ગ્લુક, લૂઇસ (Glück, Louise) (જ. 22 એપ્રિલ 1943, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : ‘વ્યક્તિગત જીવનને સાર્વભૌમત્વ બક્ષતા સાદા અને સરળ સૌંદર્યસભર કાવ્યમય રણકાર માટે’ 2020નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન કવયિત્રી અને નિબંધકાર. અમેરિકાના પ્રતિભાશાળી સમકાલીન કવિઓમાં તેમની ગણના થાય છે.

લૂઇસ ગ્લુક

ન્યૂયૉર્કના લૉંગ આઇસલૅન્ડમાં લૂઈસનો ઉછેર થયો હતો. તેમના પિતા ડૅનિયલ ગ્લુક અને માતા બીએટ્રિસ ગ્લુક, બાળપણમાં લૂઇસને ગ્રીક પુરાણકથાઓ સંભળાવતાં. જે લૂઇસની કાવ્યસૃષ્ટિમાં પ્રતિબિંબિત થાય છે. લૂઇસે સારાહ લૉરેન્સ કૉલેજ, બ્રોન્ક્સવિલૅ અને કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં અભ્યાસ કર્યો હતો. જોકે તેમણે પદવીઓ નહોતી મેળવી. પરંતુ તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી, યેલ યુનિવર્સિટી તેમજ અન્ય યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં કવિતા શીખવતાં રહ્યાં.

લૂઇસ ગ્લુકે કાવ્યસર્જનની શરૂઆત 1962થી કરી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘First born’(1968)માં પ્રકાશિત થયો. તેણે સૌનું ધ્યાન ખેંચ્યું. ત્યારપછી ‘The House on Marshland’ (1975) બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. જેમાં વિશેષ સજ્જ કવિ-અવાજ છે. આ કવિતામાં ઐતિહાસિક અને પૌરાણિક પાત્રોનો પ્રવેશ થયો છે. ત્યારપછી તેમનો કાવ્યસંગ્રહ ‘Decending figure’ (1980) પ્રગટ થયો. એ પછીના કાવ્યસંગ્રહ ‘Triumph of Achilless’- (1985)ને નૅશનલ ક્રિટિક્સ ઍવૉર્ડ મળ્યો છે. આ સંગ્રહની કવિતા પ્રશિષ્ટ પૌરાણિક કથાઓ, પરીની વાતો તેમજ બાઇબલના આકર્ષક વિષયો પર રચાયેલી છે. તેમના કાવ્યસંગ્રહ ‘Ararat’(1990)માં પરિવારની સાથે ‘સ્વ’ની શોધ કરે છે. ‘The Wild Iris’(1992)માં કવયિત્રીનો આધ્યાત્મિક અવાજ સંભળાય છે, તેમજ પારલૌકિક કાવ્યમયતાનાં દર્શન થાય છે. તેમના આ કાવ્યસંગ્રહને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું છે. ત્યારપછી ‘Meadow’ (1996), ‘The First Five Books of Poems’ (1997) સંગ્રહો પ્રકાશિત થયા. ‘Vita Nova’(1999)માં પ્રશિષ્ટ પુરાણકથાઓના સંદર્ભ સાથે અંગત સ્વપ્નો ગૂંથાયાં છે. વળી ભગ્ન-લગ્નના પ્રત્યાઘાતો ઝિલાયા છે. તેમના આ સંગ્રહને બોલિન્જેન પ્રાઇઝ (યેલ યુનિવર્સિટી) મળ્યું છે. ‘The Seven Ages’(2001)માં પુરાકલ્પનો અને અંગત જીવનની જૂની સ્મૃતિઓ સાથે મૃત્યુનું ચિંતન-મનન છે. તેમના કાવ્યસંગ્રહ ‘Averno’ (2006) માટે તેમને ‘ભગવાન ઝ્યૂસનાં પુત્રી’ (Persephone) તરીકે નવાજવામાં આવ્યાં છે. તેમાં આ મિથ ટચસ્ટોન તરીકે આવે છે. ‘A Village Life’(2009)નાં કાવ્યો તેમની અગાઉની કવિતા કરતાં જુદાં પડે છે. જેમાં ખેડૂત-સમાજના જીવન વિશે કવિતાઓ છે. તેમની સમગ્ર કવિતાનો સંગ્રહ Poems (1962–2012) 2012માં પ્રકાશિત થયો છે. એમના ‘Faithful and Virtuous’(2014)ને નૅશનલ બુક ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. આ સંગ્રહમાં મૃત્યુ-અધીન અને ગાઢ રાત્રિના મૌનનું, તો ક્યારેક પુરુષના દૃષ્ટિકોણનું યથાર્થ દર્શન કરાવે છે.

લૂઇસ ગ્લુક નિબંધકાર પણ છે. તેમણે કવિતાવિષયક નિબંધો લખ્યા છે. તેમના બે નિબંધો ‘Proof and Theories’ (1994) અને ‘American Originality’ (2017) માટે તેમને  The PEN/Martha Albrand Award — નૉટિફિકેશન માટે આપવામાં આવ્યો છે.

લૂઇસ 1994માં એકૅડેમી ઑવ્ અમેરિકન પોએટ્સના ચાન્સેલર તરીકે ચૂંટાયાં હતાં. 2003થી 2004 દરમિયાન તેમણે લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસમાં Poet laureate consultant તરીકે સેવાઓ આપી હતી. 2008માં તેમને ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 2015માં તેમને National Humanities Medal એનાયત થયો છે.

હાલમાં લૂઇસ ગ્લુકને ‘The Guggenheim and RockFeller Foundation તેમજ National Endowment For Arts તરફથી ફેલોશિપ આપવામાં આવી છે. તેઓ યેલ યુનિવર્સિટીમાં Writer-in-residence તરીકે છે. તેઓ કેમ્બ્રિજ Massachusett–માં રહે છે.

ઊર્મિલા ઠાકર