ગ્લાઇડર (હવાઈતરણ જહાજ)

February, 2011

ગ્લાઇડર (હવાઈતરણ જહાજ) : એન્જિન વગરનું વિમાન. હવામાં પંખીની જેમ ઊડવા માટે યંત્ર વગરનું સાધન. તરણજહાજ દેખાવમાં વિમાન જેવું જ હોવા છતાં તેમાં યંત્ર હોતું નથી. હવામાં તે ઊંચે હવામાં તરતા પક્ષીની જેમ ઊડે છે. સર જ્યૉર્જ કૅલી નામના અંગ્રેજે 1809માં પૂર્ણ કદનું પ્રથમ ગ્લાઇડર બનાવ્યું પણ તેમાં સમાનવ ઉડ્ડયન થઈ શક્યું નહોતું. તેમાં વિકાસ અને સુધારાવધારા કર્યા પછી લગભગ 130 વર્ષ પછી લશ્કરી હેરફેર માટે જર્મનોએ તેનો ઉપયોગ કર્યો હતો.

આકૃતિ 1 : હવામાં તરતું ગ્લાઇડર

ગ્લાઇડરના મુખ્ય ત્રણ ભાગ હોય છે : પાંખ, કાઠી અને પૂંછડી. સામાન્ય રીતે તેમાં બે માનવ બેસી શકે છે. ઊંચાઈમાપક (altimeter), ગતિમાપક (speedometer), વૅરિયોમીટર જેવાં ઉપયંત્રો તેમાં હોય છે. ગ્લાઇડર કઈ ગતિથી ઉપર-નીચે જાય છે તે વૅરિયોમીટર દર્શાવે છે. ઉડ્ડયન દરમિયાન તેને હવામાં ઓછામાં ઓછો પ્રતિરોધ નડે તે માટે ગ્લાઇડર સપાટ અને હળવી રચનાવાળું હોય છે.

આકૃતિ 2 : વૅરિયોમીટર

આકૃતિ 3 : કૉકપિટ [ઉડ્ડયન દરમિયાન પાયલટને ખપમાં લેવામાં અનેક સાધનો કૉકપિટમાં હોય છે. જેવાં કે : (1) હવાની ઝડપ બતાવનાર, (2) ઊંચાઈ દર્શાવતું ઍલ્ટિમીટર, (3) કંપાસ અને (4) વૅરિયોમીટર]

વિમાન અને ગ્લાઇડરમાં હવામાં અધ્ધર રહેવા માટે એક જ વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ઉપયોગ થયેલો છે. વિમાનમાં યાંત્રિક બળ હોવાથી તે જાતે જ વેગ પકડી –­ ઉપર જઈ –­ ઊડી શકે છે, જ્યારે તરણજહાજને ઉપર જવા માટે બીજા આધારની જરૂર પડે છે. સામાન્ય રીતે વિમાન દ્વારા ખેંચીને તેને ઊંચે ચડાવવામાં આવે છે. એક જ સ્તર પર સીધું સરળ ઉયન પોતાની યાંત્રિક શક્તિ વગર શક્ય નથી. ઉયન દરમિયાન તરણજહાજનું મુખ હંમેશાં થોડું નમેલું રહે છે. મુખ નીચું હોવાથી તે ગુરુત્વાકર્ષણના પ્રભાવમાં આવીને વેગ પકડે છે. તેથી તેની પાંખ ઉપર થઈને વહેતી હવાનો પ્રવાહ વધવાથી તેને ઉપરની તરફ ધક્કો લાગે છે. વળી વાતાવરણમાં હંમેશ ગરમ કે ઠંડા પ્રવાહો વહેતા હોય છે તેનો ઉપયોગ કરી તરણજહાજ ઉપર રહી શકે છે. વિશ્વમાં સૌથી વધુ સમય માટે ઉપર રહેવાનો વિક્રમ સિત્તેર કલાકનો છે, જ્યારે શોખ કે સ્પર્ધા માટેના ઉડ્ડયનનો સમય એકથી ચાર કલાક સુધીનો છે.

આકૃતિ 4 : ગ્લાઇડર અથવા તરણજહાજનું ઉડ્ડયન

તરણજહાજની ઊડતા રહેવાની ક્ષમતા તેના તરણગુણાંક (glide-ratio) ઉપર આધારિત છે. જેટલા સમયમાં સીધું સરકે તેટલા જ સમયમાં તે કેટલું નીચે ઊતરે છે તે પરથી તરણગુણાંકની ગણતરી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 25 કિમી. સીધા જવા માટે તેને એક કિલોમીટર જેટલી ઊંચાઈ ગુમાવવી પડે તો તેનો તરણગુણાંક  = 25 થાય. ઉચ્ચ ક્ષમતા ધરાવતા તરણજહાજમાં આ ગુણાંક 40 જેટલો હોય છે.

રમતગમતના ક્ષેત્રે તરણજહાજનો ઉપયોગ પણ થાય છે. હૅન્ગ ગ્લાઇડિંગ એ પણ ગ્લાઇડર – તરણજહાજનો એક પ્રકાર જ છે.

પ્રકાશ રામચંદ્ર