુ, રુક્ષ, તૂરા, વિષ્ટંભકારક, મધુર, રુચિકર, વર્ણકર, બલકર, જ્વરનાશક અને આધ્માનકારક હોય છે. તે રક્તપિત્ત, કફ, રક્તદોષ અને પિત્તનો નાશ કરે છે. શેકેલા ચણા ઉષ્ણ, રુચિકર, રક્તકોપન, લઘુ, બલકર, શુક્લ અને શરીરને તેજ આપનાર હોય છે. તે સ્વેદ, શૈત્ય, આમ, કફ, વાયુ અને ગ્લાનિનો નાશ કરે છે.

ચણાનો ક્ષાર અગ્નિદીપક, રુચ્ય, ખારો, અતિ ખાટો અને દાંત અંબાવનાર હોય છે. તે શૂળ, અર્જીણ અને અગ્નિમાંદ્યનો નાશ કરે છે.

ચણાનો કમળો, મસ્તકવાયુ, સળેખમ, પેટપીડ, કૉલેરા અને બરોળ ઉપર તથા ધાતુપુષ્ટિ માટે તથા પરસેવો બંધ થાય તે માટે ઉપયોગ થાય છે.

બળદેવભાઈ પટેલ

ઝીણાભાઈ શામજીભાઈ કાત્રોડિયા

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ