ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં ગુજરાતના કલાગુરુ રવિશંકરની ચિત્રશાળામાં પ્રવેશ મેળવ્યો. ગુલઝારીલાલ નંદા અને શંકરલાલ બકરની માગણીથી લખનૌના કૉંગ્રેસ અધિવેશનમાં ત્રણ મહિના ચિત્રકાર તરીકે સેવાઓ આપી. ત્યાં કલાગુરુ નંદલાલ બોઝનો પરિચય થયો.

બંસીલાલ જી. વર્મા ‘ચકોર’

ગુજરાતમાં દારૂનિષેધ માટે બે વર્ષ સુધી પ્રચારકાર્યનાં ચિત્રો તૈયાર કર્યાં. 1937માં કકલભાઈ કોઠારીના ‘નવસૌરાષ્ટ્ર’માં જોડાઈ ગુજરાતમાં કટાક્ષચિત્રકળાનો પ્રારંભ કર્યો. ત્યારપછી બે વર્ષના સમયગાળામાં ‘રવિશંકર રાવળ સંસાર ચિત્રાવલી’માં સમાજસુધારાને લગતાં ચિત્રો દોર્યાં. 1939માં ‘પ્રજાબંધુ’માં ખંડ સમયની નોકરી સ્વીકારી. ‘સંદેશ’, ‘ગુજરાતી પંચ’, ‘રેખા’, ‘ગતિ’ વગેરેમાં કટાક્ષચિત્રો આપવાનું શરૂ કર્યું. બારડોલીની કૉંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજી, કસ્તૂરબા અને અન્ય નેતાઓનાં રેખાચિત્રો (sketches) કરેલાં.

‘કુમાર’માં પ્રસિદ્ધ થતા સચિત્ર પરિચયલેખોમાં રેખાચિત્રો તેમણે દોરેલાં. આઝાદીની લડતમાં બૅનર્સ, કાર્ટૂન્સ, પોસ્ટર્સ વગેરે તૈયાર કરી સક્રિય ફાળો આપ્યો. 1948માં મુંબઈ ગયા. સરદાર પટેલના પુત્ર ડાહ્યાભાઈ પટેલે મુંબઈથી ‘હિન્દુસ્તાન’ અને ‘Bharat’ એમ બે દૈનિકો શરૂ કર્યાં હતાં તેમાં જોડાયા.

સરદારના અવસાન સાથે ‘હિન્દુસ્તાન’ બંધ પડતાં ચકોર અમદાવાદ આવી ‘જનસત્તા’માં જોડાયા. એક વર્ષ પછી મુંબઈના મરાઠી અખબાર ‘લોકમાન્ય’માં જોડાયા. ત્યારપછી ‘ફ્રી પ્રેસ જર્નલ’નાં અંગ્રેજી, મરાઠી અને ગુજરાતી ત્રણેય પત્રોમાં કાર્ટૂનો દોરવાનું સ્વીકાર્યું. કટોકટી આવે તે પહેલાં જ તેમને નોકરી છોડવી પડેલી..

અર્ધી સદી ઉપરાંતની ચકોરની કલાસાધના અનેક પ્રકારે સ્વીકૃતિ અને સન્માન પામી છે. છેક 1940માં દોરેલું ‘એક ઝૂંપડીની લક્ષ્મી’ ચિત્ર જેમ્સ કઝિન્સે ખરીદેલું તે હાલ મૈસૂર આર્ટ ગૅલરીમાં સચવાયું છે. ‘અનંતમાં એક રાગ’ ચિત્રને 1941માં બૉમ્બે આર્ટ સોસાયટી તરફથી ચંદ્રક એનાયત થયેલો. 1955માં ‘જન્મભૂમિ’ની રજતજયંતી પ્રસંગે આવેલા પંડિત જવાહરલાલને ચકોરે દોરેલું રાજાજીનું વ્યંગચિત્ર સર્વોત્તમ જણાયેલું.

1967માં ‘ડ્રૅગન કમ્સ ટુ યુનો’ કટાક્ષચિત્રને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મૉન્ટ્રિયલ ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. ઉપરાંત ગુજરાત લલિતકલા એકૅડેમી ઍવૉર્ડ’; મુંબઈના પરિચય ટ્રસ્ટ તરફથી ઍવૉર્ડ; વડોદરાનો ત્રિવેણી ઍવૉર્ડ; કમળાશંકર પંડ્યા ઍવૉર્ડ અને સંસ્કાર ઍવૉર્ડ; સંસ્કાર પારિતોષિક; વડનગર નાગરિક ઍવૉર્ડ; આણંદ ઍવૉર્ડ, સૂરત લાયન્સ સન્માન શીલ્ડ, દિલ્હીની ફાઇન આર્ટ્સ અને કૅફટ્સ સોસાયટી ઍવૉર્ડ ઇત્યાદિ અનેક પુરસ્કારો મળ્યા હતા. મહેસાણા, નવસારી, સૂરત, પાનસર, વડનગર, મોરબી, અમલસાડ અને અમદાવાદ જેવાં શહેરોમાં એમનું બહુમાન થયેલું. અમદાવાદ જિલ્લા બાળસંરક્ષણ મંડળ તરફથી સંસ્મૃતિ પુરસ્કાર અપાયેલો. છેલ્લે ગુજરાત સરકાર તરફથી ર. મ. રાવળ ઍવૉર્ડ સાથે રૂપિયા એક લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

1978માં ‘સંદેશ’ના તંત્રી ચીમનભાઈ પટેલના આમંત્રણથી ફરી તેમના અખબારમાં જોડાયા અને અવસાન પર્યંત સેવા આપી.

ચકોરે 55,000 કટાક્ષચિત્રો ઉપરાંત પટચિત્રો, માંગલિક ચિત્રો, જૅકેટ ચિત્રો, ડિસ્પ્લે ચાર્ટ, પોસ્ટર્સ, વ્યંગચિત્રો વગેરે મોટી સંખ્યામાં તૈયાર કરેલાં. ગુજરાત અને મહારાષ્ટ્રમાં એમનાં ચિત્રોનાં અનેક પ્રદર્શનો ભરાયેલાં અને ચિત્રવિનોદના સોથી વધુ જાહેર કાર્યક્રમો એમણે આપેલા. ગાંધીશતાબ્દી નિમિત્તે વિદ્યાપીઠ તરફથી ગાંધીજીનાં દશ ચિત્રો બનાવ્યાં હતાં.

‘ભારતમાં અંગ્રેજી અમલ’ (અંગ્રેજી, ગુજરાતી, હિંદી), ‘વામનમાંથી વિરાટ’ (લાલબહાદુર શાસ્ત્રીનું સંપૂર્ણ જીવન) એ ચકોરનાં પ્રકાશનો છે. ખાદી અને ગ્રામોદ્યોગ તથા બાળકો માટેની અનેક ચિત્રપોથીઓ પણ એમણે તૈયાર કરેલી છે.

ચિત્ર ઉપરાંત કવિતા અને વાર્તાઓ પણ એમણે લખેલી છે. નાટ્યપ્રવૃત્તિ પણ એમનો વિશેષ શોખ હોવાથી અમદાવાદના ‘રંગમંડળ’માં દસેક વર્ષ સુધી અવૈતનિક સેવાઓ આપેલી. ‘નાટ્યમંડળ’ અને ‘રૂપકસંઘ’ જેવી સંસ્થાઓને પણ ચકોરનો લાભ મળેલો. ‘મોંઘેરા મહેમાનો’, ‘સાથે શું બાંધી જવાના’ વગેરે નાટકોમાં પણ કામ કરેલું. મુંબઈની રંગભૂમિ, આઇ.એન.ટી. અને ભવન્સની નાટ્યસંસ્થાઓને અવૈતનિક સેવાઓ આપેલી. ‘ભારેલો અગ્નિ’, ‘લગ્નોત્સવ’ ઇત્યાદિ નાટકોમાં દિગ્દર્શન સાથે અભિનય પણ કરેલો.

નાટકોના પ્રત્યક્ષ અનુભવને કારણે વ્યંગચિત્રોમાં ભાવનિરૂપણની કલા સિદ્ધહસ્ત થયેલી હોવાથી એમનાં ચિત્રો જીવંત લાગે છે.

ફિલ્મક્ષેત્રે ‘કહ્યાગરો કંથ’, ‘મનુની માસી’ અને ‘મારી હેલ ઉતારો રાજ’ એ ત્રણમાં ચકોરે કલાદિગ્દર્શન કરેલું અને જીવંત વ્યંગ્ય ફિલ્મ ‘ચાચાજી કા મુન્ના’માં લક્ષ્મણભાઈ વર્માને સંપૂર્ણ સહાય કરેલી.

રમણિકભાઈ જાની