ઘોષ, શંખ (જ. 6 ફેબ્રુઆરી 1932, ચાંદપુર, બાંગ્લાદેશ;અ.21 એપ્રિલ 2021, કોલકાતા) : આધુનિક બંગાળી કવિ. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ચાંદપુરમાં લીધું. પછી ભારતવિભાજન વખતે કૉલકાતા આવ્યા. ત્યાંની યુનિવર્સિટીમાંથી બંગાળી વિષય સાથે એમ.એ.માં પ્રથમ વર્ગ મેળવ્યો (1954). જુદી જુદી કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યા બાદ 1965થી તેઓ જાદવપુર યુનિવર્સિટીના બંગાળી વિભાગની વિદ્યાશાખાના સભ્ય બન્યા. 1967–68માં અમેરિકાની આયોવા યુનિવર્સિટીમાં તેઓ આંતરરાષ્ટ્રીય લેખન કાર્યશિબિરમાં મહેમાન તરીકે જોડાયા. 1977–78 આસપાસ વિશ્વભારતી, શાંતિનિકેતન ખાતે તેમણે અતિથિ-અધ્યાપક તરીકે સેવાઓ આપી.

તેઓ સાઠોત્તરી પેઢીના પ્રમુખ કવિ છે. તેમણે 6 કાવ્યસંગ્રહો અને 4 વિવેચનગ્રંથો આપ્યા છે. ‘દિનગુલી રાતગુલી’ (1956); ‘નિહિતા પાતાલછાયા’ (1967); ‘બાબરેર પ્રાર્થના’ (1976) અને ‘તુમિ તો તેમન ગૌરી નાઉ’ (1978) ઉલ્લેખનીય છે. તેમાં ‘બાબરેર પ્રાર્થના’ બદલ તેમને 1977ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. વળી તેમને ‘નક્ષત્ર’ અને ‘ઊલટો રથ’ જેવાં સાહિત્યિક પારિતોષિકો મળ્યાં છે.

વિવેચનગ્રંથમાં ‘નિશબ્દેર તર્જની’ (1971); ‘છન્દેર વરંડા’ (1971); ‘સકલબેલાર આલો’ મુખ્ય છે. તેમણે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું જીવનચરિત્ર આપ્યું છે તથા બાળકો માટેના કેટલાક ગ્રંથો લખ્યા છે.

તેઓને પદ્મભૂષણ(2011), સાહિત્યબ્રહ્મ ઍવોર્ડ (2015),જ્ઞાનપીઠ ઍવોર્ડ (2016) તેમ જ વર્લ્ડ ફોરમ ફોર જર્નાલિસ્ટસ ઍન્ડ રાઇટર્સ, કોલકાતા સન્માન પ્રાપ્ત  થયા છે.

ચન્દ્રકાન્ત મહેતા