ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે અથવા તેની આસપાસનો વિસ્તાર ચક્રની માફક ગોળગોળ ફરતો હોય તેવી તેને ભ્રમણા થાય છે. અંધારાં આવવાં, ગોળગોળ ફરતા હોય તેવી રીતે એક બાજુ ઢળી પડવાની સંવેદના થવી, અડબડિયાં આવવાં, હવામાં તરતા હોય કે ચાલતા હોય તેવી ભ્રમણા થવી, માથું ખાલી થઈ ગયેલું લાગવું, મૂર્ચ્છા (syncope) આવવી, જીવ ઊંડો ઊતરતો હોય તેવી લાગણી થવી (fainting) વગેરે વિવિધ પ્રકારની સંવેદનાઓને પણ વ્યક્તિ ચક્કર આવવાં ગણે છે; પરંતુ આ બધા જ પ્રકારની ગોળગોળ ફરવાની ભ્રમણા થતી ન હોય એવી સંવેદનાઓને છદ્મ-ચક્કરભ્રમણા (pseudo-vertigo) અથવા અંધારાં આવવાં (giddiness, dizziness) કહે છે.

ચક્કરભ્રમણા ધરાવતા દર્દીમાં શરીરનું સમતોલન જાળવતી સંરચનાઓમાં કે ચેતાતંત્રમાં વિકાર ઉદભવેલો હોય છે. સંતુલન જાળવતી સંરચના કાનના અંદરના ભાગમાં આવેલી હોય છે. બંને કાનના અંદરના ભાગને અંત:કર્ણ કહે છે. તેમાં વલયનલિકાસમૂહ (labyrinthine) નામનું નાનું ઉપકરણ (સાધન) આવેલું છે. તેની અંદર ત્રણ અપૂર્ણવલયનલિકાઓ (semicircular canals) આવેલી છે. માથાની વાતાવરણમાંની સ્થિતિ બદલાય એમ આ ત્રણ અપૂર્ણવલયનલિકાઓમાંના પ્રવાહીનું સ્થળાંતર થાય છે. આ ઉપરાંત અંત:કર્ણના નિવેશ(vestibule)માં ગુરુપુટિકા (uricle) અને લઘુપુટિકા (saccule) એમ બે પોલાણો આવેલાં છે. ત્રણે અપૂર્ણવલયનલિકાઓ અને બંને પોલાણોમાં સંવેદનાઅંગો આવેલાં છે. આ પાંચે સંવેદના-અંગોમાંના પ્રવાહીનું સ્થળાંતર થાય છે. તેનાથી ઉદભવતી સંવેદનાઓ સમતોલન ચેતા (vestibular nerve) દ્વારા મગજમાં પહોંચે છે. અંત:કર્ણમાં ઉદભવતી સંવેદનાઓ સ્કાર્પા(Scarpa)ના ચેતાકંદુક (ganglion) દ્વારા સમતોલન ચેતામાં પ્રવેશે છે અને ત્યારબાદ તે મસ્તિષ્ક પ્રકાંડ(brain stem)માં પહોંચે છે. સમતોલન ચેતા આઠમી કર્પરી ચેતા(cranial nerve)ના એક ભાગ રૂપે હોય છે. બાહ્યકર્ણમાં ઠંડું અને ગરમ પાણી નાખવામાં આવે તો તેનાથી ઉદભવતી સંવેદનાઓ પણ સમતોલન ચેતા દ્વારા મગજમાં પહોંચે છે. મસ્તિષ્ક પ્રકાંડમાં સમતોલન ચેતાના તંતુઓ વિવિધ ચેતાપથ (nerve tracts) સાથે સંબંધમાં આવે છે. આંખના હલનચલનનું નિયમન કરતા ચેતાકેન્દ્ર સાથેના તેના સંબંધને કારણે નેત્રલોલન (nystagmus) નામનો વિકાર થાય છે, જેમાં આંખો ઘડિયાળના લોલકની માફક આઘી-પાછી ચાલ્યા કરે છે. મસ્તિષ્ક પ્રકાંડમાંથી તે બીજી બાજુના ચેતક(thalamus)માં જાય છે અને છેલ્લે મોટા મગજના બાહ્યક(cortex)માં પ્રવેશે છે. આ ઉપરાંત આ સંવેદનાઓ ઊબકા અને ઊલટીનું તથા લાળ અને પરસેવાનું નિયંત્રણ કરતાં કેન્દ્રોમાં પણ જાય છે. તેને કારણે ઘણી વખતે જેમને ચક્કર આવે તેમની આંખો આઘી-પાછી હાલ્યા કરે, ઊબકા-ઊલટી થાય, મોંમાં પાણી છૂટે, પરસેવો થાય, ફીકાશ આવી જાય વગેરે અન્ય વિકારો પણ થાય છે. દા.ત., દરિયાઈ મુસાફરી વખતે થઈ આવતી બીમારી. ચક્કર આવે ત્યારે વ્યક્તિ ટેકો લીધા વિના ચાલી શકતી નથી.

સમતોલન માટે અંત:કર્ણ ઉપરાંત આંખ તથા હાથપગના સ્નાયુઓ અને સાંધામાંથી ઉદભવતી સંવેદનાઓ પણ અગત્યની છે. સમતોલન જાળવવા માટે કેન્દ્રીય ચેતાતંત્રમાં સમતોલનકેન્દ્ર (vestibular centre), નેત્રચાલક (occulomotor) કેન્દ્રો, નાનું મગજ, ચેતક તથા અન્ય બીજાં ચેતાકેન્દ્રો કાર્યશીલ હોય છે. ઉપર જણાવેલા અવયવો, ચેતાઓ, ચેતાકેન્દ્રો તથા મગજના જે-તે ભાગમાં કોઈ વિકાર કે રોગ થાય તો ચક્કર આવવાની સંવેદના થાય છે.

સારણી 1 : ચક્કરભ્રમણા(vertigo)નાં કેટલાંક મુખ્ય કારણો

અવયવ વિકાર
1. અંત:કર્ણનું સમતોલન ઉપકરણ –  શારીરિક સ્થિતિ(અંગવિન્યાસ,

posture)માં ફેરફાર થવાથી

થતો ચક્કરનો વિકાર

(દા.ત., બેઠા થવું, ઊભા થવું)

–  મિનિએરનો રોગ

–  ઔષધોની વિષતા

–  વલયનલિકાસમૂહ શોથ

(labyrinthitis)

2. સમતોલન ચેતા તથા ચેતાકંદુક

(ganglion)

–  ચેતાવિકાર(neuropathy)

–  હર્પિસ ઝોસ્ટર

–  શ્રવણચેતાની ગાંઠ (શ્રવણચેતાર્બુદ,

acoustic neuroma)

3. મસ્તિષ્ક પ્રકાંડ (brain stem),

નાનું મગજ અને મોટું મગજ

–  પેશીમૃત્યુ (infarct)

–  ગાંઠ

–  વિષાણુજન્ય ચેપ

આંખે અંધારાં આવવાની છદ્મચક્કરસંવેદના અન્ય વિવિધ વિકારોમાં જોવા મળે છે, જેમ કે લોહીમાં ખૂબ ઘટી ગયેલું હીમોગ્લોબિનનું પ્રમાણ અથવા પાંડુતા (anaemia), ખૂબ ખાંસી ચડે અથવા ક્યારેક પેશાબ કર્યા પછી મૂર્ચ્છાની સ્થિતિ થઈ આવે, લોહીના પરિભ્રમણમાં વિકાર ઉદભવ્યો હોય ત્યારે સૂતા હોય તેમાંથી બેઠા થતાં કે ઊભા થતાં અંધારાં આવે, મનોવિકારી ધ્યાનાકર્ષણકારી (hysterical) પ્રકારનાં અંધારાં આવે, વગેરે.

સાચી ચક્કરભ્રમણા હોય તો પરસેવો, લાળ પડવી, ઊબકા, ઊલટી, નેત્રલોલન, ક્યારેક જીભ થોથવાવી, કાનમાં ઘંટડીઓ વાગવી કે બહેરાશ આવવી વગેરે બને છે. આ પ્રકારના આનુષંગિક વિકારો છદ્મચક્કરભ્રમણાના દર્દીને થતા નથી, પરંતુ ઊઠતાં-બેસતાં તેમના નાડીના ધબકારા કે લોહીના દબાણમાં ફેરફારો થતા જોવા મળે છે. આ પ્રકારના ફેરફારો મનોવિકારી પ્રકારનાં અંધારાં આવવાના વિકારમાં થતા નથી.

મિનિએર(Meniere)નો રોગ : વારંવાર ચક્કર આવવાં, કાનમાં ઘંટડી વાગવી તથા ક્રમશ: વધતી જતી બહેરાશના લક્ષણ-સમૂહને મિનિએરનો રોગ કહે છે. તેની શરૂઆત જીવનના પાંચમા દાયકામાં થાય છે. ક્યારેક તે યુવાનોમાં પણ થાય છે. અંત:કર્ણમાં આવેલા સમતોલન અને સાંભળવાની ક્રિયાની સંવેદના ઝીલતા કેશકોષો(hair cells)માં અપક્ષીણતા (degeneration) આવે છે અને તેથી અંત:કર્ણના પ્રવાહી ભરેલા પોલાણમાંનું અંત:લસિકાકીય તંત્ર (endolymphatic system) પહોળું થાય છે. આ પ્રકારની વિકૃતિને કારણે આ રોગ થાય છે, એવું માનવામાં આવે છે. અંત:કર્ણના અન્ય વિકારોથી આ રોગને અલગ પાડવામાં આવે છે, જેમ કે બૅરૅની(Barany)ની સ્થિતિજન્ય અથવા અંગવિન્યાસી (postural) ચક્રભ્રમણા, દારૂ, ક્વિનીન, સ્ટ્રેપ્ટોમાયસિન, જેન્ટામાયસિન વગેરે ઔષધોથી થતો વિષજન્ય અસમતોલનનો વિકાર, સમતોલન ચેતાના વિકારો વગેરે.

નિદાન અને સારવાર : કાન તથા ચેતાતંત્રની શારીરિક તપાસ, કાનમાં ગરમ અને ઠંડા પાણીની પિચકારી મારવાની કસોટી (caloric test), જુદી જુદી સ્થિતિમાં લોહીનું દબાણ કેટલું છે તેની નોંધ, ખોપરી તથા ડોકના મણકાનાં એક્સ-રે ચિત્રણ, શ્રવણક્ષમતામાપન (audiometry) તથા જરૂર પડ્યે મગજનું સીએટી સ્કૅન કે એમ.આર.આઇ. ચિત્રણ વગેરે કરવામાં આવે છે. જરૂર પડ્યે પથારીમાં આરામ તથા મેક્લેઝિન અને ડાયમેન્હાડ્રિનેટ જેવાં ઔષધો તથા ઊલટીનું શમન કરતી દવાઓ અપાય છે. આ ઉપરાંત મિનિએરના રોગમાં ક્યારેક ખોરાકમાં મીઠું ઘટાડવાનું સૂચવાય છે. તેમાં આવતી બહેરાશ ધીમે ધીમે વધે છે અને કોઈ એક કાન પૂરતી સીમિત હોય છે. જ્યારે પૂરેપૂરી બહેરાશ આવે ત્યારે ચક્કર બંધ થઈ જાય છે. તેથી ક્યારેક શસ્ત્રક્રિયા કરીને બહેરાશ લાવવાનું સૂચવાય છે.

શિલીન નં. શુક્લ