ચંદરયા, મણિલાલ પ્રેમચંદ

January, 2024

ચંદરયા, મણિલાલ પ્રેમચંદ (. 1 માર્ચ, 1929 જ. નૈરોબી-) : ભારતીય મૂળના કેન્યાના ઉદ્યોગપતિ અને આફ્રિકન વ્યાપાર જગતના રાજા.

તેમના પિતા સૌરાષ્ટ્રના વતની હતા, પરંતુ વેપાર માટે નૈરોબી ગયા. ત્યાં પ્રોવિઝન્સની દુકાન કરી પછી કેન્યા ગયા. તેમણે નાગરામાં પ્રોવિઝન્સ સ્ટોરની સ્થાપના કરી પછી મોમ્બાસામાં તેનો વિસ્તાર કર્યો.

મણિલાલે નૈરોબી અને મુંબઈની શાળામાં અભ્યાસ કર્યો. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવ્યા. 1949માં મુંબઈની જામનગર ઇન્ડિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ યુ.એસ.ના ઓક્લાહોમા ગયા. તેઓ 1950માં એન્જિનિયરિંગમાં સ્નાતક થયા અને 1951માં ઓક્લાહોમા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થયા.

1950માં પરિવારે સ્ટીલ અને ઍલ્યુમિનિયમનું ઉત્પાદન શરૂ કર્યું જે 10 વર્ષમાં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ફેલાયું. મોમ્બાસામાં ઓજારો, રસોડાનાં વાસણો અને દંતવલ્ક વસ્તુઓનું ઉત્પાદન શરૂ કર્યું. તેમને કેન્યા અને ટાન્ઝાનિયાના ઉત્પાદનોના માર્કેટિંગની દેખરેખ રાખવાનું કામ સોંપાયું. પછી તેઓ યુગાન્ડા અને કોંગો પણ ગયા.

આજે તેઓ 40 દેશોમાં ઍલ્યુમિનિયમ, કમ્પ્યૂટર હાર્ડવેર, પ્લાસ્ટિક, સોફ્ટવેર અને સ્ટીલ સહિતના ક્ષેત્રોમાં કૌટુંબિક વ્યવસાય જૂથના વડા છે. આ જૂથ દ્વારા 50 હજારથી વધારે લોકોને રોજગારી મળે છે. તેમણે ચંદરયા ફાઉન્ડેશનની સ્થાપના કરી. આજે કોમક્રાફ્ટ 11થી વધુ આફ્રિકન દેશોમાં કાર્યરત છે. તેમણે દરેક દેશમાં ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. કેન્યામાં અનેક શાળાઓ અને દવાખાનાઓને દાન આપી કાર્યરત કર્યાં.

તેઓ 25થી વધુ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. નૈરોબીમાં બૅંક ઑવ્ ઇન્ડિયાના સલાહકાર સમિતિના ચૅરમૅન; ગ્લોબલ પીસ ફાઉન્ડેશન, લિમુરુ ગર્લ્સ સેન્ટર, સ્ટારેહે ગર્લ્સ સેન્ટર, કેન્યા ઈયર ફાઉન્ડેશન, સર અર્નેસ્ટ વેસી મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ; ધ હાર્ડ ફાઉન્ડેશન, અંડુગુ સોસાયટી, વોટોટો ક્વાન્ઝા ટ્રસ્ટ, ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઑવ્ કેન્યા, હંસાબહેન ચંદુલાલ માલદે ચેરીટેબલ ટ્રસ્ટ, વિશ્વ જૈન સંઘ અને ગાંધી સ્મારક નિધિ ફંડના ટ્રસ્ટી, યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી. કેન્યાના ડિરેક્ટર તેમજ ગ્લોબલ લીડરશીપ કાઉન્સિલ અને યુનિવર્સિટી ઑવ્ નૈરોબી કાઉન્સિલના સભ્ય તરીકે તેમણે સેવાઓ આપી છે.

તેમને તેમનાં કાર્યો બદલ વિશ્વના ઘણા દેશોએ સન્માનિત કર્યા છે. ભારતમાંથી 1982માં વિશ્વ ગુર્જરી ઍવૉર્ડ, 1989માં જવાહરલાલ નહેરુ એક્સેલન્સ ઍવૉર્ડ, 1990માં વિજયરત્ન ઍવૉર્ડ, 2001માં ભારત ગૌરવ પુરસ્કાર અને હિન્દુ લીડર્સ ફોરમ દ્વારા હિન્દુ વિભૂષણ, 2003માં પ્રવાસી ભારતીય સન્માન અને 2008માં દિલ્હીમાં લાઇફ ટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ આપવામાં આવ્યો. 2001માં કોરિયા ટ્રેડ ડે ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. યુ.કે. દ્વારા 2003માં રાણી એલિઝાબેથ II દ્વારા ઓર્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર(OBE) અને 2006માં કેમ્બ્રિજ એસોસિયેશન ઑવ્ મેનેજર્સના ફેલોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેન્યા દ્વારા 1997માં યુનિવર્સિટી ઑવ્ નૈરોબી દ્વારા ડૉક્ટર ઑવ્ સાયન્સની પદવી, 2003માં રાષ્ટ્રપતિ દ્વારા એલ્ડર ઑવ્ ધ ઓર્ડર ઑવ્ ધ બર્નિંગ સ્પીયર(EBS), 2006માં નૈરોબી જીમખાનાના ટ્રસ્ટી તરીકે સેવાનો પુરસ્કાર, 2009માં કેન્યા મેથોડિસ્ટ યુનિવર્સિટી, મેરુ દ્વારા ડૉક્ટર ઑવ્ સાયન્સની પદવી, 2010માં કેન્યા ઇન્સ્ટિટયૂટ ઑવ્ મેનેજમેન્ટના માનદ ફેલો તેમજ યુનાઇટેડ ગ્રેજ્યુએટ કૉલેજ અને સેમિનરી USN દ્વારા ડૉક્ટર ઑવ્ ફિલોસૉફીની પદવી એનાયત કરવામાં આવી હતી. કોરિયા દ્વારા 1988માં બિનનિવાસી ભારતીય સલાહકાર સમિતિના સભ્ય અને ભારત સરકારના નાણામંત્રાલયની સમિતિના સભ્ય તરીકે પણ સેવાઓ આપી છે.

અનિલ રાવલ