ઘોષ, સંતોષકુમાર (જ. 9 સપ્ટેમ્બર 1920, રાજબાડી, ફરીદપુર, બાંગ્લાદેશ; અ. 26 ફેબ્રુઆરી 1985, કોલકાતા) : બંગાળી નવલકથાકાર. તેમણે રાજબાડીમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી પછી 1936માં કૉલકાતા કૉલેજમાં જોડાયા. ત્યારથી કૉલકાતામાં સ્થિર થયા. બી.એ. થયા પછી એમણે એક વેપારી કુટુંબમાં નોકરી લીધી. તે પછી કૉલકાતાના સચિવાલયમાં કારકુનની નોકરી કરી. તે પછી તેમણે ‘આનંદબજાર પત્રિકા’ના સહસંપાદક તરીકે કામ કર્યું હતું. ‘કિતુ ગ્વાલાર ગલી’ (1950) નામક પ્રથમ નવલકથાએ તેમને નવલકથાકાર તરીકે ખ્યાતિ અપાવી. પછી ‘નાના રંગેર દિન’ (1952); ‘મોમેર પુતુલ’ (1953); ‘મુખેર રેખા’ (1959), ‘જળદેવ’ (1967); ‘સ્વયં નાયક’ (1969) તથા ‘શેષ નમસ્કાર : શ્રીચરણેષુ માકે’ (ધ લાસ્ટ હોમેજ : ટુ માય મધર, 1971) તેમની નોંધપાત્ર નવલકથાઓ છે.
શરૂઆતમાં તેઓ ‘જુગાન્તર’ દૈનિકમાં જોડાયા હતા. પછી ‘સ્ટેટ્સમૅન’ જેવા અંગ્રેજી દૈનિકમાં મહત્વનું સ્થાન ભોગવ્યું. ત્યારબાદ ‘આનંદબજાર પત્રિકા’ના સંયુક્ત સંપાદક બન્યા.
તેમણે ‘રેણુ તોમાર મન’ (1959) અને ‘સકાલ જોકે સકાલે’ બે લઘુનવલ; ‘અજાતક’ (1968) અને ‘અપાર્થિવ’ (1970) નામક નાટકો તથા વાર્તાસંગ્રહો, નિબંધસંગ્રહો અને પ્રવાસકથાઓ પણ આપ્યાં છે.
તેમની છેલ્લી નવલકથા ‘શેષ નમસ્કાર : શ્રી ચરણેષુ માકે’ (1971) બદલ તેમને 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે માતાને પત્ર રૂપે લખી છે. તેમાં અર્થપૂર્ણ જીવન માટેની કઠોર અને પ્રામાણિક શોધ માટેનું ખાસ નિરૂપણ તથા મનને ઉન્નત બનાવતા વિષાદનું ચિત્રાંકન હોવાને કારણે તત્કાલીન બંગાળી સાહિત્યમાં તેનું પ્રદાન મહત્વનું રહ્યું છે.
ચન્દ્રકાન્ત મહેતા