ગ્લિસરૉલ : સૌથી સાદો ટ્રાયહાઇડ્રિક આલ્કોહૉલ. તેનું પ્રચલિત નામ ગ્લિસરીન છે. તેનો અણુભાર 92; અણુસૂત્ર HOCH2 • CHOH • CH2OH; વિ. ઘ. 1.262; ઉ. બિં. 290° સે. તથા ગ. બિં 18° સે. છે. તે રંગવિહીન, ગંધવિહીન, ઘટ્ટ પ્રવાહી છે, સહેલાઈથી અતિશીતન (supercooling) પામે છે અને મુશ્કેલીથી સ્ફટિકમય બને છે. તેની દબનીયતા (compressibility) પાણી કરતાં અડધી છે. પાણીમાં સુદ્રાવ્ય, આલ્કોહૉલ, ગ્લાયકૉલ તથા ફીનૉલમાં દ્રાવ્ય તથા ભેજગ્રાહી છે. ઈથર, એસિટોન, ઈથાઇલ એસિટેટ અને ઍનિલીનમાં ગ્લિસરૉલ મર્યાદિત માત્રામાં ભળી જાય છે. હાઇડ્રોકાર્બન, ક્લૉરોહાઇડ્રોકાર્બન, ચરબી (તેલ) વગેરેમાં અદ્રાવ્ય છે. ઘણાં કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનો વધતે-ઓછે અંશે ગ્લિસરૉલમાં ઓગળે છે.

કુદરતી ચરબીમાં રહેલો ગ્લિસરૉલ ખોરાકનો એક ઘટક છે. શુદ્ધ ગ્લિસરૉલ સહેલાઈથી પચી જઈને ગ્લુકોઝ બનાવે છે. પ્રાણીઓના આહારમાં આવશ્યક સ્ટાર્ચના  ભાગની અવેજીમાં ગ્લિસરૉલ વાપરતાં કોઈ વિપરીત અસર વર્તાતી નથી. માનવો માટે પણ તે પોષક દ્રવ્ય છે. ચામડી તથા આંતરત્વચા ઉપર તેની કોઈ પ્રતિકૂળ અસર થતી નથી; પરંતુ જો તે ખૂબ સંકેન્દ્રિત માત્રામાં હોય તો તેના જળશોષક (dehydrating action) ગુણને લીધે તે પ્રકોપક (irritating) છે.

ગ્લિસરૉલમાં ત્રણ આલ્કોહૉલીય હાઇડ્રૉક્સી-સમૂહો છે. ગ્લિસરૉલને 1, 2, 3 – પ્રોપેનટ્રાયોલ પણ કહે છે. અને તેના એક યા વધુ – OH સમૂહનું એસ્ટર કે હેલોજન સમૂહ દ્વારા સ્થાનાંતર થઈ શકે છે. ફૅટી ઍસિડ એસ્ટરને ઍસિડ-સમૂહની સંખ્યાની હાજરી મુજબ મૉનો, ડાઇ કે ટ્રાયગ્લિસરાઇડ કહેવામાં આવે છે. HCl કે HBrની પ્રક્રિયા દ્વારા મૉનો અને ડાયક્લોરોહાઇડ્રિન કે મૉનો અને ડાયબ્રોમોહાઇડ્રિન મળે છે. ગ્લિસરૉલ આલ્કલી, આલ્કલીમૃદા ધાતુ તથા ધાતુ ઑક્સાઇડ કે હાઇડ્રૉક્સાઇડ સાથે પ્રક્રિયા દ્વારા ગ્લિસરૉક્સાઇડ આપે છે, જે ધાતુ આલ્કોહૉલેટનાં સર્દશ (analogous) સંયોજનો છે :

HOCH2 • CHOH • CH2 OH + NaOH → NaOCH2 – CHOH-CH2OH + H2O

ગ્લિસરૉલનું હાઇડ્રોજન દ્વારા અપચયન કરતાં પ્રોપિલીન ગ્લાયકૉલ (1, 2 – પ્રોપિનડાયૉલ) મળે છે. જુદાં જુદાં અપચયનકારકો દ્વારા વિવિધ આલ્ડિહાઇડિક તથા ઍસિડિક પદાર્થો મળે છે. ગ્લિસરૉલ હવામાંના ઑક્સિજન પ્રત્યે સ્થાયી છે; પરંતુ Fe કે Cu જેવા ઉદ્દીપકની હાજરીમાં તેનું ઉપચયન થાય છે. KHSO4 જેવા પ્રબળ જળનિષ્કર્ષક (dehydrating agent) સાથે સખ્ત ગરમ કરવાથી તીવ્ર વાસવાળું ઍક્રોલીન બને છે. ગ્લિસરૉલની હાજરી માટે આ પ્રક્રિયા કસોટી તરીકે વપરાય છે :

ગ્લિસરૉલનાં સૌથી અગત્યનાં વ્યુત્પન્નો તેનાં એસ્ટર છે. ગ્લિસરૉલનાં થૅલિક ઍસિડ સાથેના એસ્ટર આલ્કિડ રેઝિન તથા (ગ્લિસરૉલના) રૉઝિન સાથેના એસ્ટરને એસ્ટર-ગમ કહે છે. તે વ્યાપારી ઉપયોગિતા ધરાવે છે. ગ્લિસરૉલ ટ્રાઇનાઇટ્રેટ અથવા નાઇટ્રોગ્લિસરીન C3H5(ONO2)3 ગ્લિસરૉલ ઉપર નાઇટ્રિક તથા સલ્ફ્યુરિક ઍસિડના મિશ્રણની પ્રક્રિયા દ્વારા બને છે. તે ખૂબ સ્ફોટક પ્રવાહી છે. તથા ડાયનેમાઇટ બનાવવામાં વપરાય છે. ગ્લિસરૉલને એસેટિક ઍસિડ સાથે ગરમ કરતાં ગ્લિસરૉલ એસિટેટ (એસેટિન) મળે છે, જે મુખ્યત્વે દ્રાવક તરીકે તથા પ્લાસ્ટિસાઇઝર તરીકે વપરાય છે. આ રીતે ડાયઍસેટિન, ટ્રાયઍસેટિન વગેરે બનાવી શકાય છે.

ગ્લિસરાઇડ (ગ્લિસરૉલના ફૅટી ઍસિડ એસ્ટર) બધી જ જીવંત વસ્તુઓમાં, ચરબી તથા તેલમાં ટ્રાયગ્લિસરાઇડ તરીકે તથા આંશિક જળવિભાજન કરેલ ચરબીમાં મૉનો કે ડાયગ્લિસરાઇડ તરીકે હોય છે. ગ્લિસરૉલના આલ્ડિહાઇડ સાથે બનતાં સંઘનન-સંયોજનો એસિટેલ્સ કહેવાય છે, જે દ્રાવકો તથા પ્લાસ્ટિસાઇઝર તરીકે ઉપયોગી છે.

સંશ્લેષિત ગ્લિસરૉલ : સૌપ્રથમ 1779માં શીલેએ ઑલિવ ઑઇલને લિથાર્જ સાથે ગરમ કરીને ગ્લિસરૉલ બનાવેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તથા અંતે લગભગ બધો જ ગ્લિસરૉલ સાબુઉદ્યોગમાંથી આડપેદાશ તરીકે મેળવાતો. હવે ગ્લિસરૉલ મુખ્યત્વે પ્રોપિલીનમાંથી બનાવવામાં આવે છે. (અ) પ્રોપિલીનનું ઊંચા તાપમાને ક્લોરિનેશન કરી એલાઇલ ક્લોરાઇડ બનાવવામાં આવે છે. તેમાંથી (i) એલાઇલ ક્લોરાઇડના જળવિભાજનથી એલાઇલ આલ્કોહૉલ મેળવી, તેની ક્લોરિન સાથેની પ્રક્રિયા કર્યા બાદ જળવિભાજન કરતાં ગ્લિસરૉલ મળે છે. (ii) એલાઇલ ક્લોરાઇડનું ક્લોરિન તથા પાણી સાથે પ્રક્રિયા કરીને ગ્લિસરૉલ ડાયક્લોરોહાઇડ્રિન મેળવી તેનું જળવિભાજન કરતાં ગ્લિસરૉલ બને છે. (આ) પ્રોપિલીનનું બાષ્પસ્થિતિમાં ઉપચયન કરી ઍક્રોલિન મેળવવામાં આવે છે. એક્રોલિનની H2O2, H2O તથા H2 સાથે ક્રમિક પ્રક્રિયા કરતાં ગ્લિસરૉલ મળે છે. (ઇ) પ્રોપિલીનની જલીય Cl2 સાથે પ્રક્રિયાથી પ્રોપિલીન ઑક્સાઇડ, તેનું સમાવયવીકરણ (isomerization) કરતાં એલાઇલ આલ્કોહૉલ તથા આ આલ્કોહૉલ પર એસેટિક ઍસિડ સાથે તથા અંતમાં પાણી સાથે પ્રક્રિયા કરતાં ગ્લિસરૉલ મળે છે.

ઉપયોગ : રસાયણ તરીકેના ઉપયોગ ઉપરાંત ગ્લિસરૉલના અનેક ઉપયોગો છે. તેના ભૌતિક ગુણધર્મો અનુસાર તે પ્લાસ્ટિસાઇઝર, ભેજગ્રાહી (આર્દ્રક, humectant) દ્રાવક તથા પ્રશામક (emollient) તરીકે વપરાય છે. સેલોફેન, કાગળ ઉદ્યોગ, ગ્લૂ તથા જિલેટીનમાં તે પ્લાસ્ટિસાઇઝર તરીકે વપરાય છે. ગળપણ લાવનાર પદાર્થ તરીકે, ઔષધ-ઉદ્યોગમાં, ઍન્ટિફ્રીઝ તરીકે અને કાપડ-ઉદ્યોગમાં તે ઊંજણ તરીકે વપરાય છે. તે સૌંદર્ય પ્રસાધનોમાં, પીણામાં, છાપકામમાં અને દવાની કૅપ્સ્યૂલની બનાવટમાં વપરાય છે.

રાસાયણિક ઉદ્યોગમાં મુખ્યત્વે આલ્કિડ રેઝિન્સ, એસ્ટર ગમ, નાઇટ્રોગ્લિસરીન, મૉનોગ્લિસરાઇડ્ઝ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે.

જ. પો. ત્રિવેદી