ગ્લાઇકેનિયેસી કુળ : વનસ્પતિસૃષ્ટિની ત્રિઅંગી વનસ્પતિના ટેરોપ્સિડા વર્ગ અંતર્ગત એક કુળ (Sporne 1970). ભારતમાં તેની માત્ર એક જાતિ ગ્લાઇકેનિયાનાં વૃક્ષો જોવા મળે છે. તે લગભગ 130 જાતિઓમાં વહેંચાયેલી છે. કૅમ્પબેલે (1911) તેને ડાઇક્રેનોપ્ટેરિસ, ઇયુગ્લાઇકેનિયા અને પ્લેટીઝોમા જેવી ત્રણ ઉપપ્રજાતિઓમાં વહેંચી છે.

ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશમાં જોવા મળતી કેટલીક જાતિઓ શુષ્કોદભિદ હોય છે. ભારતમાં ગ્લાઇકેનિયાની ત્રણ જાતિઓ ગ્લા. લિનીએરિસ; ગ્લા. ગ્લાઉકા અને ગ્લા. ડાયકોટોમા જોવા મળે છે. કચરૂ(1953)એ ઉત્તરપૂર્વ રાજ્યોના પર્વતીય પ્રદેશોમાં તેમજ દ. અલ્મોડામાં અને બ્લેટરે (1922) ઉત્તર કન્નડ જિલ્લામાં અને ગોવા(દૂધસાગર ધોધ)માં ગ્લા. લિનીએસની નોંધ કરી છે. મહેરા અને બીરે (1964) વધુ ઊંચાઈએ જોવા મળતી ડાયક્રેનોપ્ટેરિસ લિનીએરિસ અને અન્ડરવુડે ગ્લા. ગ્લાઉકાનું વર્ણન કર્યું છે. આ જાતિઓ દાર્જિલિંગ અને સિકિમમાં ઘટ્ટ ઝાડીઓ બનાવે છે.

ગ્લાઇકેનિયાની બીજાણુજનક અવસ્થા મૂળ, પ્રકાંડ અને પર્ણોની બનેલી હોય છે. પ્રકાંડ પાતળું, ભૂપ્રસારી અને ગાંઠામૂળો પ્રકારનું હોય છે. તેના ઉપરના ભાગમાં ત્રિપંક્તિક રીતે ગોઠવાયેલાં પર્ણો જોવા મળે છે. મધ્યરંભ (stele), આદિમધ્યરંભ અને આરંભિક રશ્મિ મધ્યરંભ (incipient actinostele) પ્રકારનું છે; પરંતુ બીધાગુચ્છમાં સામાન્ય કરતાં વધારે સંખ્યામાં બીજાણુધાનીઓ હોય તેવા ગ્લુ. પૅક્ટિનાટામાં મધ્યરંભ નળાકાર સોલેનોસ્ટીલી બને છે. (આ. 1. અ, આ)

પર્ણો દ્વિપક્ષવત્ છે. અપરિમિત વૃદ્ધિને કારણે વનસ્પતિ મીટરથી માંડીને 50 મીટર લાંબી હોય છે. પર્ણો બાહ્ય દેખાવમાં વૈવિધ્ય દર્શાવતાં (આ. 1. ઇ, ઈ, ઉ) હોવા છતાં તેમની મુખ્ય પત્રાક્ષ ધરીની અગ્રવૃદ્ધિ પરિમિત બને છે અને તેની નીચેથી બે પાર્શ્વીય શાખાઓ ઉત્પન્ન થાય છે. કેટલીક પ્રજાતિઓમાં આ પાર્શ્વીય શાખાઓ પણ પરિમિત બનતાં પર્ણો ઉત્તરોત્તર કૂટદ્વિશાખી (pseudo-dichotomies) બને છે. પ્રત્યેક પર્ણિકામાં શિરાવિન્યાસ ખુલ્લા પ્રકારનો કે દ્વિશાખી હોય છે (આ. 1. ઊ)

ગ્લાઇકેનિયેસી કુળ

પર્ણોમાં ફળાઉ કે વંધ્ય પર્ણિકા જેવો ભેદ હોતો નથી. બીધાગુચ્છો પર્ણિકાની પૃષ્ઠસપાટી પર, મધ્યશિરાની બન્ને બાજુએ શિરાઓની ટોચે કે મધ્યમાં ઉત્પન્ન થાય છે. (આ. 1. ઋ) તે સમાંતરે વિકસે છે. ધાનીગુચ્છ ચપટું અથવા ગોળ અને બીધાયવિહીન હોય છે (આ. 1. એ).

તેમાં બીજાણુધાનીધર (receptacle) પર સામાન્ય રીતે એકચક્રમાં બીજાણુધાનીઓ ઉત્પન્ન થાય છે.

પ્રત્યેક બીજાણુધાની સદંડી અને જમરૂખ આકારની હોય છે. તેની દીવાલ એકસ્તરીય ત્રાંસી ગોઠવાયેલી સ્ફોટીવલય (annulus) ધરાવે છે (આ. 1. ઐ, ઓ).

સ્ફોટીવલયના કોષો જાડી દીવાલવાળા હોય છે. બીજાણુધાનીમાં 128થી 1024 જેટલા બીજાણુઓ ઉત્પન્ન થાય છે. બીજાણુધાનીની દીવાલનું સ્ફુટન અગ્રીય આયામ તિરાડથી થાય છે.

બીજાણુના અંકુરણથી ઉત્પન્ન થતી જન્યુજનક અવસ્થા પુખ્તતાએ બહુકોષી દળદાર, લીલી, તરંગિત અથવા ખંડમય હોય છે. (આ. 1. ઔ) તે અંત:જીવી ક્વકમૂલ (endophytic mycorrhizae) ધરાવે છે.

લિંગી પ્રજનન અવયવો પૂર્વદેહની વક્ષ બાજુ પર જોવા મળે છે. સૌપ્રથમ પુંધાનીઓ (antheridium) અને તેના એકાદ મહિના બાદ સ્ત્રીધાની (archegonium) ઉત્પન્ન થાય છે. પુંધાની ગોળ, બહિર્ગામી, ત્રિકોણાકાર ઢાંકણ કોષવાળી એકસ્તરીય દીવાલવાળી હોય છે. તેમાં 500 જેટલા ચલપુંજન્યુ કોષ (antherozoid) આવેલા હોય છે (આ. 1. અં1).

સ્ત્રીધાની ચંબુ આકારની હોય છે (આ. 1. અં2). તે અંડધાનીકાય અને ગ્રીવાની બનેલી હોય છે. ગ્રીવા લાંબી, વાંકીચૂકી અને 7થી 14 કોષોની ઊંચાઈવાળી હોય છે. તેમાં એક દ્વિકોષકેન્દ્રીય ગ્રીવામાર્ગકોષ હોય છે. ગ્રીવાની નીચે અંડધાનીકાય હોય છે. તેમાં અંડધાની માર્ગકોષ અને અડંકોષ જોવા મળે છે.

અંડકોષ અને ચલપુંજન્યુના યુગ્મનથી ઉત્પન્ન થતા ફલિતાંડના વિકાસથી પ્રથમ અષ્ટકોષી ગર્ભ બને છે. (આ. 1. અ:). તેના ઉપરના ચાર કોષોમાંથી વિકાસ દ્વારા બે કોષો પર્ણ અને બીજા બે કોષો પ્રકાંડ બનાવે છે. નીચેની બાજુએ આવેલ ચાર કોષોમાંથી બે કોષો મૂળ અને બીજા બે કોષો પાદનું નિર્માણ કરે છે. પાદ પૂર્વદેહમાંથી ખોરાકનું શોષણ કરી વિકાસ પામતા બીજાણુજનકને આપે છે. છેવટે મૂળ, પ્રકાંડ અને પર્ણોના વિકાસથી પુન: સંપૂર્ણ બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે.

કુસુમ વ્યાસ