ઘેટાં

પ્રાચીન કાળથી માનવજાતિ દ્વારા હેળવવામાં આવેલું, વાગોળનારું એક પાલતુ પ્રાણી. તે ઊન, માંસ, દૂધ, ચામડું વગેરેની માનવ-જરૂરિયાતો પૂરી કરે છે. અલગ અલગ ઉત્પાદનક્ષમતા અને લાક્ષણિકતાઓ ધરાવતી ઘેટાંની ઓલાદો જનીનિક વિવિધતાનો ખજાનો છે. ભારતમાં તેની કુલ વસ્તી 4.876 કરોડ જેટલી છે; દુનિયાની ઘેટાંની કુલ વસ્તીના તે 4.20 ટકા જેટલી છે.

ઘેટાંની ઓલાદોના પાંચ પ્રકાર છે :

1. બારીક (સુંવાળા) ઊનવાળી ઓલાદો : સુંવાળું ઊન ઉત્પન્ન કરતી વિશ્વની લગભગ તમામ ઓલાદોનું મૂળ વતન સ્પેન છે. ઓગણીસમી સદીની શરૂઆતથી જ મેરિનો ઘેટાં સ્પેનથી જુદા જુદા દેશોમાં નિકાસ કરવામાં આવ્યાં અને તેમાંથી સુંવાળું ઊન પેદા કરતી વિવિધ ઓલાદો પેદા થયેલી છે.

મેરિનો ઘેટો

2. લંબતારી ઊનવાળી ઓલાદો : ઇંગ્લૅન્ડના પ્રખ્યાત પશુપાલક રૉબર્ટ બૅકવેલે લંબતારી ઊનવાળી ‘લિસ્ટર’ ઓલાદને સુધારવા માટે ફક્ત તેમની માંસલતા પર ધ્યાન કેન્દ્રિત કરેલું, જેથી ઊન-ઉત્પાદન પર વિપરીત અસર થઈ હતી; પરિણામે લંબતારી ઊનવાળી, ખૂબ મોટા કદની નવી નસલો પેદા થઈ છે.

3. મધ્યમ ઊનવાળી ઓલાદો : ઘેટાંની મધ્યમ ઊનવાળી ઓલાદો ‘ડાઉન’ પ્રકારની ઓલાદો તરીકે પણ ઓળખાય છે. મોટા ભાગની ઓલાદો બ્રિટનમાં ઉત્પન્ન થયેલી છે.

4. સંકર ઓલાદો (ઊનની) : તે બારીક ઊન અને લંબતારી ઊનવાળી નસલોના સંકરણથી પેદા થઈ છે. સંકર ઓલાદો ઉત્પન્ન કરવાનો ઉદ્દેશ ઘેટાંની માંસલતા તથા ઊનના તાંતણાની લંબાઈ વધારવાનો અને ઊનની બારીકાઈ જાળવી રાખવાનો છે.

5. જાજમ માટેના ઊનવાળી ઓલાદો : જાજમ બનાવવામાં વપરાતું ઊન પેદા કરતી ઘેટાંની ઓલાદો ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ન્યૂઝીલૅન્ડ, સીરિયા અને ઇરાકમાં જોવા મળે છે.

ભારતની ઘેટાંની ઓલાદો

ક. બારીક વાળમિશ્ર ઊન પેદા કરનારી ઓલાદો : આ પ્રકારની ઘેટાંની ઓલાદો જમ્મુ અને કાશ્મીર, હિમાચલપ્રદેશ, પંજાબ અને ઉત્તરપ્રદેશના ડુંગરાળ વિસ્તારોમાં જોવા મળે છે.

(ક : 1) કારનાહ : જમ્મુ અને કાશ્મીર રાજ્યના કારનાહ તાલુકામાં તેમનો વસવાટ છે.

કારનાહો ઘેટો

લક્ષણો : મોટા કદનાં, મજબૂત બાંધાવાળાં, વળાંકવાળાં શિંગડાં, ધ્યાન ખેંચે તેવું ખાસ પ્રકારનું નાક.

ઊન : મધ્યમ બારીક, વાળમિશ્ર, ચમકદાર સફેદ ઊન; વાર્ષિક ઉત્પાદન : 950 થી 1350 ગ્રામ, લં. 11થી 13 સેમી.; આંક : 45થી 50.

(ક : 2) કાશ્મીરવૅલી : વતન – જમ્મુ અને કાશ્મીરનો ખીણપ્રદેશ.

લક્ષણો : અનેક ઓલાદોનું મિશ્રણ, નાનું કદ, પૂંછડી ટૂંકી, કાન લાંબા, નાક અને કપાળ સપાટ.

ઊન : મુખ્યત્વે કાળું અને રંગીન, બારીક અને જાડા તાંતણાનું મિશ્રણ. વાર્ષિક ઉત્પાદન 450થી 600 ગ્રામ.

(ક : 3) ગદ્દી : વતન – જમ્મુનો કિસ્તર અને ભાદરવાહ તાલુકો, હિમાચલ પ્રદેશના કુલુ, કાંગરા અને ચામ્બા જિલ્લા તથા પંજાબ.

લક્ષણો : નાના કદનાં, ખડતલ, સારા પર્વતારોહક, પૂંછડી ટૂંકી, કાન નાના, ચહેરો ભૂખરા રંગનો તથા બદામી કે કાળા ડાઘાવાળો, પગ લાંબા.

ગડ્ડી ઘેટી

ઊન : મધ્યમ બારીક ચળકાટવાળું, ટૂંકા તારની ઊંચી જાતની કામળી અને શાલ બનાવવામાં ઉપયોગી. વાર્ષિક ઉત્પાદન 900થી 1350 ગ્રામ; લંબાઈ 12.5 સેમી; વ્યાસ 30થી 34 માઇક્રૉન.

(ક : 4) ગુરેઝ : વતન – જમ્મુ અને કાશ્મીરનો ગુરેઝ તાલુકો.

લક્ષણો : જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં જોવા મળતી સૌથી મોટા કદની ઓલાદ; ઘેટાં ચપળ અને મર્દાનગીવાળાં, ઘેટી સારા દૂધ-ઉત્પાદનવાળી, બેલડાં-જન્મ સામાન્ય, પૂંછડી ટૂંકી અને પહોળી, કાન ટૂંકા.

ગુરેઝ ઘેટી

ઊન : કેમ્પમુક્ત, ઊનમાં તૈલી પદાર્થોનું પ્રમાણ વધારે, સફેદ; વાર્ષિક ઉત્પાદન : 1350થી 1800 ગ્રામ; લંબાઈ : 15 સેમી.; આંક : 40.

(ક : 5) ચાંગ થાંગ : વતન – જમ્મુ અને કાશ્મીર રાજ્યની તિબેટ સરહદનો પ્રદેશ.

ચાંગથાંગી ઘેટો

લક્ષણો : મોટા કદની ઓલાદ, નાક લાંબું અને માંસલ, પૂંછડી ટૂંકી, કાન લાંબા, પગ લાંબા અને મજબૂત. ઘેટું શિંગડાંવાળું, ઘેટી શિંગડાં વિનાની.

ઊન : લંબતારી, બરછટ; લંબાઈ 25થી 30 સેમી. વાર્ષિક ઉત્પાદન ઓછું.

(ક : 6) પુંચ : વતન – જમ્મુ અને કાશ્મીર રાજ્યનો પુંચ વિસ્તાર

લક્ષણો : મધ્યમ કદની ઓલાદ; નાક અને કપાળ સપાટ, કાન મધ્યમ અને લબડતા, પૂંછડી ટૂંકી, ઘેટો શિંગડાંવાળો, ઘેટી શિંગડાં વિનાની.

પુંચી ઘેટી

ઊન : મધ્યમથી બારીક સફેદ, આખા શરીર પર; લંબાઈ 12થી 15 સેમી. વ્યાસ 30થી 32 માઇક્રૉન. વાર્ષિક ઉત્પાદન 600થી 1500 ગ્રામ.

(ક : 7) ભકરવાલ : વતન – જમ્મુ અને કાશ્મીર રાજ્યની પીર પાંજળની ટેકરીઓ પર તથા રાજોરી, રીઆસી, કોલી અને ઉધમપુર જિલ્લામાં.

લક્ષણો : ખડતલ અને મજબૂત બાંધો, કાયમી વિચરતાં, મોટા કદનાં છતાં ઉત્તમ પર્વતારોહક, કાન લાંબા, પહોળા અને લબડતા, કેટલાંક ઘેટાંની પૂંછડી જાડી અને ચરબીયુક્ત, આંખ અને હોઠ ફરતે બદામી ગોળાકાર વલય.

ઊન : સફેદ અથવા રંગીન, ધાબળા બનાવવા માટે સારું, બરછટ. વાર્ષિક ઉત્પાદન 1350થી 1800 ગ્રામ, લંબાઈ : 15 સેમી. આંક : 40.

(ક : 8) રામપુર બુશિયાર (રામપુર બુશૈર) : વતન – હિમાચલ- પ્રદેશનો માસો જિલ્લો.

રામપુર બુશિયાર ઘેટી

લક્ષણો : રાજ્યની અગત્યની ઓલાદ, ખડતલ, મજબૂત બાંધાની, મધ્યમથી ટૂંકા કદની, ચહેરા અને કાન પર ડાઘા, પોપટની ચાંચ જેવું આકર્ષક નાક, આંખો ત્રાંસી, કાન મોટા અને વચ્ચે ઊપસેલી લીટી જેવા દેખાવવાળા, આઉ મધ્યમ કદનું, આંચળ નાના, ચામડી ગુલાબી, લાંબા અંતરની મુસાફરી ખમી શકે તેવી.

ઊન : મધ્યમ બારીક, તપખીરિયા રંગનું, ભૂખરું, કપડાં બનાવવામાં ઉપયોગી. વાર્ષિક ઉત્પાદન : 1થી 2 કિગ્રા, લંબાઈ : 7થી 10 સેમી.; આંક. : 46, વ્યાસ : 30થી 40 માઇક્રૉન; મેદાવૃત તંતુ 10થી 30 %.

ખ. પાથરણાંનું ઊન પેદા કરતી ઓલાદો : પાથરણાં માટેનું ઊંચી જાતનું બરછટ ઊન પેદા કરતી વિશ્વવિખ્યાત ઓલાદો. વતન પશ્ચિમ ભારતના શુષ્ક અને અર્ધરણપ્રદેશ (રાજસ્થાન, ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર તથા પંજાબ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગો)

(ખ : 1) ચોકલા (શેખાવટી) : વતન – રાજસ્થાનના નાગોર, શીકર અને ચુરુ જિલ્લા.

ચોકલા ઘેટી

લક્ષણો : મધ્યમ કદની ઓલાદ, મજબૂત અને સમથળ બાંધો, માથું નાનું અને બદામી રંગનું, મોટું કપાળ, નાક પોપટની ચાંચ આકારનું, કાન મધ્યમ કદના, શિંગડાં વિનાની ઓલાદ, આઉ અને આંચળ નાનાં, પૂંછડી મધ્યમ.

ઊન : બારીક; લંબાઈ : 7થી 10 સેમી. વાર્ષિક ઉત્પાદન : 1.2થી 3.0 કિગ્રા.

(ખ : 2) જેસલમેરી : વતન – રાજસ્થાનનો જેસલમેર જિલ્લો, જોધપુર અને બાડમેર જિલ્લાના કેટલાક ભાગો. મિશ્ર ઓલાદ નાગોર અને જયપુર જિલ્લામાં જોવા મળે છે.

જેસલમેરી ઘેટો

લક્ષણો : મોટા કદની ઓલાદ, સુગઠિત બાંધો, માથું મોટું, નાક પોપટની ચાંચ જેવું વાંકું, આંખો મોટી, કાન લાંબા અને લબડતા, ચહેરો કાળો અથવા ડોકના મધ્ય સુધી ઘેરા બદામી રંગનો, પગ લાંબા અને ખરીવાળા, પૂંછડી 20થી 25 સેમી. લાંબી, આઉ મધ્યમ કદનું, આંચળ લાંબા.

ઊન : મધ્યમ બારીક, કેમ્પ તંતુમિશ્રિત; વાર્ષિક ઉત્પાદન : 1.8થી 3.2 કિગ્રા. લંબાઈ : 8થી 12 સેમી. આંક : 50થી 54.

(ખ : 3) જલૌની : વતન – ઉત્તરપ્રદેશના જલૌન, ઝાંસી અને લલિતપુર જિલ્લા.

લક્ષણ : મધ્યમ કદની ઓલાદ, સપાટ નાક, શિંગડાં વિનાનાં, મોટા સપાટ અને લબડતા કાન, પાતળી અને મધ્યમ લંબાઈની પૂંછડી.

ઊન : ટૂંકા તારવાળું બરછટ; વાર્ષિક ઉત્પાદન : 900 ગ્રામ; વ્યાસ 41 માઇક્રૉન; મેદાવૃત તંતુનું પ્રમાણ 78 ટકા.

(ખ : 4) નાલી (બિકાનેરી, હિસાર) : વતન – રાજસ્થાનનો ગંગાનગર જિલ્લો. હરિયાણામાં રોહતક જિલ્લામાં પણ જોવા મળે છે, મિશ્ર ઓલાદ ઝૂનઝૂનુ, ચુરુ તથા શીકર જિલ્લામાં જોવા મળે છે.

નાલી ઘેટી

લક્ષણો : મોટા કદની ઓલાદ. માંસલ, સુગઠિત અને ભરાવદાર શરીર, ચહેરા અને કપાળ પર આછા બદામી વાળ, ચામડી સફેદ, ઉપરના હોઠ પર ફાડ, શિંગડાં વિનાની ઓલાદ, પગ ટૂંકા અને પીળી ખરીવાળા, આઉ મધ્યમ કદનું, આંચળ લાંબા, પૂંછડી લાંબી.

ઊન : મધ્યમ કક્ષાનું પીળા રંગનું બરછટ વાર્ષિક ઉત્પાદન 2થી 3 કિગ્રા. લંબાઈ : 7થી 12 સેમી. વ્યાસ 30.0 માઇક્રૉન; મેદાવૃત તંતુ 41.0 ટકા, આંક : 44થી 50. માંસ. ચરબી રહિત.

(ખ : 5) નીલગિરિ : વતન – તમિલનાડુ રાજ્યના નીલગિરિ જિલ્લાનો ટેકરીઓવાળો પ્રદેશ.

નીલગિરિ ઘેટો

લક્ષણો : મધ્યમ કદની ઓલાદ, સુગઠિત બાંધો, મધ્યમ ચહેરો, નાક પોપટની ચાંચ જેવું વાંકું, શિંગડાં વિનાની ઓલાદ, પૂંછડી લાંબી,

ઊન : સફેદ બારીક, માથા પર ઊનના ગુચ્છા, વાર્ષિક ઉત્પાદન : 400થી 600 ગ્રામ; લંબાઈ : 4 સેમી.; આંક : 64.

(ખ : 6) પાટણવાડી (કચ્છી, ચરોતરી, દેશી) : વતન ઉત્તર ગુજરાતનો પાટણ તાલુકો, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જામનગર તથા અમદાવાદ જિલ્લાના કેટલાક ભાગો. આખા ગુજરાતમાં, ઉત્તરે રાજસ્થાનથી માંડી પૂર્વે મધ્યપ્રદેશ તથા દક્ષિણ મહારાષ્ટ્રમાં સ્થળાંતર કરે છે. તેને રબારી અને ભરવાડ જાતિના લોકો પાળે છે.

લક્ષણો : મધ્યમ કદની ઓલાદ, પુખ્ત ઘેટીનું વજન 28થી 32 કિગ્રા. પુખ્ત ઘેટાનું વજન 35થી 45 કિગ્રા. ચહેરો તથા ચારેય પગની ઘૂંટીથી નીચેનો ભાગ આછાથી ઘેરા બદામી રંગનો, શરીર ધૂળિયા સફેદ રંગનું, નાક પોપટની ચાંચ આકારનું વાંકું તથા ખાસ ધ્યાન ખેંચે તેવું. આંખો ચળકતી, કીકી પીળીચટ્ટ, કાન મધ્યમ કદના લબડતા તથા અંદરની બાજુએ વળેલા, કાન પર મોગરો (વાળનો ઝૂમખો), શિંગડાં વિનાની ઓલાદ, કેટલીક ઘેટીઓમાં ગળાની નીચેના ભાગમાં લોળિયાં લટકતાં હોય છે. ગરદન ટૂંકી તથા પાતળી, પીઠ સીધી, આઉ મોટું, સુવિકસિત અને ચોખ્ખું, વધુ દૂધ ઉત્પાદન આપતી ઓલાદ, પૂંછડી ટૂંકી અને સફેદ.

ઊન : પીળચટ્ટું તથા સફેદ, પ્રમાણમાં સુંવાળું તથા બારીક, પેટ, પગ અને ગરદન પરનું ઊન બદામી; વાર્ષિક ઉત્પાદન : 1000થી 1500 ગ્રામ; વ્યાસ 34 મા.; લંબાઈ : 6થી 9 સેમી.; મેદાવૃત તંતુનું પ્રમાણ 35થી 40 ટકા, ઘનતા : 640 પ્રતિ ચોસેમી. પાથરણા માટે ઊંચી જાતનું ઊન.

(ખ : 7) પુંગલ : વતન રાજસ્થાન રાજ્યના બિકાનેર અને જેસલમેર જિલ્લા. નાગોર અને જોધપુર જિલ્લામાં મિશ્ર ઓલાદ જોવા મળે છે.

પુગલ ઘેટી

લક્ષણો : મજબૂત, સુગઠિત અને ભરાવદાર બાંધો, ચહેરો કાળો, નીચલું જડબું આછા બદામી અથવા તપખીરિયા રંગનું – ગળા સુધી, આંખ આગળ નાકની બાજુએ લાંબી પાતળી બદામી રંગની લીટીઓ. કાન નાના, નળી આકારના અને ઝૂમખાવાળા; નાક સીધું અને ચપટું અણીવાળું; ઉપરના હોઠમાં ફાડ, ચામડી સફેદ, આઉ નાનું, પૂંછડી ટૂંકી.

ઊન : વાર્ષિક ઉત્પાદન : 1.4થી 2.2 કિગ્રા.; આંક : 46થી 50; લંબાઈ : 8થી 10 સેમી.

(ખ : 8) બિકાનેરી : વતન – રાજસ્થાનનો બિકાનેર જિલ્લો. પંજાબ તથા હરિયાણામાં શુદ્ધ તેમજ સંકર જાનવરો જોવા મળે છે.

લક્ષણો : ખૂબ જ ખડતલ, કારમા દુષ્કાળનો સામનો કરી શકે તેવાં, ચોકલા, માગરા અને નાલી ઓલાદનાં લક્ષણોનો સમન્વય, મધ્યમ કદનાં, માથું નાનું, કાન નાના અને પોલા નળી આકારના, ચહેરો લાંબો અને ઊન વાળ વિનાનો, સફેદ આછો અગર ઘેરો તપખીરિયો કે કાળો; નાક પોપટની ચાંચ જેવું વાંકું, શરીર લાંબું, બાંધી દડીનું. સફેદ ઊનવાળું. આંખો ચમકતી અને સુસ્પષ્ટ, શિંગડાં વિનાની ઓલાદ, પૂંછડી મધ્યમ કદની, ખરીનો રંગ મોંના રંગ જેવો, અતિ વિકટ પરિસ્થિતિમાં પણ ઉછેરી શકાય છે.

ઊન : બરછટ, લંબતારી, લંબાઈ અને વ્યાસ તમામ તાંતણામાં એકસમાન, પીળા અથવા સફેદ રંગનું, વાર્ષિક ઉત્પાદન 1200થી 3100 ગ્રામ. લંબાઈ : 9થી 12 સેમી. આંક : 28થી 32.

માંસ : સાધારણ કક્ષાનું.

(ખ : 9) માગરા : વતન – રાજસ્થાન રાજ્યના બિકાનેર જિલ્લાનો પૂર્વ અને ઉત્તર ભાગ. ચુરુ, ઝૂનઝૂનુ અને નાગોર જિલ્લામાં અલ્પ સંખ્યામાં.

માગરા ઘેટો

લક્ષણો : મધ્યમ કદની ઓલાદ, લંબચોરસ બાંધો, આંખની આસપાસ તથા ઉપરના હોઠ પર બદામી ડાઘા, ઉપરના હોઠમાં ફાડ, નાક સપાટ, કાન ટૂંકાથી મધ્યમ લંબાઈના, નળી આકારના; કપાળ સપાટ, શિંગડાં વિનાની ઓલાદ, પૂંછડી 20થી 25 સેમી. લાંબી.

ઊન : બરછટ, લાંબા તાંતણા; વાર્ષિક ઉત્પાદન : 1.2થી 3.0 કિગ્રા.; લંબાઈ 5થી 7 સેમી.; આંખ 45થી 48.

(ખ : 10) મારવાડી : વતન – રાજસ્થાન રાજ્યના જોધપુર અને જયપુર જિલ્લામાં મારવાડ, પાલી, મેરત, નાગોર, અજમેર, જાલોર, બાડમેર તથા ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.

મારવાડી ઘેટો

લક્ષણો : ભરવાડ તથા રબારી જાતિના લોકોનો વંશપરંપરાગત ધંધો; મધ્યમથી મોટા કદની, મજબૂત બાંધાની ખડતલ તથા લાંબા અંતરનો પ્રવાસ ખેડી શકે તેવી ઓલાદ, ચહેરો કાળા વાળ સહિત કાળો, નાક સીધું અને લાંબું, આંખો ચળકતી, કીકી પીળી, કાન ટૂંકા અને કાળા, ગોળ વળેલા ટોટી જેવા, કોઈક ટોળામાં લાંબા નળાકાર અને લબડતા, ગરદન સફેદ, ટૂંકી અને ભરાવદાર; પીઠ અને કટિપ્રદેશનો ભાગ સીધો અને સપાટ; પગ લાંબા અને સફેદ પૂંછડી મધ્યમ લંબાઈની પાતળી, આઉ અને આંચળ નાનાં.

ઊન : સફેદ, મધ્યમથી બરછટ, ઊનમાં મેદાવૃત તંતુઓનું પ્રમાણ વધારે; વાર્ષિક ઉત્પાદન : 1000થી 1500 ગ્રામ. લંબાઈ : 5થી 7.5 સેમી.; વ્યાસ 36 માઇક્રૉન, આંક : 46થી 50.

(ખ : 11) માલપુરા (દેશી) : વતન – રાજસ્થાન રાજ્યના માલપુરા વિસ્તારમાં, ટોંક, સવાઈ માધોપુર તથા જયપુર જિલ્લામાં, ભીલવાડા, ચિતોડગઢ, બુંદી તથા કોટા જિલ્લામાં, મિશ્ર ઓલાદ.

લક્ષણો : સુગઠિત ભરાવદાર બાંધો, ચહેરો આછો બદામી, કાન મધ્યમ નળાકાર, નાક સીધું, શિંગડાં વગરનાં, પગ લાંબા, આઉ સુવિકસિત, આંચળ લાંબા, ચામડી જાડી અને સફેદ.

ઊન : બરછટ વાળવાળું, પેટની નીચેનો ભાગ ઊન વાળ વગરનો, વાર્ષિક ઉત્પાદન : 600થી 1300 ગ્રામ, લંબાઈ : 7.5થી 10 સેમી.

(ખ : 12) મુઝ્ઝફરનગરી (બુલંદ શહેરી) : વતન – ઉત્તર પ્રદેશના મુઝ્ઝફરનગર, બુલંદ શહેર, સહરાનપુર, મેરઠ, દહેરાદૂન જિલ્લામાં.

મુઝ્ઝફરનગરી ઘેટી

લક્ષણો : મધ્યમથી મોટા કદનાં, ચહેરાની રેખાઓ સહેજ બહિર્ગોળાકાર, ચહેરાની ચામડી પર બદામી અથવા કાળા ડાઘા, કાન લાંબા અને લબડતા.

(ખ : 13) લોહી : વતન – પાકિસ્તાનના લ્યાલપુર, મૉન્ટગોમેરી, ડેરા ગાઝીખાન જિલ્લાઓ; ભારતમાં પંજાબ.

લક્ષણો : મોટા કદનાં, માથું મોટું, રતાશ પડતા ભૂખરા રંગનું અગર તપખીરિયા કે કાળા રંગનું; શરીર પર તપખીરિયા કે કાળા રંગનાં ટપકાં, મોં ચોખ્ખું ઊનરહિત, નાક પોપટની ચાંચના આકારનું; કાન ખૂબ લાંબા, સપાટ, લબડતા તથા મોગરાવાળા; કપાળ પહોળું અને મજબૂત, શિંગડાં વિનાની ઓલાદ, પગ મજબૂત, જાંઘ સુવિકસિત અને ભરાવદાર, ખરી કાળી, આઉ સુડોળ, આંચળ લાંબા, પૂંછડી ટૂંકી અને જાડી. દૂધ-ઉત્પાદન માટે સારી ઓલાદ, નિયમિત વિયાણ તથા જોડકાં-જન્મનું પ્રમાણ વધારે.

ઊન : બરછટ, લંબતારી, સોય જેવા વાળનું મિશ્રણ; વાર્ષિક ઉત્પાદન : 1350 થી 2250 ગ્રામ; લંબાઈ : 7થી 10 સેમી.; માંસલ શરીર અને ઉત્તમ શારીરિક બંધારણ તથા વિકાસદર હોઈ કીમતી માંસલ જાનવર.

(ખ : 14) સોનાડી : વતન – રાજસ્થાન રાજ્યના ઉદેપુર, ડુંગરપુર અને ચિતોડગઢ જિલ્લામાં.

સોનાડી ઘેટી

લક્ષણો : કદાવર, સુગઠિત બાંધો, કાન, ડોક તથા ચહેરો હલકો બદામી, માથું ભારે, નાક આકર્ષક, ગાલ સપાટ, ગળામાં લોળિયાં, પૂંછડી લાંબી, દૂધમાં ચરબીનું પ્રમાણ વધારે.

ઊન : બરછટ અને વાળ મિશ્રિત; મેદાવૃત તંતુઓનું પ્રમાણ વધારે, પેટ અને પગ સ્વચ્છ, વાળરહિત; વાર્ષિક ઉત્પાદન : 400થી 1200 ગ્રામ, લંબાઈ : 7થી 12 સેમી.

ગ. દક્ષિણ પ્રદેશની માંસ પેદા કરતી ઓલાદો : વતન : દક્ષિણ ભારતના ઓછા વરસાદવાળા ઉચ્ચપ્રદેશમાં, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો.

(ગ : 1) કેનગુરી (તેનગુરી) : વતન – કર્ણાટક રાજ્યના રાયપુર જિલ્લાનો ટેકરીવાળો પ્રદેશ.

કેનગુરી ઘેટો

લક્ષણો : મધ્યમ કદની ઓલાદ, ઘેરા બદામી રંગની ચામડી, ઘેટું શિંગડાંવાળું, ઘેટી શિંગડાં વિનાની.

(ગ : 2) કોઇમ્બતૂર : વતન – તમિલનાડુ રાજ્યના કોઇમ્બતૂર અને મદુરાઈ જિલ્લા.

કોઇમ્બતૂર ઘેટો

લક્ષણો : મધ્યમ કદની ઓલાદ, સફેદ ચામડી પર કાળા અથવા બદામી ડાઘા, કાન મધ્યમ કદના પાછળ જતા, પૂંછડી પાતળી અને ટૂંકી.

ઊન : સફેદ બરછટ વાર્ષિક ઉત્પાદન : 600 ગ્રામ; લંબાઈ : 6 સે.મી. વ્યાસ 41 માઇક્રૉન; મેદાવૃત તંતુ 58 ટકા.

(ગ : 3) ત્રિચી બ્લૅક (કાળી) : વતન – સેલમ, ત્રિચિનાપલ્લી, કોઇમ્બતૂર અને દક્ષિણ આરકોટ જિલ્લો.

ત્રિચી ઘેટો

લક્ષણો : એકદમ કાળી, ઉંમર વધતાં સહેજ બદામી રંગમાં ફેરવાય છે. કદ નાનું, નાક પોપટની ચાંચ જેવું, કપાળ પહોળું, કાન મધ્યમ, ઘેટી શિંગડાં વિનાની, ઘેટું શિંગડાંવાળું, પૂંછડી ટૂંકી, બરછટ ઊનવાળી; પેટની નીચેનો ભાગ તથા પગ સ્વચ્છ ઊનરહિત.

(ગ : 4) દખ્ખની (દક્ષિણી) : વતન – દક્ષિણ મહારાષ્ટ્ર.

લક્ષણો : પશ્ચિમ ભારતના અર્ધસૂકા પ્રદેશનાં ઘેટાં તથા આંધ્રપ્રદેશ અને જૂના મૈસૂર રાજ્યનાં વાળવાળાં ઘેટાંના સંકરણથી ઉત્પન્ન થયેલ મિશ્ર ઓલાદ છે. તેથી તેનાં લક્ષણો સ્થાયી શુદ્ધ સ્વરૂપે બધાં જાનવરોમાં જોવા મળતાં નથી. નાના કદનાં, ખડતલ, મોં કાળું તથા શરીરે કાળા રંગના ડાઘા અથવા આખા શરીરે સફેદ. કાળા રંગની ખરી તથા ચામડીવાળાં જાનવરો સંવર્ધન માટે પસંદ કરવામાં આવે છે.

દખ્ખણી ઘેટો

ગરદન પાતળી, છાતી સાંકડી, પૂંઠ ઢાળવાળી, ચહેરો સાંકડો અને પોપટની ચાંચની માફક વળેલા નાકવાળો, શિંગડાં વિનાની ઘેટી, ઘેટાને હોય કે ન હોય. કાન ટૂંકાથી મધ્યમ, પૂંછડી ટૂંકી.

ઊન : હલકી કક્ષાનું મિશ્ર અને કાળા રંગનું, ખરબચડી કામળી બનાવવામાં વપરાય છે; વાર્ષિક ઉત્પાદન : 350થી 700 ગ્રામ; મુખ્યત્વે માંસ માટે ઉછેરવામાં આવે છે.

(ગ : 5) નેલ્લોર : વતન – આંધ્રપ્રદેશનો નેલ્લોર જિલ્લો; ઉપરાંત દક્ષિણના આખા દ્વીપકલ્પમાં સર્વત્ર જોવા મળે છે.

નેલ્લોર ઘેટી

લક્ષણો : મોટા કદની ઓલાદ, મજબૂત શારીરિક બાંધો, ભારતીય ઘેટાંમાં સૌથી વધુ ઊંચાઈ, મુખ્યત્વે સફેદ રંગનાં અગર શરીરે કાળા અથવા તપખીરિયા રંગના ડાઘાવાળાં, ચહેરો લાંબો, કાન લાંબા, ગળામાં બે લોળિયાં (તોરો), ઘેટી શિંગડાં વિનાની, ઘેટો વળાંકવાળાં શિંગડાંવાળો, શરીરે ટૂંકા વાળ.

ઊન પેદા થતું નથી. માંસ સારું આપે છે. દર નવ માસે વિયાણ, ઘેટાને તગડો બનાવી એક વર્ષની ઉંમરે કતલના ઘેટા તરીકે વેચાય છે.

(ગ : 6) બન્ડુર (બન્નુર) વતન – કર્ણાટક રાજ્યના માંડયા જિલ્લાનું બન્ડુર ગામ.

લક્ષણો : અગત્યની માંસલ ઓલાદ, ટૂંકા કદની, સુગઠિત ભરાવદાર, ભારે વજનવાળું શરીર; નાજુક અને ટૂંકા પગ ધરાવતાં, સુંદર દેખાવવાળાં ભૂખરા રંગનાં, ગરદન તથા આગળના પગે તપખીરિયા રંગનાં ધાબાં, ચહેરા અને કપાળ પર સફેદ ડાઘા, ગરદન ટૂંકી અને જાડી, છાતી પહોળી અને ઊંડી, પાંસળીઓ સુવિકસિત, પૂંછડી ટૂંકી.

શરીરે ઊન ઊગતું નથી. 10થી 14 માસની ઉંમરે 25 કિગ્રા. વજનનાં થતાં કતલ માટેનાં ઘેટાં તરીકે વેચાય છે. માંસપ્રાપ્તિનું પ્રમાણ ઊંચું છે. માંસ ઝીણા દાણાવાળું સ્વાદિષ્ટ, કૂણું, રસદાર અને રંગે આકર્ષક, સ્નાયુઓ ચરબીયુક્ત.

(ગ : 7) બેલ્લારી : વતન કર્ણાટકનો બેલ્લારી જિલ્લો. આંધ્રપ્રદેશના કુરનુલ જિલ્લામાં પણ જોવા મળે છે.

બેલ્લારી ઘેટો

લક્ષણો : મોટા કદનાં, દેખાવમાં દખ્ખણની ઘેટી જેવાં, મિશ્ર સંકર ઓલાદ, શરીરના રંગમાં વૈવિધ્ય જોવા મળે છે. કાળા, ઘેરા તપખીરિયા રંગનાં, કાળાં મોંવાળાં, સફેદ ધાબાવાળાં કે એકદમ સફેદ; સફેદ રંગનાં, બચ્ચાં નાનાં અને નબળાં હોઈ ઉછેરવાં અઘરાં. શરીર સમચોરસ આકારનું સુગઠિત, પાંસળીઓ મોટી, સારી ગોળાઈ ધરાવતી, છાતી ઊંડી અને પહોળી, ઘેટા વળાંકવાળાં શિંગડાંવાળાં, ઘેટી શિંગડાં વિનાની.

ઊન : બરછટ અને વાળ જેવું, રંગે કાળું, તપખીરિયું કે સફેદ; વાર્ષિક ઉત્પાદન : 600થી 1300 ગ્રામ; ધાબળા બનાવવામાં વપરાય છે. માંસની ગુણવત્તા સરેરાશ.

(ગ : 8) ચેન્નાઈ રેડ (ચેન્નાઈ લાલ) : વતન – ચેન્નાઈ જિલ્લો.

લક્ષણો : માંસલ ઓલાદ ટૂંકા કદનાં, વાળવાળાં, લાલાશ પડતા ભૂખરા રંગનું શરીર, માથું ચોખ્ખું, નાક પોપટની ચાંચ જેવું, કાન નાના, શિંગડાં વિનાની ઓલાદ, પૂંછડી ટૂંકી.

(ગ : 9) માંડયા : વતન – કર્ણાટક રાજ્યનો માંડયા જિલ્લો.

માંડયા ઘેટો

લક્ષણો : કર્ણાટક રાજ્યની અગત્યની માંસલ ઓલાદ. મધ્યમ કદનાં, બાંધી દડીનાં, શરીર પર વાળવાળાં, સારા ખોરાકથી જલદી તગડાં થાય તેવાં.

(ગ : 10) મછેરી (મિચેરી, મિછેરી) : વતન ચેન્નાઈ, ચંગલપટ્ટુ તથા ઉત્તર આરકોટ જિલ્લા.

મચ્છેરી ઘેટી

લક્ષણો : મધ્યમ કદનાં, ભૂખરા રંગનાં, સફેદ, બદામી કે મિશ્ર રંગનાં, કાન મધ્યમ, શિંગડાં વિનાની ઓલાદ, ટૂંકી પૂંછડી, પગ લાંબા.

(ગ : 11) રામનાડ (કીલ્કાસોલ) : વતન – તમિળનાડુ રાજ્યનો રામનાડ જિલ્લો, મદુરાઈ અને ત્રિચિનાપલ્લી જિલ્લા.

રામનાડ ઘેટો

લક્ષણો : લાલ ભૂખરા રંગનું શરીર, પગ તથા પેટની નીચેનો ભાગ બદામી ઘેરો, ઘેટી શિંગડાં વિનાની, ઘેટું શીગડાંવાળું, ચામડી પર ઊન ઊગતું નથી. ગળા પર લાંબા વાળ, ચહેરો સ્વચ્છ, નાક પોપટની ચાંચ જેવું, છાતી સુવિકસિત, પૂંછડી ટૂંકી.

(ગ : 12) વેમ્બુર (કરન્ધાઈ) વતન – તમિલનાડુ રાજ્યના તિરૂનેલ્વેલી જિલ્લાના વેમ્બુર અને આસપાસનો વિસ્તાર

વેમ્બુર ઘેટો

લક્ષણો : કદાવર, ચામડી સફેદ રંગની લાલ ડાઘાવાળી; કાન મધ્યમ કદના, લબડતા; પૂંછડી ટૂંકી, પાતળી; ઘેટું શિંગડાંવાળું, શરીરે ટૂંકા વાળ હોય છે.

(ગ : 13) હસન : વતન – કર્ણાટક રાજ્યનો હાસન જિલ્લો.

હસન ઘેટી

લક્ષણો : ટૂંકા કદની ઓલાદ, ચામડી સફેદ; આછા બદામી કે કાળા ડાઘાવાળી, કાન મધ્યમ અને લબડતા.

ઊન : સફેદ અને ખૂબ જ બરછટ, વાર્ષિક ઉત્પાદન : 300થી 400 ગ્રામ.

ચ. પૂર્વભાગની ઓલાદો : બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસા, આસામ, મેઘાલય, અરુણાચલપ્રદેશ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા નાગાલૅન્ડ અને સિક્કિમનાં રાજ્યોનો સમાવેશ થાય છે.

(ચ : 1) ગંજમ : વતન ઓરિસા રાજ્યના કોરાપુત ફુલબનીપુરી જિલ્લામાં.

ગંજમ ઘેટો

લક્ષણો : મધ્યમ કદની ઓલાદ. ચામડી બદામી રંગની, કેટલાંક જાનવરોમાં સફેદ ડાઘા જોવા મળે, કાન મધ્યમ કદના અને લબડતા, નાક સહેજ ઊપસેલું, પૂંછડી સહેજ પાતળી અને લાંબી.

ઊન : ટૂંકું અને વાળમિશ્રિત, કાતરવામાં આવતું નથી.

(ચ : 2) છોટાનાગપુરી : વતન – છોટાનાગપુરના સાંથલ પરગણામાં, બંગાળ અને બિહારના કેટલાક જિલ્લામાં.

છોટાનાગપુરી ઘેટી

લક્ષણો : ટૂંકા કદની ઓલાદ, પાતળા પગ, નાક લાંબું, ચહેરો અણિયાળો પાતળો, કાન અત્યંત ટૂંકા, પૂંછડી ટૂંકી.

ઊન : મધ્યમ બરછટ પણ સુંવાળું, સોય જેવા તાંતણાવાળું, વાર્ષિક ઉત્પાદન : 200થી 500 ગ્રામ.

(ચ : 3) તિબેટી : વતન – ઉત્તર સિકિમ અને અરુણાચલપ્રદેશનો કામેન્ગ જિલ્લો.

તિબેટી ઘેટો

લક્ષણો : મધ્યમ કદની ઓલાદ, સફેદ ચામડી, ચહેરો કાળો અથવા બદામી, શિંગડાંવાળી ઓલાદ, નાક પોપટની ચાંચ જેવું વાંકું, કાન નાના પહોળા અને લબડતા.

ઊન : પ્રમાણમાં બારીક, ચળકતું, પાથરણાં બનાવવા માટે ઉત્તમ. વાર્ષિક ઉત્પાદન 400થી 900 ગ્રામ, લં. : 7.0 સેમી.; વ્યાસ 13થી 19 માઇક્રૉન; મેદાવૃત તંતુનું પ્રમાણ 19થી 20 ટકા.

(ચ : 4) બેલનગીર : વતન – ઓરિસા રાજ્યના બેલનગીર, સાંબલપુર અને સુંદરગઢ જિલ્લા.

બેલનગીર ઘેટી

લક્ષણો : મધ્યમ કદનાં, ચામડી આછી બદામી અથવા સફેદ, કોઈક જાનવરો કાળાં, કાન નાના અને ટૂંકા, ઘેટું શિંગડાંવાળું, પૂંછડી મધ્યમ લંબાઈની અને પાતળી.

ઊન : ખૂબ જ બરછટ અને વાળમિશ્રિત.

(ચ : 5) બોનપાલા : વતન – દક્ષિણ સિક્કિમ.

બેનપાલા ઘેટો

લક્ષણો : કદાવર, ખડતલ, લાંબા પગવાળી ઓલાદ. કાન નાના અને નળાકાર, શિંગડાંવાળાં, પૂંછડી પાતળી અને ટૂંકી.

ઊન : રંગ એકદમ સફેદથી એકદમ કાળો. બરછટ અને વાળમિશ્રિત; વ્યાસ : 66 માઇક્રૉન. લંબાઈ : 9.0 સેમી.; મેદાવૃત તંતુ 95 ટકા; વાર્ષિક ઉત્પાદન : 400 ગ્રામ.

(ચ : 6) શાહબાદી : વતન – બિહાર રાજ્યના પટના, ગયા અને શાહબાદ જિલ્લા.

શાહબાદી ઘેટો

લક્ષણો : મધ્યમ કદની ઓલાદ, મજબૂત, નાક પોપટની ચાંચ જેવું વાંકું, પગ લાંબા, પૂંછડી લાંબી.

ઊન : બરછટ, વાળમિશ્રિત, સફેદ; વાર્ષિક ઉત્પાદન : 500થી 1000 ગ્રામ.

વિદેશી ઘેટાંની ઓલાદો

સ્વાદિષ્ટ માંસ અને ઊંચી કક્ષાના ઊનને લીધે આર્થિક અગત્યનાં ગણાતાં ઘેટાંનો ઉછેર દુનિયાના લગભગ બધા દેશોમાં કરવામાં આવે છે. ભારતમાં પણ કેટલાંક સ્થાનિક ઘેટાંનું વિદેશી ઘેટાંની ઓલાદો સાથે સંકરણ કરવામાં આવે છે.

કિલ્કાર્સાલ ઘેટો

વિદેશી ઘેટાંની કેટલીક અગત્યની ઓલાદો :

(1) આવાસી : દૂધના ઉત્પાદન અને બરછટ ઊન માટે જાણીતી મધ્યપૂર્વ અને સીરિયાની ઓલાદ.

(2) કારાકુલ : મુલાયમ રુવાંટીવાળું ઊન ધરાવનારી ઉઝબેકિસ્તાનની એક જાત. લાંબા અને લબડતા કાન, લાંબો અને સાંકડો ચહેરો, લાંબી ડોક, પહોળી પૂંછડી અને હલકી કક્ષાનું માંસ. વાર્ષિક ઉત્પાદન 2.7 કિગ્રા.

(3) ગીસાર કાચી : ભારે માંસલ, બદામી અને કાળા રંગના અલગ અલગ રંગછટાવાળી, કુમળા પ્રકારની, દ્વિસ્તરીય ઊન આપતી રશિયન ઓલાદ. લાંબો ચહેરો, લાંબા કાન, શિંગડાંનો અભાવ, આયાત કરી તેનો દક્ષિણ ભારતમાં ઉછેર કરવામાં આવે છે.

(4) એવિયર : બ્રિટનની એવિયર ટેકરીએ વાસ કરે છે. સ્વાદિષ્ટ માંસ અને દૂધ-ઉત્પાદન માટે જાણીતી ઓલાદ. નાનું કદ, ટૂંકા પગ અને સુડોળ બાંધાવાળી, ઓલાદનું ઊન-ઉત્પાદન 2.7થી 3.2 કિગ્રા. છે. ઊનની લંબાઈ 10થી 12 સેમી. આંક : 48થી 54.

(5) મરીનો : મૂળ વતન ઑસ્ટ્રેલિયા, સ્પેન અને રશિયા. ઊન માટે પ્રખ્યાત. આ ત્રણેય દેશોનાં મરીનો ઘેટાંનો ઉછેર અનેક દેશોમાં કરવામાં આવે છે. મોટે ભાગે સ્થાનિક ઓલાદ સાથે તેનું સંકરણ કરાય છે. ઑસ્ટ્રેલિયન ઓલાદનું ઊન બારીક અને વધુ લંબાઈવાળું હોવાથી તેને વધુ પસંદગી આપવામાં આવે છે. આ ઓલાદનું આખું શરીર વાળથી ઢંકાયેલું હોય છે. તેની છાતી સાંકડી અને માથું મધ્યમ કદનું. મરીનો ઓલાદ હલકા પ્રકારનું અને ઓછા પ્રમાણમાં માંસ આપે છે. વાર્ષિક ઉત્પાદન 4.0થી 9.0 કિગ્રા.; 7થી 9 સેમી. વ્યાસ : 10થી 15 માઇક્રૉન; આંક : 60થી 80.

(6) રામબુલે/રામબુએ (Rambull) : રામબુલે સંવર્ધનકેન્દ્રમાં સ્થાનિક ઓલાદનું સંકરણ મરીનો સાથે કરવાથી પેદા થયેલી ઓલાદ છે. ફ્રેંચ મરીનો તરીકે પણ ઓળખાય છે. મોટું ખડતલ શરીર, પહોળું માથું અને આકર્ષક દેખાવ. ઘેટો શિંગડાંવાળો અને ઘેટી શિંગડાં વિનાની. પીઠ સીધી, જાંઘ અને પગ ભરાવદાર, ચામડી કરચલી વિનાની અને ગુલાબી. મોં અને પગ પર સફેદ રેશમ જેવા સુંવાળા વાળ; શરીર માંસલ, ઊન બારીક, વાર્ષિક ઉત્પાદન 4થી 7 કિગ્રા; વ્યાસ 14થી 18 માઇક્રૉન, આંક : 64થી 80.

રામબુલે ઘેટો

(7) લિંકન : ઇંગ્લૅન્ડમાં આવેલ લિંકન પ્રદેશનું મૂળ વતની અને દુનિયામાં સૌથી મોટા કદની ઓલાદ તરીકે પ્રખ્યાત, શરીર લંબચોરસ, પહોળું, પીઠ અને કમરનો ભાગ સીધો અને મજબૂત, માથા પર ઊનનું ઝૂમખું, માંસ હલકી કક્ષાનું અને ચરબીયુક્ત. તેથી સારી જાતનું માંસ મેળવવા સ્થાનિક ઓલાદ સાથે તેનું સંકરણ કરવામાં આવે છે. આર્થિક ષ્ટિએ આવી સંકર ઓલાદ અત્યંત લાભદાયક નીવડે છે.

લિંકન ઘેટો

લિંકન ઘેટાનું ઊન ગૂંચળાવાળું, લંબતારી, બરછટ અને ચમકદાર; લંબાઈ 25થી 35 સેમી.; વાર્ષિક ઉત્પાદન 6થી10 કિગ્રા.; આંક : 36થી 40.

(8) લિસ્ટર : ઇંગ્લૅન્ડના લિસ્ટર પ્રદેશનું વતની. બે જાતો – બૉર્ડર લિસ્ટર અને ઇંગ્લિશ લિસ્ટર. બૉર્ડર લિસ્ટરનું માથું અને ગરદન સુડોળ હોય છે. શરીર માંસલ અને પગ લાંબા. ઇંગ્લિશ લિસ્ટર ઘેટાના માથા પર લાંબા ઊનનું ઝૂમખું હોય છે. માંસ સામાન્ય ગુણવત્તાવાળું.

લિસેસ્ટર ઘેટો

ઊન બરછટ અને લાંબા તારવાળું. વાર્ષિક ઉત્પાદન 15થી 25 કિગ્રા. આંક : 36થી 46.

(9) રોમને માર્શ : ઇંગ્લૅન્ડના કેન્ટ પ્રદેશનું વતની; મોટું માથું, શિંગડાંનો અભાવ, ચમકતી આંખો, કાળું નાક, પહોળા ખભાઓ અને પીઠ સાથે સુમેળ ધરાવતી સુવિકસિત છાતી, પગ ટૂંકા. ઊન આપવા માટે જાણીતી ઓલાદ.

આર્થિક અગત્યની સંકર ઘેટાંની કેટલીક ઓલાદો

ઊંચી કક્ષાનું ઊન, માંસલ શરીર અને સારા પ્રમાણમાં દૂધ આપનારાં ઘેટાંની ઓલાદો મેળવવા હાલમાં સંકરણ પદ્ધતિ અપનાવવામાં આવે છે. સામાન્યપણે આમાંથી એક કે વધુ લક્ષણો ધરાવનાર વિદેશી ઘેટાનું સ્થાનિક ઘેટાં સાથે સંકરણ કરવામાં આવે છે. આવી ઓલાદ વિદેશી ઘેટાનાં આર્થિક અગત્યનાં લક્ષણો ધરાવે છે. છતાં સ્થાનિક પર્યાવરણમાં જીવવાનું તેને વધુ અનુકૂળ હોય છે.

(1) અવિકાલીન : પાથરણા માટેનું ઊન મેળવવા ભારતના અવિકાનગરમાં રામબુએ × માલપુરાના સંકરણથી પેદા કરવામાં આવેલી ઓલાદ; ઊન મધ્યમ પ્રકારનું; વાર્ષિક ઉત્પાદન : 1.7થી 2.0 કિગ્રા.; વ્યાસ 25.0 માઇક્રૉન, મેદવૃત તંતુ 37 ટકા. લંબાઈ : 4.0 સેમી.

(2) અવિવસ્ત્રા : બારીક ઊનના ઉત્પાદન માટે અવિકાનગર ખાતે રામબુએ × ચોકલાના સંકરણથી ઉત્પન્ન કરવામાં આવતી ઓલાદ. વ્યાસ 2.5, લં. 35 સેમી., મેદાવૃત તંતુ 19.0 ટકા.

(3) કાશ્મીર મરીનો : ઑસ્ટેલિયન મરીનો × કાશ્મીરની સ્થાનિક ઓલાદના સંકરણથી નિર્માણ થતી ઓલાદ. આ ઓલાદનાં મોટા ભાગનાં લક્ષણો મરીનોના જેવાં હોય છે. મજબૂત બાંધો, ટૂંકૂં કદ, સ્વચ્છ ચહેરો, પહોળું કપાળ, અણીવાળું ચપટું નાક, ભારે અને વળાંકવાળાં શિંગડાં, આઉ મધ્યમ કદનું હોય છે. આખા શરીરે સફેદ તથા બારીક વાળ, વાર્ષિક ઉત્પાદન 2.5થી 5.0 કિગ્રા, વ્યાસ 20થી 25 માઇક્રૉન, લંબાઈ 5 થી 6 સે.મી.

(4) કોલંબિયા : મધ્યમ પ્રકારનું ઊન આપનાર લિંકન × અને રામબુએના સંકરણથી પેદા થયેલી ઓલાદ. તે મોટા કદના, મજબૂત બાંધાના, ખડતલ અને માંસલ શરીર ધરાવતા જાનવરનાં લક્ષણો ધરાવે છે. શરીર અને પગ સહેજ લાંબા હોય છે. ઊન સફેદ, વાર્ષિક ઉત્પાદન 5.5 કિગ્રા., લંબાઈ 8થી 9 સેમી., આંક : 46થી 56, ઊન અને કતલ માટે બચ્ચાં સારાં ગણવામાં આવે છે.

(5) ચોકલા સિન્થેટિક : રામબુએ/સોવિયેટ મેરીનો × ચોકલાના સંકરણથી પ્રાપ્ત થયેલી ઓલાદ. ઊન બારીક હોય છે. વાર્ષિક ઉત્પાદન 2.5 કિગ્રા., વ્યાસ 22.0 માઇક્રૉન, મેદાવૃત તંતુ 6.0 ટકા, લં. 4.5 સેમી.

(6) નાલી સિન્થેટિક : અવિકાનગર ખાતે રામબુએ/સોવિયેટ મરીનો × નાલીના સંકરણથી પેદા કરવામાં આવેલી ઓલાદ. ઊન મધ્યમથી બારીક પ્રકારનું, વાર્ષિક ઉત્પાદન 2.5 કિગ્રા., વ્યાસ 23 માઇક્રૉન, લંબાઈ 4થી 5 સેમી.; મેદાવૃત તંતુ 10 ટકા.

(7) પાટનવાડી સિન્થેટિક : ગુજરાતના કૃષિનગર ખાતે રામબુએ સોવિયેટ મરીનો × પાટણવાડીના સંકરણથી પેદા કરવામાં આવેલી ઓલાદ.

(8) મટન સિન્થેટિક : ડોરસેત સફોક × માલપુરા/સોનાડીના સંકર દ્વારા અવિકાનગર ખાતે પેદા કરાયેલી ઓલાદ છે. વાર્ષિક ઉત્પાદન 1.0 કિગ્રા. માંસલ શરીર.

(9) મંડ્યા સિન્થેટિક : ડૉરસેત તે સફૉક અને × માંડયાના સંકરણથી પેદા થયેલી ઓલાદ છે. તેનું સંવર્ધન આંધ્રપ્રદેશના પાલમનેર ખાતે કરવામાં આવે છે. તેનું શરીર માંસલ હોય છે.

(10) ભારત મરીનો : રામબુએ × ચોકલા અથવા × માલપુરા/ જેસલમેરીના સંકરણથી પેદા થાય છે. સોવિયેટ મરીનો/રામબુએ અથવા ચોકલા / નાલીના સંકરણથી પેદા કરવામાં આવતી ઓલાદ. આ ઘેટાંના મોટા ભાગમાં લક્ષણો વિદેશી પ્રજનક સાથે મળતાં આવે છે. ઊન બારીક, વ્યાસ 19થી 20 માઇક્રૉન, લંબાઈ 5 સેમી., મેદાવૃત તંતુ 3.0 ટકા, વાર્ષિક ઉત્પાદન 2.65 કિગ્રા.

(11) મુંજાલ : નાલી × લોહીના સંકરણથી પેદા થયેલી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળતી સંકર ઓલાદ અને મોટા કદની, ઊંચી, લંબચોરસ બાંધાની માંસલ ઓલાદ. લાંબો ચહેરો, પોપટની ચાંચ જેવું વાંકું નાક, લાંબા અને લબડતા કાન, લાંબા અને મજબૂત પગ, લાંબી પૂંછડીવાળી ઓલાદ. ઊન પીળાશ પડતું સફેદ, વાર્ષિક ઉત્પાદન 1.2થી 1.5 કિગ્રા. લંબાઈ 7થી 9 સેમી.

(12) રામબુએ × રામપુર બુશિયર : હિમાચલપ્રદેશના જ્યોરી ફાર્મ પર ઉત્પન્ન કરાયેલી, મધ્યમ કદની, મજબૂત બાંધાની મરીનો જેવા દેખાવવાળી ઓલાદ. ચોખ્ખી આંખો, હોઠની ઉપરનો ભાગ ગુલાબી, નાના કાન અને લાંબી પૂંછડી ધરાવે છે. વાર્ષિક ઉત્પાદન 2.0થી 2.9 કિગ્રા..

(13) હિસારડેલ : મરીનો × બિકાનેરીના સંકરણથી પેદા થયેલી તથા પંજાબ (પ. પાકિસ્તાન), હિમાચલપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગમાં જોવા મળતી મધ્યમ કદની સંકર ઓલાદ. મજબૂત બાંધો, નાના કાન, પહોળું કપાળ, બદામી આંખો, ગુલાબી હોઠ, પોપટની ચાંચ જેવું નાક તથા લાંબી પૂંછડી. ઊન મરીનો પ્રકારનું બારીક, આંક : 60 થી 62, લંબાઈ 3 સેમી., મેદાવૃત તંતુ નહિવત્.

ઊનની ગુણવત્તા અને કાતરણીની વ્યવસ્થા

ઘેટાંના શરીર પર ઊગતા, સ્થિતિસ્થાપક, મજબૂત અને સારી રીતે કાંતી શકાય તેવા નરમ તાંતણા, રંગીન કપડાં, કામળી, ધાબળા વગેરે વણવામાં વપરાય છે. વાળ ધરાવતાં અન્ય પ્રાણીઓની સરખામણીમાં ઘેટાના ઊનમાં આ ગુણ અલગ તરી આવે છે. સારા ઊનના તાંતણા બારીક, સુંવાળા, નળાકાર અને એકસરખી જાડાઈ(વ્યાસ)વાળા હોય છે. શરીર ઉપર ઊન વધવાથી તેમાં વળ પેદા થાય છે. જેને વાટાસળ (crimp) કહે છે. જેમ ઊન વધારે બારીક તેમ વાટાસળ વળાંક વધારે હોય છે.

ઊનની ગુણવત્તા : (1) વ્યાસ : ઊનની ગુણવત્તા પારખવાનું આ સૌથી મહત્વનું લક્ષણ છે. જેમ ઊનના તંતુનો વ્યાસ ઓછો તેમ બારીકાઈ વધુ. ઓછા વ્યાસવાળા તંતુઓમાં મેદાવૃત હોતું નથી, વધુ વ્યાસવાળા તંતુઓમાં મેદાવૃત હોવાથી, તેનું વર્ગીકરણ વાળ તરીકે થાય છે. તંતુના વ્યાસ પરથી ઊનની બારીકાઈ, સુંવાળપ અને તેનો પ્રકાર જાણી શકાય છે. તંતુના વ્યાસનું માપ પડદાવાળા સૂક્ષ્મદર્શકની મદદથી માપી શકાય છે અને તે માઇક્રૉનમાં માપવામાં આવે છે. તેનો વ્યાસ 12થી 80 માઇક્રૉન જેટલો હોઈ શકે. ભારતીય ઓલાદોમાં ઊનનો વ્યાસ 30થી 40 માઇક્રૉન હોય છે. આ લક્ષણનો આનુવંશિક આંક 0.3થી 0.5 જેટલો હોય છે, તે સમૂહ પસંદગીથી સુધારી શકાય છે.

(2) લંબાઈ : ગુણવત્તા માપવા માટેનું બીજું મહત્વનું લક્ષણ તંતુની લંબાઈ છે. લંબાઈ પરથી કેવો તાર કાંતી શકાશે તેનો ખ્યાલ આવે છે. ઊનની મુલાયમતાની ગુણવત્તા, 450 ગ્રામ ઊનમાંથી કેટલી લંબાઈનો તાર કાંતી શકાય છે તે જાણવાથી નક્કી કરી શકાય છે. તેને કાઉન્ટમાં દર્શાવવામાં આવે છે. બારીક ઊનના તંતુની લંબાઈ 4.5થી 6.5 સેમી. મધ્યમ અને સંકર ઓલાદનાં ઘેટાંનાં ઊનના તંતુની લંબાઈ 7.0થી 11.0 સેમી. અને લંબતારી ઊનના તંતુની લંબાઈ 30 સેમી. જેટલી હોય છે. 6 સેમી.થી ઓછી લંબાઈવાળા ઊનને (વૂલન પદ્ધતિથી) બારીક કપડાં બનાવવા ઉપયોગમાં લેવાય છે. જ્યારે 6 સેમી.થી વધુ લંબાઈવાળું ઊન બરછટ કપડાં માટે (વુર્સ્ટિડ પ્રોસેસ) વપરાય છે. ટૂંકા તારવાળું બરછટ ઊન ખરબચડાં ઊની કપડાં અને ધાબળાના ઉત્પાદનમાં વપરાય છે. ભારતીય ઓલાદના ઊનના તંતુની લંબાઈ સરેરાશ 7.5 થી 11.0 સેમી. છે. આ લક્ષણના કુલ વિચરણમાં પર્યાવરણીય વિચરણનો હિસ્સો ઓછો હોય છે. આનુવંશિક આંક 0.4 થી 0.5 જેટલો હોય છે.

તંતુઓના સમૂહ અથવા ગુચ્છને સ્ટેપલ કહે છે. તંતુઓની લંબાઈના કામને સરળ બનાવવા સમૂહની લંબાઈ માપવામાં આવે છે. તેને સ્ટેપલ લંબાઈ કે સ્ટેપલ-લેન્થ તરીકે ઓળખવામાં આવે છે. તંતુ-લંબાઈ અને સ્ટેપલ-લંબાઈ વચ્ચે ખૂબ જ ઊંચો સહસંબંધ (0.8થી 0.9) હોઈ, ગુણવત્તા માપવા માટે સ્ટેપલ-લેન્થનો ઉપયોગ થાય છે. સ્ટેપલની લંબાઈ માટે તંતુસમૂહને જે તે સ્થિતિમાં માપવામાં આવે છે, જ્યારે તંતુલંબાઈ માપતી વખતે તંતુને બન્ને છેડેથી સરખી રીતે ખેંચીને માપવામાં આવે છે.

(3) મેદાવૃત તંતુ : વાળમાં મેદાવૃત હોય છે, તેથી જે ઊનના તંતુઓમાં મેદાવૃત હોય, તેની ગણતરી વાળમાં કરવામાં આવે છે. આ તંતુઓ વધુ વ્યાસવાળા અને ખેંચતાં તૂટી જાય તેવા બરડ હોય છે. બારીક ઊનમાં મેદાવૃત હોતું નથી. ભારતીય ઓલાદોના ઊનમાં 20થી 70 ટકા જેટલા તંતુઓ મેદાવૃત ધરાવતા હોય છે, જેથી તે બરછટ ઊન તરીકે ઓળખાય છે. આ લક્ષણનો આનુવંશિક આંક ખૂબ જ ઊંચો 0.5થી 0.6 હોવાથી સમૂહ-પસંદગી દ્વારા સુધારો કરવો શક્ય છે.

(4) ચામડી પર તંતુઓની ગીચતા : ચોરસ સેમી. ચામડીમાં તંતુઓની સંખ્યા. ઘેટાંના ઊનની ઉત્પાદકતાનો આધાર, કાતરવામાં આવેલ ઊનના વજન ઉપરથી મળે છે. આ ઊનના કુલ જથ્થાને શરીરની ચામડીના કુલ ઘેરાવા સાથે સીધો સંબંધ છે. ચામડીના દરેક ભાગ ઉપર ઊન ઊગતું નથી. આખી ચામડીનું માપ કાઢવું પણ મુશ્કેલ છે. તેથી શરીરની ચામડીના એકમદીઠ ઊનના તંતુઓની સંખ્યાનો અંદાજ મેળવી કુલ ઉત્પાદન અંગે જાણી શકાય છે. આ માટે ઘેટાના પડખામાંથી એક ચોરસ સેમી. ચામડી દીઠ કેટલા તંતુ છે તેનો નિર્દેશ મેળવી ગણતરી કરવામાં આવે છે.

(5) ઊનના તંતુની મજબૂતી : ઊનના તંતુની મજબૂતી તેની લંબાઈ સાથે સંકળાયેલી છે. નબળા તંતુઓ બારીક કાપડ બનાવવા માટે વાપરી શકાય નહિ. ખોરાકની એકાએક ખેંચ પડે અથવા તો તે માંદા પડે ત્યારે કાચું કોમળ ઊન ઉત્પન્ન થાય છે.

(6) તંતુની કંતાવાની શક્તિ (spinning quality) : ઊનની કંતાવાની શક્તિ એની બારીકાઈ અને વ્યાસ પર આધારિત છે, જેમ વ્યાસ ઓછો તેમ કંતાવાની શક્તિ વધારે.

(7) સ્થિતિસ્થાપકતા : ઊનના તંતુઓની સ્થિતિસ્થાપકતાના નોંધપાત્ર ગુણને કારણે તંતુને ખેંચીને લાંબો કર્યા પછી તે પાછો મૂળ લંબાઈએ આવી જાય છે. ઊન જેમ વધુ બારીક તેમ તેની સ્થિતિસ્થાપકતા અને મજબૂતી વધારે હોય છે. આ ગુણ માટે ઊનના તંતુ પરના વળાંકસળ મહદ્અંશે જવાબદાર છે.

(8) સુંવાળપ : ઊનના તંતુઓનો સ્પર્શ મૃદુ-મુલાયમ હોય છે. સુંવાળપનો આધાર ઘેટાંની ઓલાદ પર છે. શુદ્ધ મરીનો ઓલાદનું ઊન વધુ મુલાયમ હોય છે. મુલાયમ ઊનનો ઉપયોગ કીમતી ગરમ કપડાં બનાવવામાં થાય છે.

(9) જામી જવાનો ગુણધર્મ : ઊનના તંતુઓ એકબીજા સાથે ચોંટી જવાનો – જામી જવાનો ગુણધર્મ ધરાવે છે. આ ગુણધર્મ તંતુઓની કાકરને આભારી છે. બારીક ઊનમાં આ ગુણનું પ્રમાણ વધારે હોય છે.

(10) ભેજશોષક શક્તિ : ઊનમાં ભેજ શોષવાની શક્તિ વધારે હોય છે. ઊન તેના વજનના 30 ટકા સુધી ભેજ – પાણી શોષી શકે છે. ઊની કપડાં પહેરવામાં રહેલી આરામદાયકતા આ ગુણને આભારી છે.

(11) સરેરાશ વાર્ષિક ઊનઉત્પાદન : વાર્ષિક ઊન-ઉત્પાદનનો આધાર જાનવરની આનુવંશિકતા, કદ, ચામડીના એકમદીઠ તંતુની સંખ્યા, તેની સુંવાળપ, લંબાઈ વગેરે પર છે. ઘેટાંની પસંદગીના કાર્યક્રમમાં આ એક ખૂબ જ અગત્યનું લક્ષણ છે. ભારતીય ઓલાદોનું સરેરાશ વાર્ષિક ઊન-ઉત્પાદન 600થી 1100 ગ્રામ જેટલું હોય છે. આ લક્ષણના કુલ વિચરણમાંના આનુવંશિક અને પર્યાવરણીય વિચરણના અભ્યાસ પરથી માલૂમ પડ્યા મુજબ આ લક્ષણનો આનુવંશિક આંક 0.3થી 0.4 વચ્ચે હોઈ, સમૂહ-પસંદગી દ્વારા વાર્ષિક ઊન-ઉત્પાદન વધારી શકાય છે.

ઊનની કાતરણી : ઘેટાંની બધી જ ઓલાદો ઊન આપતી નથી. દક્ષિણ ભારતની મોટા ભાગની ઓલાદો હલકી કક્ષાનું ઊન આપે છે. ઊનની કાતરણી વાતાવરણની અનુકૂળતાને ધ્યાનમાં લઈ વર્ષમાં એકથી ત્રણ વાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસા બાદ સપ્ટેમ્બર/ઑક્ટોબર મહિનામાં અને શિયાળો પૂરો થતાં ફેબ્રુઆરી/માર્ચ મહિનામાં ઊન કાતરવામાં આવે છે. ઘેટાંને પૂરતું ચરવાનું મળી રહે એવા સમયે ઊન કાતરવામાં આવે છે.

ઊનની કાતરણી શરૂ કરતાં પહેલાં ઘેટાંને નવરાવીને સાફ કરવામાં આવે છે. શરીર પરના ઊનનું પાણી સુકાયા બાદ ઘેટાંને થોડો ગરમાવો મળે તેવી જગ્યાએ રાખવામાં આવે છે. કાતરણીનું કામ વહેલી સવારે ખોરાક-પાણી આપતાં પહેલાં શરૂ કરવામાં આવે છે. કાતરણીનો વાડો કે જગ્યા સ્વચ્છ હોવી જરૂરી છે. જેથી ઊનમાં ગંદો કચરો ભળે નહિ. કાતરણી તીક્ષ્ણ ધારવાળી 15થી 20 સેમી. લાંબી કાતરથી કરવામાં આવે તો કાતરણી ઝડપથી અને એકસરખી થાય છે. કાતરણીમાં હોશિયારી અને ચતુરાઈની જરૂર રહેતી હોવાથી તે માટે અલગ કારીગરો હોય છે. હવે કાતરણી-યંત્ર(shearing machine)થી પણ આ કામ થાય છે. તેમાં ઊનનો ઉતાર વધુ આવે છે, તથા કાતરણી ઝડપથી અને એકસરખી થાય છે. ઊન શક્ય તેટલું ચામડીની નજીકથી કાતરવામાં આવે છે. વાળ અને બરછટ ઊન જુદાં પડી જાય તેવી કાતરણી કરેલ ઊનની કિંમત સારી ઊપજે છે. પગ, પેટ અને સાથળના ભાગનું ઊન હલકી કક્ષાનું હોઈ તે ભેળવાતું નથી.

ઊનઉદ્યોગ

ભારતમાં ઊની કપડાં બનાવવાનો ઉદ્યોગ પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોટા પાયે વિકાસ પામેલ છે. ઊનની વણેલી-ગૂંથેલી ચીજવસ્તુઓ પશ્ચિમ એશિયાના દેશોમાં નિકાસ થાય છે. ભારતમાં ઉત્પન્ન થતું ઊન બરછટ અને હલકી કક્ષાનું હોઈ, કિંમત ઓછી ઊપજે છે, તેથી સારી ગુણવત્તાવાળું ગરમ કાપડ બનાવવા બારીક ઊન આયાત કરવું પડે છે. ભારતમાં ઊનની વપરાશ નીચે પ્રમાણે પાંચ મુખ્ય ઉદ્યોગોમાં થાય છે :

(1) કુટિર-ઉદ્યોગમાં કાંતીને દોરા બનાવવામાં, (2) કાંતેલા દોરામાંથી ધાબળા વણવામાં, (3) ગાલીચા અને પાથરણાં બનાવવામાં, (4) ગરમ કાપડ અને ગૂંથણના દોરા બનાવવામાં, (5) શાલ અને બરછટ કાપડ જેવી ચીજવસ્તુઓ બનાવવામાં.

ઘેટાંની માવજત અને પોષણ

ઘેટાંની તંદુરસ્તીનો આધાર જે તે વિસ્તારની આબોહવા અને વરસાદ પર રહેલો છે. ઘેટાંને ઠંડી સૂકી હવા અને ઓછો વરસાદ માફક આવે છે. ઘેટાં નિરુપયોગી ઘાસ તથા નીંદામણ ઉપર નભી ઊન, માંસ, દૂધ, ચામડું વગેરે પેદા કરતાં હોઈ, વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘેટાનું પાલન અને ઉછેર આર્થિક રીતે પરવડતાં નથી.

રહેઠાણ : ઘેટાં ખુલ્લા આકાશ અને સૂકી જમીન પર રહેવાનું પસંદ કરે છે, તેથી સહેજ ઊંચાણવાળી જગ્યા પર તેમનાં રહેઠાણ બનાવાય છે, જેથી મળમૂત્ર અને અન્ય કચરાનો સહેલાઈથી નિકાલ થઈ શકે.

ભોંયતળિયું : સામાન્ય રીતે આરોગ્યપ્રદ રહેઠાણ માટે કાચી માટીનું ભોંયતળિયું ઉત્તમ ગણાય છે. ભોંયતળિયા પર મોરમ કે રેતાળ માટીનો થર કરી શકાય. અતિશય ઠંડીવાળા પ્રદેશમાં જમીનથી 1.0થી 1.25 મી.ની ઊંચાઈએ લાકડાની પટ્ટીઓવાળું ભોંયતળિયું બનાવવામાં આવે છે.

વિસ્તાર : સામાન્ય રીતે પુખ્ત વયનાં ઘેટાં માટે 1.20થી 1.40 ચોમી. જેટલી ખુલ્લી જગ્યા અને 0.80થી 1.10 ચોમી. જેટલી છાપરાવાળી જગ્યા મળી રહે તેવી વ્યવસ્થા થાય છે.

છાપરું : વાવાઝોડાં, વરસાદ, ઠંડી વગેરેથી રક્ષણ મળી રહે તે માટે અને ખાસ કરીને વિયાણના સમયે છાપરાવાળું રહેઠાણ જરૂરી હોય છે.

રક્ષણ : જંગલી પશુઓથી રક્ષણ મળી રહે તે માટે રહેઠાણના વાડા ફરતી કાંટાની વાડ બનાવવામાં આવે છે. સખત ઠંડી તથા સખત ગરમ પવનો અને ધોધમાર વરસાદથી રક્ષણ માટે કાચી અગર પાકી દીવાલોનું ચણતર કરી હંગામી આડશ ઊભી કરવામાં આવે છે.

પાણીની સગવડ : તંદુરસ્તીની ર્દષ્ટિએ સ્વચ્છ, તાજું, નદીનાળાનું વહેતું પાણી કે કૂવાનું પાણી ઘેટાંને પિવરાવવા માટે સામાન્ય રીતે વપરાય છે.

ઘેટાંની માવજત : (1) ઘેટીઓની માવજત : પ્રજનનની ઋતુ શરૂ થાય તે પહેલાંનાં બે-એક અઠવાડિયાંમાં ઘેટીઓને ખોરાકમાં વધારે પોષક તત્વો મળી રહે તે જોવું જરૂરી છે. વધુ સારો ખોરાક આપવાથી ઘેટીઓ વહેલી તાપે આવી ફળવા માંડે છે, ટૂંકા ગાળા દરમિયાન જ મોટા ભાગની ઘેટીઓ ફળી જઈ વિયાય છે, જોડકાં બચ્ચાં જન્મવાની શક્યતા વધે છે અને બચ્ચાંની માવજતમાં અનુકૂળતા રહે છે.

(2) સગર્ભા ઘેટીઓની માવજત : ઘેટાને ઘેટીઓનાં ટોળાંમાંથી છૂટો પાડ્યા બાદ આ ઘેટીઓની માવજત સગર્ભા ઘેટીઓ તરીકે કરવામાં આવે છે. સગર્ભાવસ્થા પાંચ માસની હોય છે. એમનાં શરીરમાં બચ્ચાનો વિકાસ થતો હોઈ, તંદુરસ્ત બચ્ચાં પેદા કરવા ઘેટીઓને પોષક તત્ત્વો આપવાં જરૂરી છે. આમ કરવાથી મરેલાં બચ્ચાં ઓછાં જન્મે છે.

ગર્ભકાળના પાછલા અડધા ભાગ દરમિયાન 100થી 200 ગ્રામ જેટલું દાણમિશ્રણ તથા પ્રોટીનપૂરક કઠોળ વર્ગનો ચારો, ખોળ, ભરડો, ક્ષારમિશ્રણ વગેરે અપાય છે. સગર્ભા ઘેટીઓને પૂરતી કસરત મળવી જરૂરી છે.

પ્રસવ પહેલાં વિયાવા તૈયાર ઘેટીઓને ટોળાંથી અલગ કરી, અલગ નાના ટોળામાં તેની દેખરેખ અને માવજત કરવી સહેલી પડે છે. તેમને સખત ઠંડી ગરમી તથા સીધા પવનથી રક્ષણ આપવું પડે છે.

પ્રસવસમયે ઘેટીનું વ્યક્તિગત ધ્યાન અપાય છે. પ્રસવની જગ્યાએ શાંતિ જાળવવી જરૂરી છે. જન્મ પામતા બચ્ચાની સ્થિતિ કુદરતી રીતે સામાન્ય હોય તો પ્રસૂતિ આપમેળે જ થવા દેવાય છે.

દૂઝણી ઘેટીઓનું જતન : વિયાણ બાદ ઘેટી પોતાના બચ્ચાને દૂધ ધવરાવતી હોય છે. તેથી ઘેટીને સારો ખોરાક અપાય છે. વિયાણ બાદ ઉત્તમ પ્રકારનું ચરિયાણ મળે તો કોઈ પૂરક ચારો કે દાણ આપવાની જરૂર રહેતી નથી.

બચ્ચાંનું જતન : બચ્ચાંને જન્મથી થોડા દિવસ સુધી સખત ઠંડીથી રક્ષણ આપવું જોઈએ. જન્મ બાદ બચ્ચાનો શ્ર્વાસોચ્છવાસ ચાલુ થાય તે જોવું જરૂરી હોય છે, તે માટે બચ્ચાનું ધ્યાન રાખી, પછી બચ્ચાને ઘેટીના મોં આગળ મૂકવું પડે છે જેથી ઘેટી બચ્ચાને ચાટીને ચોખ્ખું કરી દે છે. આમ કરવાથી ઘેટી-બચ્ચાનાં એકબીજા પ્રત્યેનાં પ્રેમ અને ઓળખ જાગ્રત થાય છે અને ઘેટી બચ્ચાને ત્યજી દેતી નથી. કોરા થયેલ બચ્ચાનું વજન કરવું, નાળ માપસરની રાખી, વધારાની કાપી નાખવી અને કાપેલા ભાગને જંતુરહિત કરી દેવો જરૂરી હોય છે.

ઘેટીઓ પોતાનાં બચ્ચાંને સૂંઘીને તેના શરીરની ખાસ પ્રકારની વાસથી તેને ઓળખી લે છે. આ માટે બચ્ચાંને ઘણુંખરું ઘેટીઓની સાથે જ રાખવામાં આવે છે. ઊછરતાં બચ્ચાં તેમની માતા સાથે જ ખાતાં શીખે એટલે તેમને ચરવા મોકલવામાં આવે છે. ઘેટીઓનું દૂધ વેચવાનું હોય તો બચ્ચાંને અલગ વાડામાં રાખવામાં આવે છે અને દિવસમાં બેત્રણ વાર ધવરાવવામાં આવે છે. ઘેટાંનાં બચ્ચાંને ગાડરાં કે ગાડરિયું કહે છે. કતલ માટે વેચવાનાં હોય તેવાં બચ્ચાંને ધાવણ છોડાવ્યા બાદ 6થી 9 માસની ઉંમરે ખસી કરવામાં આવે છે, તેથી બચ્ચાંનાં શરીરના માંસલ સ્નાયુઓનો વિકાસ ઝડપથી થાય છે.

ઘેટાની માવજત : સંવર્ધન માટે ઉપયોગમાં લેવાના ઘેટાની પસંદગી અને માવજત પ્રજનનકાળ શરૂ થાય તે પહેલાંથી કરવી જોઈએ. વધુ તગડા ઘેટાની ચરબી મર્યાદિત ખોરાક અને કસરતથી ઉતારી નખાય છે. સામાન્ય તંદુરસ્તીવાળા ઘેટાને સંવર્ધનકાળ દરમિયાન વધારાનું દાણ અપાય છે. ઘેટાને રાત્રિ દરમિયાન ટોળામાં રખાય છે અને દિવસે ચરિયાણ માટે પણ સાથે જ મોકલાય છે. તેને 200થી 400 ગ્રામ જેટલું વધારાનું દાણ અપાય છે.

સંવર્ધનકાળની શરૂઆતમાં ઘેટાને ઘેટીઓના ટોળામાં ભેગો કરતાં પહેલાં શરીર ઉપરથી ઊન ઉતારી લેવાથી ઘેટાં વધુ સારી રીતે સંવર્ધનનું કાર્ય કરી શકે છે.

ઘેટાંના ખોરાક અને પોષણની વ્યવસ્થા : ઘેટાં બિનવપરાશી જમીન પર ઊગતા ઘાસ અને ખેતરની નિરુપયોગી આડપેદાશો પર નભવાની ખાસ શક્તિ ધરાવે છે. ખેતરમાંનાં ઘાસનાં જડિયાં અને શેઢા પર ઊગેલા ઘાસ પર તે જીવનનિર્વાહ કરી શકે છે. મોટાં પશુ ન ખાઈ શકે તેવા ઝીણામાં ઝીણા ઘાસનો ખાવામાં ઉપયોગ કરી શકાય તે માટે કુદરતે તેમનામાં ફાટવાળા હોઠની રચના કરેલ છે. ઘેટાંને એકની એક જ જગ્યાએ ચરવાનું પસંદ પડતું નથી. તેમને ફરતાં ફરતાં ચરવાનું વધુ અનુકૂળ રહે છે. ચોમાસામાં ટેકરી અને ઢાળવાળા પ્રદેશોમાં ઘેટાં ચરાવવામાં આવે છે, જ્યાં કુમળું અને છૂટુંછવાયું ઘાસ ઊગતું હોય છે, જેથી ઘેટાંનાં આંતરડાંમાં પરજીવી જીવાતનું પ્રમાણ કાબૂમાં રાખી શકાય છે. ચોમાસાના અંતે જ્યારે ટેકરીઓ ઉપરનું ઘાસ સુકાવા લાગે અને બીજ પાકવા માંડે ત્યારે ઘેટાંપાલકો પોતાનાં ટોળાં નીચે મેદાનમાં તથા ખીણપ્રદેશમાં ચરાવવા લઈ જાય છે.

શિયાળામાં નીંદણ, કૂણાં અને લણાઈ ગયેલ પાકનાં જડિયાં ચારા માટે મળી રહેતાં હોવાથી ઘેટીને વિયાણ બાદ દૂધ વધારવામાં મદદ કરે છે, જેથી જન્મ બાદ વિકાસ પામતાં બચ્ચાંને સારું પોષણ મળી રહે છે.

ઉનાળામાં રવી પાક લણાઈ જતાં પડતર ખેતરોમાં ચરિયાણ મળી રહે છે.

પૂરક ઘાસચારો : જ્યારે ચરાણની જમીનમાં ચરિયાણ ઘટી જાય અથવા ઘેટાંને ઘેર રાખીને, મિશ્રખેતીના ભાગ રૂપે ઉછેરવાં હોય ત્યારે પૂરક ઘાસચારો ખવડાવવા મગ, મઠ, અડદ જેવા પાકના ગોતર, 1થી 2 કિગ્રા. સૂકું ઘાસ ખવડાવી શકાય. ખેડવાણ પાકના વેલા, દા.ત., મગ, મઠ, અડદ, કળથી વગેરે, રજકો અને શક્કરિયાંના વેલા પણ ખવડાવી શકાય.

ખોરાક અને પોષક તત્વો : વિકાસ પામતાં બચ્ચાંના સ્નાયુઓના બંધારણ અને અવયવોના સર્વાંગી વિકાસ માટે, રોજબરોજના કામ માટેની જરૂરી શક્તિ મેળવવા તથા ઊન, દૂધ, માંસ વગેરે પેદા કરવા માટે તેમને વધુ પ્રોટીનવાળો પોષણક્ષમ ખોરાક આપવો જરૂરી છે. સામાન્ય રીતે ઘેટાંને 3થી 6 કિગ્રા. જેટલો લીલો ઘાસચારો દરરોજ જોઈએ છે.

પ્રોટીનયુક્ત ખોરાક : કઠોળ વર્ગની વનસ્પતિ જેવી કે મઠ, મગ, અડદ, ચોળા, ગુવાર, કળથી, રજકો, બરસીમ વગેરેના ચારા અને ખોળમાંથી પૂરતું પ્રોટીન મળી રહે છે. ચરિયાણ વિસ્તારોમાં આવા પ્રકારની વનસ્પતિ ઉગાડવાનું આયોજન કરવું અનિવાર્ય છે. દરરોજ 1થી 2 કિગ્રા. જેટલો આવો ચારો તેમને મળી રહેવો જોઈએ. ઘાસના બીડમાં આવા ચારાનો અભાવ હોય ત્યારે આ વર્ગના પાકોના પાલા તથા મગફળી, તલ વગેરેનો ખોળ અથવા 100થી 200 ગ્રામ જેટલું દાણમિશ્રણ આપવાથી ઘેટાંની તંદુરસ્તી જળવાઈ રહે છે.

ઘેટાંની પસંદગી અને સંવર્ધનની રીતો

ઘેટાંનાં સંવર્ધનની ર્દષ્ટિએ ખેતી અને આબોહવાને ધ્યાનમાં લઈ ભારતના નીચે પ્રમાણે ભાગ પાડવામાં આવ્યા છે :

1. ઉત્તરનો સમશીતોષ્ણ પ્રદેશ : જમ્મુ અને કાશ્મીર, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશની ટેકરીઓવાળો હિમાલયનો વિસ્તાર, સિક્કિમ, અરુણાચલપ્રદેશ. મધ્યમથી બારીક ઊન માટે ઘેટાંને અનુકૂળ હવામાન. કુલ સંખ્યાના 12 ટકા જેટલાં ઘેટાં આ વિસ્તારમાં છે.

2. ઉત્તર અને પશ્ચિમનાં મેદાનોવાળો પ્રદેશ : પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશનો વાયવ્ય ભાગ, મધ્યપ્રદેશનો ભાગ, રાજસ્થાન તથા ઉત્તર ગુજરાત, સૂકું હવામાન અને માફકસરથી માંડીને ઓછા વરસાદવાળો પ્રદેશ. જાજમ માટેનું ઊન પેદા કરતાં ઘેટાં માટે અનુકૂળ હવામાન. કુલ સંખ્યાના 30 ટકા જેટલાં ઘેટાં આ વિસ્તારોમાં પાળવામાં આવે છે.

3. ઉચ્ચ સમતલ પ્રદેશ : દેશનો દક્ષિણનો ભાગ, મધ્યપ્રદેશ તથા ગુજરાતનો દક્ષિણ ભાગ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ તથા કેરળપ્રદેશ. જાડા બરછટ ઊન માટે તથા માંસ માટેનાં ઘેટાંને અનુકૂળ હવામાન. કુલ સંખ્યાના 50થી 55 ટકા જેટલાં ઘેટાં અહીં પાળવામાં આવે છે.

4. પૂર્વીય પ્રદેશ : પૂર્વીય ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસા, પશ્ચિમી બંગાળ અને આસામ. અતિશય વરસાદ અને ભેજવાળા વાતાવરણને લીધે ફક્ત 7 ટકા જેટલાં જ અને ખાસ કરીને માંસ માટેનાં ઘેટાને ઉછેરવામાં આવે છે.

સગોત્રીય સંવર્ધન : સગોત્રીય સંવર્ધન એટલે એકબીજા સાથે જનીનિક સંબંધો ધરાવતાં ઘેટાંનું સંવર્ધન. સગોત્રીય એટલે એક જ ગોત્રનાં અથવા એક જ કુટુંબનાં.

સગોત્રીય સંવર્ધન ઘેટાંનાં આર્થિક લક્ષણો ઉપર વિપરીત અસર કરે છે. ધાવણ છોડાવવાની ઉંમરનું વજન અને એક વર્ષનું વજન બંને ઓછાં થતાં જણાય છે. ઊનનું વાર્ષિક ઉત્પાદન અને તેની લંબાઈ પણ ઘટે છે.

ભારતમાં પણ અમેરિકા, રશિયા અને ઑસ્ટ્રેલિયાથી સારી ઓલાદનો ઘેટો લાવી તેનું સ્થાનિક ઘેટા સાથે સંકરણ કરીને વિદેશી ઓલાદોના જનીનનું સ્થળાંતરણ કરવામાં આવે છે. એ રીતે ભારતના પર્યાવરણને અનુરૂપ સારી ગુણવત્તા ધરાવતી ઓલાદ પેદા થાય છે.

રમેશચંદ્ર શાહ