ચંડાલિકા

January, 2012

ચંડાલિકા (1933) : રવીન્દ્રનાથ ઠાકુરરચિત બંગાળી નૃત્યનાટિકા. આ નાટિકામાં 2 ર્દશ્યો અને 3 પાત્રો છે : પ્રકૃતિ, મા અને આનંદ. ભજવતી વખતે એક ર્દશ્ય અને દહીંવાલા, ચૂડીવાલા અને રાજવાડીનો અનુચર જેવાં બીજાં પાત્રો પણ ઉમેરાયાં. મૂળ નાટક લખાયું 1933માં અને નૃત્યનાટિકા રૂપે ર્દશ્યો અને પાત્રો ઉમેરાઈ નવી આવૃત્તિ તૈયાર થઈ 1938માં.

ચંડાલિકાની કથા બૌદ્ધ જાતકકથા ‘શાર્દૂલકર્ણવદન’માંથી લેવામાં આવી છે. રવીન્દ્રનાથે મૂળ કથામાં ઘણો ફેરફાર કર્યો છે. એમની નૃત્યનાટિકાની કથામાં પ્રણયની શુદ્ધતા પર ભાર મુકાયો છે. કોઈ પણ ધાર્મિક ભાવનાના પ્રચારનું એમાં વળગણ નથી. મૂળ નાટકમાં પ્રકૃતિ અને એની મા વાતો કરતાં હોય છે ત્યારે માને ખબર પડે છે કે દીકરી આનંદના પ્રેમમાં છે. આનંદ બુદ્ધનો શિષ્ય છે. એ દીકરીને કહે છે કે આનંદ અછૂત છે એટલે એ એને ન ચાહી શકે. પણ પ્રકૃતિ આનંદ આગળ બલિદાન આપે છે, એની માફી માગે છે અને મૃત્યુ પામે છે.

રવીન્દ્રનાથની નૃત્યનાટિકામાં વસ્તુ તો આ જ છે. પણ અંતમાં એમણે ફેરફાર કર્યો છે. આનંદના આશીર્વાદથી એ જાગ્રત થાય છે. વળી દહીંવાળા, ગ્રામીણ બાળાઓ વગેરેનાં પાત્રો દ્વારા એમાં અસ્પૃશ્યતાનું ચિત્રાત્મક દર્શન કરાવ્યું છે. એ ઉપરાંત પ્રકૃતિનો માનસિક સંઘર્ષ પણ નૃત્ય દ્વારા દર્શાવાયો છે. એની માનો ભૂવાજતિ દ્વારા પ્રકૃતિને વારવાનો પ્રયત્ન પણ અતિ આકર્ષક રીતે દર્શાવાયો છે.

ચન્દ્રકાન્ત મહેતા