ઘૃણા-ચિકિત્સા (aversion therapy)

February, 2011

ઘૃણા-ચિકિત્સા (aversion therapy) : પ્રયોગલક્ષી મનોવિજ્ઞાનના અભિગમ પર આધારિત એક પ્રકારની માનસોપચારની પદ્ધતિ. આ પદ્ધતિનો પાયો શાસ્ત્રીય અભિસંધાન(classical conditioning)ના સિદ્ધાંતો પર આધારિત છે.

દર્દીને માટે નુકસાનકારક હોય તેવી આદતો કે વ્યક્તિને સમાયોજનમાં નડતી, એને માટે આકર્ષક પણ સામાજિક-નૈતિક ર્દષ્ટિએ અયોગ્ય હોય તેવી વર્તનભાત કે ઉદ્દીપકની સાથે કોઈ એક ઘૃણાજનક ઉદ્દીપકને પ્રાયોગિક રીતે જોડીને રજૂ કરવામાં આવે છે. વારંવાર આવી રજૂઆત થવાને કારણે વ્યક્તિનું તે આદત, વર્તનભાત કે ઉદ્દીપક પ્રત્યેનું આકર્ષણ ઓછું થવા લાગે છે અને તેને માટે અનિચ્છનીય વર્તનભાતમાંથી મુક્ત થવાનું શક્ય બને છે.

આ સારવારપદ્ધતિ કોઈ પણ કુટેવ છોડવા માટે આમ તો વાપરી શકાય. પણ આનો ઉપયોગ ખાસ કરીને મદ્યપાન-વિકૃતિ ધરાવનાર, કેફી દ્રવ્યના બંધાણીઓ અને સજાતીય સંભોગ સહિતની તમામ જાતીય વિકૃતિઓ અને વિચલનોની સારવાર માટે થાય છે; જેમ કે, મદ્યપાન વિકૃતિનો દરદી જેવો પ્યાલો હોઠ પર લેવા જાય કે તરત જ તેને વિદ્યુતનો તીવ્ર આંચકો આપવામાં આવે છે. વારંવાર આમ થવાથી દરદીના મનમાં દારૂ અને વિદ્યુત આંચકા વચ્ચે અભિસંધાન ઉત્પન્ન થાય છે અને ધીરે ધીરે આ અભિસંધાન ર્દઢ થાય છે. પરિણામે જે ભય વિદ્યુત આંચકા માટે લાગે તે ભય હવે દારૂને અડતાં જ લાગવા માંડે છે. આખરે ભય ટાળવા માટે તે દારૂ પ્રત્યે પણ નિષેધાત્મક ભાવ અનુભવે છે અને પીવાનું ટાળવા માંડે છે. દારૂ પ્રત્યેની ઉત્સુકતા ઘટી જાય છે. ભયનું ઉદ્દીપક ટાળવા માટે તે આકર્ષક ઉદ્દીપક પણ ટાળવા માંડે છે. આ રીતે દરેક પ્રકારની વિષમ વર્તનભાતને દૂર કરવા માટે પ્રયોગલક્ષી મનોવૈજ્ઞાનિકો આ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. હવે અત્યારે આત્મનિયંત્રણની વધુ સારી પદ્ધતિઓનો વિકાસ થવાને કારણે તેમજ સમાજનો અભિગમ વિષમ વર્તનભાતો પ્રત્યે બદલાયો હોવાથી ઘૃણા-ચિકિત્સાનો ઉપયોગ ઘટી ગયો છે. આથી અત્યારે માનસોપચારના ક્ષેત્રમાં વિષમ વર્તનભાતોની સારવાર માટેની આ પદ્ધતિ એ પ્રયોગલક્ષી મનોવૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક અને પદ્ધતિસરના પ્રયાસ તરીકે માત્ર ઐતિહાસિક મહત્વ જ ધરાવે છે.

પ્રતીક્ષા રાવલ