ચંદ્રપૂજા : આકાશી ગ્રહ ચંદ્રને પૂજવાની વેદકાળથી પ્રચલિત પરંપરા. ‘ચંદ્ર’ શબ્દ સામાન્ય રીતે કોઈ પણ ઉપગ્રહ માટે વપરાતો હોવા છતાં તે પૃથ્વીના ઉપગ્રહ માટે વિશેષ જાણીતો છે. moon (અંગ્રેજી), luna (લૅટિન), mond (જર્મન), चन्द्रमा: (સંસ્કૃત) વગેરે શબ્દો ‘પ્રકાશવું, માપવું’ અર્થચ્છાયા ધરાવે છે. ‘અમરકોષ’માં મળતા પર્યાયો શીતલતા, આહ્લાદકતા, અમૃત સમ પોષકતા, ઔષધિ અને નક્ષત્રોનું સ્વામિત્વ, કાલમાન, જીવનદાતૃત્વ આદિના દ્યોતક છે. મૃગાંક અને શશાંક જેવાં નામ તેનામાં રહેલી કાલિમાનાં સૂચક છે.

પૃથ્વીની આજુબાજુ ચંદ્રનું પરિભ્રમણ અને સૂર્યથી પ્રકાશિત ભાગનું પૃથ્વી ઉપરથી દર્શન, તેનું નિત્ય નવીન સ્વરૂપ, અમાસ પછી પ્રતિપદાએ પુનર્જીવન આદિ ખગોલીય ઘટનાએ તેને ‘દ્વિજ’ બનાવ્યો છે.

ચંદ્ર એક ગ્રહ તરીકે સૂર્યાદિ ગ્રહો સાથે દેવત્વ પામેલ છે. વેદકાળથી ચંદ્ર અને મનનો સંબંધ સ્વીકારાયો છે. પ્રસિદ્ધ પુરુષસૂક્તમાં ચંદ્રની ઉત્પત્તિ વિરાટ પુરુષના મનમાંથી બતાવાઈ છે. ઐતરેયોપનિષદે હૃદયમાંથી મન અને મનમાંથી ચંદ્રમાની ઉત્પત્તિ બતાવી છે. ચંદ્રને મન બની હૃદયમાં પ્રવેશેલો પણ કહેલો છે. બૃહદારણ્યકોપનિષદમાં યાજ્ઞવલ્ક્ય ગાર્ગીને આદિત્ય, ચંદ્ર અને નક્ષત્રલોક ઓતપ્રોત હોવાનું જણાવે છે. જ્યોતિષશાસ્ત્ર સૂર્યને પિતા (પુરુષ) અને ચંદ્રને માતા (સ્ત્રી) તરીકે સ્વીકારે છે. ગુરુના સંયોગે ચંદ્ર જીવનદાતા – જૈવાતૃક છે. ઔષધિઓ ચંદ્રથી પુષ્ટ થાય છે. તેથી તે ઔષધિપતિ કહેવાય છે. ચંદ્રમંડળ ધૂમમાર્ગ, પિતૃયાન કે દક્ષિણાયન સાથે સંકળાયેલું છે. પિતૃલોકથી આગળ અર્ચિરાદિ, દેવયાન કે ઉત્તરાયણનો માર્ગ વેદ-ઉપનિષદો, ધર્મશાસ્ત્ર અને ગીતા સ્વીકારે છે.

અત્રિ ઋષિના તપના પરિપાક રૂપે તે નેત્રજળમાંથી કે સાગરમંથન પ્રસંગે સાગરમાંથી ઉત્પન્ન થયો હોવાનું પુરાણો જણાવે છે. ચંદ્રમા શુદ્ધ મનના પ્રતીકરૂપે છે. તેને ધારણ કરી શિવ ચંદ્રશેખર થયા. ચંદ્રને સૂર્ય અને ભદ્રાનો પુત્ર પણ કહ્યો છે.

શરદઋતુના આહલાદક, તેજસ્વી અને નિર્મળ ચંદ્રનાં કિરણો ઋતુજન્ય પિત્તપ્રકોપને શાંત કરે છે. ભાગવતનો રાસોત્સવ, કૌમુદીજાગરણ, કાર્તિક પ્રતિપદાની ચંદ્રપૂજા, કાર્તિકી પૂનમનો કૌમુદી મહોત્સવ સાહિત્ય અને પુરાણોમાં વ્રત અને ઉત્સવ માટે આકર્ષક બન્યાં છે. દાંપત્યજીવનમાં પતિપ્રેમના ચિરંતન સુખ માટે અષ્ટમી ચંદ્રનું સ્પૃહણીય વ્રત કાલિદાસની ઔશીનરીનું પ્રિયાનુપ્રસાદન વ્રત, રોહિણી શયનવ્રતમાં ચંદ્રરોહિણી મિથુનનું પૂજન, ચંદ્રની વિષ્ણુરૂપે પૂજા, અષ્ટમીનાં વ્રતોમાં હરિ અને હરનું પૂજન, સોમવતી અમાસ, સોમપ્રદોષ વગેરેમાં શિવ સાથેનો સંબંધ, વિષ્ણુ અને શિવ સાથે ચંદ્રનું તદ્રૂપત્વ દર્શાવે છે. ભાદ્રપદની શુક્લ ચતુર્થીએ મિથ્યાભિદૂષણના નિમિત્તરૂપે ચંદ્રદર્શન, સ્યમન્તકમણિ પ્રસંગ કે ચંદ્રલોકમાં પસાર થતાં મૂષકવાહન ઉપરથી ગણપતિના પડી જવાની કથા વગેરે ગણપતિપ્રસાદન માટેનાં ચતુર્થીનાં વ્રતો સાથે સંકળાયેલ છે. અમૃતપાન પ્રસંગે રાહુને બતાવવાથી રાહુ સાથે શત્રુત્વ, અશોકપૂર્ણિમાએ ચંદ્રને અર્ઘ્ય, ઇન્દુવ્રતમાં ચંદ્રપૂજન અને ગૃહસ્થદંપતીનો સત્કાર, ચંદ્રસંબંધી વ્રતો કે ચાંદ્રાયણ જેવાં વ્રતો મનની ચંચળતા અને તજ્જન્ય દોષમુક્તિવિષયક જણાય છે. ચંદ્રનું ગ્રહ તરીકે ઘાતકત્વ, યાત્રા અને યુદ્ધ માટે પ્રતિકૂળતા, ભાવ, રાશિ, યુતિ, પ્રતિયુતિ કે ચંદ્રના યુતિદોષ અને ર્દષ્ટિદોષના નિવારણ માટે ગ્રહયાગ, પલાશની સમિધનો હોમ, ઉશીર, શિરીષ, કુંકુમ, રતાંજલિયુક્ત જળથી સ્નાન, વંશપાત્રમાં તંડૂલ, કપૂર આદિનાં દાન પ્રશસ્ય ગણાયાં છે.

ચંદ્ર દ્વારા ગુરુપત્ની તારાના હરણને પરિણામે તારકામય યુદ્ધ, બુધનો જન્મ અને ચંદ્રવંશનો તેનાથી આરંભ થયેલો ગણાય છે. માનવમનની ચંચળતા અને ખગોલીય ઘટના ચંદ્રને કારણે થાય છે. દક્ષની 27 પુત્રીઓ સાથે લગ્ન, રોહિણી પ્રતિ અધિક પ્રેમ, દક્ષના શાપના પરિણામે પ્રભાસમાં તપ, સોમવલ્લી માટે ‘સોમ’નો પ્રયોગ, ક્ષયની ચિકિત્સા અને તિથિના ક્રમે કલાની વધઘટના સૂચક છે. તેણે તપથી ગ્રહાધિપત્ય મેળવ્યું. ઉમા-શંકરની આરાધનાથી સોમ બન્યો. અર્જુનના પુત્ર અભિમન્યુ તરીકે જન્મ્યો. ચંદ્ર-બુધ-પુરુરવાના ક્રમે પ્રવર્તેલા વંશના રાજવીઓનાં મનશ્ર્ચાંચલ્ય, વિલાસપ્રિયતા અને સૌંદર્યપિપાસા તેમના ચંદ્ર સાથેના સંબંધનાં દ્યોતક છે. વેદકાળથી અદ્યાપિ ચંદ્રપૂજા ભારતના દરેક ખૂણે પ્રચલિત છે.

દશરથલાલ ગૌરીશંંકર વેદિયા