ઘોષા કાક્ષીવતી : ઋગ્વેદની ઋષિકા. ઋષિ દીર્ઘતમાના પુત્ર કક્ષીવાનની પુત્રી. મંત્રદર્શન તેને વારસામાં મળ્યું હતું. બાલ્યાવસ્થામાં જ તેને કુષ્ઠરોગ થયો હતો તેથી કોઈ યુવકે તેને પસંદ કરેલી નહિ. આમ ઘોષા અપરિણીત અવસ્થામાં સાઠ વર્ષ સુધી પિતાને ત્યાં જ હતી. પિતા કક્ષીવાને અશ્વિનીકુમારોને પ્રસન્ન કરી પુનર્યૌવન પ્રાપ્ત કરેલું તેમાંથી પ્રેરણા લઈ ઘોષાએ પણ અશ્વિનીકુમારોને પ્રસન્ન કરવા નિશ્ચય કર્યો અને અશ્વિનૌની સ્તુતિમાં બે સૂક્તોનું દર્શન કર્યું જે ઋક્સંહિતાના દસમા મંડળમાં સંગૃહીત છે. ઘોષાએ અશ્વિનીકુમારો પાસે સૂનૃત વાણી અને પુષ્કળ પ્રજ્ઞાની યાચના કરી (ઋ.સં. 10–39.2) અશ્વિનીકુમારોની કૃપાથી તેનો કુષ્ઠરોગ મટ્યો અને તેને યોગ્ય પતિ મળ્યો. ઘોષાએ સ્વયં ગાયું છે : ‘जनिष्ट योषा पतयत् कनीनको विचारुहन्वी रुधो दंसना अनु ।’ (હે અશ્વિનૌ, તમારી કૃપાથી ઘોષા સુંદર સ્ત્રી બની, તેની મુખાકૃતિ આકર્ષક બની અને હવે કન્યાની કામના કરનાર તેને મળે છે.) આમ તે અશ્વિનીકુમારોની કૃપાપાત્ર થઈ. તેનાં સૂક્તોમાં અશ્વિનીકુમારોનાં અન્ય કૃપાપાત્રોનો ઉલ્લેખ છે : ભુજ્યુ, પુરુમિત્ર, શુન્ધ્યુ, વિમદ, વધ્રિમતી, ખેલ, વિષ્પલા; જેઓ ઋગ્વેદકાલીન ઇતિહાસનાં જાણીતાં પાત્રો છે.

ઘોષાનો એક પુત્ર સુહસ્ત્ય પણ મંત્રદ્રષ્ટા હતો. (ઋ. સં. 10.41) તેના બીજા પુત્ર ઘોષનો નામોલ્લેખ ઋષિ દીર્ઘતમાની અશ્વિનીકુમારોની સ્તુતિ(ઋ.સં. 1.120.5)માં છે. બૃહદ્દેવતા(અ. 7)માં ઘોષા કાક્ષીવતીની સંક્ષિપ્ત કથા છે, જેમાં અશ્વિનીકુમારોએ તેને નીરોગ કર્યાનો અને તેના વિવાહનો ઉલ્લેખ છે. ઘોષાના પતિનો સ્પષ્ટ નામોલ્લેખ મળતો નથી, પણ મૅક્ડોનલ અને કીથની ‘વૈદિક ઇન્ડેક્સ’માં તેના પતિનું નામ અર્જુન હોવાનું એક મંત્રને આધારે કલ્પેલું છે. ઘોષાની બહેન ભદ્રા જે ઋષિતાશ્વ રાજાને પરણી હતી તેણે પાતિવ્રત્યના બળે મૃત પતિને જીવિત કરી તેના દ્વારા પુત્ર મેળવ્યાની કથા મહાભારતના આદિપર્વમાં છે.

નટવરલાલ યાજ્ઞિક